જંગલ
જંગલ
એક જંગલમાં બધા પશુ- પ્રાણીઓ સંપીને રહેતા હતા. પંખીઓ વૃક્ષો પર માળામાં પોતાનાં બચ્ચાંઓ જોડે રમે અને ચાંચમાં ચણ આપી ખવડાવે.
આ જંગલમાં એક મીઠા પાણીનું સરોવર આવેલું હતું. બધા પશુ-પ્રાણી અને પંખીઓ અહીં પાણી પીવા સવાર - સાંજ આવે. આ સરોવરનાં કાંઠે એક વૃક્ષ પણ હતુ્ં. આ વૃક્ષ ખુબ જ હર્યુભર્યું હોવાથી ડાળીઓ પર ખિસકોલીઓ દોડાદોડ કરે. વૃક્ષની નીચે નાગદાદા અને કીડીઓના રાફડાં પણ હતાં. જંગલના અન્ય પશુ-પ્રાણીઓ પાણી પીવા આવે ત્યારે ખીસકોલીઓની રમત અવશ્ય જુએ. વાંદરાભાઈ એક ડાળીએથી બીજી ડાળીએ જાય એ રમત જોવાની નાનાં-નાનાં બધા બચ્ચાંઓને ખુબ જ મઝા પડે. એકવાર વાંદરાભાઈ ડાળી છોડીને સીધાં હાથીભાઈ પીઠ પર કુદકો મારીને બેસી ગયા, ત્યાં તો હાથીભાઈએ સૂંઢમાં ભરેલાં પાણીથી વાંદરાને નવડાવી દીધો. બધા પશુ- પ્રાણીઓ ખડખડાટ હસી પડે છે. બધા અવાજ- ગર્જના, ચીચીયારી, અને કીકીયારીથી જંગલ ગુંજી ઉઠ્યું.
આ જંગલમાં માણસો અચાનક ક્યાંકથી આવી ચડ્યા. બધા માણસો કરવતથી આડેધડ વૃક્ષો કાપવા લાગ્યા. એક ઉપરી અધિકારી ઊભો ઊભો જુએ છે, સૂચનો કરે છે. એ ઉપરી અધિકારી મનમાં વિચારે છે કે સાગ, સીસમ વગેરેનાં લાકડાં અધધધ....કમાણી કરાવશે.
બધા પશુ-પ્રાણીઓ તથા પંખીઓ સમજી જાય છે કે અમારું ઘર એવું આ જંગલ હવે ઉજ્જડ થતાં વાર નહીં લાગે.
વૃક્ષો પર બેસતાં દીપડાઓ તથા વાંદરાઓ ટપોટપ નીચે પડવા લાગ્યા. અધિકારીએ ગોળીબાર કરી બધાને ડરાવી દીધાં. પંખીઓ આડેધડ ઉડવા લાગ્યા. પ્રાણીઓ નાસ-ભાગ કરવા લાગ્યા.
વૃક્ષો વાવી શકતા નથી, તો કાપવાનો અધિકાર કોણે આપ્યો ? જંગલ ઉજ્જડ બનશે તો શહેરનાં થાંભલા પર દીપડા બેસવાના જ છે. ઘરે-ઘરે કીડીઓ, સાપ વીંછી કાનખજુરા આવવા લાગે તો નવાઈ ન પામતા હો. હાથીઓને ખોરાક આપવાની ત્રેવડ માણસમાં છે ? પંખીઓને બેઘર કરીને તમારું ઘર સુરક્ષિત રહી શકે ? - આવી એકધારી ભવિષ્ય વાણી થતાં અધિકારી વિચારમાં પડી ગયો.
ઘણાં પશુ પ્રાણીઓને ઈજા થઈ. પંખીઓ દીપડાં તથા વાંદરાઓને પણ ઈજા પહોંચી હતી.
અધિકારીને મન જંગલને થતું નુકશાન પોતાની સમૃદ્ધિ હોવાથી અબોલ પશુ-પ્રાણીઓ તથા પંખીઓના મનને પહોંચેલી ઈજા સ્પર્શી ન શકી.જંગલ એકવાર ફરીથી ગર્જના, ચિચિયારીઓ અને કીકીયારીઓથી ગુંજી ઉઠ્યું, આ વખતે હર્ષની બદલે આક્રંદથી.
