Divyesh V Sodvadiya Dvs

Others

3  

Divyesh V Sodvadiya Dvs

Others

તડકીમાં છાંયડો (પ્રકરણ ૧૦)

તડકીમાં છાંયડો (પ્રકરણ ૧૦)

6 mins
7.3K


[આ નવલકથાનું કોપીરાઈટ રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તેથી આ નવલકથા પરના બધા હક લેખકના પોતાના જ છે અને રહેશે. સાહિત્યની ઉઠાંતરી કરનારાઓએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું.]

તડકીમાં છાંયડો

(પ્રકરણ ૧૦)

૧૦. દાનનો બદલો                   

સવારનાં પાંચના ટકોરે નર્સે રૂમ નંબર પાંચનો દરવાજો ખખડાવ્યો. અર્ધનિદ્રામાં સૂતેલી જાનકી ઊભી થઈ દરવાજો ખોલે એ પહેલાં સોફા પર ટૂંટિયું વળીને સૂતેલો રામુ શરીર સીધું કરી ઝડપભેર દરવાજા પાસે પહોંચ્યો. નર્સનાં આવવાનું કારણ પૂછ્યું ત્યાં જાનકીએ દરવાજો ખોલ્યો. ઉતાવળી નર્સે સ્વભાવવશ ભાષણ આદર્યું, “તમે સૂઈ ગયા પછી મોડી રાત્રે મિસ્ટર દેસાઈ દવાખાનાની સફરે આવ્યા હતા. તમારી તકલીફ વિષે જાણી ઓપરેશન માટેનો બધો ખર્ચ એણે અહીં જમા કરવી દીધો છે. તમારા ચારેયની વિગતે પૂછતાછ થઈ ચૂકી છે. ઓપરેશન પછીની જરૂરી દવા પણ નીચેની મેડિકલમાંથી નિ:શુલ્ક મળશે....”

નર્સ આગળ બોલતી રહી પરંતુ એ ક્યાં એકેયને સાંભળવું હતું! જેની જરૂર હતી એ તો ક્યારનું કાને ઝીલી લીધું હતું. જાનકી અને રામુ મનોમન ઈશ્વરનો પાડ માનતાં રહ્યાં. સહેજ ઊંચી ડોક અને એનાથી ઊંચી નજર કરી ભાઈ-બહેન ભગવાનને કોટીકોટી વંદી રહ્યાં. બંનેને ખોવાયેલાં જોઈ નર્સ ત્યાંથી સડસડાટ ચાલી ગઈ. પછીનાં ત્રણ કલાક સુધી આભાર જ આભાર ચાલ્યા.

રૂમ નંબર પાંચની ઘડિયાળનાં લોલકે આઠ વાગ્યાના આઠ ટકોરા કર્યાં. જાનકીએ ઊંઘતા જીત સામે જોયું. વર્ષોથી ઉજાગરો વેઠ્યો હોય એમ એની આંખો ગાઢ નિદ્રામાં સપડાયેલી હતી. સૂવા દેવાની ઇચ્છા હોવા છતાં ઓપરેશન માટે સમયસર પહોંચવાની ચિંતામાં ડૂબેલી જાનકીએ જીતના લલાટે હાથ પસવાર્યો. જીતના ઉઠતાની થોડીવારે દેવ પણ જાગી ગયો. દિનચર્યાથી પરવારીને અડધી કલાકની તૈયારી બાદ ચારેય રૂમની બહાર નીકળી ડૉક્ટર પાસે આવ્યા. ડૉક્ટરે આપેલા સૂચન-નિયમ યાદ કરવા જીતનું મગજ માથાકૂટ કરવા લાગ્યું. જીતને ઓપરેશન થિયેટરમાં જવાનો આદેશ આપ્યો.

