Divyesh V Sodvadiya Dvs

Others

3  

Divyesh V Sodvadiya Dvs

Others

તડકીમાં છાંયડો (પ્રકરણ ૮)

તડકીમાં છાંયડો (પ્રકરણ ૮)

6 mins
7.4K


[આ નવલકથાનું કોપીરાઈટ રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તેથી આ નવલકથા પરના બધા હક લેખકના પોતાના જ છે અને રહેશે. સાહિત્યની ઉઠાંતરી કરનારાઓએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું.]

તડકીમાં છાંયડો

(પ્રકરણ ૮)

૮. મંગલસૂત્રનું મૂલ્ય 

ગામના ડૉક્ટરે આપેલ સુલેહ મુજબ શહેરની નવજીવન હોસ્પિટલ પહોંચી એણે જૂના રિપોર્ટ બતાવ્યા અને જરૂરી નવા ચેક-અપ કરાવ્યા. બે કલાક સુધી ડૉક્ટરે રિપોર્ટનો ઊંડો અભ્યાસ કર્યા બાદ પોતાની કેબિનમાં બોલાવ્યા, “આવા ઘણાં કેસ આવે છે અમારી પાસે. પરંતુ અમુક લોકો પોતાની તાકાત અને પીડા આગળ હાર માની લેતા હોય છે. તો વળી અમુકને ઉપચાર માટેના પૈસાની કે કોઈકને સાથ સહકારની ઊણપનાં લીધે પોતાનો જીવ ગુમાવવો પડે છે.”

બે ઘડી કેબિનમાં મૌન પથરાઈ ગયું. ડૉક્ટર આગળ વધ્યા, “કહેતા દુઃખ થાય છે કે જો તમે ઓપરેશન નહીં કરાવો તો તમારો જીવ પણ જોખમમાં....” જીત અને રામુના નિસ્તેજ થઈ ગયેલા ચહેરા જોઈ ડૉક્ટર ફરી અટક્યા. સાળો-બનેવી જાણે પથ્થર બની એને સાંભળી રહ્યા.

“તમે સમજો છો ને? કે હું શું કહેવા માંગું છું? ડૉક્ટરના સવાલ સામે રામુએ હકારમાં માથું ધુણાવ્યું. જીતે તરત જ પ્રતિપ્રશ્ન કર્યો, “આ ઓપરેશન કેટલા વખતમાં કરવું પડશે?” જવાબમાં ડૉક્ટરે એક મહિનાની મુદ્દત આપી. રામુએ અંદાજિત ખર્ચ પણ પૂછી લીધો. “આશરે એક લાખ રૂપિયા.” સાંભળી જીતની સાજા થવાની આસ્થા પડી ભાંગી.

ઝડપભેર બંને ખુરશી પરથી ઊભા થઈ ગયા. ડૉક્ટરના માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કરતા જીતે સહેજ ડોક નમાવી અને પગને પાછા વાળ્યા. ‘આગળ શું કરવું?’ એ બાબતે રસ્તામાં બંને વચ્ચે સંવાદ સતત ચાલુ રહ્યો. છતાંય બંને ભવિષ્ય વિષે કોઈ ઠોસ નિર્ણય લઈ ન શક્યા. ઘરે આવી જાનકીને કહેતા અચકાતા જોઈ એ સમજી ગઈ કે જરૂર કોઈ ચિંતાજનક વાત છે. વાળું કરી લીધા પછી જાનકીએ બધી હકીકત જણાવવા કહ્યું. જીતે ગમગીન ભાવે ડૉક્ટર સાથે થયેલી વાત રજૂ કરી. એના અવાજમાં આજ પહેલી વાર અજીબ ડર અને ઉદાસીનતા ઊભરાતી જોઈ જાનકીએ સાંત્વના આપી, “તમે કહેતા હતા ને કે સારું થઈ જશે, તો ભગવાન પર ભરોસો રાખો. જરૂર સારું થઈ જશે.”

