Divyesh V Sodvadiya Dvs

Others

3  

Divyesh V Sodvadiya Dvs

Others

તડકીમાં છાંયડો (પ્રકરણ ૭)

તડકીમાં છાંયડો (પ્રકરણ ૭)

6 mins
7.0K


[આ નવલકથાનું કોપીરાઈટ રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તેથી આ નવલકથા પરના બધા હક લેખકના પોતાના જ છે અને રહેશે. સાહિત્યની ઉઠાંતરી કરનારાઓએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું.]

 

તડકીમાં છાંયડો

(પ્રકરણ ૭)

૭. અણધાર્યું તોફાન

 

સાંજ પડતા જ શિલાએ રિવાજ મુજબ ગળપણ સાથેની બે થાળીઓ તૈયાર કરી જીતના ઓરડામાં પહોંચાડી. જાનકીએ બંને થાળીની વાનગીઓ એકમાં કરી દીધી. થાળી વચ્ચે મૂકી બંને સામસામે ગોઠવાયાં. આખા દિવસની હળવી વાતો સાથે એકબીજાનાં મોંમાં કોળિયો મૂકતા એણે વાળું શરૂ કર્યું.

“પછી રોજ આદત પડી જશે તો...?” પોતાના મોંમાં કોળિયો આપતી જાનકીનો હાથ ઝાલી જીતે નેણ નચાવતા સવાલ કર્યો.

“શેની?” જાણતી હોવા છતાંય જાનકીએ મજાક સૂજી.

“આ રીતે ખાવાની.”

“તો હું ખવડાવીશ ને.!” બે પળ અટકી જાનકીએ સ્મિતસહ હાથમાં રહેલો કોળિયો જીતના મોંમાં મૂક્યો.

“અને મને એકલો છોડીને ચાલી જઈશ કે આપણે વિખૂટાં પડી જઈશું તો...” જીત આગળ બોલે એ પહેલાં જ જાનકીએ એના હોઠ પર પોતાની તર્જની મૂકી એને અટકાવી દીધો.

“એવું ક્યારેય નહિ થાય.” એણે દ્રઢ વિશ્વાસથી જીતના હાથ પર હાથ રાખી મજબૂત આંકડિયા ભીડી દીધા. કેટકેટલીય ક્ષણો સુધી બેઉ એકમેકની આંખોમાં પરોવાઈ ગયાં. વાળું પતાવી બંને દાંપત્યજીવનમાં ઓળઘોળ થઈ ગયાં.

થોડા દિવસોમાં એ ગામનું પ્રેમાળ દંપતી બની ગયું. એકબીજા પ્રત્યેનો પ્રેમ દિવસેને દિવસે વધતો ગયો. જીત અને શિલાની સાથે એ ઘરમાં નવી આવેલી જાનકી પણ દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ. ધીરેધીરે એનું ઘર સધ્ધર થવા લાગ્યું, કેમ કે હવે જાનકીય એ બંનેની સાથે કામે વળગી જતી. સુખી લગ્નજીવનનાં બે વર્ષ ક્યારે પસાર થઈ ગયા એની ખબરેય ન રહી. ને દેવ સમા દીકરાના જન્મ સાથે ભગવાને એની ખુશીને બમણી કરી દીધી.

આફડો વહાલો લાગે એવો, જાણે તદ્દન એનું જ બાળપણનું સ્વરૂપ મળી ગયું હોય એવો, રૂનાં પૂમડાં જેવો રૂપાળો, ગોળમટોળ ચહેરો, આછા રાતા-ગુલાબી ગાલ, પારદર્શક મોટી આંખો, ડાબા ગાલે પડતું ખંજન, નાજુક કોમળ શરીર અને દિલમાં ઉતરી જાય એવું ભોળું સ્મિત. અનહદ આનંદસહ દીકરાના જન્મથી હરખાઈને જીતે આખા ગામમાં ચેવડો-પેંડા વહેંચ્યા. બ્રાહ્મણને બોલાવી રાશી જોઈ ‘દેવ’ નામ પાડવામાં આવ્યું. દેવના જન્મથી જાનકી અને જીતને પરિવાર પૂર્ણ થયાની અદ્ભુત અનુભૂતિ થવા લાગી.

દેવને કોઈ અછત ન રહે એની ખાસ કાળજી રાખવામાં આવતી. આઠેક મહિના બાદ ગામમાં કોઈના કહેવાથી જીત દેવના રમકડા અને કપડાં લેવા શહેર જવા પણ તૈયાર થઈ ગયો. “પહેલી વાર શહેર જાવ છો. તમારું ધ્યાન રાખજો.” જાનકીની સ્વાભાવિક ચિંતાને રાહત આપી જીત શહેર જવા નીકળ્યો.

