Divyesh V Sodvadiya Dvs

Others

3  

Divyesh V Sodvadiya Dvs

Others

તડકીમાં છાંયડો (પ્રકરણ ૬)

તડકીમાં છાંયડો (પ્રકરણ ૬)

7 mins
7.1K


[આ નવલકથાનું કોપીરાઈટ રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તેથી આ નવલકથા પરના બધા હક લેખકના પોતાના જ છે અને રહેશે. સાહિત્યની ઉઠાંતરી કરનારાઓએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું.]

 

તડકીમાં છાંયડો

 

(પ્રકરણ ૬)

 

૬. જીવનસાથી

 

પથ્થરોમાં સુશોભિત સફેદ શંખ અને છીપલાનાં એ જ ફળિયામાં પ્રવેશતા એણે રામુના બાપુને લીમડા નીચે ઢોલિયા પર બેસેલા જોયા. જીતને જોતા જ એ મોંઘેરા મહેમાનોનું સ્વાગત કરવા ઊભા થાય એમ સટક દઈને ઊભા થઈ ગયા, “આવો.. બંને અહીં આવો.. બેટા.” એના શબ્દોમાં સ્વજનમય સ્નેહ નીતરતો હતો.

જીત અને રામુ બંને એની પાસે જઈ ઢોલિયે બેઠા. જીતે ઓસરીમાં એક નજર ફેરવી. ખાસ મહેમાનની પધરામણી થવાની હોય એમ સાફ સૂથરું કરેલું ઘર આજે કાલ કરતા વધુ ગમતીલું લાગતું હતું. ખબરઅંતર પૂછી રામુના બાપુએ જીતના ગોઠણ પર હાથ મૂકતા વાત આગળ ચલાવી, “દીકરા, હું જાણું છું કે તારા માબાપુને તે નાનપણથી ગુમાવ્યાં છે. એની ગેરહાજરીમાં પણ તારા સંસ્કારો અને વિચારોને કાદવમાં ખીલી ઊઠતા કમળ સાથે સરખાવીએ તોય ઓછા પડે! તને મળી દરેક પિતાની માફક વર્ષોથી થતી ચિંતા આજ હળવી લાગે છે. ખરેખર તો એ ઉપાધિના જવાબરૂપે ભગવાને આપણો ભેટો કરાવ્યો હશે! હવે હું મારી જવાબદારી તને સોંપવા માગું છું.”

“શું? મતલબ....”

જીત આગળ કંઈ બોલે એ પહેલાં અડધી સમજાયેલ વાતને સમજાવતા રામુના બાપુએ ચોખવટ કરી, “હા.. મારી દીકરી જાનકીનો હાથ તારા હાથમાં સોંપી હું એને આજીવન ખુશ થતી જોવા માંગું છું. કોઈ દબાણ નથી. જો તું રાજી હોય તો જ. આજ જાનકીને જોઈને કાલે રામુ સાથે વળતાં સમાચાર મોકલજે.” કહી રામુના બાપુએ રામુ સામે જીતને ઓસરીમાં લઈ જવા ઇશારો કર્યો. એક ક્ષણ અસમંજસમાં પટકાઈ જીત ઊભો થયો. ઓસરીમાં જાણે એની રાહ જોતી દેશી ખાટ પર બેસતા જ રામુએ સહેજ મોટા સાદે આદેશ કર્યો, “બહેન... પાણી લઈ આવ તો...” આગળ શું બોલાય એનો વિચાર કરતો રામુ અટકી ગયો.

