દરિયાની માછલી
દરિયાની માછલી
નદી, તળાવને સરવરમાં રહેતી,
તરતી, તરતી હું તો દરિયામાં આવી,
દરિયાનાં ખારાં જળ પીતી, હું દરિયાની માછલી.
જળની સાથે મારે જનમ કેરી પ્રિતડી,
જળમાં જન્મી હું તો જળમાં જીવનારી,
જળ છે દુનિયા મારી, હું દરિયાની માછલી.
સહિયરો સંગે હું ઉમંગે ફરતી
કિનારે આવી હું આનંદે રમતી,
ટોળામાં રહી ફરનારી, હું દરિયાની માછલી.
દુનિયાનું સૌથી મોટું પ્રાણી કહેવાતી,
ભરતીને ઓટમાં સહેલાણી કરતી,
વ્હેલ માછલી કહેવાણી, હું દરિયાની માછલી.
સ્વાતિનાં જળ હું સીધાં ઝીલનારી,
તળિયે જઈને હું મોતી આપનારી,
મરજીવાને હું રાજી કરનારી,
કાલુ માછલી કહેવાણી, હું દરિયાની માછલી.
માછીમારે મને જાળમાં ફસાવી,
જળ સાથેની મારી પ્રીતડી તોડી,
મરજો પ્રીતયુ તોડનારા,
હું દરિયાની માછલી.
દરિયાનાં ખારાં જળ પીતી, હું દરિયાની માછલી.
