STORYMIRROR

Divyesh V Sodvadiya Dvs

Others

3  

Divyesh V Sodvadiya Dvs

Others

તડકીમાં છાંયડો (પ્રકરણ ૧૧)

તડકીમાં છાંયડો (પ્રકરણ ૧૧)

6 mins
13.8K


[આ નવલકથાનું કોપીરાઈટ રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તેથી આ નવલકથા પરના બધા હક લેખકના પોતાના જ છે અને રહેશે. સાહિત્યની ઉઠાંતરી કરનારાઓએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું.]

તડકીમાં છાંયડો

(પ્રકરણ ૧૧)

૧૧. ધર્મસંકટમય વિયોગ 

 

દેવના માથે મૂકેલો મોતીલાલનો હાથ તરછોડી જાનકીએ હડફભેર દેવને તેડી છાતી સરસો ચિપકાવી દીધો. જાનકી ઝેરી આંખોએ મોતીલાલને મારતી રહી જાણે એનો જીવ માંગી લીધો હોય એમ! એ પણ જેમતેમ નહોતો. એણે મનઘડંત ખેલના પ્યાદાંને બરોબર ગોઠવી જાનકીને હરાવવાનું આદર્યું.

“જીતનું ઓપરેશન હજુ શરૂ નથી થયું. અને જો હું ઇચ્છું તો એ થાય પણ નહીં.” મોતીલાલની વાતને એ ઊંડાણ સુધી સમજી ગઈ. છતાં અજાણ હોવાનાં ભાવસહ સવાલ પૂછ્યો, “મતલબ?”

આંખો સહેજ ઝીણી કરીને મોતીલાલે શરતી દાવ રમ્યો, “જો તું દેવને નહીં સોંપે તો હું આપેલ રકમ પાછી લઈ લઈશ, ને ડૉક્ટર ઓપરેશનની ના પાડી દેશે. પછી શું થશે એ તો તું જાણે જ છે.”

જાનકીનાં વિચારોમાં ભવિષ્ય ભમવા લાગ્યું, “જો આવું થશે તો? જો ઓપરેશન નહીં થાય તો? કદાચ મૃત્યુ!” અનિચ્છાએ આવતા અમંગળ વિચારોને અટકાવતા એણે ચીસ પાડી, “નહીં....”

‘પતિ અને પુત્રના સંબંધરૂપી પલ્લામાંથી કયું પલ્લું નમાવવું ને કયું નહીં?’ ના ધર્મસંકટમાં ગોથા ખાતી જાનકી બેઉમાંથી એકેયને વિખૂટાં કરી શકે એમ નહોતી. જો દેવને સોંપી દે તો માબાપ વગરનો દેવ અનાથ થઈ જાય અને જો ન સોંપે ને જીતને કંઈ થઈ જાય તો પોતાની હયાતી શું કામની? મોતીલાલે પથ્થર સમી સ્થિર ખોવાયેલી જાનકીનાં બાવડાં હલબલાવીને એને ઢંઢોળી, “મારી પાસે વધુ સમય નથી. બે મિનિટમાં નિર્ણય લઈ લે.”

એનાં પર સાતેય આભ તૂટી પડ્યા. આખાં શરીરમાં કમકમાટીભર્યું કંપન આંટો વાઢી રહ્યું. આંખો વાટે અશ્રુ અને બળી જતા આંસુનાં ધુમાડા નીકળતા હતા. શિયાળાની શીતળ સવારે એનું શરીર ઉનાળાની બળબળતી બપોરની સડક સમું ધગવા લાગ્યું. તોયે નિષ્ઠુર મનોબળિયો મોતીલાલ એના મનસૂબાથી ડગ્યો નહીં. આખરે એણે પતિ અને પુત્રના પલ્લામાંથી પોતાને હટાવી દેવાનો નિર્ણય કરી હળવા સ્વરે ઘાતક નજરે જોતા કહ્યું, “હું જાનકી...! દેવ અને એના પિતાને નોખાં ન કરી શકું, એથી હું તમારી...”

તાકી તાકીને જોતા મોતીલાલની સામે એક પળ અટકીને થોથવાતી એ આગળ વધી, “હું તમારી સાથે આવી શકું, પણ મહેરબાની કરીને એ બંનેને નોખાં ન પાડો.” એણે બંને હાથ જોડી આજીજી કરી, કરગરી રહી. પહેલાં તો મોતીલાલના મગજે આનાકાની કરી પરંતુ એની સાથે બીજા લગ્ન કરીને સંતાન પ્રાપ્તિની હલકટ લાલચે જીભને ‘હા’ પડાવી દીધી. જ્યાં સુધી જીતનું ઓપરેશન ન થાય ત્યાં સુધી અહીં જ રહેવાની શરતે એ દેવને તેડી રૂમની બહાર નીકળી. દરવાજાની સામે રામુ ઊભો હતો. જાનકીનાં આંસુથી ભીંજાયેલ ગાલ જોઈ એ બોલ્યો, “આ શું? હવે શા માટે રડે છે? તું ચિંતા ન કર. બધું સારું થઈ જશે.”

