સમાજ માટે વફાદારી
સમાજ માટે વફાદારી
કોઈ એક શહેર હતું. અને ત્યાં અલગ અલગ પ્રકારનું બજાર ભરાતું હતું. તે બજારમાં કોઈ એક જગ્યાએ પક્ષીઓમાં કબૂતર પણ વેચાતા હતાં. તે વેપારી (શિકારી) જોડે એક પક્ષીપ્રેમી વ્યક્તિ જાય છે અને જોવે છે તો તેના જોડે અલગ-અલગ પિંજરા હતા. જેમાં બધા કબૂતરને કેદ કરવામાં આવ્યા હતા. તો તે પક્ષીપ્રેમી તે કબૂતર ના ભાવ પૂછ્યા. તો તેણે કહ્યું કે કોઈપણ કબૂતર લઈ લો સાહેબ સો રૂપિયા થશે. અને હા જો કબૂતરની બે જોડે લેતો હોય તો ભાવમાં ફરક પડશે.
ત્યારે તેની નજર બાજુમાં પડેલા પિંજરા પર જાય છે. જેમાં એક કબૂતર શાંતિથી બેઠેલું હતું. તેણે તેનો ભાવ પૂછયો. ત્યારે તે વેપારીએ કહ્યું કે હું તેને વેચવા નથી માગતો. કારણ કે તે મારુ પ્રિય કબૂતર છે. પણ જો તમે તેનો લેવા માગતા હો તો તેનો ભાવ સૌથી વધુ છે. પેલા પક્ષીપ્રેમીએ પૂછ્યું કેટલો ભાવ છે ? વેપારીએ કહ્યું તે કબૂતરના 1000 રૂપિયા થશે. ત્યારે પેલા પક્ષીપ્રેમી એ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે. અને તે કબૂતરની ખાસિયત વિશે જાણવાનો પ્રયત્ન કરે છે. કારણ કે બીજા બધા કબૂતરના 100 રૂપિયા અને આ શાંત કબૂતરના 1000 રૂપિયા કેમ ?
ત્યારે પેલા વેપારી એ કહ્યું કે આ મારુ પાળેલું કબૂતર છે. તે મને મારા ધંધા-વેપારમાં ખૂબ જ મદદ કરે છે. ત્યારે પેલા પક્ષીપ્રેમી પૂછ્યું આ તમને કેવી રીતે મદદ કરી શકે છે ? ત્યારે પેલા વેપારીએ (શિકારી) કહ્યું કે જ્યારે હું જંગલમાં કબૂતરને પકડવા માટે જાઉં છું અને મારી જાળ પાથરીને દાણા નાખું છું ત્યારે આ કબૂતર તેના પર આવીને
સૌથી પહેલાં બેસી જાય છે અને પછી પોતાના મુખેથી અવાજ કરવા લાગે છે જેના કારણે બીજા કબૂતર તેના વિશ્વાસમાં આવીને બેસી જાય છે. અને આ રીતે મારું કામ આસાન થઈ જાય છે અને હું કબૂતરને પકડી લઉં છું.
ત્યારે પેલા પક્ષીપ્રેમીએ 1000 રૂપિયામાં તે કબૂતર લઈ લે છે. વેપારીને થોડું દુઃખ થાય છે પણ રૂપિયા વધુ આવતા હોવાથી તેને વેચી મારે છે. તે કબૂતરને લઈને કોઈક વિરાન જગ્યાએ જઈને તેને છોડી મૂકે છે. જ્યાં કોઈપણ પ્રકારના પક્ષીઓ જોવા મળતા નથી. અને ત્યાંથી તે પાછો આવી જાય છે.
ત્યારબાદ બીજા દિવસે તે પક્ષીપ્રેમી તે કબૂતરવાળા જોડે જાય છે. ત્યારે પહેલા વેપારીએ પૂછ્યું કે કેવું છે મારું પાલતુ કબૂતર ? ત્યારે પેલા પક્ષીપ્રેમી કહ્યું કે મને કંઈ ખબર નથી, હું તો તેને કોઈક વિરાન જગ્યા છોડીને આવ્યો છું. વેપારી પણ આ સાંભળીને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે. અને તે વ્યક્તિને પુછ્યું કે 1000 રૂપિયા આપીને તેને તમે વિરાન જગ્યા એ છોડી આવ્યા. આવું કેમ ? ત્યારે પેલા પક્ષીપ્રેમી એ કહ્યું કે "જે પોતાના સમાજના લોકો સાથે ગદ્દારી કરે તેને પોતાના સમાજ સાથે રહેવાનો કોઈ અધિકાર નથી."
આમ, આજના સમયમાં આપણા વચ્ચે પણ કેટલાય માણસો રહેતા હોય છે. જે આપણા સમાજને બદનામ કે નુકસાન કરતા હોય છે. સમય સમયે તે રંગ બદલતા હોય છે. માટે તેવા લોકોથી સાવધાન રહેવું કે સમય આવે તેમને અલગ પાડીને સમાજને બચાવી લેવો જોઈએ.