Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

જીવન સાથી

જીવન સાથી

11 mins
7.5K


આજે સમર્થ અને સાક્ષીનાં લગ્નની પ્રથમ વર્ષગાંઠ હતી. પોતાની પ્રથમ વેડિંગ એનિવર્સરીને સમર્થ એટલી યાદગાર બનાવવા ઈચ્છતો હતો કે જેથી આ દિવસની યાદો આજીવન બંનેનાં હ્રદયમાં વસી રહે. ખાસ કરીને સાક્ષી માટે આજનો દિવસ એનાં જીવનનો સૌથી ખુશીનો દિવસ બની રહે એ માટે એણે બધુજ યોજનાબદ્ધ તૈયાર કરી રાખ્યું હતું. 

શહેરની સૌથી પ્રખ્યાત હોટેલમાં ડિનર ટેબલ, કેન્ડલ લાઈટ, સાક્ષીને ગમતું મેન્યુ ! કશે કોઈ પણ કમી ન રહી જાય એની પૂરી તકેદારી રાખી હતી. ડિનર ટેબલ પર ગોઠવાયેલી સાક્ષી લાલ સુંદર સાડી, મેચિંગ ઈયરિંગ્સ, સુંદર બંગડીઓ અને મંગળસૂત્ર સાથે એટલીજ સુંદર અને આકર્ષક લાગી રહી હતી, જેટલી લગ્નને દિવસે લાગી રહી હતી. એજ સુંદર ચ્હેરો, એજ આકર્ષક વ્યક્તિત્વ, એજ નાજુકતા, એજ નમ્રતા અને એજ ફિક્કું હાસ્ય. એ ફિક્કા ચ્હેરા પાછળ છુપાયેલી  એજ કોઈ રહસ્યાત્મક  ઉદાસીનતા. કંઈક તો હતું જે સાક્ષીને સમર્થના હૃદયમાં ભળી જતા થંભાવી જતું. કંઈક તો હતું જે લગ્નનાં એક વર્ષ પછી પણ સમર્થ અને સાક્ષી વચ્ચે કોઈ અદ્રશ્ય દીવાલ સમાન ઊભું હતું. આ એક વર્ષના સમયગાળામાં સમર્થ એક આદર્શ પતિ બની રહેવા સંપૂર્ણ પ્રયત્નશીલ રહ્યો હતો. સાક્ષીની દરેક નાની મોટી ખુશીઓની એણે ખૂબજ ઝીણવટથી કાળજી રાખી હતી. પોતાના તરફથી સાક્ષી માટે, એનાં ચ્હેરા પર હાસ્ય જોવા માટે એ કંઈ પણ કરી છૂટવા તત્પર રહેતો. આમ છતાં, હજી સાક્ષીનાં હૃદયમાં પોતાનુંએ પ્રેમભર્યું સ્થાન ન જ બનાવી શક્યો.

એક સાચો પુરુષ ફક્ત સ્ત્રીનાં શરીરને નહીં, એનાં મન, હૃદયને આત્માને પણ સ્પર્શી શકે. સમર્થને સાક્ષીના જીવનનો એ સાચો પુરુષ બનવું હતું. સાક્ષીનાં મન, હૃદયને આત્માને સ્પર્શવું  હતું.

સમર્થ જ્યારે લગ્ન માટે યુવતીઓ જોવા જતો ત્યારે એ કન્યા જોવાની પરંપરા એને જરા જૂનવાણી અને તર્કવિહીન લાગતી. આમ કઈ રીતે કોઈ વ્યક્તિ ને ફક્ત બાહ્ય રૂપરંગ જોઈ, એના હાથે બનાવેલાં થોડા નાસ્તાઓ ચાખી કે એકાંત માં દસ મિનિટ માટે થોડા પ્રશ્નોત્તર કરી જીવનસાથી તરીકે મૂલવી શકાય? એ અજાણી વ્યક્તિ માટે પણ એનું પોતાનું મૂલ્યાંકન આ મર્યાદિત સમયગાળામાં કઈ રીતે ન્યાયયુક્ત બની રહે? આખરે એને જીવનસાથી જોઈતી હતી, ઓફિસ માટે કોઈ કાર્યકર નહીં, કે ઈન્ટરવ્યુ લઈ નક્કી કરી નખાય. ઘરને વહુ જોઈતી હતી, રસોઈ બનાવનારી નહિ!