શહેરમાં પગ મૂકતાની સાથે એ શહેરીજીવનને તાકી રહ્યો. ક્યાં ગામડાની સાંકડી ખાબડખૂબડ ગલીઓ અને ક્યાં શહેરની મોટી પાકી સડક.., ક્યાં ગામના કાચાં છાપરાવાળા ઘરો અને ક્યાં શહેરની ગગનચુંબી ઈમારતો.., ક્યાં ગામમાં પગપાળા ચાલતા લઘરવઘર કપડાંધારી ડોસાઓ અને ક્યાં શહેરમાં ધમધોકાર જતા વાહનોમાં બેસેલા શેઠિયા.., ક્યાં ગામની લાજ કાઢતી વહુઓ અને ક્યાં શહેરની ઉઘાડા માથે ફરતી સ્ત્રીઓ. જીતના વિચારોમાં ગામ અને શહેરની સરખામણી થવા લાગી. ગામના માણસે આપેલ સરનામું ખિસ્સામાંથી કાઢ્યું, અને શોધતાં-શોધતાં એ ત્યાં પહોંચ્યો. જાણે કપડાં અને રમકડાના મેળાવડા લાગ્યા હોય એવી મોટી દુકાનોમાં જઈ એણે કપડાં લીધા, પરંતુ અનેકવિધ રમકડા જોઈ કંઈ સમજ જ ન પડી કે શું ખરીદવું અને શું નહી.! છેવટે અસમંજસમાંથી બહાર આવી યોગ્ય લાગ્યા એવા સારા-સસ્તા દસેક રમકડા ખરીદ્યા, શહેરી દુનિયાથી અંજાયને શહેર છોડી ગામ આવી ગયો.

આવતા વેત વારાફરતી બધા કપડાં દેવને પહેરાવી જોયા, દરેક રંગમાં શોભતા દેવ આગળ એણે બધા રમકડા ઠાલવ્યા. દેવને હરખાતો જોઈ શિલા અને જાનકી ખુશ થઈ ગયાં. હવે તો રોજ સવારની શરૂઆત અને સાંજની મુલાકાત દેવ સાથે જ થતી.

એક દિવસ દેવને રમાડતા, દેવનો હાથ જીતના જમણા હાથની કોણીએ લાગી ગયો. એણે સહેજ દુઃખાવો અનુભવ્યો. જોયું તો કોણીએ સોજો ચડી ગયો હતો. સારું થઈ જવાની આશમાં એણે ગામના દવાખાને તપાસ કરાવી, દવા લીધી, તોય સારું ન થયું. આજુબાજુના ગામના ડૉક્ટરો પાસે ઇલાજ કરાવ્યો પરંતુ ધાર્યું પરિણામ ન મળ્યું. છેવટે એક ડૉક્ટરની સલાહથી શહેર જવાનું નક્કી થયું. આ જાણી જાનકી થોડી ગભરાઈ ગઈ. પરંતુ એણે પોતાની ગભરામણ જીતને કળાવા ન દીધી, એણે હિંમતથી ભગવાન પર ભરોસો રાખી જીતને શહેર મોકલ્યો.

શહેરના નાના દવાખાનામાં તપાસ કરાવી એક મહિનાની દવા લીધી છતાંય કંઈ ફરક ન પડ્યો. ઊલટું એની કોણી પરનો સોજો રાત-દિવસ વધતો રહ્યો. એક મહિના બાદ ફરી શહેરની સારી હોસ્પિટલમાં જઈ બધા ચેક-અપ કરાવ્યા. રિપોર્ટ આવતા ડૉક્ટરે એની પાસે બોલાવ્યો.

“જીત.. તમને જમણા હાથની કોણીએ ગૅંગ્રીન નામનો રોગ...”

“શું?” ડૉક્ટરને અધવચ્ચે અટકાવીને જીતે ગંભીરતાથી પૂછ્યું.

“હા.. ગૅંગ્રીન એ એક એવો રોગ છે. જેનાથી દર્દીનું અંગ ધીરેધીરે સોજતું જાય. કંઈક વાગ્યું હોય અથવા જૂનાં ઘા હોય તે સમયસર રૂઝાય નહીં તો એ અંગમાં સડો બેસે. જોકે હજુ શરૂઆત જ છે, જો સરખી કાળજી રાખવામાં આવશે તો જલ્દી સારું પણ થઈ જશે.” ડૉક્ટરે હળવા સ્વરે રાહત આપતા કહ્યું. તરત જ એને રામુને બચાવવા જતા જુગલે મારેલી કટારનો ઘા યાદ આવી ગયો.

