Dina Vachharajani

Children Stories Drama Inspirational

4.6  

Dina Vachharajani

Children Stories Drama Inspirational

ઉલટી ગંગા

ઉલટી ગંગા

6 mins
547


કહું છું.... ચાર દિવસ પછી બાપુજીનું શ્રાદ્ધ છે. આ દુખતા ગોઠણે મારાથી તો કાંઈ કામ નહીં થાય. તમે આજ-કાલમાં આપણી વાડીએ જાઓ તો મોહન અને એની વહુને મારી મદદમાં આવવાનું કહેતા આવજો. ને હા, એમને કહેજો તાજું શાક પણ સરખું લઈ આવે. સાથે-સાથે ગોરબાપા ને પાંચ બ્રાહ્મણો સાથે જમવાનું નોતરું આપતા આવજો.

વિશાળ, પણ હવે જૂનાં લાગતાં બંગલાની ઓસરીમાં ખુરસી પર બેસી ગોઠણે તેલ ચોળતાં-ચોળતાં તરુબેને સામે હીંચકા પર બેસી છાપુ વાંચતા અરવિંદભાઈને કહ્યું. છાપામાંથી મોઢું બહાર કાઢી અરવિંદભાઈએ પોતાની પત્ની તરફ જોયું. આ ઘરની જેમ જ પત્નીનું મુખ પણ એમને નિસ્તેજ લાગ્યું કંઈક વિચારતાં એ મોટેથી બોલ્યા, " હવે તમારાથી ન થાય તો આટલી ધમાલ ન કરતા હો તો ? "ન સાંભળવાનું સાંભળી લીધું હોય તેમ ચમકતાં તરત જ તરુબેન બોલી ઉઠ્યાં...." અરરર...એવું તો વિચારાય પણ નહીં. આપણી પાસે જે છે તે બાપુજીની જ થાપણ છે ને ? આપણે એક જ એના વારસદાર છીએ ... પછી આપણે એમનું આટલું તો ઋણ ફેડીએ ને ? "જાણે દુખતી નસ દબાઈ...... અરવિંદભાઈ ગુસ્સાથી બોલી ઉઠ્યાં. " હવેના વારસદારોને તો મા-બાપ જીવે છે કે નહીં ? એની ય પડી નથી. આ તમારા ત્રણ-ત્રણ દીકરા અમેરિકામાં મજા કરે છે. આઠ-આઠ વર્ષથી અહીં ડોકાયા પણ નથી ને તમે વારસદારીનું પૂંછડું પકડી રાખ્યું છે " આ સાંભળતા જ તરુબેને આંખે છેડો દાબ્યો ને અરવિંદભાઈ ધુંવાપુંવા થતાં ઘરની બહાર નીકળી ગયાં.

આવું તો આ ઘરમાં રોજ થતું. પંચોતેર વરસ ને પેલે પાર પહોંચેલ, એકલતા અનુભવતું આ દંપતી પોતપોતાની નિરાશા આમ જ વ્યક્ત કરતું. એમનાં ત્રણે દીકરાં એકપછી એક ડોલરીયા દેશમાં વસી ગયાં તે છેલ્લા વીસ વર્ષથી બંને એકલા જ છે. શરૂઆતમાં તો દીકરાંઓ વારાફરતી આવતાં તે ઘર-ને મન ભરેલું રહેતું. તરુબેન છોકરાંઓ વગર ક્યારેક હિજરાય તો અરવિંદભાઈ કહેતાં " ભઈ ત્યાં તો ડોલરની ગંગા વહે છે એ ઉલેચવા તો ત્યાં જ જવું પડે. ને પછી એના પ્રતાપે જીવનમાં સુખ જ સુખ છલકાય."

