Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

તારી યાદ સાથે જ છે

તારી યાદ સાથે જ છે

6 mins
8.6K


એ અમારી ટ્રીપનો પ્રથમ દિવસ હતો. હોટેલ પહોંચતા જ બધાની ખુશી ચરમસીમાએ હતી . પાંચ દિવસ જીવનની અનંત દોડભાગ વચ્ચેથી પરિવારને સમર્પિત. બધાના હસતા, પ્રફુલ્લિત ચ્હેરાઓ મારા પરસેવાની રસીદ સમા દીસી રહ્યા હતા. હું ખુબજ સંતુષ્ટ હતો. માનસિક તાણ જાણે ધીરે ધીરે એ પર્વતોની ઠંડી હારમાળાઓમાં બાષ્પીભવન થઇ રહ્યો હતો . પ્રકૃત્તિ જાણે એક અનેરો 'મસાજ ' આપી રહી હતી. ન પલાંઠી વાળી હતી, ન આંખો બળજબરીએ મીંચી હતી. આમછતાં જાણે કોઈ ઊંડા ધ્યાનમાં પહોંચી ગયો હોવ એમ હલકો ફૂલ થઇ રહ્યો હતો.

ડિનર મેન્યુ માટે નીચે ઉતરવાનું હતું. બધા પરિવારના સભ્યો હર્ષોઉલ્લાસમાં પોતપોતાની ટ્રાવેલિંગ બેગ વ્યવસ્થિત કરતા સાંજે ફરવા નીકળવા તૈયાર થઇ રહ્યા હતા. હું પણ મારો ટોવેલ અને કપડાં લઇ બાથરૂમ તરફ ઉપડ્યો. જગ્યા થોડી સાંકડી હતી પણ બધુજ સ્વચ્છ , વ્યવસ્થિત અને નિશ્ચિત માળખા આધારે ગોઠવાયું હતું. હુંફાળાં પાણીનો સ્પર્શ આખા દિવસનો થાક શાંતિથી પ્રેમપૂર્વક ઉતારી રહ્યો હતો.

અચાનક મારી આંખો આગળ એનો ચ્હેરો ઉભો થઇ ગયો. હજી તો હોટેલ પહોંચવાનો પ્રથમ દિવસ હતો અને એની યાદોએ મારી ઇન્દ્રિયોને ઘેરવાનું શરૂ કરી દીધું હતું. મને જરા વિસ્મય થયું. આવું કેમ ? પણ મારી સંવેદનાઓ જાણે કશું સાંભળવા તૈયારજ ન હોય એમ એની ચિંતા, સુરક્ષા, સ્પર્શ અને સ્નેહ મારી આંખોને થોડું ભીંજવી ગયા. બસ એ સુરક્ષિત હોય, એનાથી વધુ શું જોઈએ ? પણ આમ એના વિના આટલા માઈલ દૂર આવી પહોંચવાનો આછો અપરાધભાવ મારી ખુશીઓ અને ઉત્સાહ ઉપર આછો પ્રભાવ પાડી રહ્યો. એ પ્રભાવ પ્રબળ બને એ પહેલા હું કપડાં ચઢાવી બહાર નીકળી આવ્યો. પરિવારના ચ્હેરાઓ ઉપરની તત્પરતા અને ઉતાવળ નિહાળી આખરે એ પ્રભાવ ટળ્યો ખરો.

સાંજે બધાએ ખુબજ સુંદર સમય વિતાવ્યો. બીજા દિવસની યોજનાઓ અને પ્રવૃત્તિઓના બુકિંગની ચર્ચા -વિચારણા પણ થઇ ચુકી. હોટેલનું જમણ તો એકદમ આંતરરાષ્ટ્રીય સ્તરનું હતું. બાળકોને તો ફ્યુઝન ફૂડ મળી ગયું એટલે પૃથ્વી ઉપર જાણે સ્વર્ગ ઉતરી આવ્યું. જોકે મને તો મારા દાળભાત અને રોટલીજ વ્હાલા પણ ક્યારેક પોતાનાઓની ખુશી માટે થોડું જતું કરીએ, કંઈક નવો પ્રયાસ કરીએ એ પણ એક સુંદર એડવેન્ચર જ ને ?