કોઈના હાથનું જમણ ખૂબજ સરસ બનતું હોય, પણ સ્વભાવ જ ઠીક ન હોય તો? એક દિવસ મેકઅપ લગાવી સુંદર ભાસતી વ્યક્તિને જીવનસાથી તરીકે તો સવારસાંજ મેકઅપ વિનાજ જોવાની હોય ને ! પણ આ બધા તર્ક યુક્ત પ્રશ્નોનો ઉત્તર આપવાનો સમય વ્યસ્ત સમાજ પાસે ક્યાંથી હોઈ? સમર્થને પણ આ પરંપરાઓ અંગે એના મનમાં ઉદ્દભવતા કોઈ પણ પ્રશ્નનો ઉત્તર મળ્યો નહીં. સમાજમાં ખુશીથી રહેવું હોય તો ચુપચાપ પરંપરાઓને માન આપી ચાલતા રહેવું.

સાક્ષીને જ્યારે જોવા ગયો હતો, ત્યારે પહેલીજ નજરમાં એના હૃદયના તાર છેડાયા હતા. એ આકર્ષણ કંઈક જુદુંજ હતું. પહેલા પ્રેમનું આકર્ષણ... પણ આ આકર્ષણ ફક્ત શારીરિક ન હતું. આ પહેલા પણ તો એણે કેટલી યુવતીઓને જોઈ હતી. પણ સાક્ષીને જોઈ જે લાગણી એના હૈયાંમાં ઊઠી હતી, એ એક અલગજ પ્રકારનો ભાવ હતો. માનનો, સન્માનનો, સ્નેહનો કોઈ અલગજ સેતુ જાણે બંધાઈ રહ્યો હતો. સાક્ષીની સાદગીને સહજતાથી એ ઊંડે ઊંડે અંજાઈ ગયો હતો. એકાંતમાં વિતાવવા મળેલી એ મર્યાદિત ક્ષણોમાં એણે સાક્ષી સામે અગણિત પ્રશ્નોની કેવી છડી વરસાવી હતી! થોડીજ મિનિટોમાં જાણે એનું આખું જીવન વૃતાંત જાણી લેવું હતું. એ અઢળક પ્રશ્નોના જે નિખાલસ અને પ્રામાણિક ઉત્તરો મળ્યા હતા એ સાક્ષીનાં શાંત, સરળ અને પ્રેમાળ સ્વાભાવનો અરીસો બની રહ્યા હતા. માતાપિતાના સંસ્કારોની છાપ બાળકોનાં ચરિત્રમાં ઊપસીજ આવે. એક સભ્ય પરિવાર તરફથી મળેલા સુસંસ્કારિત ઉછેરનું પ્રતિબિંબ પાડતી સાક્ષી સમર્થના હૃદયના ઉંડાણોમાં ઘર કરી ચૂકી હતી. હવે ફક્ત સમર્થએ સાક્ષીનાં હૃદયના ઉંડાણોમાં પોતાના માટે એવુંજ ઘર કરવું બાકી હતું.

