Mariyam Dhupli

Others

4  

Mariyam Dhupli

Others

પ્લેટફોર્મ નંબર ૩

પ્લેટફોર્મ નંબર ૩

11 mins
14.7K


શ્રદ્ધા રૅલ્વે સ્ટેશન પહોંચી ગઈ. મહાનગરમાં નોકરી મળવાને એક વર્ષ થવા આવ્યો. શહેર ની પ્રતિષ્ઠિત મહિલા હોસ્ટેલમાં રહેવાની સગવડ એને લગભગ ફાવી ચૂકી હતી.

પરિવારની સાથે હોઈએ ત્યારે પરિવારની એટલી કદર ન થાય જેટલી પરિવારથી દૂર રહીને થતી હોય. માતાપિતા અને ભાઈની જીવનમાં મહત્વતા કેટલી એતો એણે અહીં એકલાં રહીજ અનુભવી. એટલે જ્યારે પણ નાની મોટી રજાઓ મળે એ ટ્રેનમાં બેસીને સીધીજ પોતાનાં હોમટાઉન પહોંચી જતી. માતાનાં હાથની રસોઈ, પિતાની સાથે ક્રિકેટ મેચ જોવાનો લ્હાવો અને ભાઈ જોડે લોન્ગ રાઈડ અને મુવીની મજા બીજે ક્યાં મળે?

મહાનગરના ટ્રાફિક જામ પર એને જરાયે વિશ્વાસ નહિ તેથીજ આજે પણ એ દર વખતની જેમજ સમય કરતાં દોઢ કલાક પહેલાજ સ્ટેશન આવી પહોંચી. ટિકિટ ઓનલાઇન રિઝર્વ થઈ ચૂકી હતી. ટ્રેનનો એરાઇવલ સિડ્યૂલ દર્શાવતા બોર્ડ પર ઝડપથી નજર ફેરવી. ટ્રેન સમયસર આવી રહેશે ફક્ત દર વખતે પ્લેટફોર્મ નંબર ૨ ઉપર આવતી એની ટ્રેન આજે પ્લેટફોર્મ નંબર ૩ પર આવવાની હતી. એ સીધી પ્લેટફોર્મ નંબર ૩ ઉપર પહોંચી. આ પ્લેટફોર્મ એનાં માટે પરિચિત નહોતું.

વેકેશનને કારણે આખું પ્લેટફોર્મ ખીચોખીચ ભરેલું હતું. જે વાતાવરણ એને ન ગમતું. તદ્દન તેવુંજ સામે હતું. ભીડભાડ, ધક્કા ધક્કી, શોર, જ્યાં વ્યક્તિ પોતાનાજ હૃદયનાં ધબકારા સાંભળી ન શકે! પણ આખું વિશ્વ તો એની મરજીથી થોડી વર્તી શકે? નવા પ્લેટફોર્મને સમજતી એ ધીરેધીરે આગળ વધી. એનો કોચ નંબર ખૂબજ પાછળ તરફ હતો. ત્યાં પહોંચવા પહેલાં એણે મુસાફરીમાં સાથે વાંચવા કોઈ રસપ્રદ પુસ્તક ખરીદી લેવા વિચાર્યું. પાંચ કલાક ટ્રેનમાં એકલા પસાર કરવા કરતાં કોઈ સારા મિત્રનો સાથ મળી જાય! એકલતામાં પુસ્તક જેવું સારું ને સાચું મિત્ર બીજું કોણ?

પાસેનાં બુકસ્ટૉલ ઉપર પહોંચી એણે નજર ફેરવી. આખું બુકસ્ટૉલ લવસ્ટોરીઝથી છલકાતું હતું. પણ એને પ્રેમકથાઓમાં રસજ નહિ. "પ્યાર કા નામ ના લેનાં: આઈ હેટ લવ સ્ટોરીઝ!" મનોમન એ ફિલમનું ગીત ગણકારી પોતેજ પોતાનાં વ્યંગ પર હસી. 'વાહ શ્રદ્ધા તારા સેન્સ ઓફ હ્યુમર નો પણ ક્લાસ તો ખરો!'

