ઉડાન
ઉડાન


"શીલા કેમ હમણાં રાજ સૂનમૂન દેખાય છે. બહાર રમવા પણ નથી જતો." પ્રતિક સૂનમૂન બેઠેલા રાજને એકીટસે જોઈ રહ્યો.
"હા પ્રતીક મે પણ પૂછ્યું , કંઈ જવાબ નથી આપતો. બસ સૂનમૂન થઈ જોયા કરે છે." શીલાને પણ રાજની ચિંતા થવા લાગી.
થોડા દિવસ પછી પ્રતીક કામેથી થોડો વહેલો ઘરે પાછો ફર્યો. રાજ બહાર ઓટલા ઉપર બેઠો હતો. પ્રતિક છાનોમાનો તેને જોઈ રહ્યો. રાજના બધા મિત્રો બહાર રમતા હતા. તેમાંથી બે- ત્રણ મિત્રો સાઈકલ ચલાવતા હતા. પ્રતીકે જોયું કે રાજની નજર ફક્ત સાઈકલ પર હતી. હવે પ્રતીકને સમજાયું કે રાજને સાઈકલ જોઈએ છે.
"શીલા! રાજના સૂનમૂન રહેવાનું અને તેના મિત્રો સાથે બહાર રમવા નહી જવાનું કારણ સમજાઈ ગયું હવે. હું એક સારો પિતા ના બની શક્યો. મારા દિકરાની એક સાઈકલ લેવાની ઈચ્છા પણ પૂરી નથી કરી શકતો." પ્રતિકની આંખ ભરાઈ આવી.
"પ્રતીક કેમ આવું બોલો છો! મને ખબર છે તમે અમારી માટે કેટલી મહેનત કરો છો. આપણા ઘરની પરિસ્થિતી એવી છે કે આપણે વધારાના ખર્ચા ના કરી શકીએ અત્યારે. ઘરના ખર્ચા માંડ માંડ પૂરા થાય છે ત્યાં સાઈકલ કંઈ રીતે ખરીદવી! તમે ચિંતા ના કરો. રાજને હું સમજાવી દઈશ." પ્રતિકની વાતો સાંભળી શીલાની આંખમાં આંસું આવી ગયાં.
"શીલા રાજ બધું સમજે છે, એટલે જ કઈ બોલતો નથી. પણ હજી એ બાળક છે. તેની ઈચ્છાને તે રોકી ના શકે. શીલા હું કાલથી વધારે કામ કરીશ. ભલે મારે રાતપાળી કરવી પડે હું કરીશ. પરંતુ રાજના જન્મદિવસે તેને સાઈકલ જરૂર ગિફ્ટ કરીશ." પ્રતિકનો રાજ પ્રત્યેનો પ્રેમ જોઈ શીલા રડી પડી.
હવે પ્રતીક વધારે મહેનત કરવા લાગ્યો. ક્યારેક તો તે ઘરે પણ ના આવતો. વધારે મહેનત કરવાથી એકવાર તો તે બીમાર પણ પડી ગયો. પણ તેણે નક્કી કર્યું હતું કે રાજ માટે સાઈકલ ખરીદાય એટલા વધારાના પૈસા તો ભેગા કરવા જ પડશે.
રાજ પણ વિચારતો કે તેના પપ્પા કેમ આટલું બધું કામ કરે છે.
"મમ્મી! પપ્પા કેમ હમણાં મોડા આવે છે. કેટલા દિવસથી તેને મળ્યો નથી. પપ્પાને કહે ને બહુ કામ ના કરે. પપ્પા બીમાર પડી જશે તો!" રાજ બધું સમજે છે કે તેના ઘરની પરિસ્થિતિ સારી નથી.
તેના પપ્પા પૈસા માટે કેટલી મહેનત કરે છે.
"રાજ કાલ તારો જન્મદિવસ છે દિકરા. બોલ તારે શું ગિફ્ટ જોઈએ છે!" પ્રતીકે રાજને પોતાના ખોળામાં બેસાડ્યો.
"પપ્પા મારે કંઈ નથી જોઈતું. બસ કાલનો પૂરો દિવસ હું તમારી સાથે વિતાવવા માંગુ છું. બસ એ જ મારી ગિફ્ટ. અને પપ્પા તમે બહું કામ ના કરો. મને તમારી ચિંતા થાય છે. આટલું બધું કામ કરી તમે બીમાર પડી જશો તો! અને હું તમારી સાથે રમી પણ નથી શકતો." રાજની વાત સાંભળતા જ શીલા અને પ્રતીક રાજને વળગી રડી પડે છે.