રાત્રે હોટેલ રૂમ ઉપર પરત થયા ને ફરીથી એની યાદો મને વીંટળાઈ વળી. બીજા દિવસ માટેની બધી યોજનાઓ અને ટ્રીપના ઉત્સાહમાં બધાજ પથારી પર પડતાજ ઊંઘી ગયા. હોટેલના આછા લાઇટલેમ્પમાં હું દરેકનો ચ્હેરો ધ્યાનથી તાકી રહ્યો. દરેકે દરેક ઘોડા વેચી ઊંઘી ગયા હતા. મારા મનમાં એક લાગણીશીલ પ્રશ્ન ઉમટી આવ્યો. શું આમને એની યાદ જરાયે નથી આવતી ? શું હુંજ એની જોડે આમ લાગણીને તાંતણે બંધાયો છું ? એમની જોડે પણ તો એનો એકસરખો સંબંધ છે . પણ એની ગેરહાજરીથી એમના ઉત્સાહ અને આનંદ સંપૂર્ણ પણે કોરા છે. જયારે મારા માટે તો આવનારો દરેક દિવસ એના વિના વિતાવવો એ કેટલો મોટો પડકાર છે ! પણ શું કરી શકાય ? કશુંક મેળવવા માટે કશુંક ગુમાવવું પણ પડે, એજ જીવનનું સત્ય છે. મારું ચાલે તો એને ગોદમાં ઊંચકી સીધો અહીં લઇ આવ. પણ એ તો શક્ય જ નથી. એ અહીં કઈ રીતે આવી શકે ? જીવનની દરેક બાબતો ઉપર માનવી નિયંત્રણ ન રાખી શકે. કશેક, કંઈકને કંઈક જતું કરવુંજ પડે.

આખરે મનને ગમે તેમ કરી શાંત પાડ્યું. ફ્ક્ત ચાર દિવસ તો છે. પાંચમે દિવસે સીધો એની જોડે, એની નજીક, એના સ્નેહાળ જગતમાં. જેટલા આપી શકાય એટલા બધાજ આશ્વાસન હૃદયને આપી દીધા. એ સિવાય અન્ય કોઈ વિકલ્પ પણ ક્યાં હતો ? લાંબી અતિમુલાયમ સફેદ પથારી અને ચાદર ઉપર મારુ શરીર થોડું વધુ પડતું અંદર ધસી ગયું હોય એવું લાગ્યું. આખરે લેમ્પને બંધ કરી એસીની હવા અને રૂમસ્પ્રેની વચ્ચે ભીંસાતા મારી આંખો બળજબરીએ મીંચી દીધી.

એ પછીના ચાર દિવસો તો અપેક્ષા પ્રમાણે અત્યંત ઝડપથી પસાર થતા ગયા. પ્રવૃત્તિઓની લાંબી યાદી એક પછી એક સમાપ્ત થતી ગઈ. પેરાસેલિંગ, પેરાગ્લાઇડિંગ, સ્પીડ બોટ, ટ્રેકિંગ, ફોરેસ્ટવોકિંગ, સાઈડ સીન્સ, કાયાક. બાળકોના મનની દરેક ઈચ્છા પુરી થતી નિહાળી એક પિતા તરીકે મન સંતોષમાં ડૂબકી લગાવી રહ્યું હતું. પરિવાર જોડે વિતાવેલો સમય આજીવન યાદોમાં પોતાનું સ્થળ બનાવી લેતો હોય છે. બાળકો માટે પણ અને વાલી માટે પણ. તેથીજ કદાચ બાળપણથી એમને રમકડાંઓ કરતા વધુ અનુભવો અને પ્રવૃત્તિઓ ભેટમાં આપવાને હું પ્રાધાન્ય આપતો રહ્યો. પાંચ દિવસો માટેનું આ સહ- સાનિંધ્ય એમની યાદશક્તિમાંથી કદી ભુંસાશે નહીં, એની મનને પાક્કી ખાતરી હતી.

આ બધા આનંદ- ઉલ્લાસની મધ્યમાં દિવસોતો સહેલાઈથી પસાર થઇ ગયા. પરંતુ દરેક રાત્રિનો એકજ નિયત ક્રમ. હોટેલ પહોંચી આખા દિવસની શારીરિક પ્રવૃત્તિઓના થાકથી દોરાઇને ગાઢ નિંદ્રામાં સરી પડતા મારા પરિવારના દરેક સભ્યને નિહાળતો હું એજ નાઇટલેમ્પના આછા પ્રકાશમાં એકલો જાગતો રહેતો. થોડો વ્યાકુળ. થોડો ચિંતિત. ઘણો બધો ખોવાયેલો. એજ ઊંડી પથારીમાં મારા શરીરના વજનનું સંતોલન સાધતો. ક્યારેક આ પડખે તો ક્યારેક પેલે પડખે. વચ્ચે બાથરૂમના થોડા ચક્કર કાપી આવતો. બેચેન જીવ ઊંડી શ્વાસો વચ્ચે જકડાઈ રહેતું. એજ યાદો ને એજ તત્પરતા. આશ્વાસન પણ

એકસમાન જ.

