Lata Bhatt

Others Romance

4  

Lata Bhatt

Others Romance

પ્રતિક્ષાનો પ્ર...

પ્રતિક્ષાનો પ્ર...

6 mins
776


ભીડથી થોડે દૂર મહાબળેશ્વરના વિલ્સન ઘાટ પર બેઠો બેઠો હું આવતા જતા ચહેરા વાંચતો હતો. દરેક જીંદગી મારે મન ન લખાયેલી નવલકથા છે. જો કે હું પોતે પણ અત્યાર સુધી ન લખાયેલી નવલકથા જ હતો. અચાનક મને લાગ્યું કે કોઇ મને ધ્યાનથી જોઇ રહ્યું છે. મેં પણ તેની સામે જોયું. એક ખૂબસૂરત ચહેરાએ મારી નજીક આવી મને હલ્લો કહ્યુ, સામે મે પણ શિષ્ટાચાર દાખવ્યો. મારા આશ્ચર્ય વચ્ચે તેણે કહ્યુ,’અરિહંત શાહ, એમ આઇ રાઇટ ?” મે હસીને કહ્યું, “ઓહ, તો તમને સાહિત્યનો શોખ લાગે છે.”

“જી તમારા ઘણા પુસ્તક મે વાંચ્યા છે ને હુ પોતે ય એક નવલકથા છુ,જો મને લખી શકો તો’’

“હું કંઇ સમજ્યો નહિ. ”

‘સાચુ કહુ તો આ કામ માટે જ તમારી પાસે આવી છુ, મારે મારી જીંદગી પર એક નવલકથા લખાવવી છે, એ માટે મોં માંગી રકમ મળશે તમને...”

“મને એ નવલકથા લખવી ગમશે પણ તમારી કહાણી પૂરેપૂરી સાંભળીને જ હું તે લખવા અંગેનો નિર્ણય લઇશ.“

”મને મંજૂર છે પણ સામે મારી પણ એક શરત છે, હું જે કહાણી કહું તેમા તમારે કાપકૂપ નહિ કરવાની, હા,નવલકથાને રસપ્રદ બનાવવા તમે તમારા શબ્દો ઉમેરી શકો છો પણ ..’

“સમજી ગયો...’’

‘‘તો કાલથી કામ શરુ... ’’

ફરી આ જ સ્થળે આવતી કાલે સવારે દસ વાગે મળવાનુ નક્કી કરી અમે છૂટા પડ્યા.

હું તે દિવસે મહાબળેશ્વરથી નીકળી જવાનો હતો પણ તેના આ કામ માટે રોકાઇ ગયો. આમ જુઓ તો મારે ક્યાં કોઇ ઘેર રાહ જોવાવાળુ હતુ. લગ્ન તો મે કર્યા નહોતા, લગ્ન ન કરવા એવુ પણ નહોતુ .બસ મારા સ્વભાવને અનુકૂળ એક જીવનસંગીનીની તલાશ હતી. આમ જુઓ તો મારે ઘર જેવુ ય ક્યાં કશુય હતુ. ચરણ લઇ જાય ત્યા જતો. મન થાય ત્યાં રોકાતો. પણ મારા સાહિત્યને લગતા પત્રોને એક સરનામાની જરુર હતી એટલે વડોદરા એક ફ્લેટ ભાડે રાખ્યો હતો, હું ત્યાં ભાગ્યે જ રહેતો મોટા ભાગે ફરતો રહેતો. પ્રકૃતિના સાનિધ્યમાં રહેવું મને ખૂબ ગમતુ, અને બીજુ સાનિધ્ય ગમતુ કલમ અને કાગળનુ.

બીજા દિવસે પ્રતિક્ષાને હું મળ્યો. તેણે પોતાની કહાણી શરુ કરી. મારી નજર તેના ચહેર પરથી ખસતી નહોતી. માત્ર તેના હોઠ નહી તેનો આખો ચહેરો બોલતો હતો. એક ગજબનુ ઊંડાણ હતુ તેની આંખોમાં. તે પોતાની જીન્દગીના એક પછી એક પાના ખોલતી જતી હતી. મારા કાન તે રસપાન કરતા સાથે વિડિયો રેકોર્ડીંગ પણ થતુ હતું. જાણે ગઇ કાલની જ ઘટના હોય તેમ તેણે તેના બાળપણનું વર્ણન કર્યું. અસાધારણ તેમાં કશુ નહોતું પણ તોય બાળપણના નાનામાં નાના કિસ્સાને તે આંખ સામે તાદ્રશ્ય કરતી જતી હતી. ઘડીભર તો મને એવું લાગ્યું કે હું જ તેનો બાળપણનો સાથી છુ, પણ ના તે હું નહોતો.