કેબિનમાંથી બહાર નીકળી જીતે દેવના કપાળે હળવું ચુંબન કર્યું અને જાનકીનાં ગાલે વ્હાલથી હાથ ફેરવી હિંમત આપી. જાનકીની આંખોમાં આશારૂપી કિરણો સાથે આંસુનાં આછાં શેરડા અંજાયેલા હતાં. બાંકડા સામેના ખૂણામાં બિરાજેલ વિઘ્નહર્તા ગણેશજીને વિઘ્ન હરી લેવાની વિનવણી કરી. અણસમજુ દેવને સહેજ મલકાતો જોઈ જીત પણ હસવાની કોશિશ કરતો ઓપરેશન થિયેટરમાં ચાલ્યો ગયો. બાકીનાં ત્રણેય બહારના બાંકડા પર ગોઠવાયાં. નર્સે હાથમાં કંઈક લઈને અંદર પ્રવેશી હાથ લંબાવતા કહ્યું, “લો.. આ પહેરી લો.”  એક જ પલકારામાં એ બહાર નીકળી ગઈ. પહેલાં કદી જોયું ન હોય એમ જીત સફેદ રંગના લાંબા ખુલ્લા ઝભ્ભા જેવા કપડાને તાકી તાકીને જોઈ રહ્યો. આમ તેમ ફેરવીને એણે ફટાફટ કપડાં બદલ્યા. હાથમાં એક નાની શીશી લઈને ફરી આવેલી નર્સે બીજા હાથમાં રહેલી ગોળી લેવાનું કહ્યું. જીતે દવા લીધી, નર્સે રૂનાં પૂમડાંને શીશીનાં મોં પર મૂકી શીશી ઊંધી કરી સાથે સાથે બોલવાનું ચાલુ રાખ્યું, “હાથ લંબાવો... હાથ..”

હાથ લંબાવી દર્દ સાથે ‘આઆઅઅ...’ કરતો જીત સ્વગત બોલ્યો, “મારું ઓપરેશન આ કરવાની છે કે શું?”

દવાથી ભીંજવેલ પૂમડાંને એની કોણી પરનાં સોજા પર ઘસ્યું. ગારમાટીનાં લેપની માફક નર્સે પાંચ છ વાર આવું કર્યું. રૂને કચરાપેટીમાં ફેંકી, શીશી બંધ કરતી એ જીતને સૂવાનું કહી જતી રહી. ડૉક્ટર એને તપાસી, ચાદર ઓઢાડી કેબિનમાં ગયા. વરંડામાંથી નર્સ એની પાસે આવીને બોલી, “સર.. મિસ્ટર દેસાઈ આવ્યા છે.” આગળ કંઈ બોલે એ પહેલાં જ ડૉક્ટરે એને અહીં મોકલવા કહી દીધું.

મિસ્ટર દેસાઈ સાથે થોડી વાતચીત કર્યા બાદ બંને ઓપરેશન થિયેટરમાં પહોંચ્યા. મિસ્ટર દેસાઈએ સ્વયંના નિયમાનુસાર પોતાની પાસે રહેલા ગુલદસ્તામાંથી એક ગુલાબ ખેંચી, હળવેકથી જીતના ઓશીકા પાસે મૂકતા શુભેચ્છા પાઠવી. બહાર નીકળી નર્સને દરરોજની માફક ગુલદસ્તો હાથમાં પકડાવતા કહ્યું, “નર્સ સાહેબા., આને એના સ્થાને પહોંચાડી દો.” એકના એક શબ્દો પાંચ વર્ષથી સાંભળી સાંભળીને એ કદાચ કંટાળી ગઈ હતી, છતાં મલકાતાં ચહેરે ગુલદસ્તો લઈ સામે આવેલ મંદિરે મૂકવા કનુકાકાને આપી આવી. ડૉક્ટરે મિસ્ટર દેસાઈ સાથે બધાની ઓળખ કરાવી.

