Divyesh V Sodvadiya Dvs

Others

3  

Divyesh V Sodvadiya Dvs

Others

તડકીમાં છાંયડો (પ્રકરણ ૧૨)

તડકીમાં છાંયડો (પ્રકરણ ૧૨)

6 mins
7.2K


[આ નવલકથાનું કોપીરાઈટ રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તેથી આ નવલકથા પરના બધા હક લેખકના પોતાના જ છે અને રહેશે. સાહિત્યની ઉઠાંતરી કરનારાઓએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું.]

તડકીમાં છાંયડો

(પ્રકરણ ૧૨)

૧૨. આખરી પત્ર

દેવને તેડીને જાનકી નર્સ પાસે ગઈ, “દેવને મારા ભાઈ રામુ પાસે લઈ જશો?” નર્સની હા સાંભળતા જ એણે સાડીનાં પાલવ પાછળ છુપાવેલ કાગળ દેવના હાથમાં પકડાવી દીધો. નર્સ એને અંદર લઈ ગઈ, ને જાનકી રમણીય બાગ સમી જિંદગીને છોડી હોસ્પિટલના લાંબા વરંડાને પાર કરી ત્રીજા માળેથી સામેના કૃષ્ણ મંદિરે પહોંચી. એને જોતા જ રાહ જોઈને ઊભેલી સફેદ કારનો દરવાજો ખોલી મોતીલાલ બોલ્યો, “જલ્દી કર... કોઈ જોઈ જશે. અંદર બેસ... ફટાફટ!”

જાનકી એનાં નસીબ સામે લાચાર હતી. અનિચ્છાએ આ બધું કરવું પડે એમ હોવાથી એ ગાડીમાં બેઠી. મોતીલાલે ડ્રાઈવરને હુકમ કર્યો, “દોડાવો ગાડી, પહોંચાડો સીધી માન્યતા નિવાસ.” ને એક જ પલકારામાં એ અલોપ થઈ ગઈ.

થોડીવાર બાદ જીતને હોશ આવ્યો. ધીરેથી આંખો ખોલી એણે આજુબાજુ નજર ફેરવી. ડૉક્ટર, નર્સ, રામુ, દેવ.. બધા જ એની પાસે ઊભા હતા. ડૉક્ટરે ધીમા સ્વરે સહેજ નમીને કહ્યું, “અભિનંદન, ઓપરેશન સફળ થયું છે. હવે તમે ગૅંગ્રીન નામના રોગથી મુક્તિ મેળવી લીધી છે.” જીત હળવું મલકાઈને બધું જોઈ રહ્યો. એણે એના જમણા હાથને હલાવવાની કોશિશ કરી ત્યારે એ હકીકતે ભાનમાં આવ્યો. પલંગમાં બેઠા થવાના પ્રયત્ન સાથે એણે અનુભવ્યું કે એનો જમણો હાથ હવે ટેકો આપવા નથી બચ્યો, એ તો કોણીથી કપાઈ ગયો છે. સડી ગયેલ હાથનો કોણીથી નીચેનો ભાગ એની સામે રહેલ ટેબલ પર કાચની પેટીમાં પડ્યો હતો. એકીટસે જીત એ જોઈ રહ્યો, જાણે કે હાથનો એ અંશ ફરી આવીને કોણીએ ચીપકી જવાનો હોય એમ. એની નિર્દોષ આંખોમાં ઝળઝળિયાં તગતગી રહ્યાં. એની જિંદગીમાં આજે એક નવો સૂર્યોદય થયો હતો પરંતુ સાથે સાથે એક અણમોલ સંબંધનો અસ્ત પણ.

રામુના સહારે એ બેઠો થયો. એણે દેવને એના ખોળામાં બેસાડ્યો. ડાબો હાથ દેવમાં માથે મૂક્યો અને એનું ધ્યાન દેવના હાથમાં રહેલા કાગળ પર પડ્યું. “આ શું છે? મને આપ તો!” કહેતા એણે કાગળ લઈ લીધો.

“આ વળી કેવો કાગળ? સહેજ ભીનો અને જાણે આંસુ પડ્યા હોય એમ ગોળ ગોળ ટપકાંમાં કરચલીઓ પડેલી છે. નર્સ, આ વાંચો ને! શું લખ્યું છે કાગળમાં?” કહી કાગળ નર્સને આપ્યો. કાગળની ગડીઓ ખોલતાની સાથે એની નજર સીધી જ કાગળના અંતના ખૂણે પડી. આંખો ઝીણી કરી અસ્પષ્ટ અક્ષરે ‘તમારી જાનકી’ લખેલું વાંચવામાં એ સફળ રહી. એ સમજી ગઈ કે આ એ જ કાગળ છે જે જાનકીએ એની પાસે મંગાવ્યો હતો.

