ખાટ્ટી મીઠ્ઠી
ખાટ્ટી મીઠ્ઠી


લગભગ મહીનો થયો ઘરમાંથી બહાર પગ નથી મૂકયો. જરુરિયાતની વસ્તુ લાવવા પણ બીજા પર આધાર રાખવો પડે છે. વયમાં સિનિયર હોવાથી આ સંક્રમણ સમયની સજા! ખેર,આમ તો બધું ઠીકઠાક પણ ક્યારેક હંમેશની ટેવ મુજબ દોડી ને ખૂટતી વસ્તુ લઇ આવું એવું મન થાય. આજે ઘણાં દિવસે શાકની લારી ઘર પાસે આવી અને એમાં નજર પડતાં દીલ બાગબાગ!!..હા..મારા મનમાં જેની યાદ બાગબગીચા સાથે જોડાયેલી છે એવી આ સિઝનમાં મીસ થતી કાચી કેરી જો એમાં હતી!! ઓહ..એક કેરી સાથે આટલી ખુશી? આ અનુભવે તો વર્ષો વીતી ગયાં....
મારા મનચક્ષુ સામે કાંદિવલીનો એ વિસ્તાર જ્યાં મારું બાળપણ વિતેલું એ હૂબહૂ તાદ્રશ્ય થઈ ગયો..બહુમાળી ઇમારતો, ભરચક રસ્તા, વાહનોનો ઘોંઘાટ બધું ગાયબ!!!
ચારે બાજુ ખુલ્લા મેદાન, ઠેર ઠેર બોર,આમલી, ચંપા, કરેણનાં વૃક્ષ...થોડે દૂર વહેતી નદી (આજે ત્યાં ગંદા પાણીનું નાળું છે)...એમાં પગ બોળી કિનારે ઉભેલ કરમદાં...આમલી ની ઉજાણી ..ઘરથી સ્કૂલના રસ્તા પર આંબાવાડીઓની હાર..કેરીની સીઝનમાં સ્કૂલેથી ઘરનો વીસ મિનિટ નો રસ્તો કાપતાં અમને કલાક થતો,જ્યાં કેરી પડેલી દેખાય ત્યાં તારની વાડ ટપી કેરીઓ સ્કૂલબેગમાં ભરતા જવાની. પણ એ તો બધી 'મા' ને આપવાની તાજા અથાણાની કેરીઓ...જેના પર ફક્ત ને ફક્ત અમારો હક્ક રહેતો એ કેરીઓ તો પારસીનાં બાગની..એ વિશાળ બાગમાં કોઈ ચોકીદાર પણ ન રહેતો. સ્કૂલેથી આવી જમી વાર્ષિક પરીક્ષાની તૈયારી કરવા અમે ચાર પાંચ દોસ્ત પહોંચી જતાં એ બાગમાં..બધાંનું એક એક ઝાડ નક્કી જ હોય..એના પર ચડી ગોઠવાઇએ. સાથે હોય ભણવાની બે ચાર ચોપડીઓ ને ખીસામાં મીઠા મરચાં ની પડીકી! પછી આંખ ચોપડીમાં ને કાન નીચે પડતી કેરીના 'ટપ્પ' અવાજ પર..-'ટપ્પ '
સંભળાતા ઠેકડો મારી દોડતા- કેરી શોધવા...અને પછી ખિસ્સામાંથી મીઠા મરચાંની પડીકી નીકળતી ને જ્યાફત જામતી..ત્યારે કેરી જોઇ જે નિર્દોષ આનંદ થતો કંઈક એવો જ અહેસાસ લોકડાઉનમાં ઘર આંગણે મળેલી કાચી-ખાટી કેરી એ કરાવ્યો...બચપનનો એ સમય..એ સાથીઓ..એ સ્વજનોની ફરી એકવાર મુલાકાત કરાવી આ ખાટ્ટી કેરીએ.અને લો, મારો આજનો દિવસ મીઠ્ઠો થઈ ગયો...!