Prashant Subhashchandra Salunke

Children Stories Tragedy Inspirational

4.7  

Prashant Subhashchandra Salunke

Children Stories Tragedy Inspirational

માનવીના પાપે

માનવીના પાપે

4 mins
62


કિનારેથી સાગર તરફ ધીમે ધીમે આગળ વધી રહેલા શંભુ કાચબાને તેની ભાર્યા દમયંતી કાચબીએ પૂછ્યું, “ઈંડા મુકીને આપણે સાગરના પાણીમાં ગરક તો થઈ જઈશું પણ ત્યારબાદ મેં મુકેલા ઈંડામાંથી જયારે બચ્ચા નીકળશે ત્યારે તેમનું શું? શું તેઓ સહીસલામત પોતાના ઘરે એટલે કે સાગરમાં પાછા આવી શકશે?”

શંભુએ મુસ્કુરાઈને કહ્યું, “વહાલી, તું નિશ્ચિંત બનીને મારી સાથે સાગરમાં ચાલ. કુદરતે સહુની સુરક્ષા માટે એક સુવ્યવસ્થિત ગોઠવણ કરેલી છે. જોજે આપણા ટીકુ અને મીકુ પણ પોતાના ઘેર એટલે કે સાગરમાં સહીસલામત આવી જશે.”

શંભુની પાછળ પાછળ ચાલી રહેલી દમયંતીએ કહ્યું, “ટીકુ, મીકું. તમે તો તેમના નામ પણ રાખી દીધાને!”

જવાબમાં શંભુ મુસ્કુરાયો અને બોલ્યો, “દમયંતી, તેં મુકેલા ઈંડાઓમાંથી બે ઈંડાઓ સહેજ મોટા આકારના છે. જોજે તેમાંથી નીકળેલા મારા બચ્ચા ટીકુ અને મીકું પડછંદ આકારના થશે.”

દમયંતીએ સહેજ રોકાઈને પાછા વળીને ઈંડા તરફ નજર નાખતા કહ્યું, “મારું તો તેમને આમ એકલા મુકીને આગળ જતા જરાયે જીવ ચાલતો નથી.”

શંભુ સાંત્વનાભર્યા શબ્દોમાં બોલ્યો, “ઈંડામાંથી બચ્ચા નેવું દિવસ પછી નીકળશે. તો શું તું તેમની પાસે આટલા દિવસો સુધી બેસી રહીશ? કોઈ તને ઈંડા પાસે બેસેલી જોઈ જશે તો તારા સાથેસાથે આપણા બચ્ચાઓના જીવ પણ જોખમમાં મુકાશે.”

દમયંતી, “સાંભળો છો?”

શંભુ, “શું?”

દમયંતી, “તમે આપણા ઈંડાને રેતીમાં બરાબર ઢાંકી તો દીધા છે ને?”

શંભુ, “હા, બાબા હા. વળી તેં પણ ઈંડા એવી જગ્યાએ આપ્યા છે કે જ્યાં કોઈ આવતુ જતું નથી.”

દમયંતી વટભેર બોલી, “પુરા બે દિવસ સાગરમાં બેસીને મેં નિરીક્ષણ કર્યા બાદ જ આ જગ્યા શોધી હતી.”

બંને ચુપચાપ સાગર કિનારે આગળ વધવા લાગ્યા.

કંઈક વિચારીને દમયંતી પાછી બોલી, “આપણા બચ્ચાઓને સાગર તરફ આવવાનો માર્ગ તો મળી રહેશે ને?”

શંભુ બોલ્યો, “મેં તને કહ્યુંને કે કુદરતે સહુના સુરક્ષાની એક અનોખી વ્યવસ્થા કરી રાખી છે. આપણા કાચબાઓના બચ્ચા માટે પણ ઈશ્વરે વ્યવસ્થા કરી જ છે.”

દમયંતી, “કેવી વ્યવસ્થા?”

શંભુ, “તું ઈંડામાંથી બહાર નીકળેલી ત્યારે કિનારેથી સાગરના પાણીમાં કેવી રીતે આવી હતી એ તને યાદ છે?”

દમયંતી છણકો કરતા બોલી, “હવે આટલું કોણે યાદ હોય!”

શંભુ, “સાંભળ, આપણા બચ્ચા આકાશમાં ચંદ્ર દેખાતો હોય તેવી અજવાળી રાતમાં ઈંડામાંથી બહાર નીકળશે, પછી એ ચંદ્રને જ રાહબર બનાવી તેઓ સાગરના પાણી તરફ સરકશે. આજથી પાંચ દિવસ પછી પૂર્ણિમા છે એટલે કે બરાબર ત્રણ મહિના બાદ પાછી પૂર્ણિમા આવશે. આપણા બચ્ચા પૂર્ણિમાના એ દિવસે ઈંડામાંથી બહાર આવશે અને પછી તેમનું જીવનભરનું જે આવાસ છે તે સાગર તરફ તેઓ પ્રયાણ કરશે.”

દમયંતી, “વાહ! શું કુદરતની વ્યવસ્થા છે. તમે તો મારી બધી ચિંતા જ દૂર કરી દીધી.”

બંને દંપતી ઉત્સાહથી સાગરના પાણીમાં ગરક થઈ ગયા.