રાજીવ તેના બાળપણનો સાથી હતો. દરેક સુખદુઃખમાં તેની સાથે રહેનાર એ રાજીવ. જેવા પ્રેમની કલ્પના કરવી પણ મારે માટે મુશ્કેલ હતી તે પ્રેમને ખરેખર તે જીવી હતી. ખાસ્સો સમય વીતી ગયો પણ પ્રતિક્ષામાં રહેલી એક નારીએ મારા ચા નાસ્તાને બપોરના ભોજનને જરાય રસક્ષતિ થયા વગર આવરી લીધુ હતું. મને યાદ નથી કે એ દિવસે મેં શું ખાધુ, બસ પેટને એનું ભાડુ મળી ગયું હતુ ને આંખને અલગ અલગ દ્રશ્યનો નઝારો. ફરી બીજા દિવસે મળવાનો સમય સ્થળ નક્કી કરી અમે છૂટા પડ્યા.

તે રાતે મેં તેની અત્યાર સુધીની જીંદગીને શબ્દોમાં ઢાળી નવલકથાનુ રૂપ આપી દીધુ હતું. મારે કલ્પનાના ખાસ રંગો તેમાં પૂરવા નહોતા પડ્યા. બીજે દિવસે અમે મળ્યાં ને મેં તેને સૌથી પહેલા એ જ પ્રશ્ન પૂછ્યો,“તમે વાતની આટલી સરસ રજુઆત કરી શકો છો તો શું તમે પોતે આત્મકથા ન લખી શકો ?”

તેણે હસીને કહ્યું “જરુર લખી શકુ પણ કેટલાક લોકો એ વાંચશે ?તમારું તો નામ છે અરિહંતજી. હું ઇચ્છુ છુ કે વધુમાં વધુ લોકો એ વાંચે”

એ પછીની તેની વાત સાંભળી મારી આંખો ઉભરાઇ આવી. રાજીવ તેના બાળપણનો મિત્ર જેની સાથે તેણે તેની આખી જીંદગી વિતાવવાની હતી, તેને કેન્સર હતુ. ઇલાજ સરળ નહોતો. તેણે તાત્કાલિક રાજીવ સાથે લગ્ન કરી લીધા. રાજીવના અને તે્ના પોતાના ઘરના લોકોએ તેને ખૂબ સમજાવી રાજીવ પણ તેને સમજાવતો રહ્યો પણ તે ન માની. લગ્ન પછી રાજીવને લઇને તે મુંબઇ આવી. રાજીવના મમ્મી પપ્પા રાજીવના ઇલાજ માટે પૈસા મોકલતા પણ તે પૂરતા નહોતા.

ને એક નિર્ણય તેણે લીધો રાજીવના ઇલાજ માટે પોતાની જાત વેચવાનો. જો કે તોય રાજીવને તે બચાવી નહોતી શકી. હવે પછીની તેની જીંદગીના પાનાના બેકગ્રાંઉંડમાં ભલે આસુનો રંગ હોય પણ એ રંગીન પાના ઉપરની તસ્વીરો કોઇ મામૂલી વ્યક્તિઓની નહોતી મોટા મોટા ચમરબંધીઓ હતા ને પૂરાવા રૂપે તસ્વીરો. પ્રતિક્ષા ઇચ્છતી હતી કે તે ચહેરાને લોકો વાંચે હું તેને સમજાવી અને માંડ મનાવી શક્યો કે એ ચહેરાની રજુઆત એ રીતે થશે કે લોકોને ખ્યાલ આવી જશે પણ કોઇ આપણી પર બદનક્શીનો દાવો ન કરી શકે ને મોડી સાંજે અમે છૂટા પડ્યા.

આજે મારે થોડી વધારે મહેનત કરવાની હતી. એ ચહેરાઓને સાચી ઓળખ છૂપાવી માત્ર અણસાર આપવાનો હતો. રાતના ત્રણ વાગ્યા સુધી મે એ કામ કર્યું. બીજે દિવસે હું પ્રતિક્ષાને મળ્યો. પુસ્તકની કોમ્પ્યુટરાઇઝ્ડ કોપી મેં તેના હાથમાં મૂકી. એ પછી બેત્રણ દિવસ અમે મળતા રહ્યાં. હવે વાતનો ચોક્કસ વિષય અમારી પાસે નહોતો, ક્યારેક તો કશુ જ બોલ્યા વિના પ્રકૃતિમાં ખોવાઇને તેમાની જ એક લાગતી પ્રતિક્ષાને હું જોતો રહેતો. તેની આંખોનું ઊંડાણ આ ખીણની ઊંડાઇથી ઓછુ તો નહોતુ જ.

