તડકીમાં છાંયડો (પ્રકરણ ૫)
તડકીમાં છાંયડો (પ્રકરણ ૫)
[આ નવલકથાનું કોપીરાઈટ રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તેથી આ નવલકથા પરના બધા હક લેખકના પોતાના જ છે અને રહેશે. સાહિત્યની ઉઠાંતરી કરનારાઓએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું.]
તડકીમાં છાંયડો
(પ્રકરણ ૫)
૫. જીવના જોખમે દોસ્તી
“બચાવો.. એને બચાવો, નહીંતર એ મરી જશે.” સાંભળતા વેત સટક દઈને એ ખાટલેથી ઊભો થયો અને આગંતુક છોકરાની સાથે બહારથી આવતા ‘બચાવો..’ના અવાજ તરફ ભાગ્યો. ગામનાં છેવાડે એક લીમડાના ઝાડ નીચે ચાર-પાંચ છોકરાઓનું ટોળું ઘેરાયેલું હતું. સૌ ઘાંઘા થઈ ગયા હતા. કંઈક અજુગતું બની ગયાનો ભાસ એને દૂરથી જ આવી રહ્યો હતો. દોડવાની ગતિ વધારી ટોળાને હડસેલી એણે જોયું તો એક સમવયસ્ક જમીન પર ઢળી પડ્યો હતો. એની બાજુમાં ગંજીફાના પાનાં વિખરાયેલ હતા, એનાથી અનુમાન આવી ગયું કે આ બધા ફુરસદે અહીં ગંજીફો રમી રહ્યા હશે. ઊંહકારો કરતા છોકરા તરફ નજર જતા એના ચહેરા પરનો પરસેવો જોઈ જીતે બાકી બધાને પૂછ્યું, “શું થયું આને?”
“રામુને એક સાપ આવીને ડંખી ગયો.” ટોળામાંના એકે ગભરાતા સ્વરે કહ્યું.
“શું? ક્યારે? ક્યાં?” એના હોશ ઊડી ગયા. એને આખી પરિસ્થિતિનો અંદાજ આવી ગયો હતો.
“હા, હમણાં જ, આ પગે.” ઘરે બોલાવવા આવેલા છોકરાએ સૂતેલા રામુના ડાબા પગે સર્પે ડંખેલ લોહિયાળું નિશાન બતાવ્યું. છોકરો છેલ્લા શ્વાસ ગણી રહ્યો હોય એમ તડફડિયાં મારતો હતો. જીતે એના ડંખ પરથી લોહી લૂછ્યું અને શરીરમાં ફેલાઈ એ પહેલાં જ ઝડપભેર ઝેર ચૂસી ચૂસીને થૂંકવા લાગ્યો. વધુને વધુ તાકાત લગાવી એણે ઝેર ઓકી નાખ્યું. પરંતુ ઉતાવળમાં એક વાર એના મોંમાં આવેલ વિષનો ઘૂંટડો ગળે ઊતરી ગયો. ઘીરેઘીરે એ અસ્વસ્થતામાં ધકેલાવા લાગ્યો.
થોડીક ક્ષણો બાદ રામુ તો ઊભો થઈ ગયો પણ ત્યાં સુધીમાં જીતના પેટમાં ઊતરી ગયેલું ઝેર એને બેભાન કરી ચૂક્યું હતું. રામુ સહિત બધા એને ઊંચકીને ઘર સુધી લઈ આવ્યા. જીતને આ હાલતમાં જોઈ શિલા અને જીવલાના હૃદયમાં ધ્રાસકો પડ્યો. હવે એને સાજો કરવાની જવાબદારી રામુની હોય તેમ એક છોકરા સાથે એ ભાગતો જઈ ગામના વૈદ્યને બોલાવી આવ્યો. ત્યાં સુધીમાં ટોળાએ આખી કહાની શિલા સમક્ષ રજૂ કરી દીધી હતી. એના ખાટલા પાસે બેસેલા જીવલાના આંસુ ટપોટપ ટપકી રહ્યાં હતાં. શિલાએ એને ત્યાંથી દૂર લઈ જવાની ઘણી કોશિશ કરી પણ એ હટ્યો જ નહિ, હટે પણ ક્યાંથી.! એને મન તો એનું સર્વસ્વ જોખમમાં હતું. જયારે શિલા તો એનાં નામના સ્વભાવ જેવી જ અડીખમ.! જાણે બધું સારું થઈ જ જવાનું હોય એની અગાઉ જાણ હોય એમ એ સહજ રહી. લાંબા સમય સુધી સારવાર ચાલી, આખરે વૈદ્ય એને સાજો કરવામાં સફળ થયા. શિલાની આંખોમાં રાહતસહ હર્ષાશ્રુ હતા. જીવલાએ ડાબો પગ ઊંચો કરી પોતાના આંસુ લૂછ્યાં અને ખાટલામાં સૂતેલા જીતની છાતી પર પોતાનું માથું રાખી વળગી પડ્યો. રામુ સહિત આખું ટોળું હાશકારા સાથે છૂટું પડ્યું.