“અરે.. આ તો તમારી પત્નીએ લખેલ છે.”

“જાનકીએ!” અચાનક કંઈ ન સમજાતા જીતથી આશ્ચર્યપૂર્વક કહેવાઈ ગયું, “પણ જાનકી ક્યાં છે?”

“હમણાં બહાર હતા. થોભો.. હું બોલાવીને આવું.” કહી નર્સ કાગળ હાથમાં પકડીને વરંડામાં આમતેમ જોતી રહી પરંતુ જાનકી ક્યાંય ન દેખાઈ. ‘કદાચ રૂમમાં હશે.’ એવું વિચારી એ રૂમ નંબર પાંચમાં પણ જોઈ આવી, બાથરૂમ.. બાલ્કની.. સીડી.. મેડિકલ.. બીજા બધા રૂમ.. વારાફરતી એણે બધે ડોકિયા કરી જોયા છતાં જાનકીની કોઈ ભાળ ન મળી. છેવટે કાગળ લઈ પાછી જીત પાસે આવી.

“મેં બધે તપાસ કરી પણ એ ક્યાંય ન મળ્યાં.” એનાં ચહેરા પર ચિંતા ડોકિયું કરતી હતી. સહેજ વધુ ગંભીર થઈ જીતે એને કાગળ વાંચવા ફરી આદેશ કર્યો. નર્સે બધાની સમક્ષ વાંચવાનું શરૂ કર્યું, જેમ જેમ એ કાગળ વાંચતી ગઈ એમ સૌ કોઈ અનોખાં વિયોગમાં ધકેલાતા ગયા.

 

જીત.., જ્યારે આ કાગળ તમને મળશે ત્યારે હું તમારી પાસે નહીં હોઉં. પણ હા.., તમારા દિલમાં હું હતી અને હંમેશા રહીશ. તમે તમારા દિલમાં રહેલી જાનકીને સવાલો ન કરતા કે, ‘હું ક્યાં છું? તમને છોડીને શા માટે ચાલી ગઈ? મારા વગર તમારું અને દેવનું શું થશે?’ કેમ કે આ બધા સવાલોના જવાબ હું નહીં આપી શકું. બસ, એટલું સમજજો કે આપણા ત્રણેયના ભલા માટે હું આ પગલું ભરી રહી છું.

લગ્નના દિવસે મેં તમને એક વચન આપ્યું હતું કે, “હું જીવનનાં અંતિમ શ્વાસે પણ તમારી સાથે રહીશ.” એ આજેય મને યાદ છે. આ વચન નિભાવી નહીં શકું એ બદલ મને માફ કરી દેજો. પરંતુ તે દિવસે મેં મનોમન મને પણ એક વચન આપ્યું હતું કે, “હું સદાય તમને ખુશ રાખીશ.” એ વચન નિભાવી રહી છું. ને હા.., આ કાગળ મળ્યા પછી રડવાનો વિચારેય ન કરતા. મને દિલમાં રાખીને રડશો તો હું કેવી રીતે ખુશ રહીશ! તમે ઢીલાં પડશો તો દેવને કોણ સંભાળશે? એટલે દુઃખી થયા વગર તમે દેવને સાચવજો. મને ખબર છે કે તમને બંનેને મારી યાદ આવશે અને મનેય તમારી. પરંતુ મને શોધવાની કોશિશ ન કરતા, કેમ કે હું તમને કોઈ સંજોગોમાં નહીં મળું. એટલે બાકીની જિંદગી ઈશ્વર ઇચ્છે એમ જીવી લેવાની.

તમે ભગવાનને પ્રાર્થના કરતા હતા ને કે કાયમ આપણો પરિવાર એક રહે.., ક્યારેય આ સંબંધો અને પરિવારજનોએ અલગ ન થવું પડે. એ વાત એણે ભલે ન સાંભળી તોય હવે હું એને સદાય આજીજી કરીશ કે આપણા પરિવારને એક દિવસ જરૂર એક કરે. નસીબમાં હશે તો આપણે ત્રણેય જિંદગીનાં અંતિમ શ્વાસ સુધીમાં જરૂર મળીશું ને ફરી એક સાથે જીવીશું. હવે વધુ લખવાની મારામાં હિંમત નથી બચી, ને નર્સે એટલો નાનો કાગળ આપ્યો છે કે વધુ સમાય એમ નથી. અંતે એટલું જ લખીશ... દુઃખ અને પીડાનાં સમયે તમારો સાથ છોડી જતી જાનકીને બની શકે તો માફ કરજો. ને દેવને મારી ખોટ વરતાવા ન દેતા.