વાસ્તવિકતા વાંચવી એને ગમતી. પોતાનાં રસનો વિષય શોધતી એની દ્રષ્ટિ ખૂણામાં રખાયેલ એક પુસ્તક પર પડી. 'અન્ડરસ્ટેન્ડિંગ બોડીલેંગ્વેજ' કંઈક નવું શીખતાં રહેવાની એની ધગશને એક નવો વિષય મળી ગયો. માનવ વર્તન અને શારીરિક હાવભાવોના અભ્યાસ પરથી માનવ વ્યક્તિત્વ પારખવાની કલા. એણે તરતજ ગમતું પુસ્તક ખરીદી લીધું.

પ્લેટફોર્મના પાછળ તરફ કોચ નંબર નિહાળતી એ ફરી આગળ વધી. ટ્રેન આવવાનાં સમયની આસપાસ વધુને વધુ લોકો પ્લેટફોર્મ પર ઉભરાઈ રહ્યા હતા. બેસવા માટે એક જગ્યા મળી જાય એ વિચારે એના પગ વધુ સ્ફૂર્તિ પકડી રહ્યા. ત્યાંજ લાગેલા એક જોરદાર ધક્કાથી એ નીચે પછડાઈ. બંને કોણીઓ જમીન સાથે ઘસડાય અને હાથમાંનું પુસ્તક દૂર જઈ પડ્યું.

"દેખાતું નથી કે શું?" ગુસ્સાથી અકળાતી એ ઊઠવા મથી રહી. પોતાનું પુસ્તક ઊઠાવી એ ફરી ગરજી. "સોરી પણ નહિ કહેવાય?" સામેની વ્યક્તિ હજી ચુપચાપ ઊભી હતી. એક જીવિત વ્યક્તિ કરતા પોતાની બેગની સંભાળ લેવામાં વ્યસ્ત હતી. બેગને કોઈ નુકસાન તો નથી થયું? બેગની અંદરનાં સામાનને એ બહારથી પંપાળી રહ્યો.

લગભગ પચાસની આસપાસની આયુ. ઊંચો બાંધો. કપડાં લગરવગર. આસપાસની દુનિયાથી અજાણ પોતાનાજ વિશ્વમાં ખોવાયેલો. "ઓ.. હલ્લો...આમ ટોકિંગ ટુ યુ…"
શ્રદ્ધાનો અવાજ ઊંચો થયો કે એણે પોતાની બેગ વધુ સંભાળથી પકડી. કંઈ પણ થઈ જાય એની બેગને આંચ ન આવવી જોઈએ એવા ભાવો દર્શાવતો એનો ચહેરો શ્રદ્ધા તરફ ફર્યો. એની આંખો શ્રદ્ધાની આંખોમાં કશુંક શોધી રહી. અને જાણે કંઈ પણ ન મળ્યું હોય એમ ફરી પોતાની બેગ ઉપર આવી તકાય. બેગને જોતાંજ શીઘ્ર કંઈક યાદ આવ્યું હોઈ એ રીતે એ આગળ વધ્યો.

થોડાજ પગલાં ભર્યા કે પાછો વળ્યો. શ્રદ્ધાને જાણે કંઈક પૂછવું હોઈ એ રીતે એની તરફ ધસ્યો. શ્રદ્ધા ડરીને બે ડગલાં પાછળ ખસી. શ્રદ્ધાની આંખોમાં ફરી એજ વિસ્મય અને અચરજથી ઝાંખી એ પોતાની બેગને નિહાળી રહ્યો. બેગને જોતાંજ જાણે એ ફરી જાગ્રત થયો હોઈ એમ પહેલા લીધેલી દિશાની વિરુદ્ધ દિશામાં આગળ વધ્યો ને જોતજોતાંમાં ભીડમાં જઈ ભળ્યો.

શ્રદ્ધા આ વર્તનથી સ્તબ્ધ ત્યાંજ ઊભી એજ દિશામાં જોઈ રહી. એનું હૃદય કારણ વિનાજ વલોવાવવા લાગ્યું. કંઈક તો હતું એ આંખોમાં. કંઈક પૂછી રહી હતી એ આંખો. ઘણું કહી રહી હતી એ આંખો. એ બેચેન વ્યક્તિત્વ કંઈક દર્શાવી રહ્યું હતું. પેલી બેગ... શું હતું એ બેગમાં જે એને કંઈક સંકેત કરી જતી હતી. એ બેગની સંભાળ એક નાનકડા બાળક જેમ એ શા માટે લઇ રહ્યો હતો!? 

