ગગન શરદનું
ગગન શરદનું
ધીરે ધીરે ઢળે રે, ગગન શરદનું, સાંજ લાગે સજીલી
ડોકાયો ચાંદ ગોરો,ધવલ રૂપલ એ, વ્હાલ ઢોળે ઉરેથી,
શ્વેતાંગી પાવની એ, મનહર સરિતા, વૈભવી દર્શની એ,
હૈયાં ઝીલે સુધાને, પરિમલ મધુરો, સ્નેહથી ભીંજવે રે,
રેલાયે રેત પાટે, ગગન ઘટ અમી, ચાંદની રૂપેરી,
ઊઠે જોમે લહેરો, જલધિ જલ રમે, વિંટતી સ્નેહ વેલી,
વ્યોમે છાયી મજાની, ઋતુ શરદ ભલી, રાતડી પૂર્ણ રાણી,
ઝૂમે વૃક્ષો રમંતાં, કુદરત હરખે, વાહરે આ ઉજાશી,
શોભે તૃપ્તિ ભરીને, શરદ જન ઉરે, અમૃતાની કટોરી,
કાલિન્દી રાસ લીલા, શરદ ઉજવણી, બંસરી કોણ ભૂલે ?
ધીરે ધીરે ઢળે રે, ગગન શરદનું, સાંજ લાગે સજીલી
ડોકાયો ચાંદ ગોરો,ધવલ રૂપલ એ, વ્હાલ ઢોળે ઉરેથી.