લગ્ન પછી સાક્ષીનાં હૃદયમાં પોતાનું સ્નેહભર્યું સ્થાન બનાવવા સમર્થ દિલોજાનથી મંડી પડ્યો. સાક્ષીએ પણ સમર્થના ઘરને, કુટુંબને પોતાના પ્રેમાળ સ્વભાવથી સ્વર્ગ સમાન બનાવવા  સહહૃદય પ્રયત્નો કર્યા. સમર્થના માતાપિતાને પોતાનાજ માતાપિતા જેટલું માન, સન્માન, આદરને પ્રેમ આપ્યા. ઘર પ્રત્યેની બધીજ ફરજ અને જવાબદારીઓ સંપૂર્ણ હૃદય અને પ્રામાણિકતા સાથે નિભાવવા માંડી. સમર્થના ઓફિસને લગતા કાર્યો હોય કે ઓફિસે જતી વખત રૂમાલ, ટાઈ, મોજા તૈયાર રાખી મૂકવા સમા નાના ઝીણવટ ભર્યા કાર્યો, બધાંજ કાર્યો ને એ સમાન લાગણી પૂર્વક ન્યાય આપતી. સમર્થ અને એના માતાપિતા ખૂબજ ગર્વ અનુભવતા કે એમને સાક્ષી સમી સમજુ, વિનમ્ર અને પ્રેમાળ વહુ મળી જે એમનાં ઘરમાં ખુશીઓનો પ્રવાહ બની આવી હતી.

પણ આ બધાની વચ્ચે સમર્થ સાક્ષીનાં ચ્હેરા પર છલકતા હાસ્યમાં કશુંક ઉણપ જેવું સ્પષ્ટ અનુભવી રહ્યો હતો. જેટલો એ સાક્ષીને ચાહતો હતો શું સાક્ષી પણ એને એટલીજ ચાહતી હતી? શું સાક્ષી આ ઘરમાં ખુશ હતી? એણે ઘણી વાર સાક્ષીને એકાંતમાં કોઈ શૂન્યમનસ્કતામાં ખોવાયેલી જોઈ હતી. બધાની વચ્ચે હોવા છતાં પોતાનાજ અંગત વિશ્વમાં વિહરતી જોઈ હતી. વાતો કરતી સાક્ષીનું આંતરિક મૌન એ ઘણીવાર પામી ચૂક્યો હતો. ફિક્કા હાસ્ય પાછળ ભીના હૈયાંનો એ ભેજ એનું મન જાણે સ્પર્શી શકતું હતું. કશુંય ન કહી એની વિહ્વળ આંખો કેટલું કહી જતી હતી. એ સાક્ષીને મદદ કરવા ઈચ્છતો હતો. એની આ વિહ્વળતાનો ઉકેલ શોધવામાં એની પડખે રહેવા ઈચ્છતો હતો. એનાં ચ્હેરા પર સાચી ખુશી લાવવા એ શું કરી શકે? કઈ રીતે સાક્ષીનાં ભીતરના ઉંડાણોમાં પહોંચી શકે? પતિ પત્નીનાં હૈયાંઓ વચ્ચેના આ મૌનને તોડવા એણે એક દિવસ પોતાનાંજ તરફથી પ્રથમ પગલું ભર્યું. મનમાં અકળાવી રહેલા વિચારોને સીધેસીધાં શબ્દો રૂપે સાક્ષી આગળ ધરી દીધા :

"સાક્ષી તું મારી જોડે ખુશ તો છે ને?"
"જી હા, પણ આજે આમ અચાનક...?"
"અચાનક નહિ સાક્ષી જ્યારથી તું મારા જીવનમાં આવી છે, મારું સમગ્ર જીવન પ્રેમથી છલોછલ કરી આપ્યું છે. મને અને મારા માતાપિતાને એટલી ખુશીઓ આપી છે, જે બદલ હું આજીવન તારો ઋણી રહીશ. પણ તારા હૃદયમાં કોઈ તો ઉણપ છે જેને ભરવા હું અસમર્થ બની રહ્યો છું. મને એ ઉણપ ભરવી છે પણ તારી મદદ વિના એ કઈ રીતે શક્ય બને? જ્યાં સુધી તું મને ન જણાવીશ હું કઈ રીતે તારી લાગણીઓને ઈચ્છાઓને સમજી શકીશ?"