પણ આ ડોલરિયા સુખને સમેટવામાં પડેલા કોઈને છેલ્લાં આઠ વર્ષથી તો દેશમાં આવવાની ફુરસદ જ નથી મળી ને જરુર પણ નથી લાગી ! પૌત્ર પૌત્રીઓને પણ ફોટામાં જ મોટાં થતાં જોયા. હા ! ક્યારેક ફોન આવતાં. ને તરુબેનને વધુ ઉદાસ કરી જતાં. અરવિંદભાઈ પણ હવે ત્રણ વીઘાની વાડી-ને આ જૂનાં બંગલાને સંભાળતાં થાકી જતાં. ઘણું એ મન થતું આ બધું છોકરાંઓને સોંપી નિરાંતનો શ્વાસ લેવાનું. એ તો સારું હતું કે વાડી સંભાળવા રાખેલ મોહન અને એની પત્ની કંઈ પણ કામ હોય, સંભાળી લેતાં.

શ્રાદ્ધ પત્યાં ને ઉત્સવો વાતાવરણમાં ડોકાવા લાગ્યાં. આ બંગલો તો જો કે હંમેશની જેમ સૂની ઉદાસી ભર્યો જ હતો. એક દિવસ સવાર-સવારના જ અરવિંદભાઈનો ફોન રણક્યો. સામે છેડે મોટો દીકરો હતો. એણે ખબર આપ્યા કે આ વરસે દિવાળી કરવા ત્રણે ભાઈઓ સહકુટુંબ ઈન્ડિયા આવવાના છે. અને લાંબુ રોકવાના છે. અરવિંદભાઈ ખૂશ તો થયાં પણ આ લાંબુ રોકાવાની વાતે એમને થોડા ચિંતામાં નાંખ્યા. એમણે વિચાર્યું....આ છોકરાઓ બધા સાથે આવે છે ! પાછા લાંબુ રોકાણ છે ! નક્કી કંઈ લાંબી ગણતરી સાથે જ આવે છે.....એમની આ શંકા સાંભળી તરુબેન બોલ્યાં " અરે મારા છોકરાં !! ...તમે આવું કાં વિચારો ? એતો આપણી થાપણ કહેવાય... હવે જ આપણને ખપ લાગશે..તમે જોજો ને ...!

અને પછીતો વર્ષો પછી આ ઘરે તરુબેનનાં ઉત્સાહનો ઝગમગાટ અનુભવ્યો. દિવાળીના અઠવાડિયા પહેલાં જ ત્રણે દીકરા-વહુ આવી ગયાં ને તરુબેનને કોઠે જાણે દિવાળી પહેલાં જ દીવા પ્રગટ્યાં...એમણે તો મીઠાઈઓ ને ફરસાણથી ડબ્બા ભરી રાખેલ. વિચારેલું દીકરાઓને ધરાઈને પોતાના હાથની વાનગીઓ ખવડાવશે ને ખૂબ બધી વાતો કરતાં આટલા વર્ષોનું સાટુ વાળી દેશે. પણ દીકરા-વહુઓને તો અરવિંદભાઈની વાતોમાં અને એમની સંપત્તિના હિસાબ માંડવામાં જ રસ હતો. અને એ બધાને અંતે એમનો આગ્રહ હતો કે આ હવેલી જેવું ઘર-વાડીનો પથારો સંકેલી અરવિંદભાઈ -તરુબેને હવે શાંતિથી રહેવું જોઈએ. બધું વેંચી -સાટી જે પૈસા આવે તે ત્રણે ભાઈઓને સોંપી નચિંત થઈ જવું જોઈએ. અને અરવિંદભાઈ -તરુબેન માટે એક નાનો ફ્લેટ ભાડે લઈ લેવાનો જેમાં શાંતિથી બાકીની જિંદગી નીકળી જાય.

