તડકીમાં છાંયડો (પ્રકરણ-૧૩)
તડકીમાં છાંયડો (પ્રકરણ-૧૩)
[આ નવલકથાનું કોપીરાઈટ રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તેથી આ નવલકથા પરના બધા હક લેખકના પોતાના જ છે અને રહેશે. સાહિત્યની ઉઠાંતરી કરનારાઓએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું.]
તડકીમાં છાંયડો
(પ્રકરણ ૧૩)
૧૩. અંશ વિસર્જન
“શું? હું જાનકીને ભૂલી ન શકું. કોઈ કાળે પણ નહીં. અમે બંને નોખાં ભલે થઈ ગયાં, તોય એ મારા દિલમાં છે અને કાયમ રહેશે. મારી જિંદગીમાં એનું સ્થાન કોઈ ન લઈ શકે અને હું બીજા લગ્ન ક્યારેય નહીં કરું.” કહેતા નિયતિએ તેડેલા દેવને જીતે પોતાના એક હાથથી એની પાસે ખેંચીને બથમાં લઈ લીધો. જાણે પોતાનું સંતાન છીનવાઈ જતું હોય એમ નિયતિએ દેવ પાછળ હાથ લંબાવ્યા. રામુ અને ડૉક્ટર કંઈ બોલી ન શક્યા. દેવે નિયતિ પાસે જવા માટે ફરી એની તરફ આંગળી ચીંધી. જીત બે ડગલા એનાથી પાછળ ખસી ગયો.
વધુ મોટેથી રડતા દેવને જોઈ ડૉક્ટરે નર્સને કહ્યું, “દેવને શાંત કરાવો ને!” એણે દેવને ફરી તેડ્યો. તરત બિલકુલ ચૂપ થઈ એ ભોળું હાસ્ય વેરવા લાગ્યો, જાણે એને માની ગોદ ન મળી ગઈ હોય!
“જોયું? મિસ્ટર જીત, હજુ તો આ નિર્દોષ બાળકને પ્રેમની, હૂંફની, મમતાની જરૂર છે. અને એટલે જ એ નર્સ પાસે જવાથી શાંત થઈ આમ ખિલખિલાટ હસે છે. શું આ બાળકની ખુશી માટે તમે એટલું પણ ન કરી શકો? જેટલું તમારી પ્રેમાળ પત્ની તમને કહી ગઈ. શું બાળવયે તમને તમારા માબાપના સહારાની ઝંખના નહોતી? એના હોવા ન-હોવાથી તમને કોઈ ફર્ક નહોતો પડતો?” જીતને પૂછાઈ રહેલા ડૉક્ટરના એક પછી એક સવાલો એને એના ભયાવહ ભૂતકાળને યાદ કરાવી જતા હતા. કુદરતની કસોટી વેળા પગ લપસતા કૂવામાં પડીને થયેલ માબાપના મોત પછી આજ દિન સુધી વહાલમય એ હાથ શોધવા કરેલા નિષ્ફળ પ્રયાસો એની આંખ સામે પળ બેપળ આવીને ખડા થઈ ગયા.
“પણ લગ્ન તો...” એ આગળ કંઈ બોલે એ પહેલાં રામુએ એના ખભે હાથ મૂકી દીધો, “જીત, માની જા. આ સંબંધથી તો આપણે પછી જોડાયા, એ અગાઉ મિત્ર તો હતા જ ને! તું તારા મિત્રની વાત પણ નહીં માને?”
“આમ હાર માનીને હું બેસી ન શકું. જાનકી ભલે ગમે ત્યાં હોય, ગોતવાની એક કોશિશ તો કરી જ શકું ને? અને ન કરું તો એનાં પ્રત્યેનો મારો પતિધર્મ શું કામનો? જાનકી જરૂર મળશે. અને હા. ડૉક્ટર, મારા અલગ થઈ ગયેલા હાથને તમે ફેંકી ન દેતા. આ હાથ પર જાનકીનાં આંસુ સ્નેહથી દર્દની દવા બની વરસ્યા છે.” એના શબ્દોમાં જાનકીનાં વેણની ભારોભાર પ્રેમ ઊભરાતો હતો.
“ઠીક છે. તો જ્યાં સુધી તમે એને શોધો એટલા દિવસ અહીં રૂમ નંબર પાંચમાં રહી શકો છો. અને જાનકીને શોધવામાં અમારો સ્ટાફ પણ તમને પૂરેપૂરી મદદ કરશે. ઈશ્વર કરે તમારી જિંદગીમાં જાનકી ફરી પાછી આવી જાય.” કહી ડૉક્ટર એની કેબિનમાં જતા રહ્યા.