"આપ નકામી ચિંતા કરો છો. હું અહીં ખૂબજ ખુશ છું. આવા કાળજી રાખનાર માતાપિતાને પ્રેમ કરનાર પતિ જીવનમાં હોઈ એ સ્ત્રી તો ભાગ્યશાળીજ હોય."

આ ટૂંકા જવાબમાં હૃદયની લાગણીઓ વીંટાળી લઈ એજ ફિક્કા હાસ્ય સાથે એણે વાર્તાલાપ સંકેલી લીધો. સમર્થ સમજી ચૂક્યો કે સાક્ષી એને અંતર પામવાની તક આપવા તૈયાર ન હતી. એણે મિત્રતા માટે આગળ ધરેલો હાથ ખાલીજ પરત થયો હતો. એની લાગણીઓનાં કોઈ ખૂણામાં વિચિત્ર વેદના ઊઠી હતી. આ સંબંધોની ગાંઠ ઉકેલવાના પ્રયાસમાં જાણે વધુ ગૂંચવાઈ રહી હતી. એ રાત્રે સમર્થ દરરોજ કરતા ઘણો મોડો ઘરે પહોંચ્યો હતો. બધા ઊંઘી ગયા હશે એ વિચારે કોઈ પણ પ્રકારનો અવાજ કર્યા વિનાજ એ સીધો પોતાના શયનખંડમાં સાક્ષીની ઊંઘ ન તૂટે એ રીતે શાંતિથી પ્રવેશ્યો. પણ એનાં વિસ્મય વચ્ચે સાક્ષી હજી જાગી રહી હતી. એના શાંત ડૂમાઓ સમર્થ પામી ગયો. સમર્થને જોતાંજ પોતાના હાથમાંની કોઈ તસ્વીર એ ઓશિકા નીચે છૂપાવી રહી. સમર્થની આંખો એ નોંધ લીધેલા એ દ્રશ્યને જાણે જોયુંજ ન હોય એમ અજાણ બની રહી. એ રાત્રે પોતાની પડખે સાક્ષી સાચેજ ઊંઘી રહી હતી કે ઊંઘવાનો ડોળ કરી રહી હતી, એ સમર્થ જાણી ન શક્યો. પણ એ રાત પછી સમર્થની રાતોની ઊંઘ જાણે જતીજ રહી.

સમર્થ હવે સાક્ષીની ઉદાસીનું મૂળ કળી ગયો. પોતે સાક્ષીનાં જીવનમાં પ્રવેશવામાં મોડો પડ્યો હતો. કોઈ હતું જે એનાથી પહેલાંજ સાક્ષીનાં હૃદયમાં પ્રવેશી ચૂક્યું હતું. જે હજી પણ સાક્ષીનાં અસ્તિત્વનો હિસ્સો બની એનાં જીવનના કેન્દ્રમાં વસતું હતું. કોણ હતી એ વ્યક્તિ જેની તસ્વીર ફક્ત સાક્ષીનાં હાથોમાંજ નહીં, એની આંખોમાં પણ હાજર હતી. કદાચ એના શાંત અને નમ્ર સ્વભાવે  માતાપિતાની ઈચ્છા સામે માથું ઝુકાવી દીધું હતું. પ્રેમનું મેદાનએ ગભરુ હૈયું અર્ધા માર્ગમાં જ છોડી નીકળ્યું હતું. પણ નિયતિ સાથે કરાતા આવા કરારો સાચી ખુશીઓને ક્યાંથી અનુસરે? ઈચ્છા વિના રચાતા આવા બંધનોમાં પ્રેમનું છોડ ક્યાંથી વિકસી શકે? માતાપિતાએ બાળકોની ઈચ્છા વિરુદ્ધ એમને સંબંધોમાં બાંધવા પહેલાં વિચારવુંજ રહ્યું કે આખરે બાળકોએ પોતાનું જીવન એ વ્યક્તિ જોડે વિતાવવું પડે છે, એમને નહિજ. જ્યાં હૃદય તૈયાર ન હોય ત્યાં તર્કના દાખલાઓ પણ ન બેસાડાય. સંબંધ જ્યારે બંધનમાં પરિણમે ત્યારે પ્રેમ દર ક્ષણ ઘૂંટાઈ ઘૂંટાઈને  જીવે. સમર્થને પણ હવે આ બંધનથી ગૂંગળામણ થઈ રહ્યું હતું. સાક્ષીને આ પરિસ્થતિમાં જોવું હવે એને મંજૂર ન હતું. સાક્ષીને એ બાંધીને નહિ જ રાખી શકે. એ સાક્ષીને મુક્ત કરવા ઈચ્છતો હતો. એનાં ચહેરા પર સાચી ખુશીને મનમાં આનંદને તૃપ્તિ જોવા ધારતો હતો. પણ એ સાક્ષીની મદદ વિના શક્યજ ન હતું.

