Divyesh V Sodvadiya Dvs

Others

3  

Divyesh V Sodvadiya Dvs

Others

તડકીમાં છાંયડો (પ્રકરણ ૯)

તડકીમાં છાંયડો (પ્રકરણ ૯)

5 mins
7.1K


[આ નવલકથાનું કોપીરાઈટ રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તેથી આ નવલકથા પરના બધા હક લેખકના પોતાના જ છે અને રહેશે. સાહિત્યની ઉઠાંતરી કરનારાઓએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું.]

તડકીમાં છાંયડો

(પ્રકરણ ૯)

૯. આખરી મિલન                     

“મેં સાંભળ્યું છે કે એ દવાખાનામાં દાતાઓ દાન પણ કરે છે. જો એ લોકો સાથે આપણે વાત કરીએ તો કંઈક ઉકેલ જરૂર મળશે.” રામુના શબ્દો સાંભળી જીત અને જાનકીનાં મનમાં આશાનું એક કિરણ ઝબૂક્યું. હોસ્પિટલ પહોંચી કેસ લખાવ્યા મુજબ તેઓ ડૉક્ટરની કેબિનમાં દાખલ થયાં.

ડૉક્ટરે ફાઇલ પરથી નજર ઉઠાવી, જીતને જોઈ એની સામેની ખુરશી પર બેસવા હાથ લંબાવી ઇશારો કર્યો. જીત અને જાનકી ખુરશી પર ગોઠવાયાં. વધુ જગ્યાનાં અભાવે રામુ એની ખુરશી પાછળ અદબ વાળીને ઊભો રહ્યો. રિપોર્ટ-ફાઇલના પાનાંનો ફડફડાટ અને થોડીવારની નીરવતા બાદ ડૉક્ટર સામે જોઈ જીત બોલ્યો, “ડૉક્ટર સાહેબ... હવે આ સોજાનું ઓપરેશન કરાવવું છે. જેમ બને એમ વહેલી તકે. કેમ કે હવે પીડા સહન નથી થતી. તો.. ક્યારે? અને કેટલા...?” જીતના આગળના શબ્દો ચિંતાજનક વિચારોમાં અટવાઈ ગયા.

“પહેલાં પણ આ બાબતે આપણી વાત થઈ હતી કે ઓપરેશન અને દવા સહિત લગભગ એક લાખ તો ખરા જ. પ્રશ્ન રહ્યો સમયનો.! તો જ્યારે ઓપરેશનની રકમ જમા કરાવો એ દિવસે જ સર્જરી.”

“પણ સાહેબ, અમારી પાસે પચાસ હજાર જ.. અને અમે સાંભળ્યું છે કે અહીં દાતાઓ દાન આપીને અમારા જેવા લોકોને મદદ કરે છે.” જાનકીએ હકીકત વ્યક્ત કરી દીધી. ડૉક્ટરે હકારમાં માથું હલાવી વાત આગળ વધારી, “ઓહ... હા, એ જણાવવાનું તો ભૂલાઈ ગયું કે રોજની જેમ આજે સાંજેય એ દાતા... મિસ્ટર દેસાઈ અહીં આવવાના છે. અમારી બંનેની આ વિષે વાતચીત થઈ ગઈ છે. ને એણે મદદ કરવા હા કહી દીધી છે. સાંજે આવીને એ તમારી મુલાકાત જરૂર લેશે.”

આ સંભાળતા જ જીત અને જાનકીનાં જીવમાં જીવ આવ્યો. મનોમન એક હાશકારા સાથે એકબીજાની સામે જોઈ બેઉએ સહેજ હોઠ મલકાવ્યા. એનાં સ્મિતને જોતા ડૉક્ટરે પળભર અટક્યા પછી વાત આગળ વધારતા હિંમત કરીને કહ્યું, “પરંતુ ચિંતાની વાત એ છે કે ગૅંગ્રીને એનો અડ્ડો વધુ પડતો જમાવી દીધો છે. એટલે કે તમારા હાથ પરનો સોજો હવે બેકાબૂ થઈ ગયો છે.”

“...મતલબ ઓપરેશન થયા પછી પણ સારું નહિ થાય?” કહીને રામુએ અદબ કડક કરી.

“ના.. મતલબ કે સોજો સામાન્ય કરતા એટલી હદ વટાવી ગયો છે કે કાપ્યાં સિવાય કોઈ રસ્તો નથી.”

