રોશન અને રોબોટ
રોશન અને રોબોટ
રોશનના કાકાએ તેને એક રોબોટ ભેટ આપ્યો હતો. બસ પછી શું? તે આખો દિવસ રોબોટ સાથે ધિંગામસ્તી કરવા લાગ્યો. રોશન જે કહે તે રોબોટ કરતો.
રોશન કહે, "કુદકા માર." રોબોટ તરત કુદકા મારવા લાગતો.
રોશન કહે, "ગીતો ગા." રોબોટ તરત ગીતો ગાવા લાગતો.
રોશન કહે, "ડાન્સ કર." રોબોટ તરત નાચવા લાગતો.
આ બધુ જોઈ રોશનને ઘણી મજા પડતી. તે રોબોટનો નિતનિરાલા નખરાં જોઈને મનમાં હરખાતો. જોકે આ બધુ જોઈને રોશનની મમ્મી હેતલબેન ઘણી પરેશાન થઇ ગઈ હતી. કારણ રોશન બસ આખો રોબોટ પાછળ જ વ્યતિત કરતો. તેનું પરિણામ આ વર્ષે ઘણું ઓછું આવ્યું હતું. વળી રોશને આડોસપાડોશના બાળકો સાથે પણ રમવાનું છોડી દીધું હતું. જોકે રોશનને આનાથી કોઈ ફરક પડતો નહોતો. એ તો તે ભલો અને તેનો રોબોટ ભલો.
એકદિવસ રોશન તેના રોબોટ સાથે રમી રહ્યો હતો ત્યારે અચાનક તે આંચકા ખાવા લાગ્યો. આ જોઈ રોશને ઘબરાઈને તેના મમ્મીને બોલાવી. જ્યારે હેતલબેન આવ્યા ત્યારે તેઓએ જોયું તો રોબોટ બંધ પડી ગયો હતો અને રોશન તેની પાસે બેસીને રડી રહ્યો હતો. આ જોઈ હેતલબેન બોલ્યા, "રોશન, તારા જોડે આખો દિવસ રમીરમીને રોબોટની બેટરી બંધ પડી ગઈ છે. હું કાલે નવા સેલ લઈ આવીશ એટ્લે તે ફરીથી ચાલુ થઈ જશે. પણ..."
"પણ શું મમ્મા?"
"બેટા, જેમ રોબોટની બેટરી પતી ગઈ છે તેમ તારી પણ ક્ષમતા ખોરવાઈ ગઈ છે. હવે તું પહેલા જેવો હોંશિયાર અને દોસ્તો સાથે રમતો રોશન રહ્યો નથી. તને હવે રોબોટ વગર એકપળ પણ ચાલતું નથી મતલબ તું રોબોટનો ગુલામ બની ગ્યો છુ. રોબોટ તો નવી બેટરી નાખતા ફરી ચાલુ થઈ જશે. પરંતુ તારું શું? તું પાછો તેનો ગુલામ બની જઈશ. કાશ! તારા માટે પણ કોઈ બેટરી આવી હોત તો હું તે બદલાવી તને પહેલા જેવી હોંશિયાર કરી દેત."
રોશન સમજુ હતો તે માતાનો ઈશારો સમજી ગયો. તેણે શરમિંદા અવાજે કહ્યું કે, "મમ્મી, આજ પછીથી હું રોબોટ સાથે ખપ પૂરતો ઉપયોગ કરીશ. હવેથી હું તેની સાથે રમીશ પરંતુ મારા દોસ્તોને સાથે રાખીને. હવેથી હું ખૂબ મન લગાવીને ભણીશ અને આ રોબોટ જો મને હેરાન કરશે તો..."
આ સાંભળી રોશનની મમ્મી હસી પડી. સાંજે તેઓ બેટરી લઈ આવતા રોબોટ ચાલુ થઈ ગયો. પરંતુ હવે પછીથી ખપ પૂરતા જ સાથે દેખાતા રોશન અને રોબોટ.
