STORYMIRROR

mariyam dhupli

Children Stories Drama Inspirational

4  

mariyam dhupli

Children Stories Drama Inspirational

ટોચ

ટોચ

5 mins
391

હું ચાલતા ચાલતા રિસોર્ટનાં ગાર્ડન એરિયા તરફ આવી પહોંચ્યો. મારા ડગલામાં હજી પણ અરાજકતા હતી. ચાલતો ચાલતો આગળ વધી તો આવ્યો. પણ હવે ક્યાં જવું હતું એ નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવી રહ્યો હતો. મનમાં ઊઠી રહેલા વિચારો એકબીજા જોડે યુદ્ધમાં ઉતર્યા હતા અને એ ધમાસાણ વિચારોએ આગળનો રસ્તો ધૂંધળો કરી મૂક્યો હતો. મારે એ ધૂંધળા રસ્તા વચ્ચેથી કોઈ માર્ગ લેવાનો હતો. વિચારોના ભાર જોડે મારી નજર ઉદ્યાન વિસ્તારમાં ચારે તરફ અહીંથી ત્યાં ફરી રહી. બહુ ચાલી ચૂક્યો હતો. હવે મારે જપીને થોડું બેસવું હતું. પરંતુ એ માટે એક એવા સ્થળની જરૂર હતી જ્યાં મને કોઈ ઓળખી ન શકે. કારણકે જો કોઈ ઓળખી ગયું તો બધીજ મહેનત પાણીમાં. હોટેલના ઓરડામાં હું અંતિમ એક અઠવાડિયાથી બંધ હતો. મને લાગ્યું કે કદાચ એ બંધ ઓરડાના અંધકારમાં એક તપસ્વી જેમ તપ કરવાથી, બધાથી વિમુખ થઇ મને મારા પ્રશ્નનો ઉત્તર મળી જશે. જે નિર્ણય લેવા માટે હું આખા વિશ્વના કોલાહલથી ભાગી છૂટી અહીં એકાંતની શોધમાં આવી પહોંચ્યો હતો એ નિર્ણય સુધી કદાચ હું પહોંચી જઈશ. પણ એ એટલું સહેલું ન હતું. 

આજે હોટેલમાં ચેકઇન કરવાને એક અઠવાડિયું વિતી ચૂક્યું હતું. આજે સાંજે મારું ચેક આઉટ હતું. રિસોર્ટના સ્ટાફ તરફથી મારી ઓળખ છૂપાવવા અને મારી ગોપનીયતા જાળવી રાખવા, મારા એકાંતને વિઘ્ન વિહીન બનાવી રાખવા દરેક પ્રયાસ સંપૂર્ણ પણે થયો હતો. આઈ કાન્ટ કમ્પ્લેન ! 

પણ ફરિયાદ તો મને મારી જાત જોડે હતી. એક અઠવાડિયાનો લાંબો સમયગાળો આપ્યા છતાં, સાત દિવસો સુધી મિત્રો અને કુટુંબથી કોઈ પણ પ્રકારના સંપર્કમાં ન રહીને પણ, આખી દુનિયાથી કપાઈ અહીં આ રિસોર્ટના અતિ શાંત વાતાવરણ વચ્ચે પણ હું મારા નિર્ણય સુધી પહોંચી શક્યો ન હતો. આજે સ્વર્ગસ્થ પિતાજીની યાદ હૈયાને હચમચાવી રહી હતી. જો એ હોત તો મારા મનની મૂંઝવણોનું સમાધાન સહેલાઈથી મળી ગયું હોત. ચારે દિશામાંથી ઉઠી રહેલા જાતજાતના ને ભાતભાતના અભિપ્રાયો વચ્ચે એક એમનીજ સલાહ સાચી પથદર્શક બની શકી હોત. કારણકે એ સલાહ સાચા હૃદયથી નીકળી હોત. એમાં અન્ય અભિપ્રાયો જેવી આર્થિક, સ્વાર્થી અને અંગત ફાયદાકીય રાજનીતિની ભેળસેળ ન હોત. પણ હવે.....

સાત દિવસોના વનવાસ પછી પણ મારુ મન હજી અસ્પષ્ટ અને વ્યાકુળ ભટકી રહ્યું હતું. રાત્રિનું વિમાન એરપોર્ટ ઉપર મારી રાહ જોઈ રહ્યું હતું. મારી પત્ની, મારું બાળક, મારા મિત્રો, મારા સાથી. એ દરેક વ્યક્તિ જે મારું ભલું ઇચ્છતી હતી ને એ દરેક વ્યક્તિ જે કદાચ ન પણ ઇચ્છતી હોય...એ બધાજ મારી પરત થવાની રાહ જોઈ રહ્યા હતા. અને આવ્યા હોઈએ તો પરત પણ થવું જ પડે ને....ધેટ્સ ઘી ઓન્લી રુલ ઓફ લાઈફ !

