કિશોરભાઈની મોટર ચાલી પમ પમ પમ
કિશોરભાઈની મોટર ચાલી પમ પમ પમ
રાજુ, કિશોર અને વિમલા આ ત્રણે પાડોશમાં રહેતા બાળકો હતાં. ત્રણે બચપનથી સાથે મોટા થયેલા એટલે તેઓની દોસ્તી ખૂબ જ ગાઢ હતી. કિશોર ઉંમરમાં મોટો હોવાથી રાજુ અને વિમલાને ખૂબ સારી રીતે સાચવી લેતો હતો. સામે રાજુ અને વિમલા પણ કિશોરને મોટાભાઈ જેવું માન સન્માન આપતા.
કિશોર આજે વીસ વર્ષનો થતા તેણે ડ્રાવીંગ લાયસન્સ કઢાવ્યું હતું. રાજુ અને વિમલાને જયારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓ આનંદથી ઉછળીને બોલ્યા, “પાર્ટી... પાર્ટી... મોટાભાઈ તમને લાયસન્સ મળ્યું એ ખુશીમાં અમને પાર્ટી જોઈએ.”
કિશોરે હસીને કહ્યું, “સારું ત્યારે ચાલો આજે આપણે કોઈક સારી હોટેલમાં જમવા જઈએ.”
આ સાંભળી વિમલાએ મોઢું ચઢાવ્યું, “હોટેલમાં તો આપણે રોજ જ જઈએ છીએ. તેના કરતા આપણે કારમાં બેસીને ક્યાંક ફરવા જઈએ તો ?”
રાજુએ હોકારો પુરાવતા કહ્યું, “હા મોટાભાઈ, આપણે ક્યાંક બહાર ફરવા જઈશું. ખૂબ મજા આવશે. હવે તો તમને લાયસન્સ પણ મળી ગયું છે એટલે કોઈ ફિકર નહીં.”
કિશોરે સહમતિમાં ડોકું હલાવ્યું, “તો બોલો તમારે ક્યાં જવું છે ?”
રાજુ બોલ્યો, “આપણે પાવાગઢ જઈએ તો ?”
વિમલાએ કહ્યું, “એ તો આપણે દર વર્ષે જઈએ છીએ. આજે કોઈક નવા સ્થળે જઈએ. જ્યાં ખળખળ વહેતી નદી હોય. મસ્ત ચારેબાજુ લીલોતરી હોય. મારે એકદિવસ કુદરતના સાનિધ્યમાં ખૂબ મજા કરવી છે.”
રાજુએ કહ્યું, “આવી જગ્યા મેં જોઈ છે.”
કિશોરે પૂછ્યું, “ક્યાં છે એ જગ્યા ? વધારે દૂર તો નથી ને ?”
રાજુએ કહ્યું, “ના... રે... અહીંથી ૩૦ કિમિ.ના અંતરે એ સ્થળ આવેલું છે.”
કિશોરે કહ્યું, “ઠીક છે ત્યારે આપણે ત્યાંજ જઈશું.”
આ સાંભળી બાળકો આનંદથી ચિચિયારીઓ પાડી ઊઠ્યા.
બીજા દિવસે સવારે રાજુ અને વિમલાના માતાપિતા સુટકેસ ભરીને સામાન લઈને આવ્યા. આ જોઈ કિશોર અચરજ પામી ગયો, “અરે ! આટલો બધો સામાન ?”
રાજુની મમ્મી શાંતાબેન બોલ્યા, “બેટા, બાળકો માટે આમાં નાસ્તો મૂક્યો છે. રસ્તામાં ભૂખ લાગશે એટલે ખાશે.”
વિમલા બોલી, “વળી આપણે નદી કિનારે જઈએ છીએ એટલે અમારા કપડાં પલળી જતા અમને બદલવા માટે બીજા કપડાં પણ જોઈશે જ ને ?”
રાજુ, “ટુવાલ, સાબુ, સ્વિમિંગ કોસ્ચ્યુમ...”
કિશોરે, “ઠીક છે બાબા. સમજી ગયો.” એમ કહી બધો સામાન કાર લગેજ કેરિઅર પર ગોઠવ્યો.