તરત રસોડામાંથી બહાર નીકળી જાનકીએ પાણિયારેથી પાણી ભરી એના તરફ આવવા ડગ માંડ્યા. ખાટ પર પથરાયેલ ગાલીચામાં ઊન-રેશમથી ભરતગૂંથેલ મોર પર એનું ધ્યાન અટકેલું હતું. મોર જાણે એને ઊંચું જોવાનું સૂચન કરતો હોય એમ નમાવેલી ડોક ઉપર કરી એણે જોયું તો લાંબી ઓસરીના સામેના છેડાથી જાનકી આવતી હતી. કોમળ હાથોમાં પકડેલ તાસકમાં પિત્તળના ગ્લાસને જાણે સુવર્ણ રંગ ચઢી ગયો હોય એમ સવારના સોનેરી પ્રકાશથી ઝગમગાટ કરતા હતા. પાતળા કાંડામાં મીણા જડેલ લાલ બંગડીઓ વધુ રંગીન લાગતી હતી. શ્વેત હંસણીની કાયા સમું એનું રૂપ, સહેજ મોટું કપાળ, અતિ આછાં ગુલાબી ગાલ, બદામ જેવી અણિયાળી આંખો પરના અધ્ધર પરવાળાં, શરમાઈને ઝૂકેલી નજર, પાતળી લચકતી કમર, એકવાર જોતા જ છેક અંતરના ઊંડાણમાં કાયમ માટે ઘર કરી જાય એવું આકર્ષિત સૌંદર્ય.

જીત તો એનાં રૂપને અપલક તાકી રહ્યો. જાણે એની જ ઊંચાઈ મળી ગઈ હોય એવી જાનકીએ એની પાસે આવી પાણી માટે હાથ લંબાવ્યો. બંનેએ પાણી પીધું ત્યાં સુધી લીલા રંગના વસ્ત્રોમાં શોભતી એ ખાલી ગ્લાસ લેવાની રાહમાં ત્યાં જ ઊભી રહી, આગંતુકને એકીટસે જોઈ રહી. પાણી પીતા-પીતા જીતે પણ નજર ઉઠાવી આ સુંદરીને વધુ એકવાર નજીકથી જોવાની સાર્થક કોશિશ કરી જ લીધી. અનાયાસે જ બંનેની નજરો મળી ગઈ, ને તરત જ જાનકીએ અધ્ધર પરવાળાંવાળી પાંપણો ઢાળી દીધી. બંનેએ ખાલી થયેલા ગ્લાસ તાસકમાં મૂક્યા. જાનકી ઝાંઝરનાં મીઠા રણકારને વાતાવરણમાં ગુંજાવતી હરણી પેઠે ઝડપભેર પાણિયારે ગ્લાસ મૂકી ઘરમાં ઘૂસી ગઈ. ચાના આગ્રહ છતાંય જીતે રામુ પાસે રજા લઈ ઘરની વાટ પકડી. જાનકીનાં સૌંદર્યને વાગોળતો વાગોળતો એ ઘરે ક્યારે પહોંચી ગયો એનો ખ્યાલ ન રહ્યો.

ઘરે પહોંચી રાહ જોતી શિલા અને જીવલા પાસે બેસી એણે આખી વાત માંડીને કરી. વાતવાતમાં એણે અજાણતા જ જાનકીનું વ્યક્તિત્વ ત્રણ-ચાર વાર શિલા સમક્ષ ખડું કરી દીધું. એ ખડખડાટ હસવા લાગી, કારણ પૂછતા એ જવાબ આપ્યા વગર ચુપચાપ મલકાતી રસોઈ બનાવવા ચાલી ગઈ. હરખાતો જીવલો પણ ફળિયામાં ઊડી ગયો.

સાંજે વાળું કરી જીત પથારીમાં પડ્યો ત્યારેય જાનકી વારંવાર એની નજર સામે તરવરી રહી. પહેલાં એને સમજાયું નહિ કે આ બધું શું થઈ રહ્યું છે? ઘડીભર એવું લાગ્યું કે ક્યાંક આ એક સ્વપ્ન તો નથી ને? હકીકતને હકીકત માની એણે આંખો મીંચી પરંતુ ફરી ફરીને એ જ ચહેરો આવીને અટકી જતો. છેવટે ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો. એમ જ એની આંખ ક્યારે મીંચાઈ અને ક્યારે ઊંઘી ગયો એની ખબર ન પડી.

સવારે રામુ એના બાપુના કહેવાથી જીતના ઘરે એનો જવાબ લેવા આવી પહોંચ્યો. ઔપચારિકતા બાદ જીતની ‘હા’ સાંભળતા વેત એણે જલ્દી એના બાપુ પાસે જઈને સારા સમાચાર આપ્યા. ખબર સાંભળી એના હૈયાનાં ઊંડાણથી ખુશી ઉમળકાભેર અશ્રુ વાટે છલકાઈ ગઈ. છાતી પર હાથ રાખી એ મનોમન ભગવાનનો ઉપકાર માનવા લાગ્યા.