પાંત્રીસ વર્ષીય મિસ્ટર દેસાઈએ દેવના માથે સ્નેહથી હાથ ફેરવ્યો અને બાકીના બંનેને ‘નમસ્તે’ કહી ત્યાંથી નીકળી ગયા. પહોંચ્યા સીધા જ રોજ પેઠે સામેના મંદિરે. ગુસ્સાથી ઘંટડી વગાડી, મનોમન ભગવાન સાથેનું કાયમી યુદ્ધ છેડાયું, “શા માટે..? શા માટે..? તમે મને...” બસ., આટલું ટૂંકું યુદ્ધ! કદાચ આજે જલ્દી પૂરું થઈ ગયું, કે કદાચ ખતમ કરવું પડ્યું.

‘જે લાખ વખત કહેવાથી ન માને એ એક વાર વધુ કહેવાથી ક્યાં માનવાના હતા?’ વિચારતા મિસ્ટર દેસાઈએ બાજુમાં પડેલા ગુલદસ્તાને ઊંચકી દૂર ફેંકી દીધો. તરત જ એની આંખો સામે દેવ અને જાનકીનાં તરવરતા ચહેરા એની ખોટની યાદ અપાવી રહ્યાં. એના મનમાં રાક્ષસી વિચારોએ સ્થાન લઈ લીધું. સદા સારા વલણો ધરાવતું મન કંઈક પામવા આતુર થતું હતું. આતુરતામાં ક્યાં જઈ ચડ્યું એનો અંદાજ જ ન રહ્યો.

 

કોઈ વખત દેવ તો વળી થોડીવાર જાનકી.. એ બંને વચ્ચે ફંગોળાતા મગજે અચાનક એક નિર્ણય કર્યો. ફટાફટ મંદિરનાં પગથિયાં ઉતરી સફેદ કારનો દરવાજો ખોલતાની સાથે ડ્રાઈવરને ફરી પાછા નવજીવન હોસ્પિટલ જવા હુકમ કર્યો. કાયમી ઘરે જવાનો ક્રમ તૂટતા જોઈ ડ્રાઈવરે બે વાર એને પૂછ્યું, “હોસ્પિટલ..? હોસ્પિટલ કેમ..?” એણે આંખો પહોળી કરી ઊંચા અવાજે ઉત્તર આપ્યો, “હા...” ભાગતી કાર હોસ્પિટલ પહોંચી. પાંચ વર્ષમાં પહેલી વાર એણે એક જ દિવસમાં ફરીથી અહીં આવવાની તસ્દી લીધી. ત્રીજા માળના વરંડાને લાંબા લાંઘે પાર કરી એ બાંકડે પહોંચ્યા. જાનકીને કંઈ કહી શકે એવી હાલત ત્યાંની નહોતી. કેમ કે રામુ એની સાથે જ હતો.

રામુ મિસ્ટર દેસાઈ સાથે વાત કરે તે અગાઉ જ નર્સે એના હાથમાં એક કાગળ પકડાવી દીધો, ને ટૂંકી વાતને લંબાવતા બોલવાનું શરૂ કર્યું, “આ લો. આમાં લખેલી બધી દવાની દસ મિનિટ પછી જરૂર પડે એમ છે તેથી નીચે રહેલી મેડિકલમાંથી લઈ ઓપરેશન થિયેટર સુધી પહોંચાડો. હું ત્યાં જ રાહ જોઈશ. અને દવાની કિંમત આપવાની નથી. અરે... આ વાત તો તમને ખબર જ હશે ને!” એનું બકબક પતતા જ રામુ દવા લેવા ચાલ્યો ગયો ને મિસ્ટર દેસાઈને જોઈતું જડી ગયું.

નર્સે પીઠ બતાવી બે ડગલાં ભર્યા ત્યાં મિસ્ટર દેસાઈએ એને રોકી, “નર્સ સાહેબા., મારે એક ખાલી રૂમની જરૂર છે. ઝડપથી જણાવવાની તકલીફ કરશો, પ્લીઝ.”