રાજુ અને વિમલા કારની પાછળની સીટ પર ગોઠવાઈ ગયા. આ જોઈ વિમલાનો પાલતું કૂતરો મોતી પણ કારમાં જઈ બેઠો. આ જોઈ વિમલાના મમ્મી ભાવનાબેન તાડૂક્યા, “અરે ! આ મોતીને ક્યાં અંદર બેસાડ્યો. નીચે ઉતાર એને.”
કિશોરે શાંતિથી કહ્યું, “ભાવનાબેન, છોને મોતી અમારા સાથે આવતો. એમ પણ ત્રણનો આંકડો અપશુકનિયાળ ગણાય છે.”
ભાવનાબેને કહ્યું, “બેટા, જેવી તારી મરજી.’
વિમલા વહાલથી મોતીને ભેટી પડી. મોતી પણ ગેલમાં આવી ગયો.
શાંતાબેને કહ્યું, “કિશોરબેટા, અમારા બાળકોનું ધ્યાન રાખજે. તેઓ ખૂબ અવળચંડા છે.”
“તમે કોઈ ચિંતા કરશો નહીં.” આમ કહેતા કિશોરે કાર હંકારી મૂકી.
રાજુ અને વિમલા આનંદથી ગાવા લાગ્યા, “કિશોરભાઈની મોટર ચાલી. પમ પમ પમ.”
તેમને સાથે આપવા કિશોર ગીતના તાલે હોર્ન વગાડતો હતો અને મોતી “ભોં, ભોં.” કરતો હતો.
આમ આનંદ કિલ્લોલ કરતા તેઓની કાર નિશ્ચિત સ્થળે આવી પહોંચી.
કારમાંથી ઉતરતા પહેલા કિશોરે બાળકોને સુચના આપતા કહ્યું, “રાજુ, વિમલા, નદીના પાણીને જાણ્યા સમજ્યા વગર તેમાં ભૂસકો મારતા નહીં.”
પરંતુ કોઈની વાત સાંભળે તો એ બાળકો શેના ?
કારમાંથી નીચે ઊતરતા જ રાજુ અને વિમલા નદી તરફ દોડી ગયા. તેમની પાછળ મોતી પણ “ભોં... ભોં...” કરતો ભાગ્યો. પળવારમાં ત્યાંની નિરવ શાંતતા બાળકોના કલબલાટથી લુપ્ત થઈ ગઈ. રાજુ અને વિમલાએ સાથે લાવેલી સુટકેસમાંથી સ્વિમિંગ કોસ્ચ્યુમ બહાર કાઢી પહેરી લીધા.
કિશોરે ચિંતિત સ્વરે કહ્યું, “બાળકો, નદીના ઊંડા પાણીમાં ન જશો.”
રાજુએ બેફિકરાઈથી કહ્યું, “મોટાભાઈ તમે ચિંતા કરશો નહીં. તમને તો ખબર જ છે કે અમે રોજ સવારે સ્વિમિંગપુલમાં નિયમિતપણે તરવા જઈએ છીએ. અને આ વિમલા તો સ્વિમિંગમાં ચેમ્પિયન છે. ચેમ્પિયન.”
“રાજુ, સ્વિમિંગપુલના સ્થિર પાણીમાં તરવું એક વાત છે અને નદીના વહેણમાં તરવું બીજી વાત છે. જો નદીના પ્રવાહને સમજવામાં થાપ ખાધો કે જાનને જોખમ થયું.”
રાજુએ કિશોરની વાત સાંભળ્યા વગર નદીમાં કૂદકો લગાવ્યો. તેની પાછળ પાછળ વિમલાએ પણ છલાંગ લગાવી દીધી. કિશોર ત્યાંજ બેઠો બેઠો તે બંનેના તરતા જોઈ રહ્યો. મોતીને પણ મજા પડી ગઈ. તે ત્યાંજ ભસતો ભસતો કૂદાકૂદ કરવા લાગ્યો.
“મોટાભાઈ, તમે પણ અમારી સાથે તરવા આવો ને ?”
“રાજુ, મને ખબર છે કે જો હું પાણીમાં ઉતરીશ તો તમે કિનારો છોડી ઊંડા પાણીમાં જશો. તેથી હું અહીં જ ઠીક છું.”
