ઝાંઝર ઘૂંઘરું બની જાય
ઝાંઝર ઘૂંઘરું બની જાય
દીકરીના પગમાં હોઉં,
તો હેતની લાગણી થાય છે,
પુત્રવધુના પગમાં હોઉં,
તો કેમ લાગણી બદલાય છે ?
પગ જેમ બદલાય,
એમ સૂર મારો જુદો થાય છે,
કાં તો કર્ણપ્રિય કાં તો,
ઘોંઘાટમાં ખપી જાય છે.
દુલ્હનના પગમાં,
ઝાંઝરમાં ગણના થાય છે,
ગણિકાના પગમાં,
ઝાંઝર ઘૂંઘરું બની જાય છે.
ખોવાય ઝાંઝર રાધાનું,
તો જશોદા પાસે જાય છે,
કાનાને જો જડે તો,
સ્નેહનું સંભારણું કહેવાય છે.
રસ્તા પર કોઈનું ખોવાય,
તો થાણે ફરિયાદ થાય છે,
જો કોઈને જડે,
તો ચોરમાં ખપી જાય છે.
ભલે સોને મઢેલું હોઉં,
તોયે પગમાં જ સોહાય છે,
'વર્ષા' એ જ વાતનું દુઃખ,
મને રગેરગમાં થાય છે