આ ઘટનાથી એકમેકના જીવ બચાવનાર રામુ અને જીત મિત્રતાનાં તાંતણે બંધાઈ ગયા. જિંદગીમાં આવતી પ્રત્યેક તડકી છાંયડીને ખુશી ખુશી સ્વીકારી લેતો જીત રામુની દોસ્તી, શિલાનો સ્નેહ અને જીવલા થકી બચપણ વટાવી યુવાનીના બાવીસ વર્ષનાં દ્વારે પહોંચી ગયો.
ફરી કુદરતે એક એવી કરામત કરી કે એની મિત્રતાની ખરી કસોટી થઈ ગઈ. ગામના છેવાડે એનું ઘર હોવાથી અચાનક એક છોકરો પહેલાંની જેમ જ ભાગતો એની પાસે આવ્યો, “એને બચાવી લો. નહીંતર જુગલ એને મારી નાખશે. જલ્દી.. એને બચાવી લો.” જીતે ફરી ઘટના સ્થળે જઈને જોયું તો જુગલ અને રામુ બંને ઝપાઝપી કરી રહ્યા હતા. બંનેની વચ્ચે જઈ એણે મામલો પતાવવા છૂટા પાડવાનો પ્રયાસ કર્યો.
“જુગલિયા...આજ હું તને નહિ છોડું. આજ ફરી વાર તેં મારા બાપુને ગાળો આપી છે.” કહીને રામુએ જુગલને એક મુક્કા ભેગો જમીનદોસ્ત કરી દીધો. જીતને તકરારનું કારણ ખબર પડી ગઈ. એ રામુને લઈને ત્યાંથી દૂર જવા ફર્યો કે તરત જ કેડે ખોસેલી કટાર કાઢી જુગલ એની પીઠ પાછળથી પ્રહાર કરવા દોડ્યો. પરંતુ જમીન પર પડતા પડછાયાને જોતા જ રામુને હડસેલી જીત વચ્ચે આવી ગયો. ને કટાર સીધી જ જીતના જમણા હાથની કોણીમાં ખૂંચી ગઈ.
“આહ...” અસહ્ય પીડાથી ચીસ પાડતા જીતની કોણી પરથી રક્તધારા વહેવા લાગી. જુગલ તો તરત ભાગી ગયો. રામુએ બે ચાર યુવાનોની મદદથી એને ઘરે લઈ આવી વૈદ્ય પાસે પાટાપિંડી સાથે સારવાર કરાવી. હાલ પૂરતું દર્દ ઓછું થઈ ગયું. પરંતુ આ કટાર એની જિંદગીની આવનારી ખુશીઓ પર કદી ન રૂઝાય એવા ઊંડા ઉઝરડા પાડી જશે, એ હકીકતની કોઈને ક્યાં જાણ હતી.!
એકબીજાના પ્રાણ બચાવવાની એકની એક ઘટના પુનરાવર્તિત થઈ. “આ શું થઈ રહ્યું છે જીત? મારા લીધે તું તારો જીવ જોખમમાં મૂકે છે. શા માટે? આનું ઋણ હું કે’દી ચૂકવી શકીશ..!” રામુ ગળગળો થઈ ગયો. જીતની આંખોમાંથી છલકાતા દુઃખ સાથે એણે હાલત સામે ઝઝૂમવાની હિંમત જોઈ લીધી. આગળ કંઈ બોલ્યા વિના એ કાલે ફરી મળવાના વાયદા સાથે ઘરે જવા નીકળ્યો.
