અખાત્રીજનો સંકલ્પ કરીએ
અખાત્રીજનો સંકલ્પ કરીએ


તાંબા જેવા મનમાં આજે
સુવર્ણ રસનું ઝરણું ભરીએ,
કુમકુમ, શ્રીફળ, પુષ્પ ધરીને,
અખાત્રીજનો સંકલ્પ કરીએ.
જીવનના ખેતરમાં આજે,
ઢેફાઓને ભાંગી દઈએ,
ખેડ કરીને અમૃતરસની,
અખાત્રીજનો સંકલ્પ કરીએ.
ચૂલા ઉપરનું રાંધણ આજે,
ગોળ ભરેલું ગળપણ કરીએ,
કંસારનું તો આંધણ મેલી,
અખાત્રીજનો સંકલ્પ કરીએ.
સાવ સુંવાળા મનને આજે,
પરાક્રમનું ચંદન કરીએ,
વંદન કરી પરશુરામને,
અખાત્રીજનો સંકલ્પ કરીએ.
કુબેરની ઝોળીમાં આજે,
દિલની દોલત આંકી દઈએ,
નિર્મલ, નિશ્ચલ ધન બનાવી,
અખાત્રીજનો સંકલ્પ કરીએ.
દ્રૌપદીના અન્નપાત્રને,
કૃષ્ણની જેમ અક્ષય કરીએ,
વેદવ્યાસની કથા સુણીને,
અખાત્રીજનો સંકલ્પ કરીએ.