લગ્નની આ પહેલી વર્ષગાંઠના થોડાજ દિવસો પહેલા સાક્ષીનો જન્મ દિવસ હતો. સમર્થના માતાપિતાએ સાક્ષી માટે એક સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યું. સાક્ષીના માતાપિતાની મદદથી એમણે સાક્ષીનાં દરેક મિત્રોને પણ ઘરે આમંત્રિત કર્યા. એ દિવસે સાક્ષીનાં ચ્હેરા પણ પહેલીવાર સમર્થે ખુશીની ચમક અનુભવી. જૂના મિત્ર ઘણા દિવસો પછી સાક્ષીનાં નજીક જવાની ઈચ્છા ફરી હકારાત્મકતામાં ભળવા લાગી. આ સંબંધના ભવિષ્ય માટે ફરી આશા બંધાઈ રહી. આખરે સમય સમાન મલહમ વિશ્વમાં અન્ય ક્યું? સમયની સાથે બધીજ મૂંઝવણો આપોઆપ ઉકેલાઈ જશે. એક દિવસ બધાજ કોયડાઓ સમય જાતેજ ઉકેલી બતાવશે. ત્યાં સુધી ધીરજ, ધૈર્ય, આશા સાથે વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવુંજ હિતાવહ. ભવિષ્યની ચિંતાઓમાં વર્તમાનને હાથમાંથી સરવા નજ દેવાય ! સમર્થના હકારાત્મક વિચારો એ એના પ્રેમને આશાવાદના નવા મેઘધનુષી રંગોમાં રંગી નાખ્યો.

હાથમાંનું ગુલાબ સાક્ષીને આપવા તત્પર સમર્થની આંખો પાર્ટીમાં ઉપસ્થિત મહેમાનોની વચ્ચે અદ્રશ્ય થઈ ગયેલ સાક્ષીને શોધી રહી. પહેલા પહેલા પ્રેમ જેવી એ રોમાંચક લાગણીઓનું સંતોલન બેસાડી રહેલું સમર્થનું બેચેન હૈયું સાક્ષીની એક ઝલક પામવા ઉતાવળું બની રહ્યું. ક્યાં હતી એની સાક્ષી? મહેમાનોની વચ્ચેથી માર્ગ બનાવતો દરેક દિશામાં પોતાના પ્રેમને શોધતો સમર્થ પોતાના શયનખંડ સુધી પહોંચી વળ્યો. શયનખંડની અંદરથી સંભળાઈ રહેલા એ ડૂસકાંઓ સાક્ષીનાં રુદનના જ હતા. સમર્થ આગળ વધે એ પહેલાંજ શયનખંડનું બારણું ઊઘડ્યું ને સમર્થ કોરિડોરનાં પરદા પાછળ લપાઈ ગયો. ઓરડામાંથી બહાર નીકળી સાક્ષી એ પોતાની ભીની આંખો લૂછી નાખી. એની પાછળ યુનિવર્સીટીનો એનો મિત્ર ગૌરવ નીકળ્યો. સાક્ષીના ખભે પ્રેમથી એનો હાથ મુકાયો ને બંને પાર્ટી તરફ ઝડપથી ઉપડી પડ્યાં.

