મધુરી ચોકલેટ
મધુરી ચોકલેટ
પ્રતિભા, કરમની કઠણાઇ કહો કે નસીબની મારી. કોરોનાની મહામારી તેના માટે કાળ બનીને આવી. આ મહામારી એક હર્યાભર્યા ઘરને વેરાન કરી ગઈ.
પ્રતિભા તેના પતિ, ત્રણ વરસનો દીકરો, અને સાસુ-સસરા સાથે રહેતી હતી. પરિવારની ખુશીને જાણે કોઇની નજર લાગી. નાનકડા સ્મિતને કોરોનાએ સપાટામાં લઇ લીધો. સ્મિત નાનો હતો એટલે વિનંતી કરવાથી દવાખાનામાં પ્રતિભાને તેના દીકરા સાથે રહેવાની મંજૂરી મળી. ઘરની જવાબદારી સાસુએ ઉપાડી. એક તરફ પ્રતિભા સ્મિતની દેખરેખ કરતી, પણ તેને ઘરની ચિંતા તો ખરી જ.
એ દરમ્યાન ભગવાનની શું મનસા હતી, સસરા અને પતિને એક સાથે કોરોના ભરખી ગયો. પ્રતિભાને કશું જણાવાયું નહોતું. સાસુ પણ ભાંગી પડેલા. એવામાં એક દિવસ સ્મિતની તબિયત બગડી અને એ પણ ભગવાનને વ્હાલો થઈ ગયો. સ્મિતનો આઘાત સાસુજી જીરવી ન શક્યા ને એ પણ મોટા ગામોતરે નીકળી ગયા. દવાખાનેથી ઘરે આવેલી સ્મિતા ખાલી ઘર, પતિ અને સસરા બંનેના મોતના સમાચાર જાણી આઘાતની મારી સુનમુન થઈ ગઈ.
કોરોનાની લહેર તો નીકળી ગઈ, પરંતુ પ્રતિભાના જીવનનું નૂર લેતી ગઈ. પ્રતિભા લગભગ ડિપ્રેશનમાં સરી પડેલી. એવામાં એક સંબંધીના પ્રયત્નો કામ કરી ગયા. પ્રતિભાએ ઘરથી થોડે જ દૂર આવેલા અનાથાશ્રમમાં એકાઉન્ટ લખવાનું કામ સ્વીકાર્યું. થોડા જ દિવસોમાં પ્રતિભા ત્યાંના બાળકો સાથે પણ હળવા મળવા લાગી. એમ માનો કે હવે તેને ત્યાં ગમી ગયું. જીવન ફરી પાટે તો ચડ્યું હતું, છતાં કોઈવાર તે ભૂતકાળમાં સરી પડતી.
એક દિવસ પ્રતિભા અનાથાશ્રમ પહોંચી, તો તેણે જોયું કે દરવાજે એક અજાણી પાંચેક વરસની છોકરી ઉભી હતી. તેણે તેને નામ પૂછ્યું, પણ પેલી છોકરી હિબકાયેલી હોય, તેમ ડરીને ખૂણામાં લપાય ગઈ. વોર્ડને પણ પ્રયત્નો કર્યા પરંતુ એના વિશે કશું જાણી ન શકાયું. બે-ચાર દિવસો પસાર થઈ ગયા, પેલી છોકરી કોઈ સાથે વાત નહોતી કરતી, કશું બોલતી પણ નહોતી. વોર્ડને પોલીસ સ્ટેશનમાં પણ સૂચના આપી દીધી હતી.
નાની ઉંમર અને મોટા આઘાતોના કારણે પ્રતિભાને ઘણીવાર સુગર ઘટી જતી. એક દિવસ પ્રતિભાને લાગ્યું કે એને સુગર ઘટી રહી છે તેને જલ્દીથી પોતાના પાકિટમાંથી ચોકલેટ કાઢીને ખાઈ લીધી. થોડીવારે સારું લાગતા તેની નજર સામેની બેન્ચ પર બેઠેલી ખુશી પર પડી. તે બધું જોયા કરતી હતી. એને તરત પાકીટ ફંફોળ્યું, પણ હાથમાં કઈ આવ્યું નહીં.
બીજા દિવસે તેણે ઘરેથી નીકળતા પહેલા જ પાકીટ ચેક કરી લીધું. અનાથાશ્રમ પહોંચી તે તેના કામે લાગી ગઈ. થોડી વારે તેની નજર સામેની બેન્ચ પર પડી. ખુશી ત્યાં બેસીને તેને જ જોતી હતી. પ્રતિભાએ તેને હાથના ઈશારે પાસે આવવા કહ્યું. અચકાતી અચકાતી ખુશી થોડી પાસે આવી અટકી ગઈ. પ્રતિભાએ તેને પાકિટમાંથી એક ચોકલેટ કાઢી બતાવી. પહેલા તો ખુશી કઈ ન બોલી. બીજીવાર આગ્રહપૂર્વક કહેવાથી તે ચોકલેટ લઈ જતી રહી. બસ, લાગણીનો એક તાર જોડાવાની જ વાર હતી.
એ ક્રમ લગભગ દર બીજા દિવસે ચાલતો. થોડા દિવસોમાં પ્રતિભા અને ખુશી એકબીજા સાથે ખૂબ જ હળીમળી ગયા. ધીમે ધીમે સ્નેહના તાંતણા એવા મજબૂત થઈ ગયા કે, ઘરે ગયા પછી પ્રતિભા બેચેન થઈ જતી. ખુશીના વિચારોમાં ખોવાય જતી. એ વિધીના લેખ સમજવાનો પ્રયત્ન કરવા લાગી. સ્મિતને છીનવી લઈ હવે ભગવાને એને ખુશી આપી. એની સુની જિંદગીમાં ખુશી એના જીવનનું સુખનું સરનામું શોધતી આવી હતી. પ્રતિભા સમજી નહોતી શકતી કે ખુશીએ તેને જીવન આપ્યું કે તેણે ખુશીને ? કેટલું મનોમંથન કર્યું, આખી રાત પડખા ફેરવતી પ્રતિભાએ બીજા દિવસે વોર્ડન પાસે જઈ અચાનક જ ખુશીને દત્તક લેવાની વાત કરી. વોર્ડન પણ ખુશ થઈ ગયા. તેમની હા સાંભળી પ્રતિભા સીધી ખુશી પાસે પહોંચી ગઈ. ખુશી સામે ઘૂંટણિયે બેસી તેણે ખુશીને પૂછ્યું,
"ખુશી, બેટા, મારી દિકરી બનીશ ? તું મને મા કહીશ " ખુશી પણ કદાચ પ્રતિભાની અંદર પોતાની માજ શોધતી
હોય તેમ તેને ગળે વળગી પડી. આખરે ખુશીના જીવનમાં પણ ખુશી આવી. એક માને દીકરી અને એક દીકરીને મા મળી આનાથી રૂડું શું હોય. એક ચોકલેટની મીઠાશ કોઈની કડવી જિંદગીને આટલી બધી મધુરી કરી શકે એ હવે સમજાયું.