"બાજુ... બાજુ.. બાજુ..." સામાન ઊઠાવી પસાર થતા ફૂલીના શબ્દોથી એ આસપાસની ચહેલપહેલ સાથે ફરી જોડાઈ. પોતે રસ્તા વચ્ચે બાધા બની ઊભી હતી એ ખ્યાલ આવતાજ એ ફરી પોતાની દિશા પકડી આગળ વધી. પણ એની દ્રષ્ટિ ફરી ફરી પેલી અજાણ વ્યક્તિ ને એની બેગને જ શોધી રહી. પણ આટલા વિશાળ પ્લેટફોર્મની ખીચોખીચ ભીડમાં એ ક્યાંથી દ્રશ્યમાન થાય?

પોતાના કોચ નંબરનું સાઈન બોર્ડ દેખાયું કે બેસવા માટે એ કોઈ જગ્યા શોધી રહી. દૂર ખૂણામાં એક નાનકડી બેન્ચ ખાલી દેખાઈ. બહુ સગવડવાળું સ્થાન તો ન હતું. પણ અહીં તો બેસવાને સ્થાન મળે એટલુંજ બહુ. ઝડપથી જઈ એ બેન્ચ પર ગોઠવાઈ ગઈ. પોતાનું પુસ્તક સંભાળીને પર્સમાં મૂક્યું. બંને હાથો ઉપર ઊઠાવી એણે આળસ ખેંચતા આરામનો શ્વાસ ભર્યો. પ્લેટફોર્મની ઘડિયાળ સાથે એણે પોતાની ઘડિયાળનો સમય સરખો કરી નાખ્યો. ટ્રેન આવવામાં હજી પૂરો એક કલાક બાકી હતો. અણગમતા વાતાવરણમાં સમય પણ જાણે થંભી જાય. પોતાનો સમય પસાર કરવા એની નજર પ્લેટફોર્મ પર ગોઠવાયેલા ટીવીનાં પરદા ઉપર પડી.

આંતરરાષ્ટ્રીય સમાચારો એ ધ્યાનથી નિહાળી રહી. ટીવી પર પ્રસારિત એ દ્રશ્યોથી એની આત્મા ક્ષણ ભર માટે કંપી ઊઠી. વિદેશના કોઈ એરપોર્ટ ઉપર થયેલા એ પ્રચંડ બૉમ્બ બ્લાસ્ટથી મૃત એ માનવશરીરો, લોહીનાં પ્રવાહ, નાના બાળકોના મૃતદેહો, આતંકનો એ પડઘો, એ જીરવી ન શકી. પોતે એક સામાન્ય માનવી જ ને ! એક સામાન્ય માનવી વૈશ્વિક રાજનીતિઓથી અજ્ઞાત. મોટામોટા ષડયંત્રોથી અજાણ. એક સામાન્ય માનવી શું ઝંખે? મહેનત ભર્યું જીવન, બે સમયનું ભોજન, પરિવારનો પ્રેમ, મૈત્રી ભર્યું વાતાવરણ ને મનની શાંતિ! તેથીજ આવી કડવી વાસ્તવિકતાઓથી એ દૂર ભાગે. રિમોટથી ટીવીની ચેનલો ફેરવી, પાર્ટી કરી કે પોતાના શોખ અને કલાની સાથે સમય વિતાવી લે છે. આંખે પાટા ચઢાવવાજ રહ્યા નહીંતર શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ રહે. શ્રદ્ધા પણ આ કડવી સચ્ચાઈથી ભાગવા પ્રયાસ કરી રહી.

પોતાના પર્સમાંથી એણે પોતાનાં જાદુઈ બટન નિકાળી કાઢ્યા. એના હેડફોન... એ જાદુઈ જ તો હતા.. જ્યારે પણ કાન ઉપર લાગે કે સંગીતનું મલ્હમ આત્માનાં થાકને ઉતારી જતું! એણે મ્યુઝિક બોક્સમાંથી એના ગમતા પાકિસ્તાની સંગીતકાર નુસરત ફતેહ અલી ખાનનું ગીત લગાવ્યું: " મેરે રક્સ ઍ કમર તુને પેહલી નઝર જબ નઝર સે મિલાયી મઝા આ ગયા…" કલા ભારતીય કે પાકિસ્તાની થોડી હોય? કલાની કોઈ જાત થોડી હોય? કલાને ક્યાં કોઈ સરહદની મર્યાદા નડે? એનું કામ તો ફક્ત હૃદયમાં ઊંડા ઉતરી આત્માને ઔષધિ આપવાનું. એ થોડી તફાવત કરે કે આત્મા ભારતીય કે પાકિસ્તાની?

