પપા, તમે રહેવા દો
પપા, તમે રહેવા દો


મમી, પપા જો ને કેવું કરે છે? આવા ચીડચિડીયા અને ગુસ્સા વારા કેમ થઇ ગયા છે? છેલ્લા કેટલાય સમયથી પપાના બદલી રહેલ સ્વભાવથી દંગ અને તંગ આવી ગયેલ પુજા પોતાની મમી વર્ષા બહેનને પુછી રહી હતી.
વર્ષા બહેન પોતાને ખુબ નવાઈ લાગી રહી હતી કે પ્રદીપનું આવું સ્વરૂપ તો તેમણે ક્યારેય નોતું જોયું. નાની નાની વાતોમાં એ પુજાની ખબર લઇ લેતા. સવારે કેમ સમયસર નથી ઉઠતી? કેમ પડી રહેશ? અહ્યાં આવું કેમ પડયું છે? આ બધું કેમ અસ્ત-વ્યસ્ત પડ્યું છે? આ ઘર છે, તારું પીજી નથી. વ્યવસ્થિત રસોઈ શીખી લે અને ના જાણે કેટકેટલીએ સલાહો આપતા અને ચીડાયલા રહેતા.
છેલ્લે તો ડાઈનીંગ ટેબલને અસ્ત વ્યસ્ત જોઇને એમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને જોરથી ડાઇનીંગ ટેબલ પછાડીને, રાડારાડ કરી નાખી અને પુજાની સાથે વર્ષા બહેનની પણ ખબર લઇ નાખી અને ગુસ્સા માં જમ્યા પણ નહીં.
રાત્રે સુતા સમયે, વર્ષા બહેને ધીરેકથી પ્રદીપને પુછી લીધું કે તમને આ શું થઇ ગયું છે? આવો વ્યવહાર કેમ કરો છો પુજા સાથે? તમે તો પુજાને કેટલો પ્રેમ કરતા હતા, એનું કેટકેટલું રાખતા હતા? પુજાના લગ્નને તો હવે છ માસ જ બાકી રહ્યા છે. તમારે તો હવે એને ભરપૂર સ્નેહ કરવો જોઇએ. શું વાત છે? લગ્ન માટે પુરુ ફંડ નથી કે અન્ય કાંઇ તકલીફ છે? પુજા તો હમણા પાછી નોકરી માટે ત્રણ માસ બેંગ્લોર પાછી જાય છે. તમે કેમ એનું માન જાળવતા નથી? તને ખબર ના પડે, તે જ એને બગાડી ને ધૂળ કરી નાખી છે. સાસરે જશે ને તો બધી હવા નિકળી જશે જવાબમાં પ્રદીપે ખુબ ખરાબ રીતે રિએકટ કર્યું.
બે દિવસ રહીને પુજા નિકળી ગઇ નોકરી માટે. જતા જતા એક ચિઠ્ઠી થમાવી ગઇ પપાના હાથમાં અને કહેતી ગઇ કે પપા આ ચિઠ્ઠી મેં ભગવાનને હાજીર નાજીર રાખીને લખી છે. તો આ ચિઠ્ઠી તમે આપણા ઘરના મંદિરમાં જ ખોલીને વાંચશો.
ઘરના મંદિરમાં જઇ ને, પ્રદીપે ધળકતા દિલે એ ચિઠ્ઠી ખોલી ને વાંચવાનું શરુ કર્યું;
પુજ્ય પિતાજી
મને તમારા વારંવારની સલાહ, ચિડિયાપણું અને ગુસ્સાનું કારણ મળી ગયુ છે. પરમ દિવસે જ્યારે હું તમારું ટેબલ વ્યવસ્થીત કરતી હતી, ત્યારે તમારી ડાયરીમાંથી નીચે પડેલ છાપાના એ કટીંગ અને એ લેખે મને તમારા બદલાઇ રહેલા સ્વભાવનું કારણ આપી દીધું.
એ પુરા લેખ માં, દીકરીને લગ્ન પહેલા, સાસરે મોકલતા પહેલા કઇ રીતે તાલીમ આપીને, સારા સંસ્કાર આપીને જ મોકલવી તે અંગે ખુબજ સારી અને સાચી છણાવટ કરેલી હતી. એના અભાવ માં સાસરે ગયેલી દીકરીઓને કેટકેટલીએ તકલીફો થાય છે, બ્રેક અપ પણ થાય છે અને ઘણીવાર અણસમજુ દીકરીઓ ના લીધે અણચેતવ્યા બનાવો બની જાય છે તે અંગે સચેત કરાયેલ છે.
આ લેખ વાંચીને હું સમજી ગઇ કે પપા, તમને મારા સાસરે જવા વિષે, મારા ભાવિ વિષે, ખોટખોટી ચિંતાઓ ઘર કરી ગઇ છે. મારા સાથે કાંઇ અનિષ્ટ ના થાય એટલે તમે મને સુધારવાના બધા જ પ્રયત્નો ચાલુ કરી દીધાં. પપા, તમારા જેટલો સ્નેહ કોણ કરી શકે? તમને તો ગુસ્સે થતા નથી આવડતું, તો પણ ગુસ્સો કરી ને બતાવતા જેથી કાલે ઉઠીને હું સાસરામાં કોઇ પણ પરિસ્થિતિ નો સામનો કરી શકું. તમારા સંદિગ્ધ વ્યવહારથી તમે મને એક જાતનું વેકસીનેશન – રસીકરણ કરી રહ્યા હતા.
પપા, તમે રહેવા દો, તમને આ બધું નાટક કરતા નહીં ફાવે. તમને મારી ચિંતા હોય એ સ્વાભાવિક છે. કદાચ, મારી અલ્લડતા, મારી બેફીકરાઇ અને મારા આળસ વિષે વધુ પડતું ચિંતન કરીને તમે ચિંતાગ્રસ્ત છો.
પપા, બિલિવ મી, મારા સાસરા વારા ખુબ જ સારા માણસો છે. એ મને સાચવી લેશે અને મને પુત્રીની જેમ રાખશે.
અને ધારોકે એ સારા માણસો ના પણ હોય તો હું એમને સાચવી લઇશ. પપા, હું તમારી પુત્રી છું અને ઘણું બધું મેનેજ કરી શકું છું. બહાર ભણ્યા પછી, નોકરી કર્યા પછી મને ફાવટ આવી ગઇ છે. હું કોઇ પણ સંજોગો માં સુખી રહીશ. ઓકે?. પણ, તકલીફ એ છે કે દુનિયાના દરેક પપાની નજરમાં એમની દીકરીઓ એટલી જ રહે છે, ક્યારેય મોટી થતી નથી એટલે તમને મારી ખોટી ચિંતા થાય છે. પપા, પ્લીઝ બિલિવ મી, હું બધી સ્થિતિ સંભાળી શકું છું અને તમને વચન આપું છું કે દરેક સંજોગો માં હું સુખી કરીશ અને સુખી થઇશ.
પ્રદીપને પોતાની પુત્રીની સમજ, પોતાની પુત્રીની પુખ્તતા ઉપર ગૌરવ થઇ રહ્યું હતું. પુત્રીના સુખી ભવિષ્યને પ્રતિબિંબીત થતું જોઇને, પુત્રીના પત્ર પર આંસુઓનું અભિષેક થઇ રહ્યું હતું.