Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

4.7  

Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

જીતનો ઉત્સવ

જીતનો ઉત્સવ

4 mins
366


  રાજુ અને તેના મિત્રો ઉદાસ વદને બેઠા હતા. મૌનને તોડતા રાજુએ કહ્યું, “દોસ્તો, આ પણ શું જિંદગી છે ? બસ આખો દિવસ ઘરમાં રહેવાનું. ન સ્કૂલ છે કે ન પિકનિક. મમ્મી પપ્પા પણ આપણને કશે બહાર ફરાવવા લઈ જતા નથી.”

વીજુ બોલ્યો, “હા, મારા પિતાજી કહે છે કે ઘરની બહાર પગ મૂકશો તો કોરોનાના વાયરસ તમને સંક્રમિત કરશે.”

મીના બોલી, “આ વખતે તો કોઈ તહેવાર પણ ઉજાવાયો નહીં. ન દિવાળીમાં કોઈ ધમાકો થયો. ન ઉતરાયણમાં કોઈ પતંગ ઊડી. હોળી ગઈ બેરંગ અને ગણેશજીનું પણ થયું ફિક્કું વિસર્જન.”

રાજુ બોલ્યો, “આપણે જાણે ઘરમાં નહીં પરંતુ જેલમાં રહેતા હોઈએ તેવો અનુભવ થઈ રહ્યો છે.”

ત્રણે મિત્રો ફરી ઉદાસ થઈ એકબીજાને તાકવા લાગ્યા. તેઓની વાતો સાંભળી ત્યાંથી પસાર થઈ રહેલા મનોજભાઈના પગ અટક્યા. બાળકોની ઉદાસી તેમનાથી જોવાઈ નહીં. તેઓ બાળકો પાસે આવીને બોલ્યા, “બાળકો, મારી સાથે આવો છો ?”

“મમ્મીપપ્પા, અમને આવા નહીં દે.” રાજુ ઉદાસીનતાથી બોલ્યો.

આ સાંભળી મનોજભાઈ હસ્યા, “બાળકો, મેં તમારા માતાપિતા સાથે વાત કરી લીધી છે. તેઓને મેં કહ્યું છે કે હું બાળકોને માસ્ક પહેરવા આપીશ અને જરૂરી સોશ્યલ ડિસ્ટન્સનું પાલન પણ કરીશ. આ સાંભળી તેઓએ મને તમને બહાર લઈ જવાની મંજૂરી આપી છે.”

ત્રણે બાળકો ખુશ થઈ મનોજભાઈની કારમાં બેઠા.

“ક્યાં જવાનું છે મનોજકાકા ?” મીના ઉત્સાહથી બોલી.

મનોજભાઈએ કહ્યું, “બાળકો, મારો વિશ્વાસ રાખો. હું જ્યાં તમને લઈ જઈ રહ્યો છું ત્યાં તમને ઉત્સવનો સો ટકા આનંદ આવશે તેની ખાતરી આપું છું.”

આખરે મનોજભાઈની કાર એક વસ્તી પાસે રોકાઈ. મનોજભાઈએ કારમાંથી ઊતરીને પાછળની ડેકી ખોલી. બાળકો પણ કારમાંથી નીચે ઊતરી આવ્યા. તેમણે જોયું તો કારની ડેકીમાં વિવિધ પ્રકારનો જીવન જરૂરિયાતનો સામાન હતો.”

મનોજભાઈએ કહ્યું, “બાળકો, આપણે આ બધી ચીજવસ્તુઓ અહીં વસ્તીમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં વહેંચવાની છે.”

આ સાંભળી સહુ બાળકો ખૂબ ખુશ થયા. હવે મનોજભાઈએ બધા બાળકોને પહેરવા માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝ આપ્યા. બાળકો પૂર્ણ રીતે સુરક્ષિત છે તેની ખાતરી થતા, તેઓ તેમને લઈને વસ્તીમાં ગયા. અહીં તેઓએ ગરીબોમાં ચીજવસ્તુઓ વહેંચી. જયારે ગરીબોમાં તેઓ ચીજવસ્તુઓ વહેંચી રહ્યા હતા ત્યારે તેમના ચહેરા પર છવાયેલી પ્રસન્નતા જોઈ બધા બાળકોના મન પ્રફુલ્લિત થઈ ગયા. આખરે બધી વસ્તુઓ વહેંચી મનોજભાઈ બધા બાળકોને લઈને પાછા કાર પાસે આવ્યા. અહીં તેમણે કારની ડેકીમાંથી સેનેટાઈઝર કાઢી બધા બાળકો પર છાંટ્યું.

સેનેટાઈઝર શરીર પર પડતા બાળકો ગેલમાં આવી ગયા.

