આપણો વૈભવ વહાલા એવો હતો
આપણો વૈભવ વહાલા એવો હતો
આપણો વૈભવ વહાલા એવો હતો,
દુઃખનો ન મળે ક્યાંય અતો પતો,
સાઠ મિનિટ સાઈકલની મજા, દેવાના આઠ આના,
આંબે કેરીઓ, ગોરસ આંબલી, લઈ ખાઈએ છાનામાના,
ધન કેરો ઢગલો ક્યાં આપણે હતો?
આપણો વૈભવ વહાલા એવો હતો
કંદમૂળ ઘણા પ્રિય, એટલે બીજાના ખેતરે કાઢવાના,
લાકડાંય બીજાના ને પેટીય બીજાની, પછી સેકવાના,
જમીન જાગીરમાં ક્યાં માલ હતો?
આપણો વૈભવ વહાલા એવો હતો,
બે જોડી કપડા અને એમાંય નાના મોટા થીગડા,
આપણું પ્રિય ભોજન, કોઈ પૂછે તો, બટાકાને રીંગણા,
ખાવા પીવામાં કેવો શૂરો હતો!
આપણો વૈભવ વહાલા એવો હતો
જોવામાં જોયેલો ફક્ત એક જ ડોહલીમાંનો ટેકરો,
ત્યાં જઈને ધમાલ મસ્તી જે કરવું હોય તે કરો,
મોજ કેરો વાયરો ઉંચે આકાશે હતો,
આપણો વૈભવ વહાલા એવો હતો
આખો દિ ફળિયું, ગામ, ખેતરો અને છેલ્લે સ્મશાન,
આમાં કોણ અમે અને કોણ ભૂત ક્યાં હતું ભાન,
દોસ્તોનો ડાયરો હંમેશા સાથે હતો,
આપણો વૈભવ વહાલા એવો હતો
કશુંય ન હતું છતાંય ઘણુબધું હતું નાનપણમાં,
માની મમતા કેરી મીઠપ ઘોળાતી સગપણમાં,
આપણો વૈભવ વાહલા એવો હતો,
દુઃખનો ન મળે ક્યાંય અતો પતો