“એ તો તમે નહીં આવો તો પણ અમે જઈશું.” આમ કહી વિમલા નદીના મધ્યમાં સરકવા લાગી. રાજુ પણ તેની પાછળ જવા માંડ્યો. આ જોઈ કિશોર ગભરાયો. તેણે તરત પોતાના કપડાં ઉતારી એક તરફ ફેંક્યા અને પાણીમાં છલાંગ લગાવી દીધી. થોડેક દૂર ગયા બાદ રાજુએ પાછા વળીને જોયું તો કિનારે કોઈ દેખાયું નહીં. કિશોર ક્યાં ગયો એ જોવા તે પાણીમાં સ્થિર થયો પરંતુ તેનો પગ નીચે જમીનને સ્પર્શ્યો નહીં. તરતા તરતા તેઓ ખૂબ ઊંડે સુધી આવી ગયા હતાં. હવે રાજુ પાણીમાં ગોથા ખાવા લાગ્યો. આ જોઈ વિમલા તેની તરફ જવા લાગી પરંતુ પાણીનું વહેણ તેને ખેંચીને દૂર લઈ જઈ રહ્યું હતું. હવે બંને બાળકો ગભરાયા અને “બચાઓ... બચાઓ...ની બૂમો પાડવા લાગ્યા.” રાજુ પાણીમાં ગરક થવા જતો જ હતો ત્યાં કિશોરે આવીને તેનો હાથ પકડ્યો. હવે રાજુને ખેંચીને તે ધીમે ધીમે કિનારા તરફ આવવા લાગ્યો. વિમલા પણ તેની પાછળ પાછળ તરવા લાગી. કિનારે આવી કિશોરે રાજુનો ઉઘડો લીધો. “મેં કહ્યું હતું ને કે આમ અજાણ્યા પાણીમાં કૂદવું નહીં.” અને વિમલા તરફ જોઈ કહ્યું, “અને તું ચેમ્પિયન, નદીનો પ્રવાહ કેવો ખતરનાક હોય છે તે જોયું ને ?”
બંને બાળકોએ કાન પકડીને કહ્યું, “મોટાભાઈ અમને માફ કરો આજ પછી અમે આવું નહીં કરીએ. અમે અહીં કિનારા પાસે જ ઊભા રહી છબછબિયાં કરીશું.”
કિશોરે રાહતનો શ્વાસ લીધો. એક મોટો અણબનાવ થતો આજે રહી ગયો હતો.
રાજુએ કહ્યું, “એક વાત કહું મોટાભાઈ ?”
“શું ?”
“તમે સાથે હોય તો અમને શો ડર ?”
“ઊભો રહે બદમાશ.” કિશોર આમ કહી રાજુની પાછળ ભાગ્યો. બંને બાળકો ખીલખીલાટ હસતા સામે આવેલી ઝાડીઓમાં દોડી ગયા. મોતી પણ તેમની પાછળ પાછળ દોડ્યો.
કિશોરે તાકીદ આપી. “સંભાળીને”
બંને બાળકો ઝાડીઓમાં ફરવા લાગ્યા.
ખાસીવાર ઝાડીઓમાં ફર્યા બાદ રાજુએ પૂછ્યું, “વિમલા, મોતી ક્યાં છે ?”
વિમલાએ ચોમેર નજર ફેરવી પરંતુ તેને મોતી દેખાયો નહીં.
હવે વિમલા ગભરાઈને બુમો પાડવા લાગી. “મોતી... મોતી ....”
કિનારે બેઠેલા કિશોરે મોટેથી પૂછ્યું, “શું થયું ?”
વિમલા રોતા રોતા બોલી, “મોતી ક્યાંય દેખાતો નથી.”
કિશોરે કહ્યું, “અહીંયાજ ક્યાંક હશે. મળી જશે.”
હવે ત્રણે જણા મોતીને શોધવા લાગ્યા. અચાનક રાજુએ એક ઝાડીમાંથી ઘૂરકાટ આવતો સાંભળ્યો.
“વિમલા, આ આપણા મોતીનો જ અવાજ છે ને ?”
બધા ઝાડી તરફ દોડી ગયા. પરંતુ ત્યાનું દ્રશ્ય જોઈ તેમના પગ નીચેની ધરતી સરકી ગઈ. મોતી એક કાળા સર્પ પર પગ મૂકીને ઊભો હતો. ત્રણેને આવેલા જોઈ મોતી જોર જોરથી ભસવા માંડ્યો. કિશોરે જોયું તો એ સર્પ મોતીની ચુંગાલમાંથી છૂટવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
વિમલા ચિંતિત સ્વરે બોલી, “મોતી, સાપ પરથી તારો પગ હટાવી લે.”