‘ક્યાંક એને અણસાર ન આવી જાય.’ એમ વિચારતી જાનકી નજર ચોરી દેવ સાથે ઓપરેશન થિયેટરની સામેના બાંકડે બેસી ગઈ. ઘડિયાળનો કાંટો સાડા નવ દર્શાવતો હતો. ઓપરેશન થિયેટરનો દરવાજો બંધ થતાની સાથે એની ઉપરની લાલ બત્તી ઝબૂકી. દરવાજાની બંને તરફ જાણે વંટોળ આવીને રંગે ચડ્યો હતો. અંદર ઓપરેશન અને બહાર જુદાં થવાનો ખોફ. “શું થશે મારા દેવનું? મારા વગર... જીત આ બધું સહન કેમ કરી શકશે? ને જીવલો તો મને જોયા વગર અડધો થઈ જશે. રામુ એની બહેનને કેવી રીતે ભૂલી શકશે?” ઉત્તર વિહીન દરેક સવાલો આંખમાંથી ખારું પાણી બની વહી રહ્યા હતા.

ખોળામાં બેસાડેલ દેવના બંને હાથ જોડાવી, એના પર પોતાના હાથ જોડી સામેના ખૂણામાં બિરાજેલ ગણેશજીને એ મનોમન પ્રાર્થના કરી રહી, “હે.. પ્રભુ! જીતની જિંદગીમાં એક જ સપનું છે કે ‘અમારો પરિવાર કાયમ એક થઈ રહે. ક્યારેય આ સંબંધો અને પરિવારજનોએ અલગ ન થવું પડે. ક્યારેય નહીં..’ પણ તમે આજનો દિવસ દેખાડી આ સપનાને તોડી નાખ્યું છે. હવે હું નથી ચાહતી કે એના જીવનમાં બીજી કોઈ આપત્તિ આવે. તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે એમનું આ દર્દ દૂર કરી દેજો. ઓપરેશન સફળ કરી દેજો બસ...”

એકની એક વિનવણી વારંવાર કરતી રહી. રામુ બાજુમાં આવીને ક્યારે બેસી ગયો એનોય ખ્યાલ ન રહ્યો. ઓપરેશન થિયેટરની અંદર જીતનો જમણો હાથ કોણીથી અલગ કરી નાખવામાં આવ્યો. બેભાન જીતને ન હાથ ગુમાવવાની પીડા થઈ કે ન તો એની જિંદગીમાં શાંત આવેલા તોફાનની ખબર.

ફરીવાર વરંડામાંથી રૂમ નંબર પાંચ તરફ જતા મોતીલાલે જાનકીને ત્યાં આવવાનો ઇશારો કર્યો. જાનકીએ જોવા છતાંય એને નજરઅંદાજ કરવાનો પ્રયત્ન કર્યો. એ સફળ થાય એ પહેલાં મોતીલાલે આંખો પહોળી કરી ગુસ્સો ઓક્યો. દેવને રામુ પાસે સોંપી જાનકી રૂમ નંબર પાંચમાં પહોંચી.

“બે કલાક સુધી હું સામેના કૃષ્ણ મંદિરે તારી રાહ જોઈશ. તારે જેને મળવું હોય એને છેલ્લી વાર મળીને ત્યાં આવી જજે, અને હા.. આપણા આ બદલાની વાત કોઈને કહેતી નહીં, નહીંતર બદનામ થવા તૈયાર રહેજે. જો આમતેમ કરવાનું કંઈ વિચાર્યું તો આવતીકાલના સમાચારપત્રોમાં તારા ફોટા સાથે ગમે તે છપાઈ શકે છે. સમજી ગઈ ને?” જાનકીની ડોક હકારમાં નમતાની સાથે એ ચાલ્યો ગયો. એના ચાલબાજ શબ્દોમાંથી જાનકીનાં માનસપટ પર માત્ર ‘બે કલાક’ જ ગુંજવા લાગ્યું. એણે રૂમની બહાર નીકળી વરંડામાં આમતેમ નજર ફેરવી. નર્સને આવતી જોઈ એની પાસે એક કાગળ અને કલમ મંગાવી. નર્સ સડસડાટ આવી કાગળ-કલમ આપી ગઈ, ને એણે રૂમનો દરવાજો અંદરથી બંધ કર્યો.