એ પછીના એક અઠવાડિયા સુધી આખા શહેરમાં જાનકીની શોધ ચાલુ રહી. હોસ્પિટલના સ્ટાફસહ સૌ મળીને શહેરનો ખૂણેખૂણો ખોળી વળ્યા. જીતે એને શોધવામાં કોઈ જગ્યા બાકી નહોતી મૂકી. આખરે નિયતિનાં કહ્યા મુજબ દરેક સમાચારપત્રો અને સાથે વહેંચાતા જાહેરાતપત્રોમાં પણ જાનકીનાં ગુમ થયાની ખબર છાપવવામાં આવી. છતાંય એની હયાતીની કોઈ ભાળ ન મળી તો ન જ મળી. આ દિવસો દરમિયાન દેવ વધુને વધુ નિયતિની નજીક આવતો ગયો. એ માસૂમ તો જાણે નિયતિને જ મા સમજી બેઠો હોય એમ એની સાથે હોય ત્યારે વાત્સલ્યમય પૂર્ણતા અનુભવતો હતો.
“હવે આપણે ગામ પાછા ફરી જવું જોઈએ. કેટલા દિવસ આમ ગાંડાની જેમ જાનકીને ગોતવા આમથી તેમ ભાગતા રહીશું? મારી બહેનને ગુમાવવાનું દુઃખ મનેય છે. પણ હવે એને ભૂલી જઈ આગળ વધવા સિવાય આપણી પાસે કોઈ રસ્તો પણ તો નથી.” એક ઢળતી સાંજે ઉદાસ બેસેલા જીતને જોઈ રામુએ જિંદગીને ફરી જીવવાનો વિચાર રજૂ કરતા કહ્યું.
બીજી સવારે ડૉક્ટરનો અનેકાનેક આભાર માની જીતે વતન પાછા ફરવા રજા લીધી. જેવો એ દેવને તેડી રૂમની બહાર નીકળ્યો કે તરત દેવે ખૂણામાં ઊભેલી નિયતિ તરફ હાથ લંબાવી આક્રંદ શરૂ કર્યું. “તમે જીદ ન કરો. તમારું નહીં તો આ બાળકનું તો વિચારો. એનેય તમારી જેમ માની મમતાની જરૂર છે.” ડૉક્ટરના શબ્દો અજાણપણે ફરીવાર જીતને અનાથપણું યાદ અપાવી ગયા. નિયતિ એની નજદીક આવી.
“હું તમારી વ્યથા સમજી શકું છું. તમે કદી જાનકીને ન વિસરી શકો એ હું જાણું છું, છતાંય તમને તકલીફ ન હોય તો તમારી સાથે...” નિયતિને અધવચ્ચે અટકાવીને અસ્ફુટ સ્વરે જીત બોલી ઊઠ્યો, “પણ હું બીજા લગ્ન ન કરી શકું.”
“હું તમને લગ્ન કરવાનું ક્યાં કહું છું? હું તો માત્ર દેવને માની ખોટ ન વરતાઈ એટલે જિંદગીભર એની મા બનીને વહાલ કરવા માગું છું. તમારી સાથે લગ્ન કર્યાં વગર... ને કોઈપણ સંબંધમાં જોડાયા વગર કેવળ દેવની મા બનીને જીવવા માગું છું.” બોલતાં બોલતાં નિયતિનાં ગળે ડૂમો ભરાઈ આવ્યો. એનો અવાજ ચિરાઈ ગયો. વર્ષોથી સંબંધોની શોધમાં રઝળતી વ્યક્તિની જેમ એની આંખોમાં સંબંધરૂપી શેરડા તણાઈ આવ્યા.
“લગ્ન કર્યાં વગર સાથે? નહીં.., નહીં... સમાજ શું કહેશે?”
“મને અને તમને ખબર છે કે આપણે લગ્ન નથી કર્યા, પણ લોકોને તો ખબર નથી ને!”
“મતલબ?”
“..મતલબ સમાજની નજરે આપણે પતિ-પત્ની તરીકે ન રહી શકીએ? દેવ માટે જ.” નિયતિની વાત સાંભળી સૌ સ્તબ્ધ થઈ ગયા. કેટલીય ઘડી રૂમમાં મૌન પથરાઈ ગયું. આખરે જીતના માનસ પર જાનકીએ લખેલ કાગળના શબ્દો ગુંજી રહ્યા, ‘દેવનો ઉછેર કરવામાં તમે એકલા થઈ જશો એટલે આ હોસ્પિટલની નર્સ જેવી કોઈ માયાળુ છોકરી શોધી તમે બીજા લગ્ન કરી લેજો. તમારા માટે નહીં તો દેવ માટે.’
