ત્રણ ઉંદર
ત્રણ ઉંદર
હકીમની ડાયરી : બીજું પાનું —
“ત્રણ ઉંદર”
લેખક: કલ્પેશ પટેલ
બગદાદના શહેનશાહના મહેલમાં આજે વિશેષ દરબાર ભરાયો હતો. રાજા પોતે રાજગાદી પર બિરાજમાન હતો. દરબારની શોભા એવી હતી જાણે આકાશના તારા ધરતી પર ટમટમાવી રહ્યાં હોય. પણ રાજાની આંખોમાં શરારત ઝળકી રહી હતી. આજે તેણે શહેરના જાણીતા હકીમ હાસમની મજાક ઉડાવવાની હઠ લીધી હતી.
રાજાએ પોતાના વઝીરને આદેશ આપ્યો,
"તાબડતોબ હાસમ હકીમને દરબારમાં હાજર કરો."
થોડા સમયમાં શાહી સિપાહીઓ એ હાસમને લાવીને દરબારમાં ઉભો કર્યો. શહેનશાહએ મૂછ મરડતાં જણાવ્યું,
"હે હકીમ હાસમ! લોકો કહે છે કે તું નાડી જોઈને માણસના રોગનું નિદાન કરી શકે છે. આજે એ કળાની અમને જરૂર છે."
હકીમ શાંતભાવે બેસ્યો, નમ્ર સ્વરે જવાબ આપ્યો,
"હુકમ કરો સરકાર, આ સેવક તમારી સેવામાં હાજર છે."
ત્યારે રાજાએ એકં પ્રશ્ન પૂછ્યો
"રાણી સાહેબાન ગર્ભવતી છે. તું નાડી જોઈને કહો કે એની કુંખે રાજકુમાર જન્મશે કે રાજકુમારી?"
હાસમ એક ક્ષણ માટે ચકિત થયો. પછી વિનમ્રતાથી કહ્યું,
"મહારાજ, હું રાણીવાસમાં કેમ જઈ શકું? પણ જો મર્જી હોય તો રાણીના પગે આ દોરી બાંધી દો. એની નાડીનો સ્પંદન હું આ દોરીથી અનુભવવાનો પ્રયાસ કરીશ."
રાજાએ તરત રાણીવાસમાં જઈને, હાસમ ની પરિક્ષા લેવા હેતુ થી, દોરી નો છેડો રાણી ના ડાબા પગે બાંધ્યો. પણ રાણીવાસ માં રાણી ને મજાક સુજી, તેણે તે દોરી છોડી,પોતાની બિલાડીના ડાબા પગે એ દોરી બાંધી. હવે બીજો છેડો તો હાસમના હાથમાં હતો, તે આંખ મીંચી નિદાન કરી રહ્યો હતો .
આખો દરબાર નિઃશબ્દ. બધા રોમાંચથી ભરાયેલા. આજ તો હકીમની હકીમી ફસાશે!
હાસમ દોરી પકડીને એક ક્ષણ મૌન રહ્યો. જાણે ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો હોય.
રાજા પણ હવે અધીરો બની ગયો. તીખા અવાજે બોલ્યો,
"હે હકીમ! આટલી વાર જેમ લાગે છે?મારી રાણીના ગર્ભમાં શું છે? જો તું સાચો હકીમ છે તો તાબડતોબ જવાબ આપ!"
હાસમ હળવા હાસ્ય સાથે બોલ્યો,
"મહારાજ... આ તો મોટું રહસ્ય છે... પણ નાડી સ્પષ્ટ સંકેત આપે છે કે... તમારી રાણીના ગર્ભમાં ત્રણ ઉંદર છે!"
દરબારમાં જાણે વીજળી પડી. એક ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો.
"ત્રણ... ઉંદર?" રાજાની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તેણે તલવાર પકડી અને તેને મારે તે પહેલાં જ હાસમ ફરી બોલ્યો,
"હું કંઈ ખોટું નથી બોલતો, મહારાજ. તમે જ તો દોરી બાંધી છે, તેની ફરી થી આખરી ભાળ લઈ જુઓ."
રાજા મરમરમાં, ભભકતો રાણીવાસ તરફ દોડ્યો. ત્યાં રાણી આરામ કરી રહી હતી અને એની નજીક રાજાની વહાલી બિલાડી બેઠી હતી — પગે એ જ દોરી બંધાયેલી હતી!
હાસમ હસ્યો નહોતો, પણ આખો દરબાર મોઢા છૂપાવી છૂપાવી હસતો હતો.
રાજાને હવે ઉતાવમાં ગુસ્સો કરવાની ભૂલ સમજાઈ ગઈ. રાણી નો હાસમ હકીમની મજાક ઉડાવવાનો પ્રયાસ હવે તેની પોતાની મજાક બની ગયો હતો.
રાજા પાસે આવી હાસમના પગે પડી માફી માંગી. કિંમતી ભેટો આપી, અને જાહેરમાં હાસમના જ્ઞાન અને બુદ્ધિનું બખાન કર્યું.
હકીમ હાસમ એ પોતાના મનમાં વિચાર્યું,
"છલ કરવાનો વિચાર લાવનાર પોતે જ છલમાં ફસાઈ જાય — અને બુદ્ધિનો તીખો પાતળો છલને પણ વીંધી નાંખે."
---
વાર્તા સિરીઝ ની બીજો ભાગ કેવો લાગ્યો મૂલ્યાંકન કરો અને પ્રતિભાવ આપો 🙏🏻