‘બધા પૂછશે તો એને શું જવાબ આપીશ?’ એની મૂંઝવણમાં ધકેલાઈને એ હોસ્પિટલથી માંડમાંડ ઘરે પહોંચ્યો. જાનકી કાગડોળે એની રાહ જોઈને ઓસરીમાં ભૂખી તરસી બેઠી હતી. જીતને જોતા જ એણે સવાલોનો મારો કર્યો. ડૉક્ટરે સમજાવ્યું એના કરતા પણ વધુ શાંતિથી જીતે બધી વાત માંડીને કરી. જાનકી એની કોણી પરના સોજાને જોઈ જોઈને સાંભળતી રહી અને રડતી રહી.

“અરે... સારું થઈ જશે. ડૉક્ટરે કહ્યું પણ છે કે હજુ તો શરૂઆત છે તેથી જલ્દી સારું થઈ જાય.” રડતી જાનકીનાં આંસુ લૂછતા જીતે એને દુઃખમાં સંભાળવાની કોશિશ કરી. જાનકી એને વળગી પડી. ગૅંગ્રીન નામના રોગથી એના પરિવાર પર વીજળી પડી. શિલા અને જીવલા સહિત સૌ ગમગીન થઈ ગયાં. એની માની બીમારી બાદ જીતની જિંદગીમાં ફરી એક વાર ભગવાને રોગીપણું લાવીને એની સાથે અન્યાય કર્યો હતો. એણે મંદિર સામે જઈ ભગવાન પાસે એક જ પ્રાર્થના કરી, “હે પ્રભુ..! તમે જે કસોટી કરશો તે મંજૂર છે પણ મારા પરિવારને હંમેશા એક રાખજો. અમને કદી અલગ ન કરતા... કદીય નહીં..” કહેતા એ જાનકી, શિલા અને જીવલાની સામે એક અજીબ લાગણીસહ જોઈ રહ્યો.

વખત વીતતો ગયો એમ થોડી ઘણી દવાઓમાં જીતની એકઠી કરેલી મૂડી ખર્ચાવા લાગી. તોયે એણે કામ કરવામાં પાછી પાની ન કરી. પોતાની મહેનત અને ઈશ્વર પરનો ભરોસો કાયમ રાખ્યો. એની પીડા વધતી ગઈ. રાત તો એ ચુપચાપ આંખો મીંચીને સહન કરી લેતો પરંતુ દિવસની અસહ્ય પીડા જાનકીથી છૂપી ન રહી શકતી.

“એક મહિનો થઈ ગયો. સારું થવાને બદલે સોજો વધતો જ જાય છે. હવે તો અંદરથી લોહી અને પરુ ટપકે છે. ચાલો આપણે ફરી શહેર જઈએ, સારા ડૉક્ટર પાસે ઇલાજ કરાવીશું તો જરૂર સારું થઈ જશે.” જાનકીનાં કહેવા છતાંય પોતાની પાસે વધુ પૈસા ન હોવાથી એણે શહેર જવાની ના પાડી. કેમ કે એ જાણતો હતો કે શહેરના દવાખાનાનો ખર્ચ ઓછો ન હોય.

“નહિ જઈએ અને સારું નહિ થાય તો.....” આગળ કંઈ બોલે એ પહેલાં જાનકી ફરી રડી પડી.

જીતે એનાં ગાલ પરથી ટપકતાં આંસુ લૂછ્યાં, “જાનકી.. કરમાવા લાગેલાં તુલસીનાં છોડને પણ રોજ પાણી મળે ને તો એ એક દિવસ જરૂર લીલોછમ થઈ જાય. આ તો હાથ છે. એ કયારે સાજો-સારો થઈ જશે આપણને ખબરેય નહીં પડે.”

જીતે જાનકીને તો સમજાવી, પરંતુ ખુદને કેવી રીતે સમજાવે? આટલો ભરોસો હતો તોય એને મનોમન કંઈક અજુગતું થવાનો ભાસ થવા લાગ્યો. એનો સોજો અને સોજાની અંદરનો સડો રાત-દિવસ વધતો રહ્યો, સાથે સાથે દર્દ પણ.!

છેવટે અનિચ્છાએ શહેર જવાનો નિર્ણય કરવો પડ્યો. આ વખતે જાનકી એની સાથે જવા તૈયાર થઈ પણ દેવને સાથે લઈને કે એકલાં મૂકીને જવું મુશ્કેલ હોવાથી જીતે સાથે આવવાની ના પાડતા એ જઈ ન શકી. એણે જીતના સથવારા માટે પિયરથી રામુને બોલાવ્યો. સાળો-બનેવી એક નવી આશા સાથે શહેર જવા નીકળ્યા. જીવલો એને જતા જોઈ ફળિયાનાં એક ખૂણામાં સૂનમૂન રડી રહ્યો. જાણે કે એ ભવિષ્યના તોફાનને જાણતો ન હોય.!

ક્રમશ:

વધુ આવતા મંગળવારે...

 


Rate this content
Log in