અરવિંદભાઈની ચિંતા ને હકીકતના સ્વરુપમાં સામે જોઈ તરુબેનો ઉત્સાહ જાણે આઘાતમાં બદલાય ગયો ને અરવિંદભાઈ એ પોતાની શંકા અને ધુંધવાટને એક ગમગીની ભર્યા મૌનનો અંચળો ઓઢાડી દીધો..સંતાનોના સહવાસ, સ્નેહ ને સામીપ્યને ઝંખતા બે વૃધ્ધ બીજું કરી પણ શું શકે ?.. જમીન તો ઠીક !....પણ જે ઘરનાં ખૂણે ખૂણે જિંદગીભરનાં સંભારણા વેરાયેલા છે એને ય સમેટી ટોડલે ટીંગાડી દેવાના ? આ સ્વજન સમું ઘર છોડી દેવાનું ? પછી જીવવાનું કોને સહારે ? પણ કંઈક ખોટા સંતાનપ્રેમમાં તણાઈને અને કંઈક હવે પોતે કંઈ સંભાળી ન શકે એ લાચારીએ બંને પોતાને અણગમતા નિર્ણયનો ખાસ વિરોધ ન કરી શક્યા..

દિવાળીને આગલે દિવસે વહેલી સવારે એક ટેક્ષી આવીને ઘર પાસે ઊભી રહી ને એમાંથી કલબલાટ કરતાં ચાર યુવાન છોકરાંઓ ઉતર્યા. મોટા ને વચલા દીકરાની એક-એક દીકરી ને નાના દીકરાના જોડીયા એવા દીકરો-દીકરી. ટૂંકી ચડ્ડી ને ટી શર્ટ પહેરેલા આ ચારેયને જોઈ અરવિંદભાઈ -તરુબેનના મનમાં ખાસ કોઈ ઉમળકો ન જાગ્યો. એમને થયું ...અમારા સંતાનો જ જ્યારે પારકાની જેમ વર્તે છે તો આ છોકરાંઓ અમને શું સમજવાના ?

પેલા ચારે તો ગ્રાંડ પા ને ગાંડ મા ને વર્ષો પછી જોઈ ખુશ-ખુશ થઈ ગયા. પછીતો દાદીના હાથનાં નાસ્તા, ડબ્બા ખોલીને ખવાતાં ગયાં ને દાદા સાથે તડાકા મરાતાં ગયાં. આ ઘરની જૂની કોતરણીવાળા દરવાજા-ઝરુખા-કમાન તો એમના સેલ્ફી પોઈન્ટ બની ગયા. એમની દરેક સેલ્ફીમાં ખાસ સેન્ટરમાં રહેતા દાદા-દાદીએ ક્યારે આ છોકરાંઓને પોતાના હૃદયના સેન્ટરમાં ગોઠવી દીધાં ખબર જ ન રહી ! પછી તો જૂની -જૂની વાતો કરતાં દાદા અને જૂની -જૂની રેસીપી બનાવતી દાદી એમની ઈન્સ્ટાસ્ટોરી બની, ફેસબુક પેજ પર છવાઈ અઢળક લાઈક્સ મેળવતા ગયાં. વાડી જોવા ગયાં ત્યારે આટલા તાજાં -ઓરગેનીક શાકભાજી ચૂંટતા-ચૂંટતા તો ગાંડા જ થઈ ગયાં. સ્ટોરની અભરાઈ પર પડેલા શાકભાજી ખરીદવા કરતાં આ અનુભવ તદ્દન નવો ને આનંદ ભરેલો હતો.

દિવાળીથી લાભપાંચમ સુધી આવા અલભ્ય અનુભવો લેતાં વીતી ગયો. લાભ-પાંચમે ત્રણે ભાઈઓએ વાડી-ઘરની કિંમત -એ વેંચવા દલાલોનો સંપર્ક વગેરે વાતચીત શરુ કરી. આખો દીવસ આ ભાંજગડમાં જ ગયો. પેલાં ચારે છોકરાઓ આ બધું જોતાં -સાંભળતા આખો દિવસ કંઈક શાંત હતાં. બીજે દિવસે વહેલી સવારે જ એ ટોળકી આઉટીંગ માટે નીકળી પડી. સાંજે પાછા આવ્યા ત્યારે વડીલો ડ્રોઈંગરૂમમાં ચા-પાણી પીતાં હતાં. એ લોકો ત્યાં જ ગોઠવાયાં. થોડીવારે ચારેયમાં મોટી દીકરી બોલી...." ડેડી, કાકા, મારે અમારા બધા વતી તમારી લોકો સાથે કંઈક વાત કરવી છે....." બધાની નવાઈ ભરેલી નજરોનો સામનો કરતાં એ આગળ બોલી,

