મેઘધનુષ્ય
મેઘધનુષ્ય


એ ફૂલ સાત મિત્રો. આજના જમાનામાં બે સગા ભાઈઓ પણ સાથે નથી રહી શકતા અને સાત મિત્રો સતત સાથે રહે એ વાત જ અનોખી ગણાય. સાતેયને એકબીજા વગર ન ચાલે. નાનપણમાં દેવાયેલા કોલ થોડાં અનોખા હોય ! એ મિત્રોએ પણ એલાન કરી દીધું કે સાતે સાત ભેગા હોઈએ તોજ દિવાળી ઉજવવાની ! જ્યાં સુધી લગ્ન ન થાય અને બધા એક શહેરમાં રહેતાં હતા ત્યાં સુધી તો બધું જ બરાબર જ ચાલવાનું હતું. દિવાળીની ખરીદી સાથે કરે, કપડાં સરખા પહેરે, એક પછી એક બધા ઘરે મીઠાઈ બનાવે અને છેલ્લે એક એક ઘરે રંગોળી બનાવતા જાય.
જ્યાં છેલ્લું ઘર આવે ત્યાં બેસતું વર્ષ બેસી ગયું હોય ! આ જાગરણની મજા તો અનેરી હોય. વાતોના તડાકા સાથે મઠીયા અને ચોલાફળી ખવાતા હોય. તાણ કરી કરીને બધા ઘરે મમ્મી મોહનથાળ ખવરાવતી હોય. આનાથી વધારે સારું સ્વર્ગ બીજું કયું હોય ત્યારે એમ થતું ! પણ પછી આ સ્વર્ગમાં સાત અપ્સરાઓ આવી. બધા કામ-ધંધામાં પરોવાઈ ગયા. બધાં મોટા થઈ ગયા. પણ એક છોકરો તો નાનોજ રહ્યો. એ બીજા મિત્રોને પુછતો નથી પણ એના ઘરમાં હવે એ સપ્તરંગી મેઘધનુષ જેવી રંગોળી ક્યારે થાશે ?