STORYMIRROR

Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

4  

Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

સુપરહીરો

સુપરહીરો

2 mins
160

    આજે રાહુલે ટી.વી. પર સુપરમેનની ફિલ્મ જોઈ. સુપરમેનને દુશ્મનો સામે લડતા અને ગગનચુંબી ઈમારતો પરથી છલાંગ લગાવતા જોઈ રાહુલ ખૂબ પ્રભાવિત થઈ ગયો. રાહુલ વિચારવા લાગ્યો કે, “સુપરમેન, કેવું આસમાનમાં ઊડી લોકોની મદદે પહોંચી જાય છે ! જો તેનામાં પણ આવી કોઈ અદ્ભૂત શક્તિ આવી જાય તો કેવી મજા પડે નહીં.”

    આમ વિચારી રાહુલે ટુવાલને ખભા પર બાંધી આખા ઘરમાં દોડાદોડ કરવા લાગ્યો. તેને આમ મસ્તી કરતા જોઈ રાહુલની માતા દિવ્યાબેન બોલ્યા, “બેટા ? આ શું કરી રહ્યો છે ?”

    “મમ્મી, હું મોટો થઈને સુપરમેન બનીશ. સુપરમેનની જેમ લોકોના જીવ બચાવીશ અને તેઓના આશીર્વાદ લઈશ. જો આમ થશે તો કેટલી મજા આવશે નહીં ?”

    રાહુલની વાત સાંભળી દિવ્યાબેને સ્મિત કર્યું.

    રાહુલ આગળ બોલ્યો, “મમ્મી, પપ્પા કેમ કેપ્ટન અમેરિકા, સુપર મેન, આયર્ન મેન, બેટમેન, બ્લેક પેન્થર, હલ્ક, સ્પાઈડર મેન કે કેપ્ટન માર્વેલ જેવા સુપરહીરો ન બન્યા ?”

રાહુલની મમ્મીએ કહ્યું, “બેટા, તારા પિતાજીને આમના જેવા સુપરહીરો બનવાની કોઈ જરૂર નથી.”

“હું કંઈ સમજ્યો નહીં !”

“બેટા, આ બધા કાલ્પનિક સુપર હીરો છે જયારે તારા પિતાજી વાસ્તવિક સુપર હીરો છે. હવે તું જ બોલ જયારે તેઓ વાસ્તવિક સુપરહીરો હોય ત્યારે તેઓ આવા નકામા કાલ્પનિક સુપર હીરો બનવાનું કેમ વિચારે ? અને જો તેઓ એવા કાલ્પનિક સુપરહીરો બનવાનું વિચારશેને તો હું તેમને બનવા નહીં દઉં.”

“પપ્પા સુપરહીરો છે ?”

“હા, બેટા. મને એ કહે કે તારા સુપર હીરો શું કરે છે ?”

“પોતાના જીવના જોખમે લોકોના જીવ બચાવે છે.”

“તો તારા પપ્પા પણ એજ તો કામ કરે છે. પરંતુ આપણા દેશની આ જ તો ખાસિયત છે કે તેઓ અસલ કરતા નકલને વધારે મહત્વ આપે છે. હવે જોને નકલી લીંબુ પાણી બોટલમાં ભરાઈને કરોડોમાં વેંચાય છે. જયારે અસલી લીંબુ પાણી હોટલમાં હેન્ડવોશ માટે વપરાય છે ! પરંતુ તારા પપ્પાએ નકલ કરતા અસલને મહત્વ આપ્યું. તેઓએ સુપરમેન કે સ્પાઈડરમેન બનવા કરતા ફાયરમેન બનવાનું વધુ પસંદ કર્યું. કોઈ બિલ્ડીગમાં આગ લાગી હોય ત્યારે તારા પપ્પા તેમાં ફસાયેલા લોકોના જાન બચાવે છે. આ માટે તેઓ પોતાના જાનની પણ પરવા કરતા નથી. બેટા, જો મોટા થઈને તારે વાસ્તવમાં દેશની સેવા કરવી હોય તો તારા પપ્પા જેવું કોઈક દેશસેવાનું કામ કર. બેટા, સુપરમેન, સ્પાઈડરમેન કે બેટમેન જેવા કાલ્પનિક પાત્રો બનવાના વિચાર છોડી. તું ડોક્ટર, આર્મીમેન, પોલીસમેન કે ફાયરમેન બનવાનું વિચાર. કારણ એ જ દેશના અસલી સુપર હીરો છે. વર્તમાનમાં જ જોને આ લોકો જ પોતાના જીવના જોખમે કોરોના વોરિયર બની લોકોના જાન બચાવી રહ્યા છે ને ?”

રાહુલે કહ્યું, “તારી વાત સાચી છે મમ્મી. સેલ્યુટ છે એવા દેશ સેવકોને. સેલ્યુટ છે પોતાના જાન પર ખેલી દેશસેવા કરતા એ સુપરહીરોને.”  


Rate this content
Log in