કોરિડોરના પરદા પાછળથી નીકળેલા સમર્થના ચ્હેરા પર હતાશા ને ક્રોધ છલકી રહ્યા. હાથમાંનું ગુલાબ જમીન પર પછડાયું ને લાખ પ્રયત્નો છતાં નિયંત્રણ ગુમાવી કેટલાક ઉનાં અશ્રુઓ બહાર ઢળીજ પડ્યાં...

કેન્ડલ લાઈટ ડિનરને વધુ રોમેન્ટિક બનાવવા સમર્થ એ હોટેલના સ્ટાફને અગાઉથીજ કરેલ વિનંતી અનુસાર હોટેલનો ઓરડો સાક્ષીને ગમતા ગીતથી વધુ કર્ણપ્રિય બની રહ્યો. સાક્ષી એ પ્રતિક્રિયા દર્શાવતા પોતાનું એજ ફિક્કું હાસ્ય દર્શાવ્યું. પણ આજે આ ફિક્કા હાસ્યનો સાક્ષીનાં જીવનમાં અંતિમ દિવસ હતો. હવે સાક્ષીના ચ્હેરા પર આજીવન સાચી ખુશી જ છલકતી રહેશે. સમર્થ નિર્ણય લઈ ચૂક્યો હતો. સાક્ષીને હવે એ મુક્ત વિહરવા દેશે. કોઈ પણ સંબંધ સાક્ષી ને એની ઈચ્છા વચ્ચે અવરોધરૂપ ન જ બનશે.

સાક્ષી એજ જીવન જીવશે જેમાં એના અંતરની ખુશી છુપાયેલી છે. પોતાના પ્રેમને ખુશ જોવું એજ તો સાચો પ્રેમ. પોતાની ખુશી ન જોતા અન્યની ખુશીને પ્રાધાન્ય આપે એજ તો પ્રેમ. જીવનમાં આવનારી એ સાચી ખુશીથી અજાણ સાક્ષી આગળ સમર્થ એ પોતાની ભેટ ધરી. પ્રેમ પૂર્વક એ ભેટ સ્વીકારી સાક્ષી એ સંભાળીને ગિફ્ટ બોક્સ ટેબલ પર મૂક્યો.

"ગિફ્ટ જોઈશ નહિ?"
"જી જરૂર."

એક મોટા ડબ્બાનું રેપર હટાવી અંદરથી એક બીજો ડબ્બો નીકળ્યો. બીજામાંથી ત્રીજો. ત્રીજામાંથી ચોથો. અને જોતજોતામાં ડબ્બાઓના ઢગલા નીકળતા ગયા. સમર્થ સામે બેઠો સાક્ષીની વિહ્વળતાનો આનંદ ઉઠાવી રહ્યો. છેવટે એક સૌથી નાના ડબ્બામાંથી એક કાગળ નીકળ્યો.

"જી આ...?"
"વાંચ તો ખરી..."

કાગળનું એ ફોર્મ સાક્ષીની આંખોને ધડધડ ભીંજવી ગયું.

"પણ તમને કઈ રીતે ખબર પડી?"
"હું ગૌરવને મળવા ગયો હતો."

આગળની વાત સાક્ષી સમજી ગઈ. સમર્થની દ્રષ્ટિ આગળ ગૌરવ સાથે થયેલ પોતાનો સંવાદ જીવંત થયો :

"ગૌરવ હું બધુંજ જાણી ચૂક્યો છું. હવે વાત છુપાવવાનો કોઈ અર્થ નથી. સ્પષ્ટ રીતે બધું નક્કી કરી નાખીયે એમાંજ સૌની ભલાઈ છે."