"પ્રોમિસ બેટા કાલ આખો દિવસ હું તારી સાથે જ રહીશ. અને હવેથી વધારાનું કામ પણ બંધ. ખુશ!!"
આટલું સાંભળતા જ રાજ પ્રતીકને વળગી પડે છે.
"જોયું શીલા આપણો દિકરો કેટલો સમજદાર થઈ ગયો છે. કેટલી ચિંતા કરે છે આપણી." પ્રતીક ભાવુક બની ગયો.
બીજા દિવસે પ્રતીક અને શીલા ઉઠતાની સાથે જ રાજને જન્મદિવસની શુભકામના આપે છે.
"રાજ હવે તું આંખો બંધ કર. અને ચાલ મારી સાથે."પ્રતીક વિચારે છે કે રાજ પોતાની સાઈકલ જોઈ કેટલો ખુશ થશે.
"પપ્પા એવું વળી શું છે કે મારે આંખો બંધ રાખવી પડે." રાજને સમજાઈ ગયું કે નક્કી પપ્પા તેની માટે સરપ્રાઈઝ ગિફ્ટ લાવ્યા છે.
"રાજ હવે આંખ ખોલ." રાજ કરતા તો પ્રતીક વધારે ખુશ હતો.
આંખ ખોલતાની સાથે જ રાજની સામે સાઈકલ હતી.
"પપ્પા!!!!!" આટલું બોલતા જ રાજ પ્રતીકને વળગી રડવા લાગ્યો.
"અરે પાગલ! આજ તારો જન્મદિવસ છે. આજ રડવાનું ના હોય. મને ખબર હતી દિકરા કે તારે સાઈકલ જોઈતી હતી. પણ તું કહેતો નહોતો. આ તારી જ પોતાની સાઈકલ છે. તારા બાપની કમાણીની નવી સાઈકલ."
પપ્પા હવે મને સમજાણું કે તમે રાત દિવસ મહેનત કેમ કરતા હતા! મારી એક સાઈકલ ખરીદવા માટે તમે રાત- દિવસ એક કરી દીધા? લવ યુ પાપા.
એ દિવસ પછી રાજે મનમાં નક્કી કર્યું કે તે બહુ મહેનત કરશે. તે ભણી ગણીને ખૂબ આગળ વધશે. અને તેના પપ્પાને એક કાર ગિફ્ટ કરશે.
રાજ અને તેની સાઈકલ. બન્ને પોતાના સપનાને સાકાર કરવા ઉડવા લાગ્યા.
આજ રાજ એક સફળ બિઝનેસ મેન બની ગયો. તેના પપ્પાના જન્મદિવસે રાજે એક નવી કાર ગિફ્ટ કરી.
આજ પ્રતીક અને શીલાનો હરખ આંસુ બની વહેવા લાગ્યો. બંને રાજને ભેટી રડવા લાગ્યા.
આજ રાજ અને તેના મમ્મી- પપ્પા એક આલીશાન બંગલામાં રહે છે. છતાં રાજ રોજ સવારે પપ્પાએ આપેલી સાઈકલને સાફ કરી સવારી કરવા નીકળી પડે છે. એ સાઈકલને પોતાના જીવ કરતા પણ વધારે સાચવે છે.
"બેટા હવે આ સાઈકલ સાવ ખખડધજ થઈ ગઈ છે. જવા દે હવે ભંગારમાં." પ્રતીકે રાજને કેટલીવાર કહ્યું પણ રાજ હમેંશા સ્મિત આપી વાત ટાળી દેતો.
"પપ્પા આ એ જ સાઈકલ છે જે તમે રાત દિવસ એક કરી મારી માટે લાવ્યા હતા. તમારી પરસેવાની કમાણી છે. અને આ એ જ સાઈકલ છે જેણે મને ઉડતા શીખવ્યું. આજ હું જે કંઈ છું તે આ સાઈકલના કારણે જ છું."
"પપ્પા કોઈ પોતાના શ્વાસને પોતાનાથી અળગો કરી શકે ખરી!!!" આટલું સાંભળતાની સાથે જ પ્રતીક રાજને વળગી રડી પડ્યો.