હવે ચાર દિવસો જ તો રહ્યા છે. પછીસીધો એની પાસે. હવે માત્ર ત્રણ દિવસો જ તો રહ્યા છે. પછી એના વ્હાલા સાનિંધ્યમાં. બસ બે દિવસની તો વાત છે. થોડી ધીરજ. એક માત્ર છેલ્લો દિવસ અને લાંબી આતુરતાનો અંત.

અંતિમ દિવસે હોટેલમાં સામાન પેક કરતા સમયે હું મનોમન ખુશીથી ઉછળી રહ્યો હતો. મારી નજર પરિવારના દરેક ચ્હેરાઓને ધ્યાનથી તાકી રહી હતી. પાંચ દિવસોની ઉજાણી અને હરવાફરવાનો સંતોષ બધાજ ચ્હેરાઓ ઉપર છલોછલ હતો.પણ એ દિવસે એ દરેક આંખોમાં એની યાદ હું સ્પષ્ટ નિહાળી રહ્યો. આખરે પાંચ દિવસને અંતે પણ એની સ્મૃતિ એમના હૃદયને ભાવુક કરી રહી હતી. એને મળવાની ઉત્કંઠા એમના શરીરના હાવભાવોમાં અરીસા સમી અભિવ્યક્ત થઇ રહી હતી. પણ એ લોકો કદી એ વાત સ્વીકારશે નહીં એ હું સારી રીતે જાણતો હતો.

પહાડોના સાંકડા રસ્તા ઉપરથી ધીરે ધીરે નીચે તરફ ઉતરી રહેલી બસની બારીઓમાંથી સૂર્યાસ્તની કિરણો દરેક મનને ધ્યાનમગ્ન કરી રહી હતી. બાળકોના કાન ઉપર ચઢેલા ઈયરફોન પાછળ એમના અજાગ્રત મનના ખૂણામાં એની યાદો સંપૂર્ણપણે જાગ્રત થઇ ઉઠી હતી. મારા હદયમાં તો એ યાદો સમયના કોઈ પણ નિયંત્રણ વિના સદા જાગ્રત મનમાંજ રાજ કરતી હોય છે.

આખરે મુસાફરીનો અંત આવ્યો. મારી પત્નીએ ધીરે રહી તાળું ખોલ્યું. બધાજ પોતપોતાનો સામાન લઇ જુદા જુદા ખૂણાઓમાં વિખરાયા.

મારી શ્વાસોમાં હું એની શ્વાસોને એક લાંબી શ્વાસ દ્વારા ખેંચી રહ્યો. ચારે દિશાઓમાં હું એને એકીટશે અવિરત નિહાળી રહ્યો. પાંચ દિવસોના અંતર પછી આખરે હું એની પાસે પહોંચીજ ગયો. એના વિના વિતાવેલા દિવસો આમ તો ઘણા આનંદપ્રદ હતા. પણ એના વિના ભોગવવી પડતી અગવડતા અને બેચેની એટલીજ પીડાદાયક પણ હોય છે. બેઠકખંડના મધ્યમાં ગોઠવેલી મારી આરામ ખુરશી ઉપર હું આરામથી ગોઠવાયો. મન તો થઇ ઉઠ્યું એને મારા આલિંગનમાં સમાવી લઉં. પણ એ મારા સંકુચિત આલિંગનમાં ક્યાંથી સમાઈ શકે ? તો શું થયું ? હું તો એના વાત્સલ્યભર્યા આલિંગનમાં ઊંડો ઉતરી ચુક્યો હતો.

મારા પરિવારના સભ્યો એ શબ્દોથી ટેવાઈ ગયા હતા. અંદરોઅંદર મારી મશ્કરી ઉડાવવામાં આવશે. મારા દરેક શબ્દોને આગળથી સહઅભિનય એમના ખૂણાઓમાં ઉચ્ચારી પણ દેવામાં આવ્યા હશે. એકબીજા જોડે તાળીઓની અદલાબદલી થશે. એ બધું જાણતો હોવા છતાં આખરે આરામ ખુરશી ઉપરથી દર વખતની જેમ એના પ્રત્યેના પ્રેમને શબ્દોમાં અભિવ્યક્ત કરતો મારો અવાજ ઘરના દરેક ખૂણામાં ગુંજી ઉઠ્યો.

"દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ. કોઈ પણ શહેરમાં રખડી આવો. ગમે તેવા સુંદર સ્થળોની મુલાકાત લો. મોંઘામાં મોંઘીને આરામદાયક હોટેલમાં રહી આવો. પણ 'આપણું ઘર' તે 'આપણું ઘર.'


Rate this content
Log in