મનનનું રાષ્ટ્રગીત
મનનનું રાષ્ટ્રગીત
ઉનાળાના 35 દિવસોના લાંબા વેકેશન બાદ શાંતિવન શાળાના વર્ગો ફરીથી ભૂલકાઓની કિકિયારીઓથી ગુંજી રહ્યા હતા. પણ વર્ગ 2-બ માં ભાવના ટીચરના આવતા થોડો સન્નાટો થયો. ભાવના ટીચર થોડા સખ્ત હતા એથી બધા ભૂલકાઓ શાંત થઇ ગયા. પણ મનનના મનમાં તો હજી પણ પોતાની નવી વસ્તુઓ પોતાના મિત્રોને બતાવવાની તાલાવેલી લાગી હતી.
પ્રાર્થના બાદ હવે રાષ્ટ્રગીત શરુ થવાનું હતું પણ મનનને માટે તો 5 મિનિટ શાંત રહેવું પણ કપરું હતું એને તો બસ જલ્દી બધું પતે એટલે પોતાના મિત્રને પોતાનો નવો કંપાસ બતાવવો હતો. તેથી તેને તો રાષ્ટ્રગીત દરમ્યાન જ તેની બાજુમાં ઉભેલા મિત્ર મિતને બોલાવ્યો, અને આ ભાવના ટીચરની ચબરાક આંખો જોઈ ગઈ. તેમને રાષ્ટ્રગીત પત્યા બાદ તરત જ મનનને ઠપકો આપ્યો,
" રાષ્ટ્રગીત દરમ્યાન હાલ્યા ચાલ્યા વિના સીધા ઉભા રહેવું અને વાત કરવી નહિ."
નાના મનનને માટે રાષ્ટ્રગીતનું મહત્વ આ કાચી બુદ્ધિએ સમજવું અઘરું હતું પણ ભાવના ટીચરના ગુસ્સાથી બચવા તેને હવેથી રાષ્ટ્રગીત દરમ્યાન ચૂપ રહેવાનો નિર્ણય કર્યો.
બીજે દિવસે જયારે રાષ્ટ્રગીત ચાલતું હતું ત્યારે મનનની નજર પાસે બારીની બહાર દોડાદોડી કરી રહેલી ખિસકોલી પર પડી, તેના નાના મગજમાં વિચાર આવ્યો કે આ ખિસકોલીની ચાંપલાઈ આજે ભાવના ટીચરને કરું કે એ રાષ્ટ્રગીત દરમ્યાન સીધી ઉભી નથી રહેતી.
" ટીચર, તમે કહ્યું હતું ને કે રાષ્ટ્રગીત દરમ્યાન હાલ્યા-ચાલ્યા વિના સીધા ઉભા રહેવું પણ આ ખિસકોલી એવું નથી કરતી.એ દોડાદોડી કરે છે." મનને ભાવના ટીચરના લાડકા બનતા કહ્યું .
આ સાંભળી ભાવના ટીચરને આમ તો મનનની બાળસહજ વાત પર હસું આવ્યું પણ પછી તેઓ બોલ્યા,
"બેટા, રાષ્ટ્રગીત આપણે આપણા દેશના સન્માન માટે ગાઈએ છે તેથી આપણે ઉભા રહેવાનું હોય."
"હા પણ આ ખિસકોલી પણ તો ભારતમાં જ રહે છે. તો એ કેમ આપણા દેશને સન્માન નથી આપતી?" માનનનો સવાલનો મારો હવે ચાલ્યો.
"બેટા, દેશ આપણે માણસોએ બનવ્યા છે.એટલે." ભાવના ટીચર હવે મૂંઝાયા હતા.
"તો શું ખિસકોલીઓનો કોઈ દેશ નથી એ બધે જઈ શકે."
"હા."
"તો એ કેટલી નસીબદાર, આ દેશ બનાવવાનો શું મતલબ દુનિયામાં બધે માણસો જ છે ને. બધા સાથે કેમ નથી રહેતા? બધા બધે કેમ નથી જઈ શકતા ?"
"એ તો એવું જ હોય." કહી ભાવના ટીચરે વાત તો ટૂંકાવી પણ એમના મગજમાં પણ મનનના સવાલો ઘૂમ્યા , મનનની વાત તો સાચી હતી માણસે દુનિયા પોતાની બુદ્ધિ વડે પોતાની જ સ્વત્રંતતા છીનવી હતી, નિરર્થક વેર-ઝેર પાળ્યા હતા.