કાગળ વાંચતી નર્સ અચાનક અટકી ગઈ. એણે ચારે તરફ જોયું તો આખો રૂમ શોકમાં ગરકાવ થઈ ગયો હોય એમ રડું રડું થઈને એને સાંભળી રહ્યો હતો. જીત, દેવ, રામુ, ડૉક્ટર બધાની આંખો જાણે ભીંજાવાની તૈયારીમાં હતી. “આગળ શું લખ્યું છે? એ વાંચશો નહીં?” જીતે આંખોમાં બાઝી ગયેલ ઝળઝળિયાંની પેલેપાર ઝાંખી દેખાતી નર્સને કહ્યું. ને એણે કાગળના આખરી શબ્દો વાંચી સંભળાવ્યા,

જીવલાનું ધ્યાન રાખજો. રામુ અને બાપુને કહેજો કે જાનકી એને ક્યારેય નહીં ભૂલી શકે. હું તમારી હતી, છું અને હંમેશા રહીશ. પરંતુ દેવનો ઉછેર કરવામાં તમે એકલા થઈ જશો એટલે આ હોસ્પિટલની નર્સ જેવી કોઈ માયાળુ છોકરી શોધી તમે બીજા લગ્ન કરી લેજો. તમારા માટે નહીં તો દેવ માટે. ને મારા દેવને ક્યારેય ન કહેતા કે એની મા કોણ હતી? તમારી જાનકી માટે આટલું તો કરશો ને? -લી. તમારી જાનકી.

નર્સે કાગળ પૂરો કરી નીચે નમાવ્યો. ભીંજાવાની તૈયારીમાં રહેલી રામુ અને ડૉક્ટરની આંખો ભીંજાઈ ચૂકી હતી. ને જીતની આંખોમાં તગતગી રહેલા અશ્રુ હવે ધાર બનીને વહી જતાં હતાં. માસુમ દેવ તો આ શું થઈ રહ્યું છે? એનાથી તદ્દન અજાણ હતો. જીત તરફ કાગળ લંબાવતી નર્સનાં ગાલ પરથી એક આંસુ ટપકીને જીતના ડાબા હાથ પર અટકી ગયું. જીતે નર્સ સામે જોયું. એની આંખોમાં એક અનેરું દર્દ પથરાઈ ગયું હતું. જાણે કે કોઈ પોતીકા પર વિપદા આવી પડી હોય એમ એ એકીટસે જીત અને દેવ સામે જોઈને રડી રહી હતી. તાકડે જ દેવે રડવાનું આદર્યું ને નર્સે એના તરફ બંને હાથ લંબાવ્યા. તરત દેવ એનાં લંબાવેલ હાથ તરફ ખેંચાયો અને બીજી પળે તો નર્સના હાથમાં તેડાઈ ગયો હતો. ડૉક્ટર એને તાકી રહ્યા. વર્ષોથી અનાથપણું ભોગવતી નર્સ નિયતિની આંખોમાં આજે સંબંધોને પામવાની આતુરતા છલકતી હતી.

“મને ખબર નથી કે હું જે કહેવા જઈ રહ્યો છું એ યોગ્ય છે કે નહીં, છતાંય હું કહેવાની હિંમત કરીશ કે હવે તમારે એક પરિવારની ને કોઈના સાથની ખરેખર જરૂર છે. જન્મતાથી અનાથ આશ્રમમાં રહીને તમે ભણીગણીને કે નોકરી કરીને વર્ષો સુધી આખરે એકલતા જ ભોગવી છે ને! મને લાગે છે કે દેવને તમારી જરૂર છે અને તમને કદાચ એના જેવા કોઈ સથવારાની.” તેડતાવેત ચૂપ થઈ ગયેલા દેવને જોઈ ડૉક્ટરે નિયતિને કહ્યું. રામુ અને જીતે એનું મૌન યથાવત રાખ્યું. ઘડીભર રૂમમાં શાંતિ ફેલાઈ ગઈ.

“તો તમે જીત સાથે જિંદગી વિતાવવા તૈયાર છો ને?” નીરવતાનો ભંગ કરતા નર્સને કહેવાયેલ ડૉક્ટરના શબ્દો સાંભળી જીત પલંગ પરથી સટાક દઈને ઊભો થઈ ગયો.

ક્રમશ:
વધુ આવતા મંગળવારે...

~ દિવ્યેશ વિ. સોડવડિયા (DVS)


Rate this content
Log in