Nilesh Limbola

Others

3  

Nilesh Limbola

Others

વ્યક્તિવિશેષ- 3

વ્યક્તિવિશેષ- 3

3 mins
193


જુનાગઢી ગઝલનું મખમલી નામ : મનોજ ખંઢેરિયા....

જુનાગઢે આપણને ઘણાબધા સાહીત્યરત્નો આપ્યા છે. ઘણાબધાં સાહિત્યકારો એ જૂનાગઢમાં આવીને સાહિત્યકર્મ કર્યું છે તો, ઘણા જૂનાગઢમાં જન્મ્યા અને જુનાગઢનેજ કર્મભૂમિ બનાવી છે. જુનાગઢનું સાહિત્યજગતમાં ઘણુંબધું પ્રદાન રહ્યું છે. આજે આપણે એક એવાજ અનોખા કવિ અને ગઝલકાર વિશે વાત કરવાની છે. અને એ એટલે સ્વ. મનોજભાઈ વ્રજલાલભાઈ ખંઢેરિયા કવિ અને ગઝલકાર એવાં મનોજ ખંઢેરિયા એ ગુજરાતી ગઝલસાહિત્યના પ્રયોગશીલ ગઝલકારો પૈકીના એક છે. તેઓએ પોતાની આગવી પ્રયોગશીલ ગઝલો આપીને ગુજરાતી ગઝલસાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે.

"તળેટીએ જતાં એવું લાગ્યા કરે છે.

હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે."

ભક્તકવિ નરસિંહ મહેતાનું આવું અદભૂત સ્મરણ કરનાર આ ગઝલકાર ગુજરાતી ગઝલનું અને જૂનાગઢી સાહિત્યવારસાનું અણમોલ રતન છે. આપણા ગુજરાતી ગઝલસાહિત્યમાં પ્રયોગશીલ ગઝલો સર્જનાર આ કવિના જીવન અને કવનની વાતો કરવાનો આજે અહીં ઉપક્રમ છે.

કવિશ્રી મનોજ ખંઢેરિયાનો જન્મ ૬ જુલાઈ ૧૯૪૩માં જૂનાગઢ ખાતે થયો. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી બી.એસ.સી. (૧૯૬૫)નો અભ્યાસ કર્યો અને એલ.એલ.બી.(૧૯૬૭) પણ કર્યું. તેઓ ૧૯૭૨ થી ૧૯૮૪ સુધીના સમયગાળામાં લો કોલેજમાં ખંડસમયના અધ્યાપક તરીકે કામ કર્યું. અને વકીલાતનો વ્યવસાય પણ કર્યો. આ બધાની સાથોસાથ કાવ્યસર્જનમાં પણ અદભૂત કામ કર્યું. તેઓએ પોતાની આગવી કાવ્યસર્જનની શૈલીને અસરકારક પ્રદાન આપતા ગયા. નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટમાં પણ પોતાનું યોગદાન આપ્યું. તેમનું મૃત્યુ ૨૭ ઓકટોબર ૨૦૦૩માં જૂનાગઢ ખાતે થયું.

મનોજ ખંઢેરિયાને વિવિધ સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમનું સર્જન યથાયોગ્ય સમયે પોંખાયું છે. તેમના કાવ્ય-ગઝલસંગ્રહોને પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા એવોર્ડ મળ્યા છે. "હસ્તપ્રત" ને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય પરિષદનું પારિતોષિત, "અચાનક"ને ગુજરાત રાજ્ય સરકારનો એવોર્ડ, "અટકળ"ને સાહિત્ય અકાદમીનું પારિતોષિત અને ગુજરાત રાજ્ય સરકારનો પુરસ્કાર. આ ઉપરાંત આઈ.એન.ટી. - મુંબઈ તરફથી ૧૯૯૯માં "કલાપી એવોર્ડ " તથા ૨૦૦૨માં " ધનજી-કાનજી સુવર્ણચંદ્રક " પણ એનાયત કરવામાં આવ્યો હતો.

મનોજ ખંઢેરિયાએ મુખ્યત્વે ગઝલોજ લખી છે. આ ઉપરાંત તેઓએ ગીત, અછાંદસ અને અંજનીકાવ્યો પણ લખ્યા છે. પ્રયોગશીલ ગઝલોને કારણે તેઓ બીજા ગઝલકારોથી અલગ પડયા છે. અને પોતાની આગવી ગઝલશૈલીથી આજદિન સુધી તેમની લોકપ્રિયતા ઘટી નથી. હજુ પણ તેઓ એવાજ વંચાતા રહ્યા છે. તેમના મુખ્ય સંગ્રહો 'અચાનક '(૧૯૭૦), 'અટકળ' (૧૯૭૯), 'હસ્તપ્રત'(૧૯૯૧) 'અંજની'(અંજની કાવ્યોનો સંગ્રહ- ૧૯૯૧) તેમનો છેલ્લો સંગ્રહ 'ક્યાંય પણ ગયો નથી' અને એમની સમગ્ર કવિતાઓનો ગ્રંથ ' વરસોના વરસ લાગે' (૨૦૦૪) માં પ્રકાશિત થયા.

