Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

4.5  

Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

પ્રેરણા

પ્રેરણા

3 mins
252


“એ મંગિયા શું કરે છે ? હજી ટેબલ નંબર આઠ પર વડાપાંવ કેમ પહોંચ્યો નથી ?”

“હા શેઠ, આ તવો હજુ ગરમ થયો નથી એટલે મોડું થઈ રહ્યું છે.”

“તારા તવાની ચિંતા છોડી ગ્રાહકની ચિંતા કર. એ જો ત્યાં ગ્રાહક કેવો ગરમ થઈ રહ્યો છે.”

મંગેશે ઉતાવળીથી વડાપાવ તૈયાર કરી પાસે ઊભેલા તેના દીકરા રાજુને આપ્યો. રાજુ ઝડપથી વડાપાવની ડીશ લઈ ગ્રાહક પાસે દોડી ગયો.

શેઠે થોડા રોષભેર કહ્યું, “મંગિયા, આપણી આ હોટેલ આખા શહેરમાં પ્રખ્યાત છે. તારા નસીબ સારા છે કે તને અહીં વડાપાંવ બનાવવાનું કામ મળ્યું. આજપછી જો તારા કામમાં મને ઢીલાશ દેખાશે તો હું તને નોકરી પરથી હાંકી મુકીશ.”

મંગેશે કહ્યું, “શેઠ એમ ન કરશો. ગરીબ પર દયા કરો. ઘરમાં થોડી તકલીફ છે એટલે મારું ધ્યાન બીજે હતું.”

શેઠે ભવા ચડાવી કહ્યું, “આમ ચાલુ કામે બીજે ધ્યાન રાખીને નહીં ચાલે. શહેરમાં મારી હોટેલનું નામ છે. એટલે અહિયાં બધા તારા વડાપાવ ખાવા આવે છે સમજ્યો ?”

“જી શેઠજી.”

સાંજે કામથી છૂટા થઈ મંગેશ શેઠ પાસે જઈ બોલ્યો, “શેઠજી, મારે બે હજાર રૂપિયા જોઈતા હતા.”

શેઠે અકળાઈને કહ્યું, “શું કામ ?”

મંગેશ બોલવા જતો જ હતો ત્યાં શેઠની દીકરી આવીને બોલી, “પપ્પા, મારે આજે મારા દોસ્તો જોડે ફાઈવ સ્ટાર હોટેલમાં જમવા જવું છે. મને ત્રણ હજાર રૂપિયા આપો ને.”

શેઠે હસતામુખે ગલ્લામાંથી ત્રણ હજાર રૂપિયા કાઢી તેમની દીકરીના હાથમાં મૂક્યા.

આ જોઈ મંગેશનો ઉત્સાહ વધ્યો, “મારી પત્નીના ઈલાજ માટે જોઈતા હતા.”

શેઠે કહ્યું, “તારી પત્નીના ઈલાજ માટે બે હજાર ! મંગિયા, પૈસા કંઈ ઝાડ પર નથી લાગતા. એ માટે મહેનત કરવી પડે છે. એ તો તારાથી થતી નથી. કામ કરવું નથી અને પૈસા માંગવા હાલી નીકળવું છે. જાણે મારી પાસે પૈસાનું ઝાડ ન હોય. ચાલ જા અહીંથી, મારી પાસે રૂપિયા નથી.”

મંગેશ વિલે મોઢે તેના છોકરાની આંગળી પકડી હોટેલમાંથી બહાર નીકળી ગયો.

જયારે ઘરે આવ્યો ત્યારે તેની પત્ની સુમિત્રા પથારીમાંથી ઊભી થઈ બોલી, “આવી ગયા.”

મંગેશે ઉદાસીનતાથી કહ્યું, “હા.”

“ચાલો ફટાફટ હાથપગ ધોઈ લો એટલે હું તમારા માટે ગરમાગરમ જમવાનું પીરસી દઉં.”