નર્સનો બડબડાટ ફરી ચાલું, “હા, આમ તો બધા જ રૂમ એક-બે દર્દીઓથી ભરેલા છે. પણ...” તરત જ મિસ્ટર દેસાઈએ ચહેરા પર ગુસ્સો અને ઉતાવળના તીર ખેંચ્યા. નર્સે એનો ચહેરો ચાલુ વાતે જ વાંચી લીધો એથી વાતનું વતેસર ન કરતા સીધો જવાબ આપવાનું પસંદ કર્યું, “આખી હોસ્પિટલમાં માત્ર ‘રૂમ નંબર પાંચ’ જ ખાલી છે.” કહી એ સડસડાટ ચાલી ગઈ. મિસ્ટર દેસાઈએ જાનકીને રૂમ નંબર પાંચમાં આવવાનું કહ્યું.

ઘડીભર તો એ કંઈ સમજી નહીં. મનમાં અનેક વિચારોની ભરમાર ઉદ્ભવી, તોય સમજણનો ચિતારો ન જાગ્યો. આખરે એ દેવને તેડી મિસ્ટર દેસાઈની પાછળ રૂમ સુધી પહોંચી. મિસ્ટર દેસાઈએ અંદર જઈ જાનકીને અંદર આવવા કહ્યું. ભારે પગલે જાનકી અંદર આવી, પછી જાનકીની નજર સામે એણે દરવાજો બંધ કરી દીધો. દેવ અને જાનકી આ બધું ટગરટગર જોઈ રહ્યાં. મિસ્ટર દેસાઈએ જાનકીએ તેડેલા દેવને લઈ પલંગ પર બેસાડ્યો. ખુદના હાથમાંથી છીનવાઈ જતા રમકડાને પકડવા લંબાતા બાળકોના હાથની માફક જાનકીએ દેવ પાછળ હાથ લંબાવ્યા. પલંગ પર બેસેલા દેવના શિરે હાથ મૂકી રાખ્યો. આ જોઈ મિસ્ટર દેસાઈ એની વાત રજૂ કરતા એક ક્ષણ અચકાયા, છતાં આગળ વધ્યા.

“હું.. મોતીલાલ દેસાઈ. જીતના ઓપરેશન માટેનો બધો ખર્ચ મેં જ આપ્યો છે.” એના અવાજમાં ગર્વની સાથે અભિમાન અને વટ છલકાતા હતા. અત્યાર સુધી લાખોનું દાન કરવા છતાં એક રૂપિયાનુંય અભિમાન નહોતું થયું એણે. ને આજ અચાનક! જાનકી એક પલકારા સાથે બોલી, “હા, હું જાણું છું.”

રામુના અહીં આવી જવાના ડરથી ગોળગોળ ફરતી વાતને મોતીલાલે સીધી જ કહી દેવાનું નક્કી કરતા કહ્યું, “આ દાનનાં બદલામાં મારે કંઈક જોઈએ છે.” આટલું કહેતા તો એનો અવાજ તરડાઈ ગયો. ફાટી ગયેલ સ્વરમાં સહેજ હળવાશ ભળી. દાતાએ આજ પ્રથમવાર એક સામાન્ય નારી પાસે કૈંક માગવા હાથ લંબાવ્યા હતા.

જાનકી થોડી ભડકી, “દાનનો બદલો? અને શું જોઈએ છે તમને?”

“દેવના માથા પર રહેલો જાનકીનો હાથ હટાવી મોતીલાલે પોતાનો હાથ રાખતા કહ્યું, “હા, બદલો. અને દાનનાં બદલામાં આ દેવ જોઈએ છે મને.”

સાંભળતા વેત જાનકીનો અંતરાત્મા પોકારી ઊઠ્યો, “શું?”

ક્રમશ:
વધુ આવતા મંગળવારે...

~ દિવ્યેશ વિ. સોડવડિયા (DVS)


Rate this content
Log in