"જી, સારું થયું કે આપને જાણ થઈ ગઈ. હવે સાક્ષીને પણ એના મનમાં અનુભવાતા અપરાધભાવમાંથી મુક્તિ મળી જશે..."

"એ મુક્તિ તો ક્યારની મળી ગઈ હોત જો એણે નિઃસંકોચ મને વાસ્તવિકતા જણાવી દીધી હોત."

"પણ એની પણ મજબુરી હતી..."

"કેવી મજબૂરી?"

"સાક્ષીનાં પિતા એ વચન લીધું હતું કે સાક્ષી જો એ અંગે સાસરે જઈ એક પણ શબ્દ ઉચ્ચારશે તો એમનો મૃત ચ્હેરો જોશે."

"પણ આમ એક વચન પાછળ એ પોતાનું સમગ્ર જીવન અનુકૂલન સાધતી રહે એ તો અન્યાયજ કહેવાય !"

"પણ જો આપનો સાથસહકાર હોય તો એનાં જીવનમાં ખુશીઓ પરત થઈ શકે છે. જો આપ એને સમજી શકો તો..."

"હું સાક્ષીને પ્રેમ કરું છું ગૌરવ, જો એની ખુશી માટે એને મુક્ત કરવી પડે તો હું એ પણ કરીશ."

"યુ રિયલી લવ હર...?"

"હા, પણ એ તો તને પ્રેમ કરે છે ગૌરવ. હું તમારા પ્રેમ વચ્ચે વિઘ્ન ન બનીશ."

અણધાર્યા શબ્દોથી ગૌરવ ખડખડાટ હસી પડ્યો. સમર્થ કશુંજ કળી ન શક્યો. ગંભીર વાર્તાલાપ વચ્ચે ગૌરવનું આ હાસ્ય રહસ્ય ઉપજાવી રહ્યું. ગૌરવનો હાથ સમર્થના ખભે અડ્યો.

"સાક્ષી તમને અને ફક્ત તમનેજ પ્રેમ કરે છે. તમારા માતાપિતા માટે એને અનન્ય માન અને આદર છે. એના જન્મદિવસ નિમત્તે એણે મને આ વાત જાતે જણાવી હતી."

"તો પછી એની ઉદાસી પાછળનું રહસ્ય શું?"

"હું તમને કંઈક બતાવા માંગુ છું."

સાક્ષીના ફોટોથી ભરેલી આલ્બમ જોતાંજ સમર્થ દંગ રહી ગયો.

"આ સાક્ષી છે? વિશ્વાસ જ નથી આવતો? તો આ તસ્વીરોને જોઈ એની આંખો વહે છે?"

"જી હા, સાક્ષીને મોડેલીગનો શોખ પહેલેથીજ હતો. પણ  સમય સાથે એ શોખ પૅશનમાં બદલતો ગયો. એના માતાપિતા ખૂબજ રૂઢિચુસ્ત વિચારધારા ધરાવે છે. મોડેલિંગ એમની દ્રષ્ટિમાં નિમ્ન અને અસુરક્ષિત વ્યવસાય અને પોતાનીજ દીકરી આ વ્યવસાયમાં જોડાય તો સમાજમાં એમનું નાકજ કપાઈ જાય. એમના વિરોધ અને મનાઈ છતાં સાક્ષીએ ચોરીછૂપી પોતાનું સ્વપ્ન સાકાર કરવા પ્રયત્ન યથાવત રાખ્યા. એની અથાક મહેનત અને હિમ્મતના ફળ સ્વરૂપે એક પ્રખ્યાત આંતર રાષ્ટ્રીય સ્તરની ઘરેણાંની કંપનીમાં મોડેલિંગનો બ્રેક મળ્યો. એટલુંજ નહિ મિસ ઈન્ડિયા સ્પર્ધા માટે પણ એણે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પણ ઘરે એ વાતની જાણ થતાંજ એનાં માતાપિતાએ સ્પષ્ટ પ્રતિકાર કર્યો. એ દિવસો દરમ્યાન આપના ઘરેથી લગ્નનો પ્રસ્તાવ આવ્યો. સાક્ષીના માતાપિતાએ એને ખૂબજ ધમકાવી. આવા સરસ પરિવારમાં દીકરી ઠરીઠામ થઈ જાય તો એમની જવાબદારી માથેથી ટળે, એ વિચારે એમણે પ્રસ્તાવ સ્વીકારી લીધો. જો સાક્ષી ના પાડે તો માતાપિતાનાં મૃત ચ્હેરા જોશે, એવી ભાવનાત્મક રમત દ્વારા, 'ઈમોશનલ બ્લેકમેલિંગ' દ્વારા એમણે સાક્ષીને લગ્ન માટે રાજી કરાવી લીધી. લાગણીના એ વહેણમાં સાક્ષીનાં જીવન સ્વપ્નોએ આખરે હથિયાર નાંખી જ દીધા."