તેમની કાવ્યરચનાઓના મુખ્ય સંપાદનો આ મુજબ મળ્યા છે. 'એમ પણ બને'(સંપાદક - નીતિન વડગામાં- ૨૦૦૪), ' કોઈ કહેતું નથી'( સંપાદક- નીતિન વડગામાં- ૧૯૯૪) આ સિવાય અન્ય સંપાદનો 'શબ્દ જન્મ્યા પરવાળામાં'( તેમની કવિતાનો આસ્વાદ્ય) અને 'હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે' (સ્મરણ લેખો).

હવે વાત કરીએ તેમની ઉત્કૃષ્ટ રચનાઓની મનોજ ખંઢેરિયાએ પ્રયોગશીલ ગઝલો આપીછે શ્રી હેમત નાણાંવટીએ મનોજ ખંઢેરિયા વિશે કહ્યું છે કે, "ગુજરાતી ભાષાનો મોરપિચ્છ જેવી મુલાયમ કવિ એટલે મનોજ ખંઢેરિયા તો નીતિન વડગામાંએ તેઓને "ગઝલનો મુલાયમ મિજાજ" કહ્યા છે. તેમની ગઝલોજ એવી ધારદાર, અસરદાર અને મુશાયરો લૂંટી લે એવી છે. 

"રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા

અમારે તો શબ્દોજ કંકુ ને ચોખા"

જેવા શબ્દોજ કોઈને આવકારવા માટે પર્યાપ્ત છે. એવીજ રીતે ક્યાંક જવા માટેનું ઇજન મળે ને સ્થિતિ કેવી થાય ? જુઓ આ ગઝલના શેરમાં.

"મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,

ચરણ લઈ દોડવા બેસું તો વરસો ના વરસ લાગે."

સમસ્યાઓ, કલ્પનાઓ, દુઃખો, ચિંતા વિગેરેની વચ્ચે કે પોતે પોતાને પણ ઘણા સમય સુધી રૂબરૂ ન થઈ શકવાની વાત એક ગઝલમાં કરે છે. 

"ઉઘાડા દ્વાર હો તો પણ નીકળવું ખૂબ અઘરું છે,

ફરું છું લઈ મને, પણ ખુદને મળવું ખૂબ અઘરું છે."

સર્જક પોતાના સર્જનમાં સવિશેષ જીવતા હોય છે. સર્જક પોતાની અનુભૂતિઓને શબ્દોમાં વણી લઈને કવિતામાં ઉતારે છે. પોતાની વાતને સરળતાથી અને સહજતાથી સર્જન મારફત સર્જક કરી દેતા હોય છે. કેટલી ઋજુતા થી લખેલી આ ગઝલ જુઓ.

"કરીયે ન વેઠ, હોંશે જીવનભર ઉપાડીયે,

આવ્યો છે તે બોજ, બરોબર ઉપાડીયે,

અટકાવી રાખ્યું પાંપણે આંસુને એ રીતે,

આંખોથી જાણે આખું સરોવર ઉપાડીયે."

ક્યારેય શરીર ચાલતું રહે અને મન, હૃદય ક્યાંક અટકતું રહે છે. જિંદગી આગળ વધતી રહે છે. જુઓ એક અદ્ભૂત ગઝલનો અદ્ભૂત શેર.

બધાજ રાહ જુએ ક્યારના વિસામા પર,

મને ખબર નથી, કોની ગલીએ રોક્યો છે.

તેમનું એક અંજની કાવ્ય પણ જુઓ.....

"ભીંતો સસલું થઈ દોડી ગઈ,

લહેર અરીસાને ફોડી ગઈ,

ખળખળ કરતું તૂટી પડતું,

ગંજીફાનું ઘર.


ક્ષિતિજ હલી, અજવાળું ધ્રુજયું,

સપનાનું પરવાળું ધ્રુજયું,

પતંગિયાનું સબમે ચોડયું ,

મારી છાતી પર."

અને હવે અંતમાં સો ટચના સોના જેવી વાત એમની ગઝલના મત્લામાં, કંઈ અમથા જ મિલિંદ ગઢવી એમ નથી કહેતા કે "મનોજ એટલે મનોજ"

"બધાનો હોય શકે, સત્યનો વિકલ્પ નથી.

ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી."


Rate this content
Log in