દોસ્ત તકેદારી રાખજે
દોસ્ત તકેદારી રાખજે
મિજાજ મોસમનો હોય છે હંમેશા મોઘમ, માટે દોસ્ત તકેદારી રાખજે,
હવાઓ કરશે કામ એનું ચૂપચાપ કાયમ, માટે દોસ્ત તકેદારી રાખજે !!
અંતરનો ઉછળતો દરિયો કદી નહિ કરે આગાહી આવનારા તોફાનની,
ક્યારેક તો ફાટશે ભીતરનો જ્વાળામુખી, દોસ્ત તકેદારી રાખજે !!
હિમાચ્છાદિત પર્વતોના શિખરોનું આકર્ષણ છે સૌને સદીઓથી કાયમ,
પગ તળેથી સરકશે સહારો આપતી જ ચટ્ટાન, દોસ્ત તકેદારી રાખજે !!
આંખમાં જામેલા બરફની શિલાઓ સરકી રહી છે ધીરે ધીરે પાંપણ પાછળથી,
સૂરજ ઊગશે ને પીગળશે હૈયાનો હિમાલય, દોસ્ત તકેદારી રાખજે !!
ભીતરનું ઝનૂન વિસ્તરે હથેળીઓ સુધી ને બને એક લલકાર જ્યારે,
ત્યારે જ જો ખુદનો એક હાથ કરે વિરોધ તો દોસ્ત તકેદારી રાખજે !!
માનવ બનવાની ચાહ વચ્ચે જો ઊઠે લાલચનું બવંડર તો ચેતી જજે મન,
પાખંડના ચક્રવ્યૂહ વચ્ચે ઘેરાઈ જા એ પહેલાં દોસ્ત તકેદારી રાખજે !!
વર્તમાનમાં જ છૂપાઈ છે 'પરમ' મંઝિલની મસ્તી ને અલખનો આનંદ,
ભૂત ને ભાવિ કરી નાખે જાતને 'પાગલ' એ પહેલાં દોસ્ત તકેદારી રાખજે !!