ડૉક્ટરને સંભાળતા જ જીતના મોંમાંથી “શું?” સરી પડ્યું. ડૉક્ટરે ફટાફટ વળતો જવાબ આપ્યો, “હા.. સડો છેક ઊંડે સુધી ફેલાઈ ગયો છે. તમારો જમણો હાથ કોણીની ઉપરથી કાપવો પડશે, ને જો આવું નહિ કરીએ તો એ જીવાણું વધુને વધુ ઊંડે અને કોણીની ઉપર ફેલાતા જશે.” કેટલીય ઘડી કેબિનમાં સૂનકાર છવાઈ ગયો. ઘડીભર તો જીતની નજર સામે એનો કપાઈ ગયેલો હાથ તરવરવા લાગ્યો. મનોમન પોતાને પાંગળો વિચારતો જીત અચાનક સત્યને સ્વીકારતો હોય એમ સહેજ મોટા સ્વરે બોલી ઉઠ્યો, “કાપી નાખો.”

એના અવાજમાં દર્દ ટપકતું હતું. પીડાથી છુટકારો મેળવવાની અગન ભભૂકતી હતી. જાનકીએ તરત જ ટેબલ પર ટેકવેલ એના ડાબા હાથ પર પોતાનો જમણો હાથ પૂરેપૂરાં સાથરૂપી વિશ્વાસથી દાબી દીધો. બીજા દિવસની સવારનો નવ વાગ્યાનો ઓપરેશન સમય સાંભળી બધા કેબિનમાંથી બહાર તરફ જવા નીકળ્યા.

બહાર નીકળતા જ રામુને કંઈક ભૂલી જવાનો ભાસ થયો. પગને અટકાવી એણે મનને કષ્ટ આપવાનો પ્રયાસ કર્યો પરંતુ મગજે કોઈ પ્રત્યુત્તર ન આપતા એ આગળ વધ્યો. ત્યાં જ એક નર્સે આવીને પૂછ્યું, “હમણાં કેબિનમાંથી બહાર તમે જ આવ્યા ને?”

“હા. કેમ?”

“સરને જરા કામ છે. એક મિનિટ તમને અંદર બોલાવે છે.” કહીને નર્સ સડસડાટ ત્યાંથી જતી રહી. દેવ સાથે જીત અને જાનકીને બહાર ઊભા રાખી રામુ અંદર ગયો. એ કંઈ પૂછે તે અગાઉ જ ડૉક્ટર બોલ્યા, “તમે ગામડેથી આવ્યા છો ને.! શહેરમાં કોઈ પરિચિત ન હોય તો રાત ગુજારવી અઘરી પડે. તમે ચાહો તો આ હોસ્પિટલની એક રૂમમાં રોકાઈ શકો છો.”

“પણ ફી.?”

“અહીં સાત રૂમ છે, એમાંથી એકની ફી નહીં આવે તો ચાલશે.” ડૉક્ટરે મંદ મુસ્કાન સાથે અહીં રહી જવા કહ્યું અને બેલ વગાડ્યો. નર્સે બહારથી સડસડાટ આવી કેબિનમાં પગ મૂક્યો, “જી.. સર.!”

“આ રામુને રૂમ નંબર પાંચ બતાવો. એક બાળક સાથે એ ત્રણ વ્યક્તિ આજની રાત અહીં જ વિતાવશે.” ડૉક્ટરે આદેશ કર્યો. ‘ઓકે.. સર.’ કહીને નર્સ રામુની સાથે કેબિનની બહાર નીકળી. બાકી બધાને સાથે લઈ  રૂમ નંબર પાંચ બતાવીને પાછી ફટાફટ ચાલી ગઈ.

રામુએ બંધ રૂમનો દરવાજો ખોલ્યો. માપસરના રૂમમાં બે પલંગ, પલંગ પર પાતળાં ગાદલાં અને સફેદ ચાદર પર બે-બે ઓશીકાં. ત્રણેય બારીઓ પર ઠંડી હવાની અવરજવરથી જાણે નાચતા લહેરાતા પડદાઓ, એક કબાટ. બધું જ વ્યવસ્થિતપણે ગોઠવાયેલ હતું. આમ તો રૂમ સારો હતો પરંતુ રૂમમાં ફેલાયેલી વિવિધ દવાઓની દુર્ગંધ કંઈક અજીબ જ હતી. વધુ સમય ટકીએ તો માથું ચડી જાય.. બિલકુલ એવી જ.!