ને અચાનક એણે નિયતિની વાત માની લીધી. “ઠીક છે. આપણે સાથે રહીશું. દેવ સાત વર્ષનો થાય ત્યાં સુધી જ. પછી તો એ થોડું-ઘણું સમજતો થઈ જશે. એથી દેવના સાતમાં જન્મદિને આપણે પોતપોતાની જિંદગી કોઈ મોહમાયા વગર અલગ-અલગ સ્વીકારી લઈશું. છે મંજૂર?” આજ પહેલીવાર જીતે કોઈના જીવન પર શરત મૂકી હતી. નિયતિએ એક ક્ષણનીય રાહ જોયા વિના આંખમાંથી ટપકતા આંસુ લૂછી ‘હા’ પાડી દીધી.
સામેના ટેબલ પર કાચની પેટીમાં પડેલ કપાઈ ગયેલ હાથના અંશને મંજૂરીસહ સાથે લીધો. ડૉક્ટરને મળી, નિયતિ અને દેવની સાથે સાળા-બનેવીએ શહેરથી વિદાય લઈ ગામ ભણી વાટ પકડી.
ઘરે આવતાની સાથે શબરી પેઠે વર્ષોથી રાહ જોતો હોય એમ જીવલો ભાગતો આવ્યો, ને બંને પાંખો જીત ફરતે વીંટાળી ભેટી પડ્યો. મળવાની આતુરતામાં એને એય ભાન ન રહ્યું કે જીતનો એક હાથ તો હવે નથી રહ્યો. જીવલાની આંખોમાંથી મિલનમય હર્ષાશ્રુ છલકી રહ્યાં. થોડા વખત બાદ જીતથી વેગળો પડ્યો તો એની નજર કાચની પેટીમાં મૂકેલ હાથ પર પડી. તરત જ કેવળ લટકતી કોણી પર ધ્યાન જતા એ સૂનકાર પામી ગયો.
“આ પેટી ક્યાં મૂકું?” નિયતિએ પેટી ઊંચકતા પૂછ્યું. એનાં હાથમાંથી ઝડપભેર પેટી ખેંચી જીતે ઓસરીમાં પડેલ ઢોલ પાસે જઈ બાંગ નાખી. એક હાથે ઢોલને વળગી પડ્યો, જાણે પેટીમાંનો હાથ બહાર નીકળીને ઢોલનાદ કરવાનો ન હોય! સૌ એની ઇચ્છા અને ઝનૂન સામે હારી જતા અસ્તિત્વને જોઈ રહ્યા. “હવે તારો માલિક તને ક્યારેય નહીં વગાડી શકે. ક્યારેય નહીં... ક્યારેય..!” ઘોઘરા સ્વરે એ પુકારી ઊઠ્યો. એની ઝળઝળિત આંખોમાં ઢોલપ્રાપ્તિથી માંડીને આજ દિન સુધીની તેની સાથેની સફર એક પછી એક દ્રશ્ય બનીને છવાઈ ગઈ.
ઢોલ સાથે બાઝેલા જીતને રામુએ મહા મહેનતે અળગો કર્યો, “જે નથી રહ્યું એનું દુઃખ શા માટે?”
એક ઊંડા શ્વાસ સાથે મક્કમ નિર્ણય કરતો હોય એમ હિંમત સમેટતા એણે કહ્યું, “હા.. કદાચ તું સાચું કહે છે.” એણે જમણા ખભેથી ગળા તરફ ઢોલની દોરી પરોવી અને ડાબા હાથમાં પેટી ઊંચકી ઘરની બહાર તરફ કદમ ભર્યા.
“આ બધું ઉપાડીને ક્યાં લઈ જવું છે?” રામુ અને નિયતિએ એક સાથે પ્રશ્ન કર્યો.
“વિસર્જન કરી નવી શરૂઆત કરવા.” એણે હોશપૂર્વક પ્રત્યુત્તર આપ્યો.
“કોનું?” નિયતિ લાંબા ડગલે એની પાછળ ચાલી.
એણે પેટી પકડેલ ડાબો હાથ જરા ઊંચો કર્યો, “વિસર્જન આ અંશનું., અને તેની સાથે જોડાયેલી કડવી યાદોનું!” ને એણે સ્મશાનની દિશામાં પ્રયાણ કર્યું.
(પોતાનો અમૂલ્ય સમય ફાળવીને ‘તડકીમાં છાંયડો’ને વાંચવા અને પ્રતિભાવ આપવા બદલ સૌ વાચક મિત્રોનો હૃદયપૂર્વક આભાર...)
~ દિવ્યેશ વિ. સોડવડિયા (DVS)