મારું ભારે મન સાથે ઘસડતો હું બગીચાની અંદર પ્રવેશી ગયો. ચારે તરફ નીરવ શાંતિ હતી. નજીકના એક બાંકડા ઉપર હું ગોઠવાયો. વિચારોની સતત ગતિથી હું હાંફી રહ્યો હતો. એક ઊંડો શ્વાસ અંદર તરફ ખેંચી એક નિસાસા સભર ઉચ્છવાસ મેં બહારના વાતાવરણમાં છોડી મુક્યો. 

" પપ્પા...પપ્પા....આ જુઓ...."

સન્નાટાને ચીરતો એક પાંચ વર્ષનો છોકરો પોતાના પપ્પાને પ્રભાવિત કરવાના હેતુસર ગાર્ડન એરિયાના બાળકો માટે સેટપ થયેલા એડવેન્ચર અને ફનઝોનમાં ધસી આવ્યો. બાળકોના ચઢાણના કૌશલ્યો વિકસાવવા માટે ઊભાં કરવામાં આવેલા ક્લાઈમ્બિંગ ચેલેન્જ સેટપ ઉપર એના ઉત્સાહસભર ડગલાં ઉતાવળથી આગળ વધી રહ્યા. 

" સંભાળીને દર્શ. કિપ યોર બેલેન્સ. " 

દીકરાના સમતોલન અંગે ચિંતા દર્શાવતા પિતાનો અવાજ સાંભળતાજ મેં ખિસ્સામાંથી રૂમાલ કાઢી મોઢા ઉપર બાંધી લીધો. માથાની કેપને વધારે નીચેની દિશામાં ખેંચી લીધી. 

ચઢાણ કરી રહેલા દીકરાને ગર્વસભર હસતા ચહેરે નિહાળી રહેલ પિતાને જોઈ મને ફરી મારા પિતાજી તાદ્રશ આંખો આગળ દેખાઈ આવ્યા. 

પેલું બાળક એક પછી એક ચઢાણનું પાસું સફળતાથી પાર કરતું વધુને વધુ ઉપરની દિશામાં આગળ વધી રહ્યું હતું. એને ક્લાઈમ્બિંગ ચેલેંજના અંતિમ ચરણ ઉપર કોઈ પણ કિંમતે પહોંચવું હતું. એ જીદ્દ, એ મક્કમતા......હું મારી જાતનેજ જાણે ત્યાં જોઈ રહ્યો હતો. ચઢાણના અંતિમ ચરણ ઉપર એક અત્યંત સાંકડું સ્થળ હતું. ફક્ત એકજ વ્યક્તિ ઊભી રહી શકે એટલું સાંકડું. ત્યાં પહોંચી જનાર એ ટોચ પરથી પહાડીમાં વસેલા આખા શહેરનું દર્શન કરી શકે. પડકાર સફળતાપૂર્વક પાર પાડવાના ઇનામ સ્વરૂપે. 

" યસ ! યુ કેન ડુ ઈટ. કમોન માય બોય. " 

તાળી જોડે પિતા તરફથી મળી રહેલા પ્રોત્સાહનથી વધુ જોશ મળ્યું હોય એમ હિંમત હાર્યા વિના એકજ શ્વાસે એ ઝડપ વધારતો વધુને વધુ ઊંચું ચઢાણ પાર કરતો ચાલ્યો. જેમ જેમ એ આગળ વધી રહ્યો હતો તેમ તેમ એના ચહેરા ઉપર વધુ ને વધુ આત્મવિશ્વાસ છલકાઈ રહ્યો હતો. એ વધેલા આત્મવિશ્વાસને નિહાળી પિતાના ચહેરા ઉપરનો ગર્વ પણ પ્રમાણમાં એટલોજ વધી રહ્યો હતો. 

" યસ આઈ ડીડ ઈટ. " 

ટોચ ઉપર પહોંચી એણે બંને હાથ ફેલાવી પોતાની સફળતાની ઉજવણી કરી. એની નજર ટોચ ઉપરથી દેખાઈ રહેલા રમણ્ય દ્રશ્ય ઉપર અચરજથી ફરી રહી. નીચે ઊભાં પિતાના હાથ હજી ખુશી જોડે તાળી વર્ષાવી રહ્યા હતાં. પોતાના દીકરાની જીત પોતાનીજ જીત હોય એમ ચહેરો ખુશીથી ચળકી રહ્યો હતો. 

થોડા સમય સુધી આંખો સામેના રમણ્ય દ્રશ્યને નિહાળી એણે નીચેની દિશામાં દ્રષ્ટિ કરી. 

