ટીપુ
ટીપુ




"આ નરેશીયો તો કેવો ચોંટી ગયો હતો ! જવાનું નામ જ લેતો ન હતો, ને રહેતો હતો પણ કેવો જાણે એ ઘરનો માલિક અને હું એનો મહેમાન!" મણીભાઈ એમના લંગોટિયા યારને અત્યારે જ અમદાવાદની બસમાં બેસાડીને ઘરે આવ્યા.
તેમણે બે દિવસ રહેવાં માટે સામાન્ય આગ્રહ કર્યો ને તેમનો ચિપકુ મિત્ર નરેશ બરાબર મહિનો ટકી ગયો!
"દાદા માલિક એટલે?" ટીપુએ પ્રશ્ન કર્યો.
"જેનું ઘર હોય તે."
"મહેમાન એટલે?"
"જે થોડા સમય માટે બીજાના ઘરમાં રહેવા આવે તે."
"તમે ધરતીના મહેમાન છો, માલિક નહીં." દીવાલ પર લાગેલાં બોર્ડ પર ટીપુની નજર પડી. પેપર લઈને સોફા પર નિરાંતે બેઠેલા દાદાની બાજુમાં જઈને ચૂપચાપ ગોઠવાઈ ગયો.
"આ ધરતીના માલિક કોણ છે દાદા?"
"ભગવાન. તેમણે આપણને સુંદર ધરતી બનાવી તેનું જતન કરવા જન્મ આપ્યો, જીવન ટકાવી રાખવા હવા, પાણી, ખોરાકની વ્યવસ્થા કરી આપી. આપણે તેના મહેમાન છીએ.”
"દાદા મેં વાંચ્યું છે ક્યાંક, અમેરિકાના સૌથી પહેલા અવકાશયાત્રીએ જયારે સુંદર પૃથ્વીને ચંદ્રની સપાટી પરથી જોઈ ત્યારે તે રડી પડેલો."
“પણ બેટા, ભગવાનની માલિકીના ઘરમાં રહેતા આપણે સૌ તેની જાળવણીમાં ઉણા ઉતર્યા છીએ. માણસો એકબીજા સાથેના સંબંધની જાળવણીમાં નાપાસ થયા છે. અરે હવે તો પોતાના માટે શું સારું છે એનું ભાન પણ ભૂલ્યાં છે. જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. આપણે પણ બધા એક દિવસ જતા રહીશું." મણીભાઈની નજર છાપાના મથાળે હતી. 'ભયમાં ઉછાળો! વિશ્વમાં 32 લાખ કેસને પાર!' તે તેમની ધૂનમાં જ બોલ્યે જતા હતા.
ટીપુને બધું ન સમજાયું પણ તેની નજર અહોભાવથી શ્રીકૃષ્ણના ફોટાને તાકતો રહ્યો.