ત્રણ સોનેરી ફૂલ
ત્રણ સોનેરી ફૂલ


પર્વતારોહક સુધીર તેની પત્ની ઉન્નતિ સાથે તેના આઠ વર્ષના દીકરા રાજુને નાનપણથી જ પર્વતારોહણની તાલીમ મળી રહે તે હેતુથી એક નાનકડી પરંતુ અંતરિયાળ પહાડી પર ફરવા ગયો. અહીં ફરતા ફરતા અચાનક તેના ધ્યાનમાં એક એવી કરાડ આવી જે દુનિયા માટે હજુસુધી અજ્ઞાત હતી! અનાયાસે એક અનોખી જગ્યા શોધી છે તેનો આભાસ થતા સુધીરે કરાડથી દૂર પરંતુ સલામત એવી જગ્યાએ ઉન્નતિ અને રાજુને ઉભા રાખી પોતે સંશોધાનાર્થે કરાડ તરફ આગળ વધ્યો. કરાડમાં થોડે સુધી અંદર ઉતરતા જ સુધીરના ધ્યાનમાં આવ્યું કે તે જગ્યા અવનવી વનસ્પતિ સૃષ્ટિથી છવાયેલી હતી. અહીં આવેલી વનસ્પતિની ડાળીઓ જાતજાતના અને ભાતભાતના સોનેરી ફૂલોથી શોભતી હતી. સુધીરે માથા પરની ટોપી કાઢીને ચોમેર આવેલા મનોરમ્ય દ્રશ્યને નિહાળ્યું. કદાચ અહીં કોઈ જોખમ હશે તો? એમ વિચારી સુધીરને ઉન્નતિ અને રાજુને અહીં લાવવું ઉચિત લાગ્યું નહીં. પરંતુ તેઓને અહીંની અજબગજબ સૃષ્ટિથી અવગત કરાવવા તે એક સોનેરી રંગનું ફૂલ ચુંટીને કરાડની બહાર આવ્યો અને દૂર ઉભેલા ઉન્નતિ અને રાજુને તે દેખાડ્યું. સુધીરે જોયું કે રાજુ તે જોઈ આનંદથી ચિચિયારીઓ પાડવા લાગ્યો. દીકરાને ખુશ થયેલો જોઈ સુધીર ફરી કરાડમાં ઉતર્યો અને એક બીજી ભાતનું સોનેરી ફૂલ ચૂંટીને પાછો કરાડની બહાર આવ્યો. આ વખતે પણ રાજુએ આનંદથી ચિચિયારીઓ પાડી. એકદમ અનોખું ફૂલ શોધી દીકરાને વધુ ખુશી અપાવાની આશાએ તે ફરી કરાડની અંદર ઉતર્યો. ઘણી શોધખોળ બાદ તેને એક અનોખી ભાતનું સોનેરી ફૂલ મળી આવ્યું જે ચૂંટીને સુધીર ફરી કરાડની બહાર આવ્યો. રાજુએ ફરીથી આનંદથી ચિચિયારીઓ પાડી. ચૂંટેલા એ ત્રણે ફૂલ ભેગા કરીને સુધીર કરાડની બહાર આવ્યો પરંતુ તાપમાં આવતા જ તેના ધ્યાનમાં આવ્યું કે તે પોતાની ટોપી તો કરાડની અંદર જ ભૂલી ગયો હતો! સુધીરે ઝડપથી ત્રણે સોનેરી ફૂલ ત્યાંજ મુક્યા અને પોતે ટોપી પાછી લેવા ફરી કરાડની અંદર ઉતર્યો. થોડીવાર પછી તે પોતાની ટોપી લઈને કરાડની બહાર આવ્યો ત્યારે રાજુએ આનંદની ચિચિયારીઓ સાથે તાળીઓ પણ પાડી! સુધીરને આ જોઇને ખૂબ નવાઈ લાગી. ઉન્નતિ અને રાજુની પાસે આવી સુધીરે ત્રણે સોનેરી ફૂલ રાજુને આપીને ઉન્નતિને પૂછ્યું, “ચોથીવાર જયારે હું કરાડની બહાર આવ્યો ત્યારે મારા હાથમાં તો કોઈ પણ જાતનું ફૂલ નહોતું છતાંયે રાજુએ આનંદથી ચિચિયારીઓ કેમ પાડી હતી?”
ઉન્નતિએ રાજુને બાથમાં ઉઠાવીને કહ્યું, “કેમ ચિચિયારીઓ પાડી હતી એટલે? અરે! તમે જયારે પણ કરાડની અંદર ઉતરતા ત્યારે અમારા માઁ-દીકરાનો જીવ અદ્ધર થઇ જતો. આપણો રાજુ તો ચિંતાતુર થઈને કરાડ તરફ એકીટશે જોઈ રહેતો હતો અને જેવા તમે કરાડમાંથી સહીસલામત પાછા આવતા તેવો તે આનંદથી ચિચિયારીઓ પાડી ઉઠતો હતો. અમારા બંનેનું ધ્યાન તમારા હાથમાંના ફૂલ તરફ ક્યારે ગયું જ નહોતું!”
સુધીરને આનંદથી ભેટી પડવા રાજુએ ફેંકી દીધા તેના હાથમાંના નડતરરૂપ બની રહેલા એ ત્રણ સોનેરી ફૂલ!