Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

દરિદ્રતા

દરિદ્રતા

2 mins
13.9K


"આજે સાંજે વી.સી.આર આવવાનું છે."

જોતજોતામાં સમાચાર આખા ઘરમાં ફરી વળ્યાં. મોટા ઘરમાં વસતા મોટા સંયુક્ત કુટુંબના ચાર ભાઈઓએ પોતાના બાળકોને આપેલી એ માહિતીથી આખું ઘર ચહેકી ઊઠ્યું. સાંજે ઓફિસેથી સીધા સમયસર ઘરે મળવાનું નક્કી કરી ચારે ભાઈઓ છૂટા પડ્યા.

ઘરના મધ્ય કક્ષમાં એકજ ટીવીમાં મનોરંજન પ્રાપ્ત કરતું આ કુટુંબ એટલું પણ સધ્ધર ન હતું કે બજારમાં નવું નવું જ પ્રવેશેલું ઊંચી કિંમતનું વી.સી.આર. વસાવી શકે. તેથી દર મહિનાની છેલ્લી શનિવારે સાંજે ચારે ભાઈઓ ભાડેથી અપાતા વી.સી.આર.ને સાથે નવી ચલચિત્રોની કેસેટો પણ ભાડું આપી લઈ આવતા. જેથી આખું પરિવાર સાથે મળી મનોરંજન મેળવી શકે અને ખર્ચો પણ અંદરોઅંદર વહેંચાય જાય.

આજે પણ મહિનાનો છેલ્લો શનિવાર એટલે સહપરિવાર સિનેમા જગતનું મનોરંજન માણવાનો દિવસ.

ઘરના વડીલ બા અને બાપુ પોતાના તરફથી સહયોગ આપવા મધ્ય કક્ષમાં બેઠકની યોજના કરવા મંડી પડ્યા. આડોશપાડોશમાંથી પણ આવી જતાં મહેમાનો અને ઘરના ટાબરિયાઓ પણ જે મિત્રોને આમંત્રણ પાઠવી આવ્યાં હશે એ દરેકને સમાવી શકાય અને બેઠકની વ્યવસ્થા યોગ્ય રીતે થાય એ માટે ઘરના ગણ્યાંગાંઠ્યાં સામાન વચ્ચે જગ્યા કરી મોટી ચટાઈ પાથરી રહ્યાં.

શેરીમાં રમતાં, વેકેશનની મજા માણી રહેલા પરિવારના બાળ સદસ્યો પોતપોતાના મિત્રોને સાંજે આવનાર વી.સી.આર.ની ખબર મોટા સમાચારની જેમ આપી રહ્યાં. જે મિત્રોના માતા પિતા એ રાત્રે એમના ઘરે આવવાની પરવાનગી ન આપી એમના ઘરે પહોંચી વાલીઓને મનાવવાનો પ્રયાસ કરી રહ્યાં.

ઘરનું સ્ત્રી ગણ રસોડામાં ઉત્સાહ પૂર્વક દરરોજ કરતાં બમણી સ્ફૂર્તિએ નિયમિત રસોઈ તૈયાર કરી, સાંજ માટે ભિન્ન ભિન્ન સ્વાદિષ્ટ નાસ્તાઓ બનાવવામાં વ્યસ્ત થયું. ગરમાગરમ ચેવડા, થેપલા, ઢોકળાં, પૌંવાની સુગંધથી આખું રસોડું મહેકી ઊઠ્યું.

સાંજે ઘરે પરત થતાંજ ચારે ભાઈઓએ વી.સી.આર. જોડી ફિલ્મ કેસેટ શરૂ કરી અને આખું પરિવાર અને પધારેલા આમંત્રિત મહેમાનો એકસાથે મનોરંજન વિશ્વમાં ખોવાય રહ્યાં. આખું ઘર એક નાનકડું સિનેમા હોલ જેવું ભાસી રહ્યું. તાજો ગરમ નાસ્તો, મિત્ર પરિવારનો સાથ, કુટુંબનું એક એક સદસ્ય એકબીજાનું સાનિંધ્ય માણતા માણતા આખા મહિનાનો થાકને તણાવ વિસરી રહ્યાં દરિદ્રતાની એ સમૃદ્ધિમાં !

"દાદાજી જઈએ?"

નાની બાળકીનો અવાજ ભૂતકાળની સુવર્ણ ક્ષણોમાંથી વર્તમાનની નીરસ શાંતિમાં ખેંચી લાવ્યો. આજે પણ મહિનાનો છેલ્લો શનિવાર જ તો હતો. આજે એમનાં પોતાના દીકરાઓ પણ ઓફિસેથી સમયસર  ઘરે પહોંચી ચૂક્યા હતા. એ બધાનો પણ આખા મહિનાનો થાક ને તણાવ દૂર કરવાનો દિવસ જ તો હતો. પણ હવે પહેલા જેવી દરિદ્રતા ક્યાં રહી!? હવે એ ગણ્યાંગાંઠ્યા સામાનવાળા ઘરની જગ્યા એક મહેલ જેવું સમૃદ્ધ ઘર ઊભું છે. એક વી.સી.આર. ન વસાવી શકનાર એ દરિદ્ર પરિવારની નવી પેઢીના દરેક ઓરડામાં પોતપોતાનું વ્યક્તિગત ડી.વી.ડી. પ્લેયર છે. કોઈ લેપટોપ, કોઈ મોબાઈલ તો કોઈ ટેબ્લેટ લઈ પોતપોતાના ઓરડામાં પોતપોતાના વ્યક્તિગત વિશ્વમાં વ્યસ્ત છે. ઘરના મોટા થયેલા ખૂણાઓમાં દરેક સદસ્ય પોતાના અંગત ખૂણાઓમાં ખોવાઈ ગયા છે !

"ચાલ બેટા" બાળકીનો હાથ પકડી એ નિયતક્રમ અનુસાર બગીચે જવા નીકળી પડ્યા. પાછળ એક દ્રષ્ટિ કરી અને પોતપોતાના અંગત ઓરડાઓમાં પુરાયેલા દીકરાઓના બંધ બારણાઓ જોઈ સમૃદ્ધ વિશ્વની એ દરિદ્રતા પર ઊંડો નિસાસો નખાઈ રહ્યો!


Rate this content
Log in