નાનો પણ રાઈનો દાણો
નાનો પણ રાઈનો દાણો
એકવાર એક સિંહનો શિકાર કરવા કેટલાક શિકારીઓ એની પાછળ પડ્યા. શિકારીઓ પાસે ધનુષ્ય અને બાણ હતાં તેથી સિંહ એમનાથી પોતાનો જીવ બચાવવા દોટ મૂકી. પણ શિકારીઓ સતત એનો પીછો કરી રહ્યા હતાં. આખરે દોડતા દોડતાં તે એક ગુફા પાસે આવ્યો. ગુફા અંધારી હતી તેથી સિંહને આ ગુફા છુપાવવા માટે યોગ્ય લાગી.
સિંહ ગુફાની અંદર છુપાયો તો ખરો પણ પછી એ વિચારીને એને ડર લાગ્યો કે “જો એનો પીછો કરતાં કરતા શિકારીઓ પણ ગુફામાં આવી ચઢશે તો ?”
તે આમ વિચારતો જ હતો કે ત્યાં એની સામે એક કરોળિયો આવીને ઉભો રહ્યો અને બોલ્યો. “મિત્ર, તું કેમ આટલો ડરેલો છે ? મને કહે કદાચ હું તારા કોઈ કામમાં આવું.”
સિંહ કરોળીયાની વાત સાંભળીને મનોમન હસ્યો અને બોલ્યો, “આ નાનકડો જીવ મારી શું રક્ષા ક્રરશે!” છતાં સિંહે મનનો ભાર હળવો કરવા એની આપવીતી કરોળિયાને કહી. કરોળિયો એ સાંભળીને બોલ્યો, “બસ આટલી શી વાત ? મિત્ર તું ચિંતા ન કરીશ મેં તારા બચાવનો ઉપાય વિચારી લીધો છે.” આમ બોલી કરોળિયો ગુફાના મોઢા પાસે ગયો અને ત્યાં એને મોટું જાળું ગુંથી દીધું. હજુ કરોળિયાએ જાળું બનાવ્યું જ હતું કે ત્યાં જ શિકારીનું ટોળું ગુફાના પાસે આવીને ઉભું રહ્યું. સિંહ એમના પદચાપ સાંભળીને ડરી ગયો. એટલામાં એક શિકારી બોલ્યો, “મને લાગે છે કે સિંહ આ ગુફામાં જ છુપાયેલો હોવો જોઇએ.”
શિકારીની વાત સાંભળી સિંહના છાતીના પાટિયા બેસી ગયા. ત્યાંજ બીજો સિપાહી બોલ્યો, “અરે.. ના... ના... ગુફાના મોઢા પાસે તને કરોળિયાનું આ જાળું દેખાતું નથી. જો સિંહ ગુફાની અંદર ગયો હોત તો આ જાળું સાજુસમું રહેત ?”
બીજા શિકારીઓને એની આ વાત ગળે ઉતરી અને તેઓ સિંહની શોધમાં આગળ વધી ગયા. ખતરો ટળી ગયો છે એ જોઈ સિંહે કરોળિયાનો ખુબ ખુબ આભાર માન્યો.
(બોધ : કોણ વ્યક્તિ કયારે કામ લાગે તે કોઈ કહી શકતું નથી. કબીરે કહ્યું છે કે જ્યાં સોયનું કામ હોય ત્યાં તલવાર ઉપયોગી થતી નથી. તેથી દરેક વ્યક્તિ સાથે સારા સબંધ રાખો, ખબર નહી કોણ ક્યારે કામ લાગે! એક ગમ્મત નોટબંધીમાં ઘણાને આનો અનુભવ થયો જ હશે નહિ!)