એણે જાનકીને એની પાસે બોલાવી વાત કરી, “બેટા, દીકરી તો માબાપની ટૂંક સમયની મૂડી કહેવાય. વખત આવે એટલે સાસરે વળાવવી પડે. તારા માટે પણ મેં એક સારો-સંસ્કારી છોકરો ગોત્યો છે...”

આગળ કંઈ કહે એ પહેલાં જ રામુ વચ્ચે બોલી પડ્યો, “જે કાલે આવ્યો હતો.. જીત.. એ જ.” આ સાંભળી જાનકીએ અન્ય છોકરીઓની માફક શરમાતી નજર નમાવી દીધી. રામુના બાપુ ખભે ખેસ નાખી ગામના બ્રાહ્મણ પાસે લગ્નનું મુહૂર્ત કઢાવવા ચાલતા થયા. જાનકી ઓરડામાં જઈ અરીસામાં ખુદને ફરી ફરીને નિહાળતી રહી. એને અરીસામાં પોતાના ચહેરાની સાથે જીતનો પાણી પીતો ચહેરો ભાસવા લાગ્યો. કેટકેટલીય ઘડી એ બંનેનાં ચહેરામાં ઊંડી ઊતરતી રહી. એકાએક લજ્જાથી એનાં ગાલ રતુંબડા થઈ ગયા ને બંને હાથથી આંખો ઢાંકી એ બેસી રહી.

બ્રાહ્મણના કહેવા પ્રમાણે રામુના બાપુએ અઠવાડિયા પછીનું મુહૂર્ત જીતના ઘરે મોકલાવ્યું. એકદમ નજીકનું મુહૂર્ત જાણી થોડી વાર અચકાયા બાદ આખરે એણે સ્વીકારી લીધું. દેવકી અને દેવચંદને પૂછીને ભાઈબહેન બંનેએ લગ્નની બધી તૈયારીઓ કરવા માંડી. પોતે અનાથ હોવાથી સગાં-સંબંધી તો નહોતા પણ ગામના લાગતા વળગતાને નોતરું આપી દીધું.

લગ્નનો દિવસ આવી ગયો. જાનકી એક ખૂણામાં બેસીને એની માને યાદ કરતી રહી. પાંપણ ભીંજવીને ટપકતાં આંસુ જોઈ એનાં બાપુ એની પાસે આવી બેઠા, “બેટા.. હું જાણું છું કે તું તારી માને યાદ કરે છે, પણ નિયતિ આગળ આપણું ન ચાલે, બેટા. એ મને વર્ષો પહેલાં એકલો કરીને ચાલી ગઈ, ને એની નિશાની સ્વરૂપે તમને બંનેને મારી પાસે છોડતી ગઈ. જયારે હું તમને જોઉં છું ત્યારે એની છબી આપોઆપ મારી સામે આવી જાય છે.” કહેતા એની આંખોનાં ખૂણે ઝાકળ સમાં અશ્રુબુંદ બાઝી ગયાં. લગ્ન પહેલાં જાનકી રડી ન પડે એ ડરથી એ સફાળા બેઠા થઈ એનાં માથા પર હાથ મૂકી જાનની રાહ જોવા બહાર નીકળી ગયા.

થોડી વારે શરણાઈ સાથે આવતો જાનનો અવાજ સંભળાયો. પરંતુ ઢોલના તાલનો મેળ નહોતો. કેમ કે ઢોલીની જાનમાં ઢોલ વગાડવા બહારનાં માણસને બોલાવવો પડ્યો હતો. જાન મંડપ સુધી આવી ગઈ. ફળિયામાં એક તરફ જમણવારની સાથે બીજી તરફ લગ્ન ગીતોની હાજરી છવાઈ ગઈ હતી.