બીજી સવારે રામુ કદી પોતાના ઘરે ન આવેલા જીતને એના ઘરે લઈ જવા આવી પહોંચ્યો. લાંબા સમયથી ‘પછી આવીશ... પછી આવીશ.’ની થતી મુદત અને આનાકાનીને સાંભળ્યા વગર એ જીતને એની સાથે જ લઈ ગયો. એની ડેલીમાં પગ મૂકતા જ જીત એના ઘરને જોઈ રહ્યો.
સામાન્ય જગ્યામાં છતાં સુંદર ફળિયામાં એક બાજુ બંધિયાર કૂવા પરની નાનકડી ડંકી અને બીજી બાજુ પશુઓને બાંધવા માટેના ખીલા તેમજ ગમાણ જોતો જોતો એ આગળ વધ્યો. એના પગ નીચે ફળિયામાં રેતીથી થોડા મોટા કદના પથ્થરની પથારી કાયમ માટે કરેલી હતી. આ પથ્થરોમાં નાના મોટા સફેદ શંખ અને છીપલાં હતા, જે પથારીને વધારે સુશોભિત કરતા હોય એવું નીચે નજર કરતા જ એણે અનુભવ્યું. ફળિયાના અંતથી બેએક પગથિયાં પછી ઘરની ઓસરી શરૂ થતી હતી. ઓસરીની દરેક નકશીદાર થાંભલીઓ પર કંડારેલ કબૂતરનું ભાતચિત્ર એની આંખોને પરાણે વહાલું લાગે તેવું નયનરમ્ય હતું. પગથિયાં ચડી એણે અકારણ જ થાંભલી પર હાથ ફેરવી લીધો..
ત્રણ ઓરડાના સળંગ ભાગની ઓસરીમાં થયેલું ગારનું લીપણ સૂર્યના સોનેરી કિરણોને તેનામાં સમાવી લેતું હોય એમ ઝગઝગારા કરતું હતું. ઓસરીમાં પાટીનાં ભરેલા બે અને કાથીથી ગૂંથેલ બે પલંગ ઢાળેલ હતા. બહારથી દેખીતાં જ ત્રણેય ઓરડામાં પહેલો ઓરડો બીજા બેની સરખામણીમાં નાનો લાગતો હતો, રસોડા જેવો જ.! દીવાલો પર હાથ ઘસીએ તો છાપ પડે એવી તાજી ધોળાઈ કરેલી હતી. સાંકળવાળા લાકડાના દરવાજા આકાશી રંગથી રંગાયેલ હતા. આખા ઘરની છત ઘેરાં લાલ નળિયાંઓથી ઢંકાયેલી હતી.
ઓસરીની એક તરફ દેશી ખાટની ઉપર મોર અને છટકુંડાની ભાતના ઊન-રેશમથી ભરતગૂંથેલ ચાદર તેમજ એનાં પરના તકિયા મહેમાનોનું સ્વાગત કરતા હોય એમ હારબંધ ગોઠવાયેલ હતા. એની બાજુમાં ઢાળેલ ઢોલિયા પર રામુના બાપુ અર્ધકાય સૂતા હતા.
ઘરના સૌંદર્યને નિહાળતો જીત રામુ સાથે એના બાપુ પાસે પહોંચ્યો. આંકડા વાળેલ મોટી મોટી મૂછ પર હાથ ફેરવી ભરાવદાર ચહેરો ધરાવતા રામુના બાપુ ઢોલિયામાં બેઠા થયા. સફેદ લેંઘો અને ઉપરનું ખમીસ પણ શાંતિનો સફેદ રંગ દર્શાવતું હતું. એના હાથમાં રહેલી માળા ભગવાનનું સ્મરણ કરતી હતી. માથા પરની પાઘડી એની આબરૂમાં વધારો કરતી હોય એવું સ્પષ્ટ લાગતું હતું.
