પ્રોત્સાહનરુપી પાણી
પ્રોત્સાહનરુપી પાણી


"મમ્મી, મારા 90% આવ્યા છે." રોહને ઉત્સાહભેર આવી સ્કૂલબેગ સોફા પર ફેંકતા કહ્યું.
"સારું,ચાલ હાથ અને મોઢું ધોઈ લે અને ખાવા બેસી જા." રેશ્માબહેન ફટાફટ રોહનની થાળી પીરસવા માંડી.
"પણ મમ્મી જો તો ખરી. "
"બેટા પછી હું અને તારા પપ્પા સાથે જોઇશું ."
રોહન હતાશ થઇ ગયો એ આજે 90% લાવ્યો હતો 7માં ધોરણમાં પણ તેની મમ્મી પાસે તેનું રિઝલ્ટ જોવા માટે સમય જ ન હતો, એમ તો એની મમ્મીએ એની મનપસંદ પનીરની સબ્જી બનાવી હતી પણ આજે તેને ખાવાનું બિલકુલ ન ભાવ્યું .થોડા સમય બાદ રોહનની બીજી પરીક્ષા આવી પણ આ વખતે તેને પહેલા જેવું ન વાંચ્યું અને માત્ર 75% જ આવ્યા. રેશ્માબહેન અકળાયા પણ પછી તો રોહનનું રિઝલ્ટ દિવસે ને દિવસે બગડતું ગયું. બાજુમાં રહેતા એક માસીની સલાહ પર રેશ્માબહેન રોહનને એક ચાઈલ્ડ સાઇકોલોજી ડોક્ટર સવિતાબહેન પાસે લઇ ગયા, તેમણે રોહનને રુમમાં એકલામાં પૂછપરછ કરી ત્યારબાદ રેશ્માબહેનને બોલાવ્યા .
રેશ્માબહેનેજોયું તો તેમના ટેબલ પર 3 નાના કુંડા હતા. સવિતાબહેને પ્રથમ કુંડામાં માત્ર 1 ચમચી જેટલું જ પાણી નાખ્યું.
"રેશ્માબહેન તમને શું લાગે આ 1 ચમચી પાણીથી આ કુંડામાનો છોડ ઉગશે ?"
"ના એને એટલું પાણી નહિ ચાલે."
ત્યારબાદ ડોક્ટર સવિતાબહેને બીજા કુંડામાં પૂરતું પાણી નાખ્યું.
"અને આ ?"
"હા આ ઉગી શકે."
ત્યારબાદ ત્રીજા કુંડામાં તેમણે એટલું પાણી નાખ્યું કે પાણી કુંડા બહાર છલકાવવા લાગ્યું.
"અને આ ?"
"આ તો એમ જ કરમાઈ જશે."
"સરસ , રેશ્માબહેન એવું જ બાળકોનું મગજ હોય છે. એ જયારે પણ કઈ સફળતા મેળવે અને તમે એને નહિ બિરદાવો તો એમ જ સમજે છે કે એનું આ સફળતાનું કોઈ મહત્વ જ નથી અને તે પ્રયાસો કરવાનું છોડી દે છે.જયારે તમે એને વધુ પડતું બિરદાવો તો એ ઘમંડી બની જાય છે. પણ જો તમે એને યોગ્ય રીતે બિરદાવો અને બીજી વાર એવી જ સફળતા લાવવા માટે પ્રેરો તો એ પહેલા મેળવેલ સફળતાથી પણ વધુ મેળવવા પ્રયત્ન કરશે. બાળકના છોડ જેવા કુમળા મગજને પણ પ્રોત્સાહનરુપી પાણીની પૂરતા પ્રમાણમાં જરુર પડે છે."
"ડોક્ટર હું તમારી વાત ખુબ જ સારી રીતે સમજી ગઈ,હવે હું પણ રોહનને ખુબ જ માવજતથી પાણી પાઈશ."