જીત બાથરૂમમાં જઈ હાથ-પગ ધોવા લાગ્યો. આખાંય દિવસનો થાક પાણીમાં નીતરીને ગટરમાં પ્રવેશી રહ્યો. જાનકી જમીન પર ગાદલી પાથરી દેવને સુવડાવવા લાગી. એની જીભે હાલરડું અને માનસપટ પર ઓપરેશનની ઉપાધિ એકબીજાથી તદ્દન જુદી સવારીથી ચાલી રહ્યા હતા. જીત લહેરાતા પડદાને બાજુ પર હટાવી બારી સમક્ષ ઊભો રહ્યો. ત્રીજા માળની બારીની બહાર પહોળા રસ્તાઓ પર ઝડપભેર દોડતા વાહનો જાણે શહેરની ભાગતી જિંદગીનો નિર્દેશ કરતા હતા.

બારી પાસે ઊભેલો જીત આવતી કાલનાં ભાસ્કરની રાહ જોતો હોય એમ ભવિષ્યમાં થનારી ઘટનાઓની માયાજાળમાં ફસાઈ ગયો હતો. રામુએ એની પાસે જઈ દૂર ક્ષિતિજ તરફ નજર ટેકવી ખભે હાથ મૂકતા કહ્યું, “કાલ સવારે ઉગનાર સૂરજ આપણા સપનાઓની આશાને સાકાર કરવાની તૈયારીમાં લાગ્યો હશે.” એના શબ્દોમાં હકારાત્મકતાની ભારોભાર ઈશ્વર પરનો વિશ્વાસ અને ચહેરા પર આશ્વાસનના ભાવ દેખીતા ઊભરાતા હતા. જીતે પલકારા સાથે સહેજ ડોક નમાવી એના શબ્દોમાં વધુ આશાઓ ઉમેરી દીધી.

દેવ હજુ સૂતો નહોતો, સૂવાની મુદ્રામાં એ ટગરટગર જીતને જોતા જીતે એને તેડી લીધો અને બંને વચ્ચે જાણે મૌન વાતચીત થવા લાગી. ખિલખિલાટ કરતો દેવ એની કાલીઘેલી ભાષામાં બોલતો રહ્યો. થોડી વારમાં બંને રમતમાં એવા તો પરોવાઈ ગયા કે જીત જાણે દેવ જેવડો હોય અને એનું બધું જ દર્દ ક્યાંક દૂર દૂર ફેંકાઈ ગયું હોય. ઘડીભરના સન્નાટા બાદ રૂમ નંબર પાંચ કિલ્લોલથી ગૂંજી ઉઠ્યો. રમતા રમતા દેવ ક્યારે સૂઈ ગયો એનો ખ્યાલ ન રહ્યો. રામુ પણ હાથમાં ઓશીકું લઈ સૂવા માટે રૂમની બહાર જવા નીકળ્યો.

“તું અંદર જ ઊંઘી જા. બહાર ઠંડી હશે.” એને જતો અટકાવતા જીતે કહ્યું.

“ના.. ના.. આજ ક્યાં એટલી બધી ઠંડી છે.!” કહી એ ઓશીકા સાથે ચાદર લઈ રૂમમાંથી બહાર નીકળ્યો. વરંડામાં રહેલા જનરલ સોફા પર ટૂંટિયું વળીને સૂતો. જીતે દરવાજાની અંદરથી કડી લગાવી અને પલંગ પર શરીર લંબાવ્યું.

જીત અને જાનકી બંને સવારે થનાર ઓપરેશનનાં વિચારમય વંટોળમાં આમથી તેમ ફંગોળાતાં રહ્યાં, ફરી ફરીને પડખા ઘસતા રહ્યાં છતાંય ઊંઘી ન શક્યાં. જીતે પલંગ પરથી જોયું તો નીચે સૂતેલી જાનકીની અપલક આંખો એના તરફ અટકેલી હતી.

જીતના ઇશારાથી જાનકી ઊભી થઈ એની પાસે પલંગે બેઠી. સૂતી જીભે સ્થિર નજરોમાં બંને વાતો કરવા લાગ્યાં. ત્રણ વર્ષ સાથે વિતાવ્યા બાદ એકબીજાનાં મૌન મનને સમજવું બંને માટે ખૂબ જ સહજ, સરળ બની ગયું હતું. હવે તો બંનેનાં જીવ એક થઈ ગયાં હતાં. બે ક્ષણ બાદ બંનેએ એકમેક વચ્ચે રહેલું દેખીતું અંતર દૂર કર્યું. એકબીજામાં ડૂબી જઈ અનોખા અલૌકિક મિલનમાં મૂકાઈ ગયાં. પરંતુ તેઓને ક્યાં ખબર હતી કે આ મિલન એના આ જનમનું આખરી મિલન બનીને રહી જશે.! ને માત્ર એક યાદ.!

ક્રમશ:
વધુ આવતા મંગળવારે...

~ દિવ્યેશ વિ. સોડવડિયા (DVS)


Rate this content
Log in