જીત રામુના બાપુને પગે લાગી બાજુનાં ખાટલે ગોઠવાયો. પરિચય આપતા રામુએ વાત માંડી, “બાપુ, આ જીત. બાજુનાં ગામથી આવે છે, મારો ખાસ દોસ્તાર.!, મને સાપ કરડ્યો હતો ત્યારે જીતે જ મારો જીવ બચાવ્યો હતો, અને કાલે પણ. જો આ જીત ન હોત તો આજે હું તમારી સાથે ન હોત. હું તો ક્યારનોય મરી....”
એના ખભે હાથ મૂકી જીતે અધવચ્ચે અટકાવ્યો, “આ તું શું કહે છે? જિંદગીની લેણદેણ અને હયાતીનો આધાર આપણા પર થોડો છે.! એ તો ભગવાન જ કરે. કોઈના હોવાથી કે ન હોવાથી કંઈ ન થાય. હું તો નિમિત્ત માત્ર હતો, બાકી તો જે થવાનું હોય એ થઈને જ રહે. દોસ્ત.!
યુવાન વયે અદ્ભુત ગહન સમજશક્તિ ધરાવતા જીતની વાત સાંભળી રામુના બાપુ બે ઘડી એને તાકી રહ્યા. મનમાં ઉદ્ભવતા વિચારોને બાંધી એણે જીતની પ્રશંસા કરતા કહ્યું, “સાચું કહે છે બેટા. નિયતિને કોઈ રોકી ન શકે, પછી તે શુભ હોય કે અશુભ.”
એનો સ્વભાવ અને સાલસ વ્યક્તિત્વને જોઈ રામુના બાપુ પ્રભાવિત થઈ ગયા. થોડી સહજ વાતચીત બાદ જીતે રવાના થવા રજા લીધી. ઘરે પહોંચી એણે શિલા સામે રામુના ઘરનાં ખૂબ વખાણ કર્યા. આખી રાત રામુનુ ઘર અને ત્યાં થયેલી સંસ્કારિત વાતો એના માનસપટ પર છવાયેલી રહી. એકાએક એને અવનવી કલ્પનાઓ સ્ફુરવા લાગી.
“જો એ ઘરે શિલાનાં લગ્ન થાય તો માબાપ વગરની શિલાનું બાકીનું જીવન પણ રાજી ખુશીથી વીતી શકે.” એનાથી સ્વગત બોલાઈ ગયું. પરંતુ એકદમ જ એના વિચારોમાં ગંભીરતા વ્યાપી ગઈ, કેમ કે પોતે શિલાથી મોટો હોવાથી સમાજની નજરે પહેલાં એના લગ્ન થવા જરૂરી હતા. પરંતુ ‘પોતાના આ સાધારણથીય નાના ઘરમાં આવવા સંમત કોણ થાય?’ આ પ્રશ્ન એને વારંવાર સતાવતો હતો.
બીજી તરફ જીતને મળીને રામુના બાપુ પણ રાતભર ઊંઘી ન શક્યા. એનેય એના યુવાન સંતાનોની ચિંતા હતી. “જો મારી દીકરીનાં લગ્ન જીત સાથે ગોઠવાઈ જાય તો એનાં જીવનમાં સોના કરતાયે મહામૂલી સુગંધ પ્રસરી જાય.” મનોમન વિચારતા રામુના બાપુ દુનિયાના સૌ પિતાની માફક દીકરીનાં ભવિષ્યમય સપના જોવા લાગ્યા. બીજી સવારે એણે રામુને કહી જીતને ફરી એના ઘરે આવવા આમંત્રણ આપ્યું.
“આજે તો બરાબર લાગ જોઈને રામુ સાથે શિલાનાં સંબંધની વાત એના બાપુ સમક્ષ મૂકી જ દઈશ.” સ્વગત બોલતો જીત રામુના ઘરે જવા નીકળ્યો. પરંતુ એને ક્યાં ખબર હતી કે, ડેલીની પેલેપાર દોસ્તીનાં સંબંધથી એની જિંદગીમાં બીજા ક્યા સંબંધો સંકળાઈ જવા તૈયાર ઊભા હતા?
ક્રમશ:
વધુ આવતા મંગળવારે...