આ ઘટનાના થોડાક અઠવાડિયા બાદ.

દમયંતીએ મુકેલા ઈંડામાંથી બચ્ચા બહાર નીકળ્યા. તેમાંથી મોટા ઈંડામાંથી નીકળેલા બચ્ચા ખૂબ જ ચુસ્ત અને તંદુરસ્ત હતાં. આપણે તેમને ટીકુ અને મીકું જ કહીશું. ટીકુ એ આકાશ તરફ તાકીને જોયું તો પ્રકાશથી ઝળહળતા ગોળાથી તેની આંખો દીપી ઉઠી. કુદરતના નિયમ પ્રમાણે તેને તે ગોળા તરફ પોતાના પગ ઉપાડવાના શરૂ કર્યા. મીકુએ પણ તેના ભાઈનું અનુકરણ કર્યું. તેઓ ધીમે ધીમે પ્રકાશ તરફ આગળ વધી રહ્યા હતાં. ચોમેર અંધકારે પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. તેવામાં આકાશમાં પ્રજવલિત એ ગોળો જ તેમનો રાહબર હતો. તેમનો માર્ગદર્શક હતો. એ ગોળો જ તેમને તેમના આવાસ તરફ દોરી જવાનો હતો. ખાસ્સું ચાલ્યા બાદ પણ સાગર કિનારો ન આવતા આખરે બંને બચ્ચા થાક્યા.

હાંફતા સ્વરે ટીકુ બોલ્યો, “ભાઈ, હજુ કેટલે સુધી ચાલવાનું છે?”

મીકુંએ ગોળા તરફ મીંટ માંડીને જોતા કહ્યું, “જ્યાં સુધી મંઝીલ આવતી નથી ત્યાં સુધી.”

એ બંને બચ્ચાઓએ ખૂબ જ ઉત્સાહ અને આનંદથી પોતાના પગ ઉપાડ્યા.

આખરે આમ ચાલતા ચાલતા ખાસ્સો સમય નીકળી ગયો.

સૂર્યનું પહેલું કિરણ ધરતી પર રેલાયું અને તેના પ્રકાશમાં ટીકુએ આસમાન તરફ જોયું તો તેની આંખો ફાટીને ફાટી રહી ગઈ, “ભાઈ! આપણે ખોટા માર્ગે નીકળી આવ્યા છીએ.”

મીકુંએ નવાઈ પામી પૂછ્યું, “તને કેવી રીતે ખબર પડી?”

ટીકુ બોલ્યો, “ભાઈ, એ જો. આસમાનમાં જે પ્રકાશિત ગોળાને આપણે અત્યાર સુધી ચંદ્ર સમજી રહ્યા હતાં તે ચંદ્ર નથી.”

મીકુંએ હેબતાઈને પૂછ્યું, “તો?”

ટીકુ, “તે કોઈ દીવાદાંડી પર ચમકતો ગોળો છે જેણે આપણે અત્યાર સુધી ચંદ્ર સમજી રહ્યા હતાં! સાચો ચંદ્ર એ જો આપણી પાછળની બાજુ આવેલો છે.”

મીકું એ ડોક વળાવીને જોયું. આકાશમાં દેખાઈ રહેલો ઝાંખો ચંદ્ર તેમની જીવંત રહેવાની આશાને તેજોમય કરવા પુરતો હતો. અંધકાર ધીમે ધીમે ઓસરી રહ્યો હતો. આછા આછા પ્રકાશમાં બંને ભાઈઓને તેમની પાછળ આવેલો સાગર કિનારો દ્રષ્ટિગોચર થયો. એમ તો કિનારો દૂર હતો પરંતુ બંનેના જોમ અને જુસ્સા સામે તેનું અંતર નહીવત હતું. બંને જણાએ માર્ગ બદલ્યો અને હવે સાગર કિનારા તરફ પગ ઉપાડ્યા. તેમને હાંફ ચડી હતી પરંતુ ઉત્સાહ ઓછો થયો નહોતો. ઉમંગથી તેમના પગ આગળને આગળ ધપી રહ્યા હતાં પરંતુ કાચબાના બચ્ચા કેટલું ઝડપથી ચાલી શકે! આખરે સવાર પડી. કિનારા પર સીગુલ નામના પંખીઓ મંડરાવા લાગ્યા. સાગર કિનારે આવેલા નાનામોટા જીવજંતુઓને પકડીને તેઓ તેમના પેટમાં સરકાવી રહ્યા હતાં. આ જોઈ ટીકુ મીકું ગભરાઈ ગયા. પણ કરે શું? સાગર તરફ તો ગમે તે હાલતે પહોંચવું જ હતું. લપાતા છુપાતા બંને સાગર તરફ સરકી રહ્યા. પણ. પણ. ઉફ! માનવીના પાપે આજે પ્રકાશ પણ પ્રદુષણ થઈ રહ્યું. ટીકુ મીકું પોતાના નિવાસે પહોંચે એ પહેલા જ એક સીગુલ તેમની પાસે પહોંચી ગયું. અને. અને.. બે નિર્દોષોએ પાછા પોતાના જીવ ગુમાવ્યા માનવીના પાપે.


Rate this content
Log in