Jay D Dixit

Children Stories Crime Others

4.8  

Jay D Dixit

Children Stories Crime Others

શું થયું ?

શું થયું ?

5 mins
642


ત્રણ કલાક પહેલાનો ગુસ્સો હવે ઠંડો પડી ગયો હતો. ધાક, ધમકી અને મારઝૂડ કરવાની વાતોમાં હવે નરમાશ આવી ગઈ હતી. ઓફિસથી ભાગતા આવેલા સંકેતનો અવાજ થોડો ભીનો થઇ ગયો હતો અને લીનાની આંખમાંથી આંસુ સરવાની શરૂઆત થઇ ગઈ હતી. આડોશ-પાડોશ પણ ભેગા થઇ ગયા હતા. કશેક પોલીસ કમ્પ્લેઇન કરવા માટે ગણગણાટ શરુ થઇ ગયો હતો અને ક્યાંક સંકેત-લીનાને દોષ દેતી ચર્ચાઓ પણ સંભળાઈ રહી હતી. સંકેતનો મિત્રો રાકેશ અને સુદર્શન છેલ્લી વખત સ્કુલની આસપાસ તપાસ કરવા ગયા હતા. જો ત્યાંથી પણ કોઈ સમાચાર ન મળે તો હવે પોલીસ કમ્પ્લેઇન સિવાય બીજો કોઈ રસ્તો બાકી રહેતો નથી, એવું સંકેત અને લીનાએ સ્વીકારી લીધું હતું.


"શું કારણ હોય ? મને તો એવું કઈ ધ્યાનમાં નથી. બસ, રૂટીન ચાલતું હતું એમ જ હતું બધું. એ કોઈ સાથે ઝગડો કરે એવો તો હતો નહીં. અમે પણ એણે કઈ બોલ્યા નથી, કોઈના બોલાવે એ ચાલ્યો જાય એવો પણ નથી, એ તો તમે જનો જ છો. સવારે એનું હોમવર્ક પતાવીને બહાર બધા સાથે દરરોજ રમે છે એમ અડધો કલાક માટે રમવા ગયો. મેં એને જમવા માટે અને સ્કુલે જવા માટે બુમ પાડી, કારણકે બાર વાગ્યે સ્કુલે જવાનું હોય છે ને ! હું કિચનમાં મારા કામે લાગી, એ આવ્યો નહીં ત્યારે હું ફરી બાલ્કનીમાં ગઈ, ફરી બુમ પાડી તો નીચેથી કોઈ છોકરાએ જવાબ આપ્યો કે એ તો ગયો, મેં પૂછ્યું ક્યા ? તો કોઈએ સરખો જવાબ ન આપ્યો. બસ, ત્યારથી..." લીના એક સરખું બોલ્યે જતી હતી.


સૌમ્ય, જેવું નામ એવો જ સ્વભાવ. ઉંમર ૭ વર્ષ, ભણવામાં એક્કો અને સંકેત-લીનાનો એકનો એક દીકરો. લીનાના કહેવા મુજબ અગિયાર વાગ્યાની આસપાસથી એનો કોઈ અતોપતો નથી, કોઈ લઇ ગયું હશે ? ખોવાય ગયો હશે ? કશે ચાલ્યો ગયો હશે ? કઈ થયું તો નહિ હોય ને ? સવાલો સતત ત્યાં વસતા લોકોના મગજમાં રમ્યા કરતા હતા. આમતો સોસાયટીના મેઈનગેટ પર કેમેરા છે, પણ એ જ દિવસે સવારે આવેલા વરસાદને લઈને વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન આવતા, કેમેરા કામ કરતા બંધ થઇ ગયા હતા. એટલે ત્યાંથી પણ કોઈ ખબર મળે એમ હતું નહીં. વોચમેનના કહેવા મુજબ, બાળકોનું દસથી અગિયારના ગાળામાં રમવું એ રોજિંદુ હતું અને એણે કોઈ પણ બાળકને બહાર જતા જોયું નથી. સોસાયટીનો ખૂણે ખૂણો સહુ ખોદી વળ્યા હતા, કોઈને પણ સૌમ્ય મળ્યો નહીં. હવે તો રાકેશ અને સુદર્શન પણ આવી ગયા, વિલા મોઢે પોલીસ કમ્પ્લેઇન સિવાય કોઈ રસ્તો બાકી ન હતો. સંકેત-લીનાએ મનોમન સ્વીકારવા માંડ્યું હતું કે કંઈ ખોટું થયું છે. બંને એકલામાં મળ્યા એમના બેડરૂમમાં,

