વિચાર બદલો જીવન બદલે
વિચાર બદલો જીવન બદલે
એક નાનકડા શહેરમાં વિનોદકુમાર નામનો વ્યક્તિ રહેતો હતો. તેને પોતાનું ઘર, પરિવાર અને મિત્રો હતા. છતાં પણ આ વ્યક્તિ દુઃખી હતો. આ વ્યક્તિને હંમેશાં એવું લાગે છે કે ઘરમાં, ઓફિસમાં અને સમાજમાં બધે તેમણે જ જવાબદારી નિભાવી પડે છે.
આવી વાતોનો વિચાર કરી તે ખૂબ જ તણાવ અને ઉશ્કેરાટમાં રહેવા લાગ્યો. પરિણામે ઘર, બહાર બધે નાની નાની બાબતમાં ઝઘડા થવા લાગ્યા. તે વધારે દુઃખી થઈ ગયો.
એક દિવસ ઓફિસમાં અને ઘરમાં ઝઘડો થતાં તે બહાર જતો રહે છે. ટાઈમ પાસ કરવા તે હોટેલ જાય છે. ત્યાં તેનો મિત્ર કાનો મળી જાય છે.
કાનો : કેમ ભાઈ વિનોદકુમાર ટાણા ટક વગર અત્યારે ?
વિનોદકુમાર : હા ભાઈ કાના તારી જેમ મારે ક્યાં સરખાય છે. ઘર, ઓફિસ, સમાજ બધે મારે જ ફરજ બજાવવાની ? બધુ મારે જ કરવાનું?
કાનો: હ,,,,, મ,,
વિનોદકુમાર :શું હી,,,, મ,,, તારે સારું છે. બાપનો ધંધો અને વાંઢો કાંઈ ઉપાદિ જ નહીં.
કાનો: જો ભાઈ આ વાંઢો બાંઢો રહેવા દે, પણ વાત શું છે તે કર.
વિનોદકુમાર: હવે જવાદે ચા મંગાવ.
કાનો: વિનિયા તને યાદ છે આપણા ગામમાં બાવનજીબાપા હતાં, દિ' રાત કોય બોલાવે કે ન બોલાવે ગમે તેને મદદ કરવા જતાં. શેરીમાં રમતા છોકરાઓને પીપર, ચોકલેટ દેતાં.
વિનોદકુમાર : હા તો શું ? આમેય એને ક્યાં કાંઈ હતું.
કાનો : પણ તારે તો છે ને ?
વિનોદકુમાર: મતલબ ?
કાનોઃ બસ આ જ મતલબ. પેલી ફૂટપાથ જો કેટલા લાશની જેમ પડ્યાં છે. એમાં કેટલાક પોતાના ઘર માટે તો અન્ય પોતાના પેટ માટે વલખાં મારે છે. પણ ફરજ બજાવે છે. જ્યારે તું ? વિચાર તો કર શું કરે છે. ઉપરવાળાની દયાથી તારી પાસે બધુ છે. હવે તું જ વિચાર !?
વિનોદકુમાર : બાવનજીબાપાનું શું છે.
કાનો : હા, તે ગુજરી ગયા. આખા ગામે દાડો કર્યો. કેમ કે તેઓ આખા ગામ માટે જીવ્યા હતા. ચાલ હું જાવ હવે, મળ્યા પછી.
વિનોદકુમાર ત્યાં જ બેઠો વિચારવા લાગે છે. બાવનજી બાપા, એકલા આખુ જીવન, બધાને મદદ, આજે આખુ ગામ યાદ કરે છે, આ ફુટપાથ પર માણસો, જ્યારે મારી પાસે બધુ છે. તો ચિંતા, ભય, દુઃખ કારણ ?
આમ અચાનક તેના વિચારો બદલવા લાગ્યા તેને સમજાવા લાગ્યુ કે ભગવાને તેના કેટલી કૃપા કરી છે. તેના જીવનમાં તે જે કાંઈ કરે છે તે તેની ફરજ છે બીજા પર ઉપકાર નહીં, અને આ માટે ઈશ્વરે તેને સક્ષમ બનાવ્યો છે, માટે તે આભારી થઈ ઘર તરફ પ્રયાણ કરે છે.
જ્યાં સુધી આપણે પરિસ્થિતિ તરફ નકારાત્મક વલણ રાખીશું ત્યાં સુધી આપણને સત્ય નહીં સમજાય. પરંતુ જેવો વિચાર પરિવર્તન આવે છે કે જીવનમાં પણ બદલાવ આવે છે.