સવારે આઠ વાગે હોટલના રુમ પર ટકોરા પાડ્યા. મેં દ્વાર ખોલ્યું. સામે પ્રતિક્ષા ઊભી હતી. તેના એક હાથમાં મારુ પુસ્તક “પ્રતિક્ષાનો પ્ર..”બીજા હાથમાં પૈસા... અલગ જ લાગતી હતી આજે તે. આ એ પ્રતિક્ષા નહોતી જેને હું છ સાત દિવસથી મળતો હતો. મેં તેને બેસવા કહ્યું. તે મારી સાવ અડોઅડ સોફા પર બેસી ગઇ. હું થોડો દૂર ખસી ગયો. તે ફરી મારી નજીક આવી અને જુદા જુદા અંગમરૉડથી મને લોભાવવા લાગી. હું એકદમ ગુસ્સે થઇ ગયો તો તેણે મને બદનામ કરવાની ધમકી આપી. તેનું આ રૂપ મારા માટે અકલ્પ્ય હતું. મેં તેના હાથમાંથી પુસ્તકની કોપી લઇ તેણે આપેલા તેના પૈસા તેના પર ફેક્યા તેને હાથ પકડી રૂમની બહાર લઇ ગયો. તેના આંખમા આંસુ આવી ગયા. મારાથી બોલાઇ ગયું “કાશ,તે એક વખત મારી નજરે તને જોઇ હોત !” પ્રતિક્ષા ત્યાંથી જતી રહી.

મને સમજાયું નહીં કે તેણે આવું શા માટે કર્યું. એ પછી પ્રતિક્ષાની પ્રતિક્ષામાં હું બે ત્રણ દિવસ રોકાયો. મહાબળેશ્વરની બધી હોટલોમાં જોઇ વળ્યો. આમ જુઓ તો મારી પાસે માત્ર તેનો ચહેરો જ હતો. પ્રતિક્ષા નામ તો મેં તેને આપ્યુ હતુ. તેણે ક્યાં મને પોતાનું નામ જણાવ્યું હતુ, પ્રતિક્ષા ક્યાંય દેખાઇ નહીં હું હોટલ છોડી રહ્યો હતો ત્યારે ત્યાના રિસેપ્શનિષ્ટે મને કહ્યુ “સર, એક મેડમ આપકો યે પત્ર દેનેકે લિયે બોલકે ગઇ હૈ.” મેં પત્ર વાંચ્યો.

પત્ર પ્રતિક્ષાનો હતો. તેના જીવન પર લખાયેલા પુસ્તકના માત્ર રંગીન પાનાઓ જ સત્ય હતા. બાકી બધુ કાલ્પનિક હતુ અને હા, એક પ્રકરણ કે જે તેણે મને નહોતુ જણાવ્યુ, તે એ કે તેને નોકરી અપાવવાને બહાને એક નેતા પાસે લઇ જવામાં આવી હતી.એ પછી જીંદગી પ્રત્યે તેને નફરત થઇ ગઇ. એ પછી પોતાને થયેલા અન્યાયનો બદલો લેવા તે દરેક જાણીતા ચહેરાને ફસાવતી. બ્લેકમેલ કરતી. મને ફસાવવા તેણે આ કાલ્પનિક વાર્તા ઘડી કાઢી હતી.

પ્રતિક્ષા મારા હ્રદયમાં વસી ગઇ હતી, તેને ભૂલવાનુ મારા માટે આસાન નહોતું, મારુ દિલ એ જ પ્રતિક્ષાને ઓળખતું હતુ, જેની સાથે મેં આગળના છ સાત દિવસ વિતાવ્યા હતા. ફરી મેં પ્રતિક્ષાને શોધવા ખૂબ પ્રયત્ન કર્યો. ફરી મહાબળેશ્વર આખુ ય જોઇ વળ્યો, પ્રતિક્ષા મને ક્યાય ન મળી. એ પછી પણ મારી દરેક રચનામાં તે જાણ્યે અજાણ્યે આવી જતી, તેને મળવાની મારી ઝંખના દિવસે ને દિવસે તીવ્ર થતી જતી હતી. ને એ દિવસો મહિનામાં પલટાતા જતા હતા .દરેક કવિસંમેલનમાં, મારા દરેક ઇન્ટરવ્યૂમાં પણ હું તેનો ઉલ્લેખ કરતો. મારી પ્રતિક્ષા કદાચ પ્રતિક્ષાથી છૂપી નહીં રહી હોય ને એટલે જ બે એક વરસ પછી એક કવિસંમેલનમાં તે મને મળી.

એક સામટા અનેક સવાલો મારી આંખમાં આવી ગયા, પ્રત્યુત્તરમાં માત્ર તેણે એટલું જ કહ્યુ,”બધા સવાલના જવાબ આજે જ જોઇએ છે ? તમારે માટે અત્યારે એટલું પૂરતુ નથી કે હવે હું આયના સામે ઊભી રહુ તો મારી આંખમાં આંખ મેળવી શકુ છુ. જીંદગીને ફરી હું ચાહવા લાગી છુ.” મારા દિલને હવે રહેવાનુ સરનામુ મળી ગયુ હતું.


Rate this content
Log in