સ્વતંત્રતા
સ્વતંત્રતા
એક સવારે મેઘ દાદીમાં જોડે બાગમાં બેઠો હતો. મેઘના ઘરથી નજીક આ બાગ હોવાથી દાદી -દીકરો દરરોજ સવારે ઠાકોરજીની સેવા માટે ફૂલો ચૂંટવા આવતાં હતાં. દાદી મેઘને પૂછે છે કે " તું ઉદાસ છે ?" મેઘ જવાબ આપે છે કે " હા દાદી, સવાર-સવારમાં મમ્મી-પપ્પા આવી સરસ સવારનો આનંદ લેવાને બદલે નાસ્તો અને ટિફિન તૈયાર કરવામાં જ પડ્યા રહે છે." દાદીમાંએ કહ્યું કે "બેટા, નોકરી કરવી, કામ કરવું પણ જરૂરી છે, તારો અભ્યાસ આગળ જતા... તારા મમ્મી-પપ્પાએ બધું વિચારવું પડે ને ! "
મેઘને થોડા દિવસો પછી બાગમાં રમતાં- રમતાં એક કુંજા જેવું મળે છે. મેઘને એ કુંજો આમ તો કીટલી જેવો લાગે છે. મેઘ આ કીટલીને બંને બાજુ ફેરવીને જુએ છે. મેઘનો હાથ અચાનક જ કીટલી સાથે ઘસાઈ જાય છે. મેઘ કીટલીનાં નાળચામાંથી ધુમાડો નીકળતો જોઈ ગભરાઈ જાય છે. જીની હવામાં હાથ ફેલાવીને પૂછે છે કે "મારા માટે શું હુકમ છે ?" મેઘને ખબર પડી ગઈ કે આ તો અલાદ્દીનના ચિરાગ જેવું જ છે. મેઘ કહે છે કે " જીની, જો સાંભળ, સવારે મમ્મીને મદદ કરજે." જીનીએ કહ્યું કે " સવારની વાત સવારે, અત્યારે શું હુકમ છે ?" કંઈ નહીં, કીટલીમાં જઈને સૂઈ જા - એમ મેઘ બોલ્યો કે તરત જ જીની કિટલીમાં પુરાઈ ગઈ.
મેઘ ઘરે આવતાં જ દાદીમાંને બધી વાત કરે છે. દાદીમાં મેઘને સમજાવે છે કે " બેટા, ગુલામી કરાવવી એ સારી વાત નથી, આ જાદુઈ કીટલી કે અલાદ્દીનનો ચિરાગ જે હોય તે, તું એક સારા માલિક તરીકે જીનીને સ્વતંત્ર કરી દેજે."
મેઘ પોતે એક બાર વર્ષનો છોકરો માલિક ! મેઘ ખૂબ ગૌરવની લાગણી અનુભવે છે. મેઘ વ્હેલી સવારે જાગી જાય છે. મેઘ કીટલી પર હાથ ઘસીને જીનીને બોલાવે છે, અને સ્વતંત્ર કરવાની વાત કરે છે. જીની રાજી રાજી થઈ જાય છે. જીની કહે છે કે " મારે જતાં પહેલાં મારા માલિકનું એક કામ તો કરવું જ પડે" મેઘ જીનીને ચા-દૂધ, નાસ્તો અને ટિફિન તૈયાર કરી આપવાનું કહે છે. જીની ફટાફટ તૈયાર કરી દે છે. મેઘ એટલી વારમાં દાદીમાં તથા મમ્મી-પપ્પાને બોલાવી લે છે.
જીની એક આત્મા જ હોય છે. જીની મેઘ માલિકની આ કૃપાથી સ્વતંત્રતા મેળવી આકાશ તરફ પ્રયાણ કરે છે, બધાં આનંદથી જોઈ રહે છે.
મેઘ આજે દાદીમાં તથા મમ્મી-પપ્પા જોડે બાગમાં જાય છે, બધાં આહલાદક વાતાવરણનો અનુભવ કરે છે. મેઘના મમ્મીને નાસ્તો અને ટિફિન તૈયાર કરવાનાં ન હોવાથી તેઓ નિશ્ચિત છે.