મનોજભાઈએ મજાક કરતા કહ્યું, “હેપ્પી હોલી.”

બધા બાળકો આનંદથી હસતા હસતા કારમાં પાછા જઈને બેઠા. ઘરે પાછા ફરતી વેળાએ પણ મનોજભાઈએ તેમનો સેવાયજ્ઞ ચાલુ જ રાખ્યો હતો. માર્ગમાં આવતા પોલીસમેન અને ટ્રાફિકમેનને તેઓ ઠંડા પાણીની બોટલ અને છાશ આપતા જતા હતા. આ જોઈ બાળકોને ખૂબ મજા આવી.

રસ્તામાં મનોજભાઈએ પૂછ્યું, “બાળકો તમને મજા તો આવી રહી છે ને ?”

સહુ બાળકો આનંદથી બોલ્યા, “કાકા, અમને ખૂબ જ મજા આવી રહી છે.”

મનોજભાઈએ કાર ચલાવતા કહ્યું, “ઘરે જઈશું ત્યારે હજુ તમારા માટે એક સરપ્રાઈઝ છે.”

સહુ બાળકોના ચહેરા પર કુતુહલતા છવાઈ ગઈ. તેઓ જાણે એકબીજાને પૂછી રહ્યા કે, “આખરે મનોજભાઈ તેઓને શું સરપ્રાઈઝ આપશે ?”

આખરે તેમની સોસાયટીમાં મનોજભાઈની કાર પ્રવેશી.

કારમાંથી ઉતરીને મનોજભાઈએ એક પેકેટ કાઢ્યું.

“આ શું છે કાકા ?”

“ફટાકડા. આજે આપણે સહુ મળીને ફટાકડા ફોડીશું.”

બધા બાળકો ગેલમાં આવી ગયા. તેમણે મનોજભાઈના હાથમાંથી ફટાકડાનું બોક્સ લીધું અને ફટાકડા ફોડવા દોડી ગયા. બાળકો તારામંડલ પ્રગટાવી આનંદથી ઝૂમવા લાગ્યા. રાજુએ કોઠી પ્રગટાવી એ જોઈ મીના ખુશીથી ઉછળી પડી.

બધા ફટાકડા ફોડી લીધા બાદ બાળકો મનોજભાઈ પાસે આવી બોલ્યા, “કાકા, આજે તો ખૂબ મજા આવી.”

“હા કાકા, દિવાળી ન ઉજ્વ્યાનો જે રંજ મનમાં હતો તે પણ દૂર થઈ ગયો.”

મનોજભાઈએ કહ્યું, “બાળકો, માહોલ ગમે તેઓ પ્રતિકુળ કેમ ન હોય, તેને સાનુકુળ બનાવી ઉત્સવમાં ફેરવતા આપણને આવડવું જોઈએ. કોઈપણ પરિસ્થિતિમાં ખુશ રહેવું એ પણ એક કળા છે. તમે જોયું કે આપણે ઉસ્તવ ગમે ત્યારે મનાવી શકીએ છીએ. આપણે સહુ સાથે હોઈશું તો દરેક દિવસ ઉત્સવ જ હશે. કોરોનાના આ કપરા કાળમાં જરૂરિયાત છે ટકી રહેવાની. તમારા માતાપિતાને તમારી ચિંતા છે એટલે તેઓ તમને રોકટોક કરે છે. આનો મતલબ એ નથી કે તેઓ નિષ્ઠુર છે. બાળકો સ્કૂલોમાં જે પડ્યું છે તે વેકેશન નથી પરંતુ તમે વાયરસથી સંક્રમિત ન થાઓ એ માટે લીધેલું સુરક્ષિત પગલું છે. તમારે બસ ઘરમાં રહીને કોરોનાનો આ કપરો કાળ પસાર કરવાનો છે. આપણે સહુએ સમજદારીથી અને હળીમળીને કોરોનાના શત્રુને હરાવવાનો છે.”

બધા બાળકો એકસાથે બોલ્યા, “અમે સમજી ગયા કાકા. અમે આજ પછી બહાર નીકળવાની જિદ નહીં કરીએ અને ઘરમાં રહીને કોરોનાના વાયરસને હરાવીશું.”

મનોજભાઈ બોલ્યા, “હા, નાનામોટા ઉત્સવો નહીં ઉજવ્યા તેનો વસવસો રાખવાનો કોઈ અર્થ નથી કારણ ભવિષ્યમાં આપણે સહુએ સાથે મળીને એક મોટો ઉત્સવ ઉજવવાનો છે.”

“કયો ઉત્સવ કાકા.”

મનોજભાઈ હસીને બોલ્યા “કોરોનાની હારનો અને આપણી જીતનો ઉત્સવ.”


Rate this content
Log in