સાત ચોપડી ભણેલી જાનકીએ કાગળને રડાવવાનું શરૂ કર્યું, થોડીવારમાં એણે કાગળ પર એની વેદના કંડારી દીધી. કાગળનાં અંતના ખૂણે એનાથી કંપતા હાથે માંડમાંડ ‘તમારી જાનકી’ લખાયું, સ્પષ્ટ અક્ષરો વગરનું..! કાગળને ગડી વાળી એ રૂમની બહાર નીકળે તે પહેલાં જ નર્સે દરવાજો ખટખટાવ્યો. એણે કાગળને સાડીનાં પાલવ પાછળ છૂપાવી દરવાજો ખોલ્યો.

“ઓપરેશન સફળ થયું છે. દર્દી હજુ હોશમાં નથી આવ્યા પરંતુ તમે એને જોઈ શકો છો.” કહી નર્સ જતી રહી. બંધ આંખોએ બેભાન સૂતેલા જીતને જોઈ એની આંખ ભરાઈ ગઈ. “આ શું બહેન? હવે તો બધું સારું થઈ ગયું છે અને તું હજુ રડે છે!” કહી રામુએ એનાં માથે હાથ મૂક્યો. રડતી જાનકી ડૂસકું ગળી ગઈ. કોણીની ઉપરથી કપાઈ ગયેલા હાથને ત્રણેય જોઈ રહ્યાં. ‘જે છે તે હતું એના કરતા સારું જ છે.’ એવું વિચારી ત્રણેયે પોતાનું મન મનાવી લીધી.

“કંઈક ગુમાવવાનો અફસોસ તો છે પણ રોજનાં કષ્ટથી છુટકારો તો મળ્યો.” સ્વગત બોલતો રામુ દેવને તેડી બહાર ચાલ્યો ગયો. અંદર બંને નીરવ..! “શું બોલું? મારાથી કંઈ કહેવાય એમ નથી.” જાનકી મનોમન વિચારતી રહી. એણે બેઉ હાથે જીતનો ડાબો હાથ પૂરી તાકાતથી પકડી લીધો, જાણે કદી છોડવાનો ન હોય તદ્દન એમ જ! વારંવાર એની હથેળી પર ચુંબન કરતી રહી. અશ્રુ વાટે શ્રાવણ ભાદરવો વરસતા રહ્યો. એનાં આક્રંદ રુદનનો દર્દનાક વિરહરવ આત્માથી નીકળીને આત્મામાં જ સમાઈ જતો હતો. એની આસપાસનો કણેકણ એનાં થનાર વિયોગના રુદનને સાથ આપતો હોય તેમ સ્તબ્ધતાથી રડું રડું થઈ રહ્યો હતો. આખી રૂમમાં ગમગીની પ્રસરી ગઈ.

શાંત બેસી રહેલી જાનકીનાં કાને મોતીલાલના શબ્દો અફળાયા હોય એમ એ અચાનક ઊભી થઈ. કમને જીતની હથેળીને પોતાની હથેળીઓથી અલગ કરી. બંને હાથથી જીતના પગને સ્પર્શ કરી એ ચરણસ્પર્શ પોતાના માથે અડાવી હૃદયનું અતૂટ બંધન સાકાર કર્યું. મસ્તક પગ સુધી નમાવી પોતાની બંને આંખોને વારાફરતી પગે અડાવી એક હળવું ચુંબન કર્યું. કોઈને ખબર ન પડે તે હેતુથી ગાલ પરથી દડદડતા આંસુ લૂછી છેલ્લી નજરે જીતને હૃદયનાં ઊંડાણમાં સંઘરી એ બહાર નીકળી ગઈ.

બાંકડે બેસેલ રામુ પાસેથી જાનકીએ દેવને તેડી લીધો, “અંદર જઈને જીતનું ધ્યાન રાખજે, હંમેશા... દેવનું પણ.” જાનકીનાં શબ્દો સમજવાની ગડમથલ કરતો એ બેભાન જીત પાસે જતો રહ્યો. જાણે ભવિષ્યના વર્ષોનો પ્રેમ હાલ જ વરસાવતી હોય એમ જાનકી દેવના ગાલ અને કપાળને ઘડીઘડી ચુંબનથી નવડાવી રહી. નિર્દોષ હાસ્ય વેરતો નાનકડો દેવ પરિસ્થિતિથી અજાણ એની દુનિયામાં અણસમજુ બનીને આ બધું ટગરટગર તાકી રહ્યો.

ને હોસ્પિટલની ઘડિયાળે ટકોરા માર્યા. ‘ટનનન... ટનનન...’ અવાજની સાથે જાનકીનાં દિમાગમાં મોતીલાલના શબ્દો ‘બે કલાક...’ ભણકારા બનીને વ્યાપી ગયા. એણે વિયોગની દિશામાં ડગ માંડ્યાં.

ક્રમશ:
વધુ આવતા મંગળવારે...

~ દિવ્યેશ વિ. સોડવડિયા (DVS)


Rate this content
Log in