હોટેલનાં ડિનરટેબલ પર ગોઠવાયેલી સાક્ષી હાથમાંના ફોર્મને જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. એ ધ્રૂસકાઓથી સમર્થ વર્તમાનમાં પરત થયો. સાક્ષીનાં હાથ પોતાના હાથમાં પરોવી એણે પોતાના હૃદયની વાત સાક્ષી સમક્ષ મૂકી :

"આમ સોરી સાક્ષી. જાણ્યે અજાણ્યે હું તારા અને તારા સ્વપ્નોની વચ્ચે ભીંત સમો બની રહ્યો. પણ હવે તને તારા સ્વપ્નોથી કોઈ દૂર ન કરી શકે. હું છું ને તારી જોડે!"

પોતાનાં અશ્રુઓ લૂછી સાક્ષી એ ધ્રુજતા અવાજે પૂછ્યું; "પણ લોકો શું કહેશે?"

સમર્થ ખડખડાટ હસ્યો : "લોકો એટલે સમાજ ને સમાજ એટલે આપણે પોતેજ. આ લોકો શું કહેશેવાળા ભયે અગણિત માનવ સ્વપ્નોને કચડ્યા છે. સમાજની  આંખો  એ આપણી બધાની વ્યક્તિગત આંખોનો જ તો સરવાળો માત્ર! કોઈ પણ વ્યવસાય ઊંચો કે નીચો નથી હોતો. ઊંચી કે નીચી તો આપણી સોચને આપણા દ્રષ્ટિકોણ હોય છે. વ્યક્તિનું સાચું સુરક્ષા કવચ તો એનો પરિવાર હોય છે. જે વ્યક્તિ પાસે પરિવારનો પ્રેમને સાથ હોય તે વિશ્વનાં કોઈ પણ વ્યવસાયમાં સંપૂર્ણ સુરક્ષિત હોય છે. હવે જલ્દીથી આ સ્પર્ધાનો ફોર્મ ભરી નાખ. 'મિસિસ ઈન્ડિયા'નો તાજ તો આ વર્ષે મારી પત્નીના માથેજ શોભશે. હા, પણ જો તને 'મિસ ઈંડિયાજ' થવું હોય તો એ માટે તો મને છૂટાછેડા..."

સાક્ષીએ સમર્થના હોઠ પર સ્નેહથી હાથ મૂકી, એને આગળ બોલતો અટકાવી, લપાઈને એની છાતી પર પોતાનું માથું ટેકવી દીધું. પોતાના જીવનસાથીના આલિંગનમાં સાચી ખુશીઓથી એની આંખો ભીંજાઈ રહી. આખરે જે સાથ આપે એજ તો સાચો જીવનસાથી ! સમર્થને લાગ્યું જાણે આજે પહેલીવાર સાક્ષી એ એને સ્પર્શ્યો, ને એના હૃદયને પણ...


Rate this content
Log in