આંખો બંધ કરી એ એક અન્ય જ વિશ્વમાં ખોવાય ગઈ. ભીડ, શોર, ક્રૂરતા બધાથી ખૂબજ ખૂબજ દૂર. મન શાંત ને આત્મા જાણે ધ્યાન ધરી રહી!

અચાનક એનાં પગ ને કંઈક સ્પર્શ થવાનો અનુભવ થયો. આંખો ખોલી પગ પાસે નજર કરી કે કોઈ પરિચિત વસ્તુ એણે જોઈ. 'આ બેગ તો...' થોડાજ સમય પહેલાં જેની સાથે અથડાય પડી હતી એજ બેગ! ઉપર દ્રષ્ટિ ઊઠી કે એજ પરિચિત આંખો એની આંખોમાં પરોવાઈ. ધીરેથી એણે હેડફોન સરાવ્યું. એની હેરાની વચ્ચે એ વ્યક્તિ બેગની બીજી તરફ ગોઠવાઈ. શ્રદ્ધાએ શંકાની દ્રષ્ટિથી બેગનું અવલોકન કર્યું. અચાનક એ અપરિચિત વિચિત્ર વ્યક્તિ એ બેગને પોતાના ખોળા માં લઈ લીધી. એક બાળક જેમ એને પંપાળી રહ્યો. બાજુમાંથી પસાર થતી એક હાથલારીથી એને સુરક્ષિત રાખવા એણે બેગને છાતી એ ચાંપી દીધી. એની બેગને એના સિવાય કોઈજ સ્પર્શી ન શકે એનું સંપૂર્ણ ધ્યાન આપી રહ્યો. 

"બેગ માં શું છે?" શ્રદ્ધા એ ડરતાં ડરતાં વિશ્વાસનો ડોળ કરી પૂછ્યું. પ્રશ્ન સાંભળતાજ એ ફરી વિચલિત થયો. બંને દિશાઓમાં વારાફરતી દ્રષ્ટિ ફેરવી શ્રદ્ધાની આંખોમાં તાકી રહ્યો. પ્રશ્ન શ્રદ્ધાએ પૂછ્યો હતો પણ ઉત્તર એ અજાણી આંખો માંગી રહી હતી. પોતાની બેગને વધુ કાળજીથી પકડી એ શ્રદ્ધા તરફ ઝૂક્યો. શ્રદ્ધા ડરીને પાછળ ખસી જ કે સામેના પ્લેટફોર્મ ઉપરથી પવનની વેગે પસાર થતી એક્સપ્રેસના અવાજથી એણે આંખો મીંચી કાન પર હાથ ધર્યા. ટ્રેન પસાર થઈ ચૂકી પણ એનું હૈયું હજી પુરજોશમાં ધડકી રહ્યું હતું. ટ્રેનનાં અણધાર્યા આગમનથી કે પછી એક અજાણ્યા, અપરિચિતના અસામાન્ય વર્તનથી!?

ધીરેથી આંખો ઉઘાડી કે એ ફરી ચોંકી. પેલી અપરિચિત વિચિત્ર વ્યક્તિ ક્ષણ ભરમાં અદ્રશ્ય થઈ ગઈ. ઊઠીને એણે ચારે તરફ નજર દોડાવી પણ વ્યર્થ. વિચારોથી મગજ ભારે થયું ને થાક બમણો. થાકી હારી એ ફરી બેન્ચ ઉપર આવી બેસી. અરે આ શું? એની બેગ તો હજી અહીંજ પડી છે. આમ કઈ રીતે કોઈ પોતાની બેગ છોડી જતું રહે! એણે બેગ તપાસવા હાથ ઊઠાવ્યો. પણ એક વિચિત્ર ડરથી એણે હાથ પાછો ખેંચી લીધો. એની સાથે ઠોકાય પડવાથી લઈ પેલા અજાણ્યાના વિચિત્ર હાવભાવ સુધી, ટીવી પર પ્રસારિત પેલા સમાચારથી લઈ પેલી કંઈક પૂછતી આંખો સુધી વિચારોના સેતુ જોડાતા ચાલ્યા.

“ના રે, ફક્ત મન નો વહેમ બીજું કંઈજ નહિ !” વિચારો ખંખેરી ફરીથી હેડફોન ચઢાવવા ગઈ કે એના કાનમાં કંઈક સંભળાયું.
'ટીક... ટીક... ટીક..' એણે પોતાની રિષ્ટ વોચ કાને લગાડી જોઈ. એનો અવાજ નહોતો. 'ટીક, ટીક, ટીક......' એક સાથે સતત લયબદ્ધ અવાજ. 'ટીક, ટીક, ટીક......'  પોતાની ધારણા ખોટી પડે એ આશા એ એણે પોતાના કાન સાચવીને બેગ પર ગોઠવ્યા. પણ દુર્ભાગ્યે એની ધારણા તદ્દન સાચી નીકળી. 'ટીક, ટીક, ટીક.....' બેગમાંથી આવી રહેલ એ અવાજથી એના શકને પુરાવો મળી ગયો. એનીજ નહિ પ્લેટફોર્મ ઉપર હાજર દરેક જીવની સુરક્ષા માટે એ એકી શ્વાસે દોડી. જીવન અને મૃત્યુ વચ્ચે કેટલી ક્ષણ બચી હતી કોને ખબર?

એ અજાણી વ્યક્તિ ક્યાં ધર્મની હતી શું ખબર? પણ પ્લેટફોર્મ ઉપર હાજર આ વિશાળ ભીડ તો બધાજ ધર્મની હતી. એ અજાણી વ્યક્તિની જાત અજ્ઞાત પણ આ પ્લેટફોર્મ પર હાજર બધાજ બાળકો દરેક જાતિના હતા. આજે એક માનવ અન્ય માનવની મદદે દોડી રહી હતી, ડરનો  સામનો નીડરતાથી કરી, નિસ્વાર્થ ભાવે, જીવના જોખમે. માનવતા હજી મરી પરવારી નથી જાણે એજ સાબિત કરવા!

સ્ટેશન માસ્ટરને સારાંશમાં બધીજ વિગતો  એણે પૂરી પાડી. કેટલાક તત્કાલ ઇમર્જન્સી કોલ કરી એ શ્રદ્ધા જોડે બેગ પાસે પહોંચ્યા. આખો વિસ્તાર એમણે સુરક્ષા કર્મીઓથી ઘેરાવી નાંખ્યો. એ સંદિગ્ધ બેગનાં સમાચાર જોતજોતામાં આખા પ્લેટફોર્મ પર ફરી વળ્યાં. લોકોને ડરવાની કે ભાગાભાગી કરવાની મનાઈ કરતા સાવચેતી ને શાંતિથી પરિસ્થિતિનો સામનો કરવાની માંગણી કરતી ઘોષણા કરવામાં આવી.

અફરાતફરીમાં ઘણા લોકો સ્ટેશન છોડી જવા નીકળવા લાગ્યા. સ્ટેશનની બહાર આવી પહોંચેલ સ્પેશ્યલ ફોર્સના સાઇરેન પ્લેટફોર્મ સુધી સંભળાઈ રહ્યા. આ બધાની વચ્ચે શ્રદ્ધાની નજર સામેના પ્લેટફોર્મ ઉપરથી પસાર થતી પેલી વિચિત્ર વ્યક્તિ ઉપર પડી. "આજ છે એ જે અહીં આ બેગ છોડી ગયો." આંગળી ચીંધાયેલ દિશામાં સુરક્ષા કર્મીઓ દોડ્યા અને થોડીજ મિનિટોમાં એને બેગ પાસે ઘસડી લાવ્યા. "આ તારી બેગ છે?" પોલીસ ઇન્સ્પેક્ટરની આંખોમાં એ ફરી એજ નહિવત ભાવથી જોઈ રહ્યો. "શું છે એની અંદર?"  ઇન્સ્પેક્ટર પાસૅ ઉભેલ શ્રદ્ધા તરફ એ ફરવા ગયો કે ઇન્સ્પેક્ટર એ એને એક જોરદાર લાફો માર્યો. જમીન ઉપર પટકાતાજ એના મોઢાના ખૂણામાંથી લોહી નીકળી વહ્યું. ઊભો થવા મથ્યો કે જોરદાર લાતથી એ ફરી નીચે પટકાયો. હાડકા ભાંગ્યાનો અનુભવ થતાંજ એ દર્દથી કરાંજ્યો.

આ બધાની વચ્ચે બૉમ્બ ડિટેક્ટ કરવા માટે સ્પેશ્યલ ટુકડી આવી પહોંચી. ભીડને ચીરતો એક માણસ સીધોજ પેલા વિચિત્ર વ્યક્તિ પાસે જઈ પહોંચ્યો. "રહીમભાઈ આપ ઠીક તો છો ?" શ્રદ્ધાએ આ ચહેરો પહેલા ક્યાંક જોયો હતો. પણ ક્યાં? ક્યાં? ક્યાં? હા, જ્યાંથી એણે પોતાનું પુસ્તક ખરીદ્યું હતું ત્યાંજ, બુકસ્ટૉલ ઉપર!

"રહીમભાઈ હું છું. હરિ આપનો સપ્લાયર, યાદ આવ્યું?" એ આમ શું યાદ અપાવી રહ્યો હતો? "આપ એને ઓળખો છો?" ઇન્સ્પેક્ટરના અવાજમાં કડકાઈ ખડકી. 

"જી સાહેબ હું હરિ છું. આ પ્લેટફોર્મ ઉપર બુકસ્ટૉલ ચલાવું છું. રહીમભાઈ વર્ષોથી મારી પાસે પુસ્તકો હોલસેલમાં ખરીદી બાજુનાં ગામમાં રિટેલમાં વેચી નાનકડી દુકાન ચલાવે છે."

શ્રદ્ધા એ આરોપવાળા સ્વરમાં ટાપસી  પૂરી. "તો આવું વિચિત્ર વર્તન? ને આમ બેગ મૂકી કેમ ભાગ્યા?" એજ ક્ષણે ડિટેક્શન કરવા દૂર પડેલ બેગ ખુલી. "ટીક... ટીક... ટીક.." અવાજ વધુ સ્પષ્ટને ઊંચો ઉઠ્યો. આખું બેગ જુદા જુદા ધર્મગ્રંથોથી ભરેલું હતું. ગીતા, કુરાન, બાઇબલ, ધાર્મિક પવિત્ર ગ્રંથોનું સુંદર મેઘ ધનુષ્ય! અને બધાની વચ્ચે એક નાનો ભેટનો ડબ્બો. ડબ્બો સાવચેતીથી ખોલાતાજ અંદરથી એક સુંદર ઘડીયાળ જેની ઉપર 'સર્વ ધર્મ સમાન, વસુધૈવ કુટુંબકમ'નું સુંદર ચિત્રણ હતું. સાથે એક નાનકડી કાગળની જાહેરાત.' બાય હૉલ સેલ રેલીજિયસ બૂક્સ એન્ડ ગેટ એ બ્યુટીફૂલ ક્લોક ફ્રી'

''ટીક... ટીક... ટીક..." એનોજ અવાજ! શ્રદ્ધા ફાટી આંખે જોઈજ રહી. "સાહેબ રહીમભાઈને ફર્સ્ટ સ્ટેજ અલ્ઝાઇમર છે. અચાનક બધુજ ભૂલી જાય છે. ક્યાં જવું, શું કહેવું, શું કરવું કશુંજ યાદ ન રહે. અને થોડીજ ક્ષણમાં યાદ પણ આવી જાય. કેટલીવાર કહ્યું કે હું મદદ કરી નાખું પણ સ્વાભિમાની એવા કે કોઈની મદદ જ ન લે. એકનો એક દીકરો અકસ્માતમાં ખોવયા પછી પોતાનું અને પત્નીનું ગુજરાન ચલાવવા આવી હાલતમાં પણ મહેનતનો સાથ નથી છોડતા. પણ હવે બહુ થયું હું ડિલિવરીની વ્યવસ્થા કરી આપીશ."

ત્યાંજ જમીન ઉપર પછડાયેલ ને ઘવાયેલ શરીરમાંથી પહેલીવાર અવાજ આવ્યો. "હું બાથરૂમ ગયો હતો. એ અપવિત્ર સ્થળે આ પવિત્ર પુસ્તકો કઈ રીતે લઈ જાઉં. એમને કહી ગયો હતો." શ્રદ્ધા તરફ ઈશારો કરી એ આગળ બોલ્યો:  "બાથરૂમમાંથી બહાર નીકળ્યો પછી શું થયું કશુંજ યાદ નથી." પોતાની નિઃસહાયતા પર ધ્રુસકે ધ્રુસકે રડતા એ લાચાર વ્યક્તિની આ હાલત નિહાળી શ્રદ્ધા નિઃશબ્દ થઈ નજર ઢાળી રહી. એક પછી એક બધાજ તાર વિચારોમાં સુલજી ગયા.

પહેલીવાર ઠોકાઈ હતી ત્યારે દિશા ભૂલેલી એ આંખો, કઈ દિશામાં જવું એ પૂછી રહી હતી. બેગની અંદરના એ પવિત્ર પુસ્તકોને એક બાળકસમા છાતીએ ચાંપતાએ હાથો, એ પવિત્ર પુસ્તકો રૂપે બધાજ ધર્મોની પવિત્રતા અને સમ્માન જાળવવા મથતી એ નબળી યાદશક્તિ, પોતાને સોંપી ગયેલએ બેગ અને ટ્રેનના અવાજ નીચે દબાઈ ગયેલ મદદ માટેના એ શબ્દો. બધુંજ પહેલેથી છેવટ સુધી!

"આવો તમને ડોક્ટર પાસે લઈ જાઉં." પોલીસ ઇન્સ્પેક્ટરે હરિને ગાડીની વ્યવસ્થા કરી આપી અને એ રહીમભાઈને લઈ નીકળી ગયો.  ભેગું થયેલ ટોળું સહેલાયથી વિખેરાય ગયું. પણ શ્રદ્ધાની અંદર જે વિખેરાયું હતું એ ફરી જોડાવું સહેલું નહોતું. 

"ડોન્ટ ફીલ ગિલ્ટી. આપે જે કર્યું એ દેશના દરેક નાગરિકે કરવુંજ રહ્યું. પોતાની ને અન્યોની સુરક્ષા માટે આમજ જાગૃત રહેવું જરૂરી." ઇન્સ્પેક્ટરના આશ્વાસનથી અસહમત એની ભીંજાયેલી આંખો લૂછતાં એ બોલી રહી: "એક નિર્દોષ પર આટલો મોટો આરોપ? જાણ્યા વિનાજ… જોયા વિનાજ... સમજ્યા વિનાજ... જે પોતાનાં ખોળે માનવતા ને ધર્મની સલામતી, એનાં આદર ને માનની સુરક્ષા કરી રહ્યો હતો એની ઉપર જ?"

ઈન્સ્પેક્ટરે શ્રદ્ધાનાં ખભા પર હાથ મૂક્યો. "આઈ અન્ડરસ્ટેન્ડ માય ચાઈલ્ડ. ઇટ્સ નોટ ઇઝી. આજે વિશ્વ અવિશ્વાસના રંગે એવું રંગાયું છે કે નિર્ણયો લેવા ખૂબજ મુશ્કેલ થયા છે. વિશ્વાસ અને અવિશ્વાસની આ દ્રિધામાં ક્યારેક સુરક્ષાને લઈને ચિંતિત આપણે માનવીઓ નિર્ણયો લેવામાં ચૂકી જઈએ છીએ. એ ચૂકની સજામાં જાણ્યે અજાણ્યે નિર્દોષ અને લાચાર વ્યક્તિઓ પીસાય જાય છે. પણ શું કરી શકાય?" 

શ્રદ્ધાની ટ્રેન આવી પહોંચી. ભારે હૃદય સાથે એ ટ્રેનમાં ગોઠવાઈ. આંખો મીંચીને પેલી પ્રશ્નોથી ભરેલી આંખો એ જોઈ રહી.

"આમ સૉરી.. આમ રીઅલી સોરી.." આંખોમાંથી વહી રહેલો એ ધારદાર પ્રવાહ એની માફીની સચ્ચાઈની સાબિતી બની રહ્યો. એ માફી ફક્ત એ વિચિત્ર વ્યક્તિથીજ નહિ પણ એ દરેક નિર્દોષ જીવ માટે હતી જે વિશ્વાસ અવિશ્વાસની દ્રિધામાં વિના વાંક સજા પામતા જાય છે!


Rate this content
Log in