Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

4.7  

Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

ખાસ ફ્રેન્ડ

ખાસ ફ્રેન્ડ

4 mins
413


લાલો તેના ઘરના બગીચામાં દડા સાથે રમી રહ્યો હતો. કોરોનાને લીધે સ્કૂલો બંધ હતી અને અડોશપડોશમાં લાલાની ઉંમરનું કોઈ બાળક નહોતું. આમ લાલા જોડે કોઈ રમવાવાળું ન હોવાથી તે આમ જ એકલો એકલો રમી દિવસ પસાર કરતો. રમતા રમતા લાલોનો દડો ઊછળીને પાસે આવેલા ઝાડ પાસે ગયો. જયારે લાલો દડો લેવા નજદીક ગયો ત્યારે તેને ત્યાં આવેલ ઝાડીઓમાં સળવળાટ સંભળાયો. આ જોઈ લાલો સહેજ ગભરાયો પરંતુ બીજી જ ક્ષણે તેણે હિંમત ભેગી કરી ઝાડીને ખસેડી જોઈ. ઝાડી ખસેડતા જ તે આભો થઈ ગયો. કારણ ત્યાં ઝાડીઓમાં ખિસકોલીનું બચ્ચું ગોળ કુંડાળું વાળીને લપાયું હતું. લાલાએ આસપાસ નજર ફેરવી તો તેને ઝાડ પર ખિસકોલીનો માળો દેખાયો. ‘જરૂર એ બચ્ચું માળામાંથી પડ્યું હશે.” આમ વિચારી લાલાએ બચ્ચાને ઊઠાવ્યું. માળાની આસપાસ એક ખિસકોલી દોડાદોડી કરી રહી હતી. કદાચ તે આ બચ્ચાની માં હતી. લાલો તેના બચ્ચાને મારી નાખશે એ બીકે તે આમ ઉહાપોહ મચાવી રહી હતી. લાલો આ જોઈ હસ્યો અને એ ખિસકોલીને જોઈ બોલ્યો, “વહાલી, ચિંતા ન કરીશ. હું તારા બચ્ચાને તારી પાસે સહીસલામત પહોંચાડીશ.”

ખિસકોલી જાણે લાલાની ભાષા સમજી ગઈ હોય તેમ શાંત થઈ ગઈ. આમ પણ પ્રેમની ભાષા કોણ ન સમજે ? હવે તે ખિસકોલી માળામાં બેસી લાલાની હરકતને ટગર ટગર નિહાળવા લાગી. લાલાએ ખિસકોલીને સાચવીને ખિસ્સામાં મૂકી અને ધીમેધીમે ઝાડ પર ચઢવા લાગ્યો.

અચાનક રસોડામાંથી રમીલાબેનની નજર જતા તે તાડૂકી ઉઠ્યા, “એય લાલા, શું કરે છે ?”

રમીલાબેનની બુમ સાંભળી લાલો ગભરાયો અને બોલ્યો, “મમ્મી, હું ઝાડ પર ચઢી રહ્યો છું.” ખિસકોલીની વાત સાંભળી મમ્મી હજુ ભડકશે એમ વિચારી લાલાએ તેનો ઉલ્લેખ કર્યો નહીં.

આ સાંભળી રમીલાબેન વધુ રોષથી બોલ્યા, “હું કહું છું ઝાડ પર ચઢીશ નહીં.”

લાલાએ મમ્મીની વાત તરફ ધ્યાન આપ્યા વગર ઝાડ પર ચઢવા લાગ્યો. આ જોઈ રમીલાબેન ભડક્યા. તેઓ પોતાનું કામ પડતું મૂકી રસોડામાંથી બહાર આવ્યા. લાલો માળા સુધી પહોંચી ગયો હતો. તેણે સાચવીને ખિસ્સામાંથી ખિસકોલીનું બચ્ચું કાઢ્યું અને માળામાં મુક્યું. આ જોઈ ખિસકોલીની માતા ખુશીથી ઉછળકૂદ કરવા લાગી.

લાલો ઝાડ પરથી નીચે ઊતરતા જ રમીલાબેને તેનો કાન આમળતા કહ્યું, “મારી વાત કેમ સાંભળી નહીં ? ઝાડ પરથી નીચે પડ્યો હોત તો ? સાંજે તારા પિતાજીને ઘરે આવવા દે. હું તેમને તારી ફરિયાદ કરીશ. દિવસેને દિવસે તું બગડતો જ જાય છે.”

લાલાએ માળા તરફ આંગળી ચિંધતા કહ્યું, “મમ્મી, પેલું ખિસકોલીનું બચ્ચું ઝાડ પરથી નીચે પડી ગયું હતું. હું તેને સહીસલામત માળામાં પહોંચાડવા માટે જ ઝાડ પર ચડ્યો હતો.” થોડુક અટકાઈ તે આગળ બોલ્યો, “મમ્મી, તું જ કાયમ કહે છે ને કે આપણે જીવદયા રાખવી જોઈએ. ત્યાં જો એ બચ્ચાની માતા કેટલી ખુશ છે.”

લાલાની વાત સાંભળી રમીલાબેને તેને ગળે લગાડતા કહ્યું, “બેટા, ખરેખર આજે તેં ખૂબ ઉમદા કાર્ય કર્યું છે.”

માળામાં ખિસકોલીની માતા તેના બચ્ચાને અને નીચે રમીલાબેન તેના લાલાને વહાલથી પંપાળી રહી.

