Divyesh V Sodvadiya Dvs

Others Romance

2  

Divyesh V Sodvadiya Dvs

Others Romance

નાવ... યુ આર માય વેલેન્ટાઇન

નાવ... યુ આર માય વેલેન્ટાઇન

4 mins
7.6K


વીતી ગયેલ વેલેન્ટાઇનની મોડી સાંજે સાતમી મંજિલની બાલ્કનીમાં બેસીને હું ધીરેધીરે એની વાતને સમજવાની મથામણમાં ફસાયો હતો. જોકે અગાઉ કદી મેં એને સાંભળવાની તસ્દી લીધી જ નહોતી. પરંતુ ખબર નહીં કેમ? પહેલી વાર એની લાગણી મને સ્પર્શી રહી હતી.

હળવેકથી એણે એની વ્યથા આગળ વધારી, “..એટલે જ હું કહું છું કે ક્યારેક તો મારી સામે જો! મારા સંગાથે જીવવાની કોશિશ કર. પણ નહીં...! મારી વાત માનવામાં તને રસ જ ક્યાં છે?”

“તારી સાથે? કાયમ તો તારી સાથે હોઉં છું. સાથે રહું છું, સાથે જીવું છું. એને રસ ન કહેવાય તો બીજું શું..?” મેં ત્વરાથી એનાં પ્રશ્નોનાં ઉત્તરોમાં પ્રતિપ્રશ્ન ફેંક્યો.

“આ બધું તો દુનિયાને દેખાડવાના ઢોંગ છે. દુનિયાની ભીડભાડમાં મારાથી વેગળો રહીને તું એકલો જીવે છે, એ હું નરી આંખે ભાળું છું.” એણે ફરી મને એ વાત યાદ કરાવી, જેને હું હંમેશા અવગણ્યા કરતો હતો.

છતાંય મેં એને હરાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો, “કોણે કીધું કે હું એકલો છું? કેટલાયે મિત્રો છે, માબાપ છે, અરે.. આખો પરિવાર છે, અને તું પણ.!”

“...ને આ બધાની વચ્ચે તું મને કેટલો સમય ફાળવે છે? સપનાઓ અને જરૂરિયાતોને આંબવાની ભાગદોડમાં તેં મને ક્યારેય મહત્વ આપ્યું છે ખરું?” હવે એનાં શબ્દો સંવાદમાંથી વિવાદમાં પરિવર્ત થઈ રહ્યા હતા.

“દલીલબાજી કરવી હોય તો મારે કંઈ નથી સાંભળવું.” ગુસ્સાના ખાબોચિયાંમાં પગ મૂકી મેં સ્વ-બચાવ કરતા કહ્યું. હજુ એની નજર મારા પર હતી પરંતુ મેં મોં ફેરવી બાલ્કનીની બહારના ઘેરાં અંધકારમાં ઉજાશ શોધવાનું પસંદ કર્યું. કાળાડિબાંગ અંધારામાં સ્ટ્રીટલાઈટની ઝાંખી રોશની તળે રસ્તા પર ચાલતા વાહનોને હું એકીટશે જોઈ રહ્યો. ખરેખર તો એ ચાલતાં નહોતાં, પૂરપાટ વેગે આમથી તેમ ભાગી રહ્યાં હતાં. કેવળ વાહનો જ નહિ.. એ લોકોની જિંદગી પણ!

“હું જે જોઉં છું, તને પણ એ દેખાય છે. ફરક માત્ર એટલો જ કે.. હું એને સમજું છું અને તું સમજતો નથી. અથવા તો કદાચ તું દૂર ભાગે છે.” પળભરની શાંતિ બાદ એણે સરખામણી આદરી દીધી. મેં રસ્તાને તાકવાનું ચાલુ રાખ્યું. એનાં શબ્દો મસ્તિષ્કમાં પડઘાતા હોવાથી ‘સટ... સટ...’ દોડતાં વાહનોમાં મને મારી જિંદગીનાં વહી ગયેલા વર્ષો ભાસતાં હતાં, ગુજરી ગયેલા એક-એક દિવસો દેખાતા હતા.

“આખો દિવસ મિત્રો, ઓફિસ, અને સગાં-વહાલાં સાથે ‘વેલેન્ટાઇન...વેલેન્ટાઇન..’ના રટણમાં વેડફી દીધો, છતાંય જે સમય મળ્યો તે મોબાઇલ અને લેપટોપમાં..! મારી ઇચ્છાઓને પૂરી કરવાની વાત તો દૂર રહી, તેં કદી એને જાણવાનો પ્રયત્ન પણ ન કર્યો.” ક્યારની ડોકિયું કરતી પીડાનો એણે ઊભરો ઠાલવ્યો.

મૌન રહી મેં ઊંડા શ્વાસ સાથે એની વેદનાનો વિચાર કર્યો. સાચે એનાં કહ્યાંમાં દમ હતો. આજનો દિવસ મેં બીજા માટે જ પસાર કર્યો હતો. "અરે... આજ શું? અત્યાર સુધીના બધા દિવસો મેં આમ જ વિતાવ્યા હતા."

એણે રસ્તા તરફ જોતા કહ્યું, “પેલું લાલ સિગ્નલ થતું જોઈને ભાગી જતી છેલ્લી ગાડીને જો! તારું જીવન પણ એવું જ છે. જ્યાં સુધી એ ન દેખાય ત્યાં સુધી ભાગ્યા કરવાનું. લાલ બત્તી આવે એટલે ગાડી અને જિંદગી બંનેએ અટકી જવું પડે. ગાડીને તો ફરી લીલી ઝંડી મળી શકે પરંતુ તને કે મને નહીં! એથી જ કહું છું કે જ્યાં સુધી આવું સિગ્નલ ન આવે ત્યાં સુધીમાં ક્યારેક તો મને સાંભળ, ક્યારેક તો મારું કહ્યું કરી જો, મારી સાથે જીવી જો. પછી પ્રેમ ન થઈ જાય તો કહેજે!”

એની પીડામાં હું રીતસર તણાતો ગયો. એની શબ્દરૂપી લાગણીને ભેટીને રડી લેવાનું મન થઈ ગયું. પરંતુ હું એમ નહોતો કરી શકતો, કેમ કે એનું અસ્તિત્વ મારી સામે કે બહાર નહોતું. એ તો મારી ભીતર હતું. હવે હું એને સમજું છું એવી આશાસહ એણે વેલેન્ટાઇનને વધાવતાં આખરી પ્રશ્ન પૂછી લીધો, “વીલ યુ બી માય વેલેન્ટાઇન?”

મેં એક ક્ષણની પણ પ્રતીક્ષા કર્યા વગર મારા દિલને જવાબ આપ્યો, “યસ.. નાવ યુ આર માય વેલેન્ટાઇન.” આખરે એનું મહત્વ અને એનો અવિરત પ્રેમ સમજાવવા મથતું મારું દિલ, મારો અંતરાત્મા, મારું હૃદય જોશથી ધબકારમય હિલોળે ચડ્યું. બીજી જ ક્ષણે એકમેકની વચ્ચેનું મૃગજળ જેટલું અંતર અશ્રુજળમાં ફેરવાઈ ગયું. બાલ્કનીની પાળી પર પગ ટેકવી મેં એની સાથે આરામ ખુરશી પર લંબાવી દીધું.

“અરે.. કડકડતી ઠંડીમાં તમે અહીં જ સૂઈ ગયા?” મારા માથે હાથ પસવારતી મારી પત્ની મને અંદર જવાનું કહેતી હતી.

“મને અહીં જ સૂવા દે, અને બ્લેન્કેટ ઓઢાડી જા.”

“પણ અહીં એકલા...”

“હું એકલો ક્યાં છું! મારું વેલેન્ટાઇન દિલ છે ને મારી સાથે!” કહેતા મેં હૃદય પર હાથ મૂકી આંખો મીંચી દીધી. ને બાજુમાં પડેલી મારી ડાયરીનાં પાનાં વાસંતી વાયરાના ફફડાટ સંગ ઝૂલતાં-ભેટતાં એકબીજાને વળગતાં રહ્યાં. સાથે તેનાં પર કંડારાયેલી કવિતા પણ!

આપણે મળ્યાં ને થઈ એક નવી શરૂઆત,
‘હું’ અને ‘તું’ મટી થઈ એકમેકની વાત.
ભલે નથી તું મારી સમક્ષ,
છતાંય તારી આસપાસ હું વસું છું,
મારી ભીતર રહીને તું મને...
રડાવે તો રડું છું, હસાવે તો હસું છું.
જયારે જયારે થાય દુનિયા દોરંગી,
ત્યારે તો હું તને ખરેખર મળું છું.
તું ખુદ દિલ છે તો શું થયું?
તારાય 'દિલ'ને હવે તો હું કળું છું.


Rate this content
Log in