વરરાજાને રંગીન ભાતવાળા બાજોઠ પર બેસાડ્યો. થોડી ઘણી વિધિ પછી બ્રાહ્મણના ‘મંડપ મધ્યે કન્યા પધરાવો....’ના અવાજ બાદ જાનકીને મંડપમાં રહેલા બાજુના બાજોઠે બેસાડી. લાલ પાનેતરમાં આવેલી જાનકીને જોવા જીતે મોં ફેરવી બાજુમાં જોયું. એની પરંપરા મુજબ આંખથી નીચે સુધી લટકતો પાનેતરનો છેડો એનાં અડધા ચહેરાને ઢાંકતો હતો, છતાંય નાકમાં પહેરેલી નથ અને મલકાતાં હોઠ એને દેખાઈ ગયા. તાણેલા ઘૂમટ પાછળ દેખાતી સહેજ ઝાંખી આંખો એને જોઈ રહી હોય એવું એને સ્પષ્ટ દેખાયું. હસ્તમેળાપ, કન્યાદાન, સપ્તપદીનાં સાત ફેરાં, મંગલસૂત્ર વિધિ, કંસાર વિધિ.. બ્રાહ્મણના ઇશારે વિધિવત લગ્નની પૂર્ણાહુતિ થઈ અને છેલ્લી રસમ વિદાયની આવી ગઈ.

વાતાવરણના કણેકણમાં ગમગીની છવાઈ ગઈ. જાનકી એનાં બાપુના ગળે હાથ વીંટાળીને વળગી પડી. અર્ધ ઢંકાયેલ ચહેરાની નીચે સુધી વસમી વિદાયનાં આંસુ રેલાઈ રહ્યાં હતાં. એનાં બાપુય દુનિયાનાં હર એક પિતાની પેઠે દીકરીની વિદાયનું રુદન હીબકામાં સમાવી બેઠા. થોડી ક્ષણ બાદ જાનકીના માથે હાથ મૂકી એ ‘સદા સુખી થજે.. બેટા.’ કહી સહેજ દૂર ખસ્યા. બાજુમાં ચોધાર રડતા રામુને ભેટી એણે લાંબા રાગે ડૂસકું ભર્યું. એને જોઈ શિલા અને જીવલા સહિત સૌની આંખોમાં ઝળઝળિયાં તગતગી રહ્યાં. દેવકી અને દેવચંદે બંનેને માંડ નોખાં પાડ્યાં.

“મારી દીકરીનું ધ્યાન રાખજે, બેટા...” જીત પાસે આવી જાનકીનાં બાપુ માંડ આટલી ભલામણ કરી શક્યા. જીત જાણે ‘હું સદાય એને સુખી રાખીશ.’નું વચન આપતો હોય એમ એના ખભે વિશ્વાસ ભાવે હાથ મૂકી પગે લાગ્યો. મંડપ વધાવ્યાં પછી જાનકીએ આટલા વર્ષો વિતાવેલા ઘર પર એક નજર ફેરવી. ઓસરી, પાણિયારું, ખાટ, ડંકી, લીમડો, ફળિયું.. બધું જ એની વિદાયની કરુણતામાં ધકેલાઈ ગયું હોય એમ સૂનમૂન એને તાકી રહ્યું હતું. છેવટે ઘરથી વિદાય લઈ એણે જીત સાથે સાસરે જવા પ્રયાણ કર્યું..

જીતના ઘરે પહોંચતાની સાથે એનું કંકુ પગલાં સાથે સ્વાગત થયું. આવેલા મહેમાનોએ રજા લીધા પછી શિલાએ ભાઈ-ભાભી બંનેને એકબીજાને એક એક વચન આપવા કહ્યું.

“હું હંમેશા તને ખુશ રાખીશ.” જીતે પાંચ શબ્દોમાં આપેલ વચનમાં જાનકીને આજીવન રાજી રાખવાની વાત કરી દીધી.

આ સાંભળી જાનકીએ તરત એક વચન આપી દીધું, “હું જીવનનાં અંતિમ શ્વાસે પણ તમારી સાથે રહીશ.” ને બંને એકમેકની આંખોમાં વચનોને નિહાળી રહ્યાં. એને જોઈ શિલા બંનેને એકલાં છોડી ત્યાંથી હરખાઈને જતી રહી.

પરંતુ ટૂંક સમયમાં જ આ બંને વચનોને કોઈની માઠી નજર લાગી જશે એનાથી અજાણ નવપરિણીત એનાં સુખમાં ક્ષણભર ડૂબી રહ્યાં.

ક્રમશ:

વધુ આવતા મંગળવારે...

 


Rate this content
Log in