પરંતુ મોતી ટસનો મસ ન થયો.
કિશોર બોલ્યો, “વિમલા, મોતી જો પોતાનો પગ હટાવશે તો સાપ તેને કરડશે.”
વિમલા, “તો હવે આપણે શું કરીશું ?”
કિશોરે કહ્યું, “રાજુ, તું વિમલા સાથે અહીંજ ઊભો રહે હું હમણાં આવું છું.”
આમ કહી કિશોર ઝાડીઓમાં દોડી ગયો.
બંને છોકરા ત્યાંજ ઊભા મોતીને જોઈ રહ્યા.
રાજુ બોલ્યો, “વિમલા, આપણે અહીંથી થોડેક જ દૂર ઝાડીઓમાં ફરી રહ્યા હતાંં. આ સાપ આપણી તરફ જ આવી રહ્યો હતો. આજે જો મોતી ન હોત તો.”
આગળની કલ્પના માત્રથી વિમલાના પગ નીચેની ધરતી સરકી ગઈ.
એટલામાં કિશોર હાથમાં એક લાકડી લઈને ત્યાં આવ્યો. કિશોરે ઝડપથી સાપની ફેણને લાકડી વડે દબાવતા કહ્યું, “મોતી, ભાગ. બાળકો તમે પણ ઝડપથી અહીંથી દૂર ખસી જાઓ.”
મોતી પગ હટાવી ભાગ્યો તેની પાછળ પાછળ વિમલા અને રાજુ પણ દોડી ગયા. કિશોરે લાકડી વડે સાપને દૂર ઝાડીઓમાં ઉછાળીને ફેંકી દીધો.
જયારે કિશોર નજીક આવ્યો ત્યારે રાજુએ કહ્યું, “મોટાભાઈ, મને એમ કે તમે સાપને મારી નાંખશો.”
કિશોરે હસીને કહ્યું, “અરે હોય કઈ. એ બિચારા નિર્દોષ જીવે આપણું શું બગાડ્યું હતું. ઉલટાના આપણે તેના પરિસરમાં આવી તેને હેરાન કર્યો હતો. તમને ખબર છે ? તમે ઝાડીઓમાં જે જગ્યાએ ફરતા હતાં ત્યાં આ સાપણે ઈંડા મૂક્યાં હતાં. હું લાકડી શોધવા ગયો હતો ત્યારે મેં તે જોયા હતાં. બિચારી પોતાના ઈંડાની રક્ષા કાજે ત્યાં દોડી આવેલી. જોકે આજે મોતીએ સમયસૂચકતા દાખવી ન હોત તો તમારા બંનેના જીવને જોખમ હોત. હવેથી આપણે ક્યાંય પણ જઈશું તો મોતીને સાથે જ લઈ જઈશું કારણ મોતી સાથે હોય તો કોઈ વાતનો ડર નહીં.” અચાનક બોલતા બોલતા એક લીસા પથ્થર પરથી કિશોરનો પગ લપસ્યો. રાજુ અને વિમલાએ દોડીને કિશોરને ટેકો આપ્યો. જો તેમણે ટેકો આપ્યો ન હોત તો કિશોરનું માથું પથ્થર પર અફળાયું હોત.”
કિશોરે હાશકારો લેતા કહ્યું, “હકીકત તો એ છે કે આપણે બધા સાથે હોઈશું તો આપણને કોઈ વાતનો ડર નથી.”
બાળકો બોલ્યા, “સાચી વાત છે. એકતામાં જ શક્તિ છે.”
મોતી પણ તેમને સાથ આપતો “ભોં... ભોં...” કરવા માંડ્યો.
આ જોઈ સહુ હસી પડ્યા. ત્યારબાદ તેમણે સાથે લાવેલા નાસ્તાની મિજબાની કરી. વિમલાએ સાથે લાવેલ પેડીગ્રી મોતીને ખાવા આપી. આમ આખો દિવસ આનંદમાં પસાર કરી તેઓ ઘરે આવવા નીકળ્યા. આજનો આખો દિવસ તેઓ માટે રોમાંચક રહ્યો હતો. રસ્તામાં ત્રણે જણા આનંદથી ગાઈ રહ્યા, “કિશોરભાઈની મોટર ચાલી. પમ પમ પમ”