" તમને બધાને પૈસાની જરુર છે ? અમે જાણીએ છીએ ત્યાં સુધી તો નથી જ...તો પછી આ જમીન-આ બંગલો કેમ વેચવો છે ? આ આપણી હેરીટેજ સંપત્તિ છે ! આપણે એનું સન્માન ન કરીએ તો કોણ કરશે ? આજે માણસો પોતાના રુટ્સને પામવા ઝંખે છે. પોતાના મૂળિયાંથી સાવ વિખૂટા પડેલાં અમને પૂછો કે ક્યાંક રોપાયેલા-જોડાયેલા રહેવાનું મૂલ્ય શું હોય ? .....જ્યાંના લોકો તમને તેમના જેવા જ માને અને તમને પણ જ્યાંની ભૂમીની સુગંધ એક અજીબ સૂકુન આપે એ ભૂમિની કિંમત આપણે શું આંકવાના ?

રહી વાત પૈસાની.... તો, આ પ્રોપર્ટી ને થોડી ડેવલપ કરીએ તો અહીં રહેવાનો...આપણા ફાર્મમાં રહેવાનો અનુભવ લેવા લોકો પડાપડી કરશે. ફાર્મ પર ધ્યાન આપીએ તો એની ઓરગેનીક ઉપજ તો દુનિયાભરમાં વેચાય ...અને અમારે પણ કોરપોરેટ કલ્ચરની રેટરેસમાં ન જોડાતા આ મનગમતું કામ જ કરવું છે. અમેરિકાની જોબ તમારી જેમ અમને પણ સંપત્તિ સર્જવાની તક આપશે પણ મનની શાંતિનું શું ? અમારે અમારું જ કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરવું છે. જે પૈસા સાથે મનનું સમાધાન પણ આપે..ને સૌથી વધારે તો... ડુ યુ રીયલાઈઝ?.... ગ્રાન્ડ પા ને ગ્રાન્ડ મા લવ ધીસ હોમ ! ...અમારા દાદા-દાદી કેટલા ક્યૂટ છે ! પણ કેટલાં લોન્લી પણ છે ?!.... ધે નીડ અસ !...

દાદીની રેસીપીસની ને દાદાની સ્ટોરી ટેલીંગની યૂ ટ્યૂબ ચેનલ અમે શરુ કરવાના છીએ. પછી જુઓ એમને કેટલા ફોલોઅર્સ મળે છે ! ને કેટલી કમાણી થાય છે. આ બધું અમે વારાફરતી અહીં રહીને કરીશું ને દાદા-દાદીને પણ કંપની આપીશું.....ને ડેડી, કાકા, તમે બધા પણ થોડા સમયમાં રીટાયર થશો તો વારંવાર અહીં નહી આવો ? તમારા મા-પાપા પાસે !!? બધા એ સંમતિ સૂચક માથું હલાવ્યું કે છોકરાંઓ ચીયર્સ કહેતાં જ દાદા-દાદી ને વીંટળાઈ વળ્યાં !

દાદા બોલી ઉઠ્યા " લે, આ તો ઉલ્ટી ગંગા ! "

દાદીએ વિજયી સ્મિત સાથે દાદા તરફ જોયું. એમની નજર પૂછતી હતી..જોયું હું નહોતી કહેતી ? થાપણ તો નહીં, પણ એનું વ્યાજ આપણને કેવું ખપ લાગ્યું ?


Rate this content
Log in