" હવે ? " 

મારી આંખો હેરતથી પિતા ઉપર આવી પડી. દીકરાએ પૂછેલા પ્રશ્નનો એ શું ઉત્તર વાળશે ? 

અત્યંત પરિપક્વતા ભરી સહજતા જોડે પિતાએ હસતા ચહેરે કહ્યું.

" હવે કેટલા સમય સુધી ત્યાં ઊભો રહેશે ? થાકી જશે. ધીરે ધીરે નીચે આવતો રહે. જો તારી પાછળ કોઈ અન્ય છોકરો પણ છે. હવે એને ત્યાં ઊભાં રહેવાની તક આપ. "

પિતાની વાતનું તર્ક સમજતા દીકરાએ બીજી બાજુ નીચે તરફ ઉતરવા માટેની દાદરા તરફ પ્રયાણ કર્યું. એના પ્રયાણની જોડે મહેનત કરીને ઉપર સુધી પહોંચેલો અન્ય છોકરો ટોચ ઉપર પહોંચી ગયો. નીચે તરફ ઉતરી રહેલા છોકરાને જોઈ એણે હાસ્યસભર ચહેરે " થેંક્યુ " કહ્યું. 

" યુ આર વેલકમ " અન્ય છોકરાને દ્રશ્યની સુંદરતા માણવાની તક અને એકલતા આપતો એ ખુશી ખુશી દાદરો ઉતરતો નીચે પિતા પાસે પહોંચી ગયો. 

દીકરાના ખભે પિતાના ગર્વ યુક્ત હાથ ટેકવાયા અને બંને બગીચાની બહાર તરફ પ્રયાણ કરી ગયા. 

હું તરતજ બાંકડા ઉપરથી ઊભો થઈ ગયો. હોટેલના રૂમમાં જઈ મેં એક મહત્વનો કોલ કર્યો. એ કોલ જોડે મેં મારો નિર્ણય આખા વિશ્વ સામે જાહેર કરી દીધો. 

બીજે દિવસે હું મારા ઘરના શયનખંડમાં નિરાંતે બેઠો હતો. શયનખંડમાં પ્રકાશ પાથરી રહેલ ટીવીના દરેક સમાચાર ચેનલો ઉપર મારું નામ બ્રેકીંગ ન્યુઝમાં ઝળહળી રહ્યું હતું. દરેક સમાચાર ચેનલોની સ્ક્રીન આઠ થી દસ વિભાગમાં વહેંચાઈ ગઈ હતી. એ દરેક વિભાગમાં કોઈ ને કોઈ વિશેષજ્ઞ મારા લેવાયેલા નિર્ણય ઉપર પોતપોતાની વિશિષ્ટ ટિપ્પણી આપી રહ્યા હતાં. તેમના અભિપ્રાયોથી મારા મક્કમ મનને કોઈ પણ અસર થઈ રહી ન હતી. મારું મન અત્યંત શાંત હતું. મારા મોબાઈલની રિંગ ટોનથી મારું ધ્યાન ટીવીની સ્ક્રીન ઉપરથી હટી મોબાઈલની સ્ક્રીન ઉપર દોરાયું. અજિતનો કોલ હતો. મારો જુનિયર. મેં તરતજ વિડીયો કોલ ઉપાડ્યો. એની આંખોનું ભેજ મને સ્પષ્ટ દેખાયું. 

" આઈ વીલ મિસ યુ. " 

એણે કહેલા શબ્દોમાં મને ટોચ ઉપર પહોંચેલ પેલા અન્ય છોકરાનું "થેન્ક યુ" સંભળાયું. મારા મનમાંથી "યુ આર વેલકમ" નીકળવા જ જઈ રહ્યું હતું કે મેં શબ્દો જોડે ભાવનાઓ ઉપરની પકડ મજબૂત કરી.

"આઈ વીલ મિસ યુ ટુ...." 

મારી આંખોનું ભેજ એ પકડી પાડે એ પહેલા મેં કોલ કાપી નાખ્યો. એ ક્ષણે મને એવું અનુભવાયું જાણે હું ધીમે ધીમે દાદર ઉતરી નીચે આવી પહોંચ્યો હતો અને મારા ખભા ઉપર પિતાજીએ ગર્વથી હાથ ટેકયો હતો. 

સામેની ભીંત ઉપરના ટીવીની સ્ક્રીન ઉપર હજી પણ બ્રેકીંગ ન્યુઝમાં એનોએજ પ્રશ્ન ઝબકારા છોડી રહ્યો હતો. 

'૩૭ વર્ષની આયુમાં દેશના ટોપ ક્રિકેટર કાર્તિકે વન ડે અને ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો. શું હજી થોડા વર્ષ એ રમી શક્યા હોત ? એમનો નિર્ણય યોગ્ય કે અયોગ્ય ?'


Rate this content
Log in