"લીના, કોઈ સોસાયટીમાં આવીને સૌમ્યને લઇ જાય એવું લાગતું નથી."

"અરે કેમેરાને પણ આજે જ બંધ થવાનું હતું ?"

"એણે તારી સાથે રમવા જતા પહેલા કોઈ વાત કરી હતી ? કંઈ પણ.."

"કંઈ જ નવું ન હતું, એજ જમવાનું અને પછી સ્કુલે."

"હવે લાગે છે કે પોલીસ કમ્પ્લેઇન કરાવી જ પડશે."

"શું થયું હશે સોમુને, સંકેત ?"

"કઈ જ થયું નહીં હોય અને થવાનું પણ શું હતું ?"

"એણે સ્કુલે જવાનું કહો એટલે છેલ્લા એકાદ મહિનાથી મોઢું મચકોડે, બાકી પહેલા તો સ્કુલે જવા માટે કલાક પહેલા તૈયાર થઇ જતો."

"હવે એતો છોકરા મોટા થાય એટલે ભણવા કરતા બીજે ચિત્ત લાગે એટલે... છોડ, ચાલ, આપણે કમ્પ્લેઇન નોંધાવી આવીએ."

"સંકેત, સૌમ્ય મળી જશે ને ?"

"અરે મળશે જ ને.. કેમ આમ વિચારે છે ?"

"એના વગર હું નહિ રહી શકું."

"હું પણ ક્યાં રહી શકવાનો ? ચાલ.."


બંનેની આંખમાં પાણી હતા. આંખ લૂછતાં લૂછતા બંને જણ રૂમની બહાર નીકળ્યા. બહાર જઈને એમણે પોલીસ કમ્પ્લેઇન કરવાનો નિર્ણય સહુને જણાવ્યો. સુદર્શન અને એની વાઈફ મયુરીએ સાથે આવવાની તૈયારી બતાવી. અને જ્યાં બહાર જતા જ હતા ત્યાં બેડરૂમમાંથી કંઈક પડવાનો અવાજ આવ્યો અને સાથે જ સૌમ્યનો પણ. સંકેત અને એની પાછળ લીના અને પાછળ બીજા, અંદર તરફ દોડ્યા. સૌમ્યના માંથામાંથી લોહી નીકળી રહ્યું હતું, એ કરગરી રહ્યો હતો, નીચે ફર્શ પર, ડબલ બેડના સાઈડ ટેબલ પર મુકેલા કાચનો નાઈટ લેમ્પ ભુક્કો થઈને પડ્યો હતો. સૌમ્ય મળ્યો પણ લોહી નીતરતી હાલતમાં અને સહુ દોડ્યા સીધા હોસ્પિટલ.


પંદર ટાંકા આવ્યા માંથામાં અને એક દિવસ રહેવું પડ્યું હોસ્પીટલમાં, આ દરમ્યાન તો કોઈએ પણ સૌમ્ય ક્યાં ખોવાયો એ વિષે ચર્ચા કરી નહીં. સંકેત અને લીનાએ પણ નક્કી કર્યું હતું કે સૌમ્ય સાથે શાંતિથી વાત કરવી. કારણકે, સૌમ્ય ઘરમાંથી જ જડ્યો, એ છુપાયો હતો, કદાચ ડબલબેડ નીચે અને ત્યાંથી બહાર આવતા સાઈડ ટેબલ સાથે અથડાયો હોય અને એ કારણે સાઈડ ટેબલ પર મુકેલો નાઈટલેમ્પ એના માંથામાં પડ્યો હોય. પણ સવાલ એ હતો કે સૌમ્ય છુપાયો કેમ ? હમેશા દરેક વાત મોકલાશે કહેનાર અને દરેક વાત માનનારો સૌમ્ય આમ અચાનક છુપાય જાય એ લાલ આંખ કરનારી બાબત હતી. એટલે એ વાતને સહજતાથી નહીં પણ પરિપક્વતાથી ધ્યાને લેવી જોઈએ એટલું મા-બાપ બંનેને સમજાઈ ગયું હતું. સૌમ્ય ઘરે આવ્યો, એક આખો દિવસ આમ જ પસાર થયો, જાણે કઈ થયું જ નથી અને સૌમ્યએ કઈ કર્યું જ નથી. બધું સામાન્ય હતું. ત્રણ દિવસ આરામ કરવાની હતો અને એ બાદ ડ્રેસિંગ બદલાવીને સાત દિવસે તાન્કા તોડાવાના હતા. રાતે, ફ્રુટડીશ હાથમાં લઈને સંકેત અને લીનાએ વાત માંડી. સૌમ્ય સામાન્ય જણાતી રોજીંદી ઘટનાઓથી સામાન્ય થઇ ગયો હતો. પહેલા આમતેમની વાતો પછી સંકેતે સીધો સવાલ કર્યો,

"હવે દુખાવો નથી થતોને ?"

"ના.."

"તો કાલથી સ્કુલ શરુ કરીએ ?"

સૌમ્ય મૌન થઇ ગયો.

"વાત શું છે દીકરા ? સ્કુલમાં નથી જવું ? ભણવાનું નથી ગમતું ?"

"ભણવું છે, ગમે પણ છે. પણ, આ સ્કુલમાં નથી ભણવું."

સૌમ્ય આવું પહેલી વખત નહોતો બોલતો, આ પહેલા પણ સૌમ્ય આ વાત સંકેત અને લીનાને ત્રણથી-ચાર વખત કહી ચુક્યો હતો. અને દર વખતે બંને જણે આ વાતને લાઈટલી લઈને અવગણી દીધી હતી, પણ સૌમ્યની આવી વાત પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો ન હતો. સંકેત-લીનાને સમજાઈ ગયું હતું કે આ જ વાતને લઈને આ આખી ઘટના બની હતી. લીનાએ વાત માંડી...

"Ok, આપણે સ્કુલ બદલી નાખશું. બસ.."

"અને મારા બધા ફ્રેન્ડસને પણ નવી સ્કુલમાં લઇ આવશું ? રાઈટ ?"

"હા.. હું દરેકના પેરેન્ટ્સ સાથે વાત કરી દઈશ."

અને ત્યાં જ સંકેતે ઉમેર્યું..

"અરે બધા ટીચર્સને પણ નવી સ્કુલમાં લઇ જઈશું."

"ના.. બધા નહીં. દામિની ટીચર નહીં."

"કેમ, દામિની ટીચર નહીં?"

"એ બહુ મારે છે, અને ગમે ત્યાં મારે છે, અને પછી મને બહુ દુખે છે."

"ગમે ત્યાં એટલે?"

"અહીં.."

સંકેત-લીનાની આંખ પહોળી થઇ ગઈ. અને લીના બોલી,

"તે અત્યાર સુધી કહ્યું કેમ નહીં?"

"ટીચરે કીધેલું, ઘરે કહેશે તો વધારે મારશે. પણ હવે એ સ્કુલમાં જવાનું જ નથી તો મેં તમને કહી દીધું."

સૌમ્યને સુવાડ્યા પછી લીના અને સંકેત એ આખી રાત જાગ્યા.


Rate this content
Log in