ધુમ્મસે ઢંકાયા પહાડ
ધુમ્મસે ઢંકાયા પહાડ
વાલમના પડદા વિરાટ, સંતાયા ઝાડવાને જહાજ,
ના ચણતર કે ના આડ, ધુમ્મસે ઢંકાયા પહાડ,
દ્રષ્ટિ અને દૂરબીન લાચાર, ક્યાં સંતાયા રે રાજ
કુદરતનું આ કૌતક મહાન, ધુમ્મસે ઢંકાયા પહાડ,
વગડાની વાટે તું જાશે, અંધારી આલમે અટવાશે
મગરુર ધુમ્મસનું અટ્ટહાસ્ય, છૂપલી નિયતિ નિરખે,
પૂર્વમાં પધાર્યા રે ભાણ, તાકતા તીખા રે બાણ
ભાનુના ઉભરતા ઓરતા, વરસાવે ઉર્જાની લ્હાણ,
કીધા અલોપ રે ધુમ્મસ, ને દર્શન રમતા ચોપાસ
ભૂધરનો ભાળ્યો અહેસાસ, અંતરે પ્રગટ્યો ઉજાસ,
સન્મુખ છે પરમેશ્વર રાય, કર્મ-ધુમ્મસના છાયા અંતરાય
રમતા રામ ના પરખાય, અંધારે આલમ અટવાય,
જાજો રવિ સંતને ચરણ, ઝીલજો જ્ઞાનના અવતરણ
ઝબકારે થાશે રે દર્શન, ધન્ય અવિનાશીનું શરણ.
