ભારત ભૂમિ
ભારત ભૂમિ
વતન તારી મહેક મધુરી મન ભરીને માણું
સરોવર પટે કંકુવરણું, પ્રભુનું પ્રભા પાથરણું,
શુભ સવારે ઘંટારવે, નયન નમણાં બીડું
આનંદની એ પરમ ક્ષણોને, ભાવે ઉરે ઝીલું,
જન્મભૂમિ નમું, ચઢાવી ધૂળ શિરે સોહાવું
પ્રકૃતિ ખોળે પરસેવાથી, નિત ધરતી સીંચાવું,
સંત સરિતા પુનિત તીર્થોના, પ્રસાદ પ્રેમે પામું
પ્રેમ કરૂણા ને સદાચારે, આ મંગલ જીવન માણું,
અબોલા જીવોને રમાડી સુખડે, આંખડિયું ને ઠારું
અંતરે વસતા આ રામજીને પરસુખે હસતા ભાળું,
ઋણાનું બંધે પુરુષાર્થે પાંગરી, આંસુને અજવાળું
ભાગ્ય સથવારે આત્મ ચિંતને, અવિનાશીને ખોળું,
વતન ચહું, માનવ ગરિમાથી મમ અંતરને ઉજાળું
ભારત ભૂમિ ચિરકાળ હરખે, દલડે તને નિત રમાડું.