સાંજે લાલાના પપ્પા હરીશભાઈ ઘરે આવતા રમીલાબેને માંડીને વાત કહી. લાલાનું પરાક્રમ સાંભળી હરીશભાઈ પણ ખૂબ ખુશ થયા. તેમણે લાલાની પીઠ થપથપાવી કહ્યું, “બેટા, જીવનમાં આવી જ ઉમદા સેવા કરતો રહે. ખૂબ આગળ વધ. પ્રગતિ કર. બીજાને કરેલી આવી નાનીમોટી મદદ જ આપણને મુશ્કેલ ઘડીમાં કામ આવતી હોય છે.”

આ ઘટનાને દિવસો વીતી ગયા.

એક રાતે અચાનક લાલાની તબિયત બગડી. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. હરીશભાઈ અને રમીલાબેન તેની હાલત જોઈ ખૂબ ગભરાયા.

“સાંભળો છો ? આપણે તાત્કાલિક લાલાને અસ્પતાલમાં લઈ જવો પડશે.” રમીલાબેન રડતા રડતા બોલ્યા.

હરીશભાઈએ ટેબલ પર પડેલી કારની ચાવી ઊઠાવી પેન્ટના ખિસ્સામાં મૂકી. અને લાલાને ઉઠાવતા કહ્યું, “રમીલા, ઝડપ કર આપણને ક્ષણનો વિલંબ પણ પોસાય એમ નથી.”

લાલાના કપાળે હાથ ફેરવતા ફેરવતા રમીલાબેન બોલ્યા, “બેટા, સઘળું ઠીક થઈ જશે. તું જરાયે ચિંતા કરીશ નહીં. આપણે હમણાં હોસ્પિટલ જઈએ છીએ ત્યાં ડોક્ટર અંકલ તને દવા આપશે એટલે તું ઠીક થઈ જઈશ.”

આમ લાલને સાંત્વના આપતા આપતા તેઓ કાર પાસે પહોંચ્યા.

કાર પાસે પહોંચતા જ હરીશભાઈ ચોંકીને તેમના ગજવા ફંફોસવા માંડ્યા.

“શું થયું ?” રમીલાબેને પૂછ્યું

“મારા કારની ચાવી.”

“તમે નીકળતા પહેલા તે લીધી હતી ?”

“હા. મને બરાબર યાદ છે કે મેં તે મારા પેન્ટના ખિસ્સામાં જ મૂકી હતી.”

“અહીં જ ક્યાંક પડી હશે. ધ્યાનથી શોધો. હે ભગવાન આજે તું અમારી કેવી પરીક્ષા લઈ રહ્યો છું ?”

રમીલાબેન અને હરીશભાઈ બાવરા બની કારની ચાવી શોધવા લાગ્યા. અચાનક હરીશભાઈને ખટ ખટનો અવાજ સંભળાયો. તેમણે ચમકીને અવાજની દિશા તરફ જોયું તો સામે આવેલી જાળી પર એક ખિસકોલી બેઠી હતી. હરીશભાઈએ ધ્યાનથી જોયું તો તેના મોઢામાં કારની ચાવી હતી ! તેઓ ખુશીથી ઉછળી પડ્યા, “રમીલા, આ ખિસકોલીએ આપણી ચાવી શોધી કાઢી છે. એ જો કેવા ઈશારા કરીને આપણને તે ચાવી દેખાડી રહી છે.”

આ જોઈ રમીલાબેનની આંખમાંથી અશ્રુ વહી આવ્યા.

હરીશભાઈ ખિસકોલી પાસે પોતાનો હાથ લઈ જતા ખિસકોલીએ ચાવી તેમના હાથમાં મૂકી.

ચાવી મળી જતા હરીશભાઈએ ઉતાવળથી કારનો દરવાજો ખોલ્યો.

રમીલાબેન લાલાને લઈને તેમાં બેસતાજ હરીશભાઈએ કારને હંકારી મૂકી.

થોડા જ સમયબાદ તેઓ દવાખાનામાં હતા. ડોકટરે લાલાને ઈન્જેક્શન આપતા તેની તબિયત સુધારા પર આવી ગઈ.

પાછા ફરતી વખતે રમીલાબેન ચુપચાપ બેઠા હતા.

“શું થયું રમીલા ?”

“તે દિવસે તમે એકદમ સાચું બોલ્યા હતા.”

“શું ?”

“બીજાને કરેલી નાનીમોટી મદદ જ આપણને મુશ્કેલ ઘડીમાં કામ આવતી હોય છે. હવે જુઓને તે દિવસે આપણા લાલાએ ખિસકોલીના બચ્ચાને બચાવ્યું હતું તેના બદલામાં આજે તેણે મારા લાલાને બચાવ્યો.”

બીજા દિવસે સવારે હરીશભાઈએ ઝાડ પર સરસ મજાનું લાકડાનું ઘર બનાવી મૂક્યું. ઉપરાંત ખિસકોલીના ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરી આપી. ખિસકોલી તેનું નવું ઘર જોઈને ગેલમાં આવીને કુદાકુદ કરવા લાગી. લાલો આ જોઈ ખૂબ હરખાયો.

રમીલાબેન બોલ્યા, “બેટા, આજ પછી આ ખિસકોલી આપણા પરિવારની સદસ્ય છે. હવે તું એકલો નથી તારી સાથે રમવા માટે આ ખિસકોલી છે.”

જાણે રમીલાબેનની વાત સમજી ગઈ હોય તેમ ખિસકોલી કૂદીને લાલાના ખભા પર આવીને બેઠી. લાલો આ જોઈ આનંદથી બોલ્યો, “મમ્મી, આજ પછી અમે બંને છીએ ખાસ ફ્રેન્ડ.”


Rate this content
Log in