“સુમિત્રા.”

“શું ?”

“હું તારા માટે દવાની વ્યવસ્થા કરી શક્યો નહીં.”

મંગેશની આંખોમાં અશ્રુ હતા.

સુમિત્રાએ કહ્યું, “અરે ! તેમાં ઉદાસ શું કામ થાઓ છો ?”

મંગેશે ક્રોધથી કહ્યું, “એ શેઠ પાસે તેની દીકરીને હોટલમાં જમવા માટે આપવા ત્રણ હજાર રૂપિયા છે. પરંતુ મારી પત્નીના ઈલાજ માટે આપવા બે હજાર નથી.”

“હા, કારણ એ શેઠ છે અને તમે નોકર.”

“હું આટલી મહેનત કરું છું અને તે આખો દિવસ હોટલમાં બેસી પૈસા ગણે છે. છતાંયે મને કહે છે કે હું બરાબર કામ કરતો નથી.”

“હા, તે એવું કહે છે કારણ એ શેઠ છે અને તમે નોકર.”

“આ તું વારેઘડીએ મને નોકર. નોકર. શું કહે છે ?”

“કારણ તમે એ છો. તમે ક્યારેય શેઠ બનવાનું વિચાર્યું જ નહીં. હવે જુઓને તમે આટલા સરસ વડાપાવ બનાવો છો પરંતુ પોતાની દુકાન ખોલવાની તમારામાં હિંમત નથી.”

“વડાપાવ વેંચવા હોટલ ક્યાંથી લાવું ? એ શેઠની હોટલ છે વળી શહેરમાં તે ખ્યાતનામ પણ છે.”

“એ શેઠની હોટેલ નહીં પરંતુ તમારા વડાપાવ આખા શહેરમાં ખ્યાતનામ છે. તમારી મહેનતનું ફળ એ શેઠ ખાઈને તમને જ ગાળો આપે છે. થોડાક પગારની સલામતી માટે તમે કેમ એવા લોકોની ગુલામી કરો છો ! કેમ તમારી મહેનતની મલાઈ બીજાને ખાવા દો છો ? તમે હોટેલ નહીં તો એક લારી તો ચાલુ કરો. પછી જુઓ તમારા વડાપાંવ ખાવા માટે કેવી લાઈન લાગે છે.”

“લોકો મારા વડાપાવ ખરીદશે ?”

“અરે ! એ તમારા વડાપાવ ખરીદવા જ તો તમારા શેઠના હોટલમાં આવે છે. એકવાર હિંમત તો કરો.”

સુમિત્રાની વાતથી મંગેશને હિંમત આવી.

બીજા દિવસે જ તેણે હોટેલની નોકરી છોડી દીધી અને પોતાની એક નાનકડી લારી ખોલી. હવે બન્યું એવું કે હોટેલમાં જે લોકો વડાપાવ ખરીદવા જતા તેમને પહેલા જેવી મજા આવતી નહીં. એટલે તેઓ ધીમે ધીમે મંગેશની લારી પર આવવા લાગ્યા. આમ મંગેશનો વ્યાપાર વધ્યો. ધીમે ધીમે તેણે એકની જગ્યાએ બે લારીઓ ખોલી. ત્યારબાદ એક નાનકડી દુકાન ભાડે લીધી. આમ તેનો ધંધો ધીમે ધીમે વધતો ગયો. અને આજે એ મંગેશ શેઠના નામે આખા શહેરમાં પ્રખ્યાત છે. તેની પોતાના માલિકીની એક હોટેલ છે.

આજે વર્ષો બાદ પણ મંગેશ તેની પત્ની સુમિત્રાને અચૂક કહે છે કે, “હું આજીવન નોકર રહીને ગાળો જ ખાતો રહ્યો હોત. જો તે એ દિવસે મને શેઠ બનવાની આપી ન હોત પ્રેરણા.”


Rate this content
Log in