ચાર દિવસ સુધી શિલા અને જીવલા સહિત બધા ઊંડા વિચારોમાં ખોવાતાં રહ્યાં. પાંચમાં દિવસની સવારે અચાનક ગામના એક વડીલ શિલા માટે માગું લઈને આવ્યા. જીતે ખુશ થઈ શિલાને જાણ કરી પરંતુ એણે આવી મુસીબતનાં વખતે સાથ ન છોડવાનો ફેંસલો સંભળાવ્યો. બંને જણાએ એને સમજાવી.

“શિલા., મેં તને બાળપણથી મારી સગી બહેન જ માની છે. તારાથી મને મારું પરિવાર મળ્યું. ને આજ ભાઈ તરીકે મારી જવાબદારી છે કે તને સારા ઘરે સાસરે મોકલું. આ ખોરડું સુખી અને સંસ્કારી છે. બસ., એક જ વાત છે કે તેઓ લગ્નની ઉતાવળ કરે છે. કેમ કે છોકરાને દૂર શહેરમાં નોકરી હોવાથી એને જલ્દી પાછા ફરવાનું છે.”

“લગ્ન કરવાનું ક્યારે કહે છે?” જાનકીએ આતુરતાથી પ્રશ્ન પૂછ્યો.

“આજથી ત્રીજા દિવસે. શિલા.., મને વિશ્વાસ છે કે એ ઘરમાં તને કોઈ તકલીફ નહીં પડે.” ભાઈ-ભાભીનાં સમજાવવાથી શિલાએ હા તો પાડી દીધી, પરંતુ વર્ષોનો સાથ આમ બે દિવસમાં જ અચાનક વિખૂટો પડી જશે એવું એણે સ્વપ્નેય નહોતું વિચાર્યું.

પોતાનું દર્દ ભૂલી બે દિવસમાં જીત અને જાનકીએ બધી તૈયારીઓ કરી દીધી. શિલાનાં લગ્નનો બધો ખર્ચ અગાઉ નક્કી કર્યાં પ્રમાણે વાવણીની કમાણીના ડબ્બામાંથી કર્યો. તોયે ડબ્બામાં અમુક રકમ બચી રહી. ધામધૂમથી શિલાનાં લગ્ન કર્યાં બાદ વળાવતી વખતે જાનકી અને જીતે તે ડબ્બો એનાં હાથમાં મૂક્યો. શિલા એ બંનેને વળગીને ચોધાર રડી રહી. પોતાને સાસરે વળાવતા જીતને જોઈ એનાં નાના યાદ આવી ગયાં. ઢોલ શીખવા આવેલ જીતનો એ પહેલો દિવસ અને તે પછી પોતાને બહેન માનીને લાડ પ્યારથી સાચવેલ દરેક દ્રશ્યોભરી યાદ એની અશ્રુસભર આંખો સામે તરવરી રહી.

એણે હાથમાં રહેલા ડબ્બાને ખોલીને જોયું તો તેમાં ઘણી રકમ હોય એવું લાગ્યું. એણે ડબ્બાનું ઢાંકણ બંધ કરી જીતને પાછો આપવા ડબ્બો ધર્યો, “લે.! ભાઈ, આ રકમ તારા હાથના ઇલાજમાં કામ લાગશે.” પણ જીત ન માન્યો. શિલાએ ઘણી આજીજી કરી તોયે એ એકનો બે ન થયો. છેવટે શિલા એનાં ઓરડામાં જઈ એક કાગળ લઈ આવી.

“મારા નાનાનું ઘર ઘણાં વર્ષોથી એમ જ પડ્યું છે. નાનું છે પણ વેંચતા જે પૈસા મળશે એનાથી ઓપરેશનના ખર્ચમાં રાહત થશે. લે.., આ કાગળ.. એને વેંચી નાખજે.” જીતની મનાઈને અવગણીને શિલાએ પોતાના સમ આપી ઘરના કાગળ એના હાથમાં સોંપ્યા. ઢાળિયામાં બેસેલો જીવલો રડમસ થઈ શિલા પાસે આવી એને વીંટળાઈ વળ્યો, જાણે કે એને રોકતો ન હોય.! શિલાએ એની કલગી અને ડોકથી પેટ તરફ હાથ ફેરવી એને પંપાળ્યો. આખરે સૌએ એને કમને આકરી વિદાય આપી.

વિદાય પછીનાં ઘરમાં આજે વધુ સૂનકાર વ્યાપી ગયો હતો. ઘરનું એક સભ્ય એને છોડીને ચાલ્યું ગયું હતું અને એક મૂંગું ન ધારેલું તોફાન જીતની કોણીએ આવીને બેસી ગયું હતું.

મહિનાની મુદ્દતમાંથી પખવાડિયું વીતી ગયું. ‘શું કરવું અને શું ન કરવું?’ના વિચારમાં અને વેદનામાં બીજા દસ દિવસ પસાર થઈ ગયા છતાં કોઈ આખરી ઉકેલ ન મળ્યો. જીત તન અને મનની લડાઈ વચ્ચે આમથી તેમ ફંગોળાતો રહ્યો. મન આ ઓપરેશન કરવા માનતું નહોતું અને તન સતત એ દિશામાં ખેંચાવા લાગ્યું હતું. રાત-દિવસ પીડામાં વધારો થવા લાગ્યો. નાનો સોજો જોતજોતામાં મોટો ને ભરાવદાર થઈ ગયો. રોગીપણું ભોગવતા જીતની સામે નાનકડો દેવ જ્યારે પોતાના હોઠ પર મીઠી મુસ્કાન પાથરતો ત્યારે એ દર્દ ભૂલી ભાવવિભોર થઈ જતો.

જાનકી રોજ કોણીનાં સોજા પર રૂ ફેરવી સોજો સાફ કરી આપતી. રૂની ગાંઠ જેવી નાની પોટકી સોજાને જાણે પીગળી જવા કાલાવાલા કરતી હોય એવું લાગતું. ધીરેધીરે દુઃખાવો અસહ્ય થવા લાગ્યો તોયે જીત સ્વયંને ધરપત આપી સહન કરતો રહ્યો. જ્યારે જાનકી સોજા પરથી વારંવાર ટપકતું લોહી અને પરુ સાફ કરતી ત્યારે જીવાણુંઓ આફતે ચડતા હોય એમ જીતના મોંમાંથી સિસકારા નીકળી જતા.

“હવે વધારે રાહ ન જોવાય. જેમ બને તેમ વહેલા ઓપરેશન કરાવવું જોઈએ.” સિસકારા સાંભળી જાનકી બોલ્યા વગર ન રહી શકી. જીતે એનું મૌન યથાવત રાખ્યું. જાનકી આગળ બોલી, “મારા ઘરેણાં વહેંચી આપણે ઓપરેશન કરાવી....” વધુ કંઈ બોલે એ પહેલાં હાથમાંથી બંગડી કાઢતી જાનકીને અટકાવી જીતે એને ચુપ કરાવતા કહ્યું, “હાથ તો સારો થઈ જ જશે, પણ એ માટે ઘરેણાં વેંચવાની શી જરૂર? ઘરેણાં ઘરની લક્ષ્મીનાં હાથમાં જ શોભે. એને આમ અકારણ વહેંચાય નહીં.”

જીતના હાથને પોતાની હથેળીઓમાં સમાવી જાનકીએ એક ક્ષણ પાંપણો ઢાળી અખૂટ સહારો આપ્યો, “તમારા જીવ સામે આ ઘરેણાંની કિંમત કોડીનીય નથી. તમે મારી સાથે છો.. તો બધું જ છે, નહીંતર કંઈ જ નથી. તમારા જીવના જોખમે આ બધું પહેરીને જીવું તો મારું સૌભાગ્ય શું કામનું? ચાલો., આપણે ઇલાજ કરાવી લઈએ.”

જાનકીની આંખોમાંથી નીતરતા ભરપૂર પ્રેમને જીત એકીટસે જોતો જ રહી ગયો. એનામાં હવે ના પાડવાની હામ નહોતી બચી. છતાંય એ ના કહે તે પહેલાં જાનકીએ પોતાના સોગન આપી એને મનાવી લીધો. છેવટે જાનકીની જીદ આગળ એ હારી ગયો અને શહેર જઈ ઓપરેશન કરાવવા તૈયાર થયો.

બીજા દિવસની સવારે ભારે હૈયે શિલાનાં નાનાનું ઘર બાવીસ હજારે ગામના સરપંચને વહેંચી દેવ, રામુ અને જાનકી સાથે એ શહેર પહોંચ્યો. સોનીની દુકાને જઈ જાનકીએ ઘરેણાં બાંધેલ કપડાંની નાની પોટલી ધરી. ચાર બંગડી, હાર, કડી, ચાંદીની ઝાંઝર.. એક પછી એક બધી વસ્તુનું તોલ કર્યા બાદ સોનીએ રકમ આપતા કહ્યું, “લ્યો, વીસ હજાર. ઘરેણાં વીસ હજારના થયા.”

“બસ.. આટલા જ?” રામુએ સવાલ કર્યો, ત્યાં સુધી જાનકી અને જીત એકબીજાની સામે જોઈ મનોમન ઘૂંટાઈ રહ્યાં. બીજી જ પળે જાનકીએ ગળામાંથી મંગળસૂત્ર ઉતારી સોનીને ધરતા કહ્યું, “આનાં કેટલા આપશો?”

સોની મંગળસૂત્ર હાથમાં પકડે એ પહેલાં જીતે મંગળસૂત્ર લઈ પાછું જાનકીને પહેરાવ્યું, “અરે... ઘેલી થઈ ગઈ છે કે શું? મંગળસૂત્ર તો કંઈ વેંચાતા હશે.!”

“મંગળસૂત્ર પહેરાવનાર મારી સાથે હોય પછી મંગળસૂત્ર ન હોય તો શું ફેર પડે? અને એમ પણ મંગળસૂત્રનું મૂલ્ય તમારા કરતા તો ઓછું જ હોય ને.!” આંખોમાં તગતગી રહેલા ઝળઝળિયાંને ફરી આંખોમાં છુપાઈ જવા વિનવણી કરતી હોય એમ જાનકીએ ફરી મંગળસૂત્ર ઉતારી સોનીને આપ્યું. રામુ અને સોની જાણે એની સમજ અને ફરજને વંદી રહ્યા હોય એમ અપલક તાકી રહ્યા. જીતે આવું ન કરવા ફરી ઇશારો કર્યો પણ જાનકી પાંપણો પલકાવી જે થાય છે તે થવા દેવા કરગરી રહી. આખરે સોનીએ મંગળસૂત્ર તોળ્યું.

“એમ તો સાત હજાર સાતસોનું થયું. પરંતુ ઘડાઈ સારી છે, એટલે આઠ હજાર પૂરા આપીશ.” કહેતા સોનીએ ટેબલના ખાનામાંથી આઠ હજાર રોકડા આપ્યા. જાનકીએ પૈસાની થપ્પી ઉઠાવીને સાથે લાવેલ કાપડની થેલીમાં મૂકી, અને જીતની જેમ એય સોનીના હાથમાં રહેલા સૌભાગ્યની નિશાની સમાં મંગળસૂત્ર પર આખરી નજર ફેરવી રહી.

સોનીએ મંગળસૂત્ર ટેબલનાં ખાનામાં મૂક્યું કે તરત ત્રણેય ખુરશી પરથી ઊભા થઈ દુકાનની બહાર નીકળ્યાં. “ઘર અને ઘરેણાં વહેંચી દીધા તોય પચાસ હજાર માંડ થયા. હવે બાકીના પચાસ હજાર..?” જીત રામુને પૂછતો હતો, ત્યાં જ રામુના તેજ દિમાગમાં ઉકેલમય ઝબકારો થયો.

ક્રમશ:
વધુ આવતા મંગળવારે...

~ દિવ્યેશ વિ. સોડવડિયા (DVS)


Rate this content
Log in