હથેળીમાં રણ
હથેળીમાં રણ
તરસ છીપવાનું કોઈ જ ક્યાં કારણ હતું ?
બહુ દૂર નહિ પણ હથેળીમાં જ રણ હતું.
આશાઓ જીવતરની પૂરી કેમ કેમ થાય ?
ઉપચાર અર્થે જ્યાં ગયા ત્યાં મારણ હતું.
હમદર્દીને દિલાસાઓથી ક્યાં સુધી રેડવું ?
તોય એક આશમાં આગળનું વિચરણ હતું.
કઠણાઈનાં કામમાં તકલીફ ન થઇ કદી,
સરળતાથી જીવવું જ સૌથી અસરળ હતું.
વધુ વિશ્વાસે સ્થિતી જ એવી નિર્માણ થઇ,
કે રક્ષા કરતી વાડ જ ચીભડાનું ભક્ષણ હતું.
મોતી માટે મરજીવો થયો દરિયાના પેટમાં,
પાછા વળીને જોયું તો કિનારે જ ઝાકળ હતું.
સત્યની એક કિરણ માટે જન્મોની તરસ ?
ને આમ જુવો તો સૂરજ જેવું આચરણ હતું.
અંતે ધૂળની રજકણ થઈને વંટોળે ચડ્યો,
ને અચાનક પડ્યો જ્યાં તમારું ચરણ હતું.
"પરમ" કર્મનું ફળ કેટલું શુભ ને તત્ક્ષણ !
હવે ક્યાં કોઈ પંથનું